મહુવા (તાલુકો) : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : તે 21° 00´ ઉ. અ. અને 71° 45´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,221 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તે સમુદ્રસપાટીથી આશરે 128 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેની પશ્ચિમે અમરેલી જિલ્લો (સાવરકુંડલા અને રાજુલા તાલુકા), દક્ષિણે અરબ સાગર (ખંભાતનો અખાત), પૂર્વે તળાજા તાલુકો અને ઉત્તરે પાલિતાણા તાલુકો સીમા રૂપે આવેલા છે.

તળાજાથી પ્રારંભ થતી ડુંગરમાળાના ભાગરૂપ મોરધાર, રબારિકા, રાવણબેલા નામ ધરાવતી ટેકરીઓ આવેલી છે. માલણ અને બગડ અહીંની મુખ્ય નદીઓ છે જે ઋતુપર્યંત છે. માલણ નદીનું ઉદગમ સ્થાન મોરધારના ડુંગરો છે. મહુવા પાસે તેનો પટ વિશાળ બને છે. અંતે તે ખંભાતના અખાતને મળે છે. રબારિકા, ઈગલવાડી, ખૂંટવાડા, નાવડા, ગોરસ અને સાગણિયા ગામો માલણ નદીના હેઠવાસમાં વસ્યાં છે. આ નદીની લંબાઈ આશરે 44 કિમી. છે. ખૂંટવાડા નજીક માલણ નદી પર સિંચાઈ માટેનો બંધ આવેલો છે. બગદાણા નજીક આવેલા 225 મીટર ઊંચા ગેબર ડુંગરમાં બગડ નદીનું મૂળ રહેલું છે. તેના ઉપરવાસમાં કાંઠા પર મોણપર, ટિટોડિયા, જગાધર અને લીલવણ ગામો વસ્યાં છે. તેના પટમાં અગ્નિકૃત કાળમીંઢ બેસાલ્ટ ખડકો આવેલા છે. સમઢિયાળા પાસે બગડ નદી પર નાના બંધનું નિર્માણ થયું છે. આ નદીના ઉપરવાસમાં મોણપર, ટિટોડિયા અને ધરાઈ નજીક અન્ય ઝરણાં આ નદીને મળે છે.

આબોહવા – વનસ્પતિ : અહીં ઉનાળા અને શિયાળાની ઋતુના મે અને જાન્યુઆરી માસમાં મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 39.6° સે. અને 26° સે. તથા 27.6° સે. અને 13° સે. જેટલાં રહે છે. તાલુકામાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ વરસાદ 595 મિમી.થી 640 મિમી. જેટલો પડે છે. તાલુકો દરિયાકાંઠે આવેલો હોવાથી તેની આબોહવા એકંદરે સમધાત રહે છે.

તાલુકાની આશરે 2000 હેક્ટર ભૂમિમાં જંગલો આવેલાં છે. દરિયાકાંઠે મૅન્ગ્રોવ પ્રકારની વનસ્પતિ જેમાં ચેરનાં વૃક્ષો અને તમ્મરિયાનાં વૃક્ષો છે. અહીં બાવળ, ગાંડો બાવળ, ખાખરો, કેતકી, સરુ, ગોરડ, આવળ, નીલગિરિનાં વૃક્ષો રહેલાં છે. સૂકાં મિશ્રિત પાનખર અને કાંટાવાળાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે. આ સિવાય ગરમાળો, અર્જુન, સાદડ, પુનર્નવા, લીમડો વગેરે જેવાં ઔષધોપયોગી વૃક્ષો પણ જોવા મળે છે. સામાજિક વનીકરણ યોજના હેઠળ રસ્તા અને રેલમાર્ગોની નજીક સરગવો, ગરમાળો, અર્જુન જેવાં વૃક્ષોનું મોટા પાયા પર વાવેતર થયું છે. આ તાલુકામાં વરુ, શિયાળ અને લોંકડી જેવાં સામાન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે.

અર્થતંત્ર : તાલુકાની જમીનો મોટે ભાગે સપાટ અને ફળદ્રુપ છે. કાંઠા સિવાયની જમીનો મધ્યમ કાળી છે. આ તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ તાલુકામાં મુખ્યત્વે ડુંગળી, ઘઉં, જીરું, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. જમાદાર તરીકે ઓળખાતી કેરીનું ઉત્પાદન મેળવાય છે. અહીં ચીકુ, પપૈયાં, રામફળ વગેરેની વાડીઓ આવેલી છે. લીલી નાઘેરનો આ કંઠારપ્રદેશ તાલુકાના એક ભાગરૂપ છે.

ડુંગળીના ઉત્પાદનક્ષેત્રે ગુજરાતના હબ તરીકે મહુવા પ્રખ્યાત છે. મહુવામાં ડુંગળીના ઉત્પાદનમાં વિકાસ થયો છે અને સમગ્ર દેશમાં બીજા નંબરે ડુંગળી પૂરી પાડનાર ભાવનગર જિલ્લો છે, જેમાં મહુવાનો મહત્વનો ભાગ છે. ડુંગળીની આવક વધુ હોય છે ત્યારે ડુંગળીને સૂકવવાના (dehydrated) પ્લાન્ટ કાર્યરત કરાય છે. કપાસનાં વિપુલ વાવેતરની સાથે મહુવા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત પરિવારોની યુવા પેઢીએ સ્વબળે જિનિંગ ઉદ્યોગની પ્રગતિ સાધી છે. કપાસ ગાંસડી, કપાસિયા તેલ અને ખોળનું વિપુલ ઉત્પાદન કરી મહુવાના ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા સાથે ધંધારોજગારની તકો વધારી છે. લીલા નાળિયેરના ઉત્પાદનમાં આ તાલુકો મોખરે છે.

ભારતમાં મહત્તમ સફેદ અને લાલ ડુંગળીનું ઉત્પાદન કરતો તાલુકો

આ તાલુકામાં બૉક્સાઇટ, ઇલ્મેનાઇટ રેતી, ઇમારતી પથ્થરો, ચૂનાખડક, બેન્ટોનાઇટ, ચિનાઈ માટી, રેતી, કપચી અને ચિરોડીનું ઉત્પાદન મેળવાય છે. મહત્ત્વના ઉદ્યોગો મહુવા ખાતે આવેલા છે.

ગ્રામીણ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. દરિયાકાંઠાના કેટલાક માછીમારીના વ્યવસાયમાં રોકાયેલા છે. અહીંના દરિયાકાંઠે મીઠાના અગર પણ જોવા મળે છે.

પરિવહન : હવાઈ માર્ગ – અહીંથી સૌથી નજીકનું હવાઈ મથક 93 કિમી. દૂર ભાવનગર શહેરમાં આવેલું છે. સડક માર્ગ – મહુવા દ્વારકાથી સોમનાથ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 51 સાથે જોડાયેલું છે. નજીકનું સૌથી મોટું શહેર ભાવનગર છે, જે અહીંથી માત્ર 93 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. ભાવનગરથી બસ અથવા અન્ય વાહન દ્વારા મહુવા જઈ શકાય છે. રેલમાર્ગ – મહુવા રેલમાર્ગ વડે દેશના અન્ય વિસ્તારો સાથે જોડાયેલ છે. મહુવા તાલુકામાં કુલ 4 રેલવેસ્ટેશન છે તથા રેલવેલાઇનની કુલ લંબાઈ 35 કિમી. (બ્રૉડગેજ) છે. ઘોઘા અને દહેજ વચ્ચે ‘RORO’ ફેરી સેવાનો પ્રારંભ 2017થી શરૂ કરવામાં આવ્યો છે, જે મહુવાથી આશરે 100 કિમી. દૂર છે. કુંડલા-ઢસાને જોડતી તથા બોટાદ-અમદાવાદને જોડતી બ્રૉડગેજ રેલ મારફતે મહુવા સંકળાયેલ છે. તે ભાવનગર અને સૌરાષ્ટ્રનાં વેપારીકેન્દ્રો સાથે જોડાયેલ છે. અહીં કંઠાર ધોરી માર્ગ (costal highway) તેમજ મહુવા-તળાજા અને કુંડલાને જોડતા માર્ગો નિર્માણ પામી રહ્યા છે. મહુવા બંદર કાર્યરત નથી.

વસ્તી : અહીંની વસ્તી (2011 મુજબ) 4,52,011 હતી. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 968 મહિલાઓ હતી. જ્યારે સાક્ષરતાનું પ્રમાણ 68.75% જેટલું નોંધાયું છે. ભાવનગર જિલ્લાનો આ સૌથી મોટો તાલુકો છે. વસ્તીગીચતા 370 દર ચો.કિમી.. અહીં 90% લોકો ગુજરાતી ભાષા બોલે છે. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન અને જૈનધર્મીઓ વસે છે.

જોવાલાયક સ્થળો : આ તાલુકામાં આવેલ ભવાની મંદિર, ભગતજી મહારાજની બેઠક, જૈન તીર્થ મંદિર, ચક્રેશ્વરી, મહાલક્ષ્મી અને વાઘેશ્વરી માતાનાં મંદિરો, ભૂતનાથ અને ખીમનાથનાં શિવ મંદિરો,  ભૂતનાથ મહાદેવ મંદિર, ઊંચા કોટડા (શક્તિપીઠ), મસ્જિદો વગેરે છે. બગડ નદીકાંઠે બગડેશ્વરીનું શિવમંદિર, સમઢિયાળા બંધ આવેલાં છે. બગદાણા ખાતે બાપાસીતારામનું મંદિર વગેરે આવેલું છે.

મહુવાનો દરિયાકિનારો

આ શહેર તેની આજુબાજુનાં ગામો માટે ખરીદ-વેચાણ માટેનું વેપારીમથક છે. અહીંની ‘Agricultural Produce Market Commitee’(APMC)ની સ્થાપના 1858માં થઈ હતી. મહુવાની આજુબાજુનાં ગામડાંમાં લાલ ડુંગળીનું વાવેતર વધુ થતું હોવાથી તે ભારતનું સૌથી મોટું દ્વિતીય ક્રમ ધરાવતું વ્યાપારનું કેન્દ્ર ગણાય છે, જ્યારે મહારાષ્ટ્રમાં આવેલ લસાલગોન(Lasalgaon)નો પ્રથમ ક્રમ છે. દેશમાં સફેદ ડુંગળીના ઉત્પાદનમાં મહુવા પ્રથમ ક્રમે આવે છે. ડુંગળીને સાફ કરવાના 120 મોટા એકમો આવેલા છે અને તે ડુંગળીની વિદેશમાં નિકાસ થાય છે. અહીંના માર્કેટમાં ડુંગળી, મગફળી, કપાસ અને નાળિયેરનો વેપાર સૌથી વધુ થાય છે. આ સિવાય કઠોળ અને ફળોના વ્યાપારનું પણ મુખ્ય મથક છે. અહીં મૅંગલોરી નળિયાં, ટાઇલ્સ, ખેતીનાં ઓજારો, ગરગડીઓ, લોખંડનો સામાન, લાટીઓ, મોનોફિલામેન્ટ, દોરડાં, કાથી, તેલમિલો, જિનપ્રેસ જેવાં ઘણાં કારખાનાં આવેલાં છે. 1972થી અહીં ઔદ્યોગિક વસાહત ઊભી કરવાનો પ્રારંભ થયો હતો. તાલુકાનો ખરીદ-વેચાણ સંઘ ખેડૂતોને ધિરાણ, ખાતર, બિયારણ વગેરે પૂરું પાડે છે.

આ તાલુકાની વસ્તી (2025 મુજબ) આશરે 1,20,685 છે. સાક્ષરતા લગભગ 79.22% જ્યારે સેક્સ રેશિયો આશરે દર 1000 પુરુષોએ 919 મહિલાઓ છે. ગુજરાતના નામી શ્રેષ્ઠીઓમાં સ્થાન પામનાર જાવડશા અને ભાવડશાની આ જન્મભૂમિ છે. મહુવાની નજીક આવેલું તલગાજરડા ગામ પ્રખ્યાત સંત મોરારિબાપુની જન્મભૂમિ છે. આ સિવાય શ્રી જસવંત મહેતા, શ્રી છબીલદાસ મહેતા, ડૉ. કનુભાઈ કળસરીયા, શ્રી બળવંતભાઈ પારેખ, શ્રી હરકિશનભાઈ મહેતા વગેરેની પણ જન્મભૂમિ છે.

આ શહેરની ખુશનુમા આબોહવાને કારણે તે ‘સૌરાષ્ટ્રના કાશ્મીર’ તરીકે પણ ઓળખાય છે. આ શહેરમાં જોવાલાયક સ્થળોમાં રાધેશ્યામ મંદિર, કુબેરનાથ મંદિર, ગાયત્રી મંદિર, ગાંધીબાગ, કુબેરબાગ, ઠાકોરજીની હવેલી, સ્વામિનારાયણ મંદિર, સોમનાથ મહાદેવ મંદિર વગેરે આવેલાં છે.

ભગવાન શ્રીકૃષ્ણએ રુક્મિણીનું હરણ કર્યું તે પૌરાણિક મંદિર અને હાલનું અરબી સમુદ્ર કાંઠે આવેલું ભવાનીમાતાનું મંદિર છે. બાજુમાં જૂનું કુંડલીનપુર ગામના અવશેષો જે હાલમાં કતપર ગામ તરીકે ઓળખાય છે. રુક્મિણીજીના ભાઈ રુકમજી જે શ્રીકૃષ્ણ સાથે સંઘર્ષમાં હારી ગયા હતા તે રૂખડાદાદાનું સ્થાનક આવેલું છે.

જૈન પરંપરા પ્રમાણે વિક્રમ રાજાએ ભાવડશાને મહુવા ઇનામમાં આપ્યુ હતું. ભાવડનો પુત્ર જાવડનો બહોળો વેપાર હતો. અહીંના જૈન વિદ્વાન વીરચંદભાઈએ શિકાગોમાં ભરાયેલા પ્રથમ વિશ્વ ધર્મસભામાં ભાગ લીધો હતો. તેમણે જૈન ધર્મ ઉપર વ્યાખ્યાન આપેલું. મૈત્રક વંશનો અસ્ત થયા પછી વાજા રજપૂતો, ગુજરાતના સુલતાનો અને મુઘલોની અહીં સત્તા રહી હતી. ઔરંગઝેબના અવસાન પછી ખસિયા કોળીઓએ અહીં પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું હતું. ત્યારબાદ ભાવનગર રાજ્યના વખતસિંહજીએ ખસિયાઓને હરાવી 1778માં મહુવા હસ્તગત કર્યું હતું. આ ગામનો કાઠિયાવાડના હાલાર પ્રાંતમાં સમાવેશ કરાયો હતો, જેના ઉપર ઝાલા રાજપૂત રાજાઓનું પ્રભુત્વ હતું. બ્રિટિશરોએ તેનો સમાવેશ જૂનાગઢ રાજ્યમાં કર્યો હતો.

શિવપ્રસાદ રાજગોર

નીતિન કોઠારી