બોરીસાગર, રતિલાલ મોહનલાલ

January, 2001

બોરીસાગર, રતિલાલ મોહનલાલ (જ. 31 ઑગસ્ટ 1938, સાવરકુંડલા, જિ. અમરેલી) : ગુજરાતી હાસ્યલેખક તથા નિબંધકાર. પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ પણ સાવરકુંડલામાં લીધું. 1956ની સાલમાં તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા પસાર કરી, 1963માં બી.એ.ની અને 1967માં એમ.એ.ની પરીક્ષા પસાર કરી. એ પછી તેમણે શિક્ષકનો વ્યવસાય કરવા માટે બી.એડ.ની પરીક્ષા પણ પસાર કરી. શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે 3 વર્ષ સેવા આપ્યા પછી તેઓ માધ્યમિક શિક્ષક બન્યા. સાડાઆઠ વર્ષ તેમણે માધ્યમિક શિક્ષક તરીકે વ્યવસાય કર્યો. એ પછી 1971માં સાવરકુંડલાની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમની પસંદગી થઈ. 1989માં તેમણે ‘સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન’ એ વિશે મહાનિબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી.

રતિલાલ મોહનલાલ બોરીસાગર

1974માં ગુજરાતીના અધ્યાપક તરીકેનો વ્યવસાય છોડીને તેઓ ઍકેડેમિક સેક્રેટરી તરીકે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં જોડાયા અને ગાંધીનગરમાં તેમની એ પ્રવૃત્તિ લગભગ એકવીસ વર્ષ સુધી ચાલી. નિવૃત્ત થતાં પહેલાં તેમણે શૈક્ષણિક નાયબ નિયામક તરીકે પણ પાઠ્યપુસ્તક મંડળમાં કામગીરી બજાવી.

તેમણે સાહિત્યિક કારકિર્દીનો આરંભ ટૂંકી વાર્તાના લેખનથી કર્યો, પણ તુરત તેમની નૈસર્ગિક વિનોદવૃત્તિ તેમને હાસ્યના ક્ષેત્રમાં ખેંચી ગઈ અને એમાં તેમણે અનોખી સફળતા પ્રાપ્ત કરી.

તેમનો પ્રથમ હાસ્યસંગ્રહ ‘મરક મરક’ 1977માં પ્રગટ થયો અને હાસ્યક્ષેત્રે તેમનું નામ પહેલા જ સંગ્રહથી પ્રતિષ્ઠિત થયું. તેમનો બીજો સંગ્રહ ‘આનંદલોક’ 1983માં પ્રકાશિત થયો. આ બંને સંગ્રહોમાં એક સ્વસ્થ, શિષ્ટ હાસ્યકાર તરીકે તેમનો પરિચય થાય છે. તેમના હાસ્યમાં ક્યાંય આયાસ વરતાતો નથી. તેમનું હાસ્ય સ્વભોગે નિષ્પન્ન થતું હોવાથી તે વધુ કલાત્મક બન્યું છે. ક્યાંય વ્યક્તિગત વ્યંગ નહિ, પ્રબળ કટાક્ષપ્રહાર નહિ, પણ સહુ કોઈને મરક મરક હસાવ્યા કરે એવું કટુતા વિનાનું સ્વચ્છ હાસ્ય તેમના લેખોમાં જોવા મળે છે. આ બે પુસ્તકોએ તેમને આધુનિક હાસ્યકારોની પંગતમાં મૂકી આપ્યા. બે નિબંધસંગ્રહો પછી તેમણે હાસ્યનવલકથાના પ્રયોગ રૂપે ‘સંભવામિ યુગે યુગે’ નવલકથા 1994માં આપી. રમણભાઈ નીલકંઠના સુપ્રસિદ્ધ ‘ભદ્રંભદ્ર’નો આજના યુગમાં પુનર્જન્મ કરાવીને તેમણે નર્મદાયોજનાની ભદ્રંભદ્રના પાત્ર દ્વારા હાસ્યમય આલોચના કરી છે. એમની કુશળતા ભદ્રંભદ્રના પાત્રને આબેહૂબ સર્જવામાં રહી છે. અહીં પણ એમના કટાક્ષ હળવા છે. ક્યાંય દંશ નથી. ગુજરાતીમાં હાસ્યરસની જે થોડીક નવલકથાઓ છે તેમાં ‘સંભવામિ યુગે યુગે’ અનોખી ભાત પાડે છે.

તેમની હાસ્યકલાનું ઉત્તમ શિખર 1997માં પ્રકાશિત થયેલી તેમની આત્મકથનાત્મક હાસ્યરસિક નવલકથા ‘એન્જૉયગ્રાફી’ છે. એમાં તેમણે હૃદયની બીમારીનો સ્વાનુભવ એવી હળવાશથી આલેખ્યો છે કે ‘ઍન્જીયોગ્રાફી’નું એન્જૉયગ્રાફીમાં સહજ ને સરસ રીતે થયેલું પરિવર્તન માણી શકાય છે. અહીં ઘટનાઓનું એ રીતે થયેલું આલેખન અને ડૉક્ટરના વર્ગ પર, હૉસ્પિટલના વ્યવસ્થાતંત્ર પર તેમના માર્મિક મઝાના કટાક્ષ સતત ચાલતા જ રહે છે. આમ અહીં સૉક્રેટિક હાસ્ય છે. પોતે ગમાર, અણપઢ હોય એવો ભ્રમ ઊભો કરીને તેઓ આસપાસનાંની મીઠી મજાક કરતા રહે છે.

તેમને ‘મરક મરક’ માટે જ્યોતીન્દ્ર દવે પારિતોષિક અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી દ્વિતીય પારિતોષિક મળ્યાં છે. ‘આનંદલોક’ને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે. ‘એન્જૉયગ્રાફી’ને ઘનશ્યામ શરાફ તરફથી તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક પ્રાપ્ત થયાં છે.

તેમનું બાળકો પ્રત્યેના વાત્સલ્યનો સંકેત આપે તેવું પુસ્તક ‘બાલવંદના’ (1994) છે. એમાં તેમણે દેશવિદેશના લેખકોનાં બાળકો વિશેનાં અવતરણો પસંદ કરીને તેનું વિવરણ એક કુશળ શિક્ષકની કળાથી કર્યું છે.

પ્રસંગોપાત્ત તેમણે નાટ્યાદિ લેખન, સ્વાધ્યાયપૂત વિવેચન અને સંપાદનકાર્ય પણ કર્યું છે.

નિવૃત્તિ બાદ અમદાવાદના ‘સંદેશ’ વર્તમાનપત્રમાં કટારલેખન કરી રહ્યા છે.

મધુસૂદન પારેખ