મહેતા, અનંત (જ. 1942 રાધનપુર, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી 1965માં ચિત્રકલાની સ્નાતક પદવી મેળવી. આ પછી તેમણે અમદાવાદમાં શાળાકક્ષાએ કલાશિક્ષણ અને સાથોસાથ ચિત્રકલાની પ્રવૃત્તિ અપનાવી.

અનંતનાં ચિત્રોમાં માનવમનના ચંચળ અને રમતિયાળ ભાવો આલેખાયા છે. ચોપાટ રમતી, ગલૂડિયાં જોડે મસ્તી કરતી, પત્તાં રમતી, સંગીતનાં વાંજિત્રો વગાડતી, ભેગી મળી ટોળટપ્પાં કરતી માનવઆકૃતિઓમાં ચહેરાના હાવભાવ અને શરીર તથા હાથપગનાં અંગવિન્યાસો, ચંચળ મનના ઇરાદાને સ્પષ્ટ કરી શકે છે. અનંતનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયેલાં છે. આ ઉપરાંત 1986માં ભોપાળના ભારત ભવનના અને 1993માં લલિત કલા અકાદમી(દિલ્હી)ના સામૂહિક પ્રદર્શનમાં તેમજ ગુજરાત લલિત કલા અકાદમીએ ચેન્નઈ અને ભુવનેશ્વર ખાતે યોજેલ ગુજરાતના કલાકારોના સામૂહિક પ્રદર્શનમાં તેમનાં ચિત્રોને સ્થાન મળ્યું હતું.

અનંત મહેતાને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીનાં પારિતોષિક (1973, ’79, ’94), બૉમ્બે આર્ટ સોસાયટી પુરસ્કાર (1971, ’94) અને મહાકોશલ (મધ્યપ્રદેશ) તરફથી ઍવૉર્ડ (1981) મળેલા છે.

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી, રૂપાંકર મ્યુઝિયમ ઑવ્ ફાઇન આર્ટ્સ, ભોપાળના ભારત ભવન, એર ઇન્ડિયા, અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી, ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા અમદાવાદના ‘સંસ્કાર કેન્દ્ર’ ખાતે સ્થપાયેલ અમદાવાદની સંસ્કૃતિની ઝાંખી કરાવતા મ્યુનિસિપલ મ્યુઝિયમ ‘કર્ણાવતી અતીતની ઝાંખી’માં અનંતની ચિત્રકૃતિઓ સ્થાન પામી છે. હાલમાં તે શાળા-કક્ષાએ ચિત્રકળાના અધ્યાપનનો વ્યવસાય કરે છે.

અમિતાભ મડિયા