મહેતા, ઉદયપ્રભાબહેન (જ. 26 જૂન 1914, અમદાવાદ; અ. 15 એપ્રિલ 1986, અમદાવાદ) : સ્ત્રીજાગૃતિનાં જ્યોતિર્ધર, જ્યોતિસંઘનાં અગ્રગણ્ય કાર્યકર અને સમાજસેવિકા. અમદાવાદની માંડવીની પોળમાં એક ચુસ્ત વૈષ્ણવ કુટુંબમાં જન્મ. પાંચ ભાઈઓ અને બે બહેનોમાં તે સૌથી નાનાં. માત્ર ચાર વર્ષની વયે પિતાનું અવસાન. માતાની કાળજી અને વહાલે તેમને સામાજિક જીવનમાં વિકસવાની સુવિધા કરી આપી.

માંડવીની પોળમાં દેવની શેરીને નાકે આવેલી મ્યુનિસિપલ પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધું. ત્યાર બાદ માધ્યમિક શિક્ષણ વનિતા વિશ્રામમાંથી લીધું. મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી એસ.એલ.યુ. આર્ટ્સ કૉલેજમાંથી 1934માં ગૅજ્યુએટ થયાં.

ભણતર પૂરું થયા બાદ એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી લીધી પણ તેમાં તેમને મજા ન આવી. 1932ની આસપાસ અમદાવાદમાં જ્યોતિસંઘની સ્થાપના થયેલી. 1935ના પ્રારંભમાં તે ખંડ સમય માટે ત્યાં કામે રહ્યાં. પાછળથી તેનાં પ્રમુખ પણ થયેલાં. આમ સંઘ સાથે તે કાયમ જોડાયેલાં રહેલાં. ત્યાંનું કામ તેમને ખૂબ ગમતું; વાતાવરણ પણ ગમતું. તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવી. તેમની કાર્યશક્તિ સોળે કલાએ ખીલી ઊઠી.

વિશાળ કુટુંબને કારણે સમૂહજીવનના પાઠ તેઓ ઘરમાંથી પામેલાં. ત્યાં ગાંધીજી પ્રેરિત સ્વાતંત્ર્યની લડતનો રંગ લાગ્યો. માત્ર સોળ વર્ષની વયે આ લડતમાં ઝંપલાવ્યું. તેઓ નીડર અને બહાદુર હતાં. ગાંધીજીની પ્રેરણાથી તેમણે આજીવન ખાદી પહેરી અને સાદગી સ્વીકારી. 1930 અને 1942ની લડતમાં ઊલટથી ભાગ લીધો. 1930ની લડતમાં પ્રભાતફેરીમાં જવું, સરઘસો કાઢવાં, પત્રિકાઓ લખવી-વહેંચવી વગેરે પ્રવૃત્તિઓમાં સક્રિય રહેલાં. 1938માં હરિપુરામાં ભરાયેલ કૉંગ્રેસ અધિવેશનમાં જોડાયેલાં. જ્ઞાતિબંધનો તોડીને જૂન, 1938માં શ્રી ભાઈદાસભાઈ મહેતા સાથે લગ્ન કર્યાં. બે દીકરા અને એક દીકરીનાં માતા ઉદયપ્રભાબહેન સ્વતંત્રતા, સમાનતા જેવા મૂળભૂત અધિકારોમાં માનતાં તો સાથે સ્ત્રી ઘરનો પાયો છે એમ પણ માનતાં. 1942માં તેઓ પકડાયાં ત્યારે તેમનો મોટો પુત્ર ખૂબ નાનો હોવાથી પોલીસે તેમને છોડી દીધેલાં. જેલમાં જવાનું ન મળ્યું તેનું તેમને દુ:ખ હતું.

પ્રકૃતિએ શાંત પણ મક્કમ, મજબૂત મનોબળ ધરાવતાં ઉદયપ્રભાબહેન ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે’  એ સૂત્રમાં માનનારાં હતાં. ગાંધીજીની પ્રેરણાથી ભારતની આઝાદીની ચળવળમાં તેમણે ઝંપલાવ્યું અને એ રીતે રૂઢિચુસ્ત સમાજમાં જાગ્રત નારી કેવી હોય તેનો પરચો તેમણે કરાવ્યો. તેઓ રોજ મંદિરે ન જતાં, પણ ઈશ્વરમાં માનતાં, ભગવાન માટે કલાત્મક માળાઓ બનાવતાં ને તે દ્વારા તેમની કલાસૂઝ પણ વ્યક્ત કરતાં.

તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલાં હતાં અને એ નિમિત્તે તેમણે આજીવન સમાજસેવાનું કાર્ય કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબૉર્ડમાં 1946થી સ્ત્રીઓનાં પ્રતિનિધિ તરીકે જોડાયાં. 1954માં ચૅરમૅન થયાં. 1956ની મહાગુજરાતની લડત વખતે રાજીનામું આપ્યું. 1956માં અખિલ હિંદ મહિલા પરિષદ, એલિસબ્રિજ શાખાનાં ઉપપ્રમુખ તરીકે જોડાયાં ને પછી પ્રમુખપદે પણ રહેલાં. 1966થી 1969 સુધી અપના બજારના પ્રથમ ડિરેક્ટર તરીકે અને 1977ના ઑગસ્ટથી થોડો સમય માણેકચોક કૉ-ઓ. બૅન્ક લિ.માં ડિરેક્ટર તરીકે રહેલાં. આ ઉપરાંત તેઓ ગુજરાત સ્ટેટ હાઉસિંગ બોર્ડ, વેસ્ટર્ન રેલવે કેટરિંગ કમિટી, સિટીઝન કાઉન્સિલ, ગુજરાત રાજ્ય ફૂડ કાઉન્સિલ, અમદાવાદ શહેર નાગરિક પુરવઠા સલાહકાર સમિતિ વગેરેના સભ્યપદે રહેલાં. 1969માં ગુજરાત સ્ત્રી કેળવણી મંડળમાં પ્રમુખપદે રહેલાં. તેઓ આકાશવાણી, મહીપતરામ રૂપરામ આશ્રમ અને વિકાસગૃહ સાથે પણ ગાઢ રીતે સંકળાયેલાં હતાં. તેમનું જીવન વૈવિધ્યસભર જાહેર પ્રવૃત્તિઓથી–સમાજસેવાની પ્રવૃત્તિઓથી સભર હતું. આમ, ઉદયપ્રભાબહેને એક ગૌરવવંતી અને ક્રાંતિકારી નારી તરીકેની પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી હતી.

શ્રદ્ધા ત્રિવેદી