ભટ્ટ, માર્કંડ જશભાઈ

January, 2001

ભટ્ટ, માર્કંડ જશભાઈ (જ. 2 ઑક્ટોબર 1929, વડોદરા) : ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક અને નાટ્ય-શિક્ષક. પ્રાથમિક શિક્ષણ સાવરકુંડલામાં ને બોટાદમાં. ત્યાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો પાડોશ. પ્રથમ સંસ્કાર લોકસાહિત્ય અને લોકકલાના. 10 વર્ષની ઉંમરે પૌરાણિક નાટકમાં ‘ચન્દ્ર’નો પાઠ અને ‘આગગાડી’ નાટકના એક ર્દશ્યમાં ભૈયાનો પાઠ ભજવી રંગભૂમિ-ક્ષેત્રે પદાર્પણ. 1946થી 1949 દરમિયાન સેવાદળમાં જોડાઈ નેતૃત્વની તાલીમ મેળવી. 1952માં જયશ્રી મૉડલ હાઈસ્કૂલ(વડોદરા)માં શિક્ષક તરીકે જોડાયા. પોતે રંગભૂમિનો જીવ હોવાની અનુભૂતિ થતાં મ. સ. યુનિવર્સિટી ખાતે નવા જ શરૂ થયેલા નાટ્યવિભાગમાં પ્રથમ ડિપ્લોમાના અને તે પછી ડિગ્રીના વિદ્યાર્થી તરીકે જોડાયા. જશવંત ઠાકરના દિગ્દર્શનમાં ‘અત્ર લુપ્તા સરસ્વતી’, ‘વિદ્યાવારિધિ ભારવિ’, ‘રણછોડભાઈ’, ‘નંદિની’ વગેરે નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી. ‘નંદિની’ની ભજવણી સમયે ચંદ્રવદન મહેતા સાથે પ્રથમ મુલાકાત થઈ ને રંગભૂમિ સાથે જીવન જોડવાનો મનસૂબો કર્યો. ‘પ્રશ્નાવલી’, ‘પેટાભાડૂત’, ‘અબુ હસન’, ‘આણલદે’, ‘મા’, ‘મુઝફ્ફરશાહ’, ‘ધરા ગુર્જરી’ વગેરે નાટકો રજૂ કર્યાં. વૅકેશનમાં મુંબઈ જઈ અલકાઝીના ‘થિયેટર યુનિટ’માં જોડાઈ વધુ તાલીમ મેળવી. નડિયાદ ખાતે 1955માં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ‘ધરા ગુર્જરી’ ભજવાયું. ‘ગુર્જર’ની અવિસ્મરણીય ભૂમિકાથી તેમણે સૌ સાહિત્યકારોનું ધ્યાન ખેચ્યું. 1956માં નાટ્યવિદ્યા વિષય સાથે સ્નાતક થયા અને  આઇ.એન.ટી.માં જોડાયા. એ જ વર્ષે મુંબઈ ખાતે યોજાયેલી નાટ્યસ્પર્ધામાં ‘શ્રદ્ધા ફળી’ નાટકમાંની ભૂમિકા બદલ શ્રેષ્ઠ અભિનેતાનું પારિતોષિક મેળવ્યું. 11 મે 1956ના રોજ રાજકોટ ખાતે ‘સૌરાષ્ટ્ર સંગીત નાટ્ય અકાદમી’માં નાટ્યકળાના પ્રોફેસર અને તે વિભાગના વડા તરીકે જોડાયા અને નાટ્યશિક્ષણનો ઉમદા વ્યવસાય અપનાવ્યો. અહીં ‘અત્ર લુપ્તા સરસ્વતી’,

માર્કંડ જશભાઈ ભટ્ટ

‘હોહોલિકા’, ‘ભગવદજ્જુકીયમ્’, ‘શેતલને કાંઠે’ જેવાં યશસ્વી નાટકો ભજવ્યાં. 1957માં મુંબઈ ખાતે યોજાયેલ ચતુર્થ મુંબઈ રાજ્ય નાટ્ય-સ્પર્ધામાં ‘શેતલને કાંઠે’ નાટક રજૂ થયું અને સાથે શ્રેષ્ઠ નટ અને શ્રેષ્ઠ દિગ્દર્શકનું પ્રથમ પારિતોષિક જુદાં જુદાં 5 પ્રથમ પારિતોષિક મેળવ્યાં. 1958માં નાટ્યવિભાગ, મ. સ. યુનિવર્સિટી ખાતે પોતાની માતૃસંસ્થામાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. ઑગસ્ટ 1960માં સમાન વિચારસરણી ધરાવતા મિત્રોના સહકાર થકી વડોદરાની વિરલ અને ગુજરાતની પ્રતિષ્ઠિત કલાસંસ્થા ‘ત્રિવેણી’ની સ્થાપના કરી તેના નેજા હેઠળ ‘વસુંધરાનાં વહાલાં દવલાં’, ‘શેતલને કાંઠે’, ‘ધરા ગુર્જરી’, ‘ફિંગરપ્રિન્ટ’, ‘જનની જન્મભૂમિ’, ‘ગગને મેઘ છવાયો’, ‘આવી નહોતી જાણી’, ‘મુક્તધારા’ અને ‘કાંચનજંઘા’, ‘પરિત્રાણ’, ‘સુમનલાલ ટી. દવે’ જેવાં યાદગાર નાટકો ગુજરાતનાં તથા દેશનાં મુખ્ય નગરોમાં ભજવ્યાં.

1962–63માં ફૉર્ડ ફાઉન્ડેશનના ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ ઇન્ટરનૅશનલ એજ્યુકેશન, ન્યૂયૉર્કના આમંત્રણથી અમેરિકાનો ત્યાંના થિયેટરના સર્વાંગી અભ્યાસ માટે પ્રવાસ કર્યો. ભારત પાછા ફરતાં કૅનેડા, પૅરિસ, લંડન, બર્લિન, ઍથેન્સ તથા રોમની મુલાકાત લીધી અને ત્યાંની રંગભૂમિનો અભ્યાસ કર્યો. 1965માં કમ્પાલા (ઈસ્ટ આફ્રિકા) ખાતે  ગુજરાતી તથા હિન્દી નાટકોની સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવા આપી. 1967થી 1972 સુધી ગુજરાત રાજ્ય નાટ્યસંઘના પ્રમુખ રહ્યા. 1967–68ના વર્ષ માટે ભારતીય નાટ્યસંઘના ઉપપ્રમુખ રહ્યા. 1967માં ગુજરાત રાજ્ય ત્રિઅંકી નાટ્યસ્પર્ધામાં એમને શ્રેષ્ઠ દિગ્દર્શક તથા શ્રેષ્ઠ નટનું પ્રથમ પારિતોષિક મળ્યું.

માર્ચ 1969માં મ. સ. યુનિવર્સિટી નાટ્યવિભાગના અધ્યક્ષ બન્યા (1969–89). નાટ્યવિભાગને સમર્થ નેતૃત્વ પૂરું પાડ્યું અને સૅટરડે થિયેટરની પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ તૈયાર કરેલાં ત્રિઅંકી નાટકોના જાહેર પ્રયોગો ગોઠવી નાટ્યવિભાગને નવી દિશા આપી. 1974–1980 દરમિયાન સંગીત, નૃત્ય, નાટ્ય વિદ્યાલયના આચાર્ય બન્યા અને સમર્થ નેતૃત્વશક્તિ વડે કૉલેજને નવી દિશા ચીંધી ફૅકલ્ટીનો દરજ્જો અપાવ્યો. 1984માં તેના ડીન બન્યા અને 1989માં તે પદેથી નિવૃત્ત થયા. 1983થી 1991 દરમિયાન અમેરિકાનો પ્રવાસ ખેડી વિવિધ શૈલીનાં નાટકો રજૂ કર્યાં.

1973માં ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર, 1979માં વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સન્માન, 1982માં ઑલ ઇન્ડિયા આર્ટિસ્ટ ઍસોસિયેશન દ્વારા એવૉર્ડ, 1987માં હ્યુસ્ટન-અમેરિકા ખાતે ઇન્ડિયા કલ્ચરલ ઍસોસિયેશન તથા ગુજરાતી સમાજ દ્વારા સન્માન પામ્યા.

1972માં યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ દ્વારા ‘નાટ્યનિર્માણ’ પુસ્તકનું પ્રકાશન. 1992માં સ્વાયત્ત બનેલી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના પ્રથમ અધ્યક્ષ બન્યા અને બહુવિધ પ્રવૃત્તિઓ થકી અકાદમીની ક્ષિતિજો વિસ્તારી. 1995માં તેના પેટા સમિતિના કન્વીનર બન્યા અને નાટક દ્વારા નાટ્યતાલીમ, યુવા પ્રતિભાશાળી દિગ્દર્શક વગેરે નવી યોજનાઓ શરૂ કરી.

મહેશ ચંપકલાલ શાહ