નાકર (કવનકાળ . . 1516–1568) : સોળમી સદીનો પ્રમુખ આખ્યાનકવિ. વડોદરાનો વતની અને જ્ઞાતિએ દશાવાળ વણિક. આખ્યાનો રચીને વડોદરાના નાગર-બ્રાહ્મણ મદનને કે એના પુત્ર(સંભવત: ન્હાન)ને પુણ્ય વિસ્તારવા માટે લોકોને ગાઈ સંભળાવવા આપી દેતો હતો. એની કૃતિઓમાંથી એનું નિ:સ્પૃહી અને નમ્ર વ્યક્તિત્વ ઊપસી આવે છે. આખ્યાન-કવિતા એનું ઐતિહાસિક પ્રદાન છે. ભાલણ અને પ્રેમાનંદ વચ્ચે આ બાબતે એ કડીરૂપ કવિ છે. કડવાંમાં એણે ઊથલો/વલણ ઉમેરીને કડવાંને પૂર્ણરૂપ આપ્યું છે. ગુજરાતીમાં મહાભારતનાં નવ પર્વો એણે પ્રથમ વાર ઉતાર્યાં તેમજ જૈમિનિના અશ્વમેધમાંથી કથાનકો લઈને સુધન્વા, ચંદ્રહાસ, વીરવર્મા, મોરધ્વજ જેવા વિષયો પર પણ પ્રથમ વાર આખ્યાનો રચ્યાં. આ આખ્યાનોનો હેતુ ભક્તિમહિમાનું ગાન કરવાનો છે. એમાં યુદ્વનાં વર્ણનો આવે છે. રસિક રીતે વહેતો કથાપ્રવાહ છે અને ‘ચંદ્રહાસ આખ્યાન’ જેવામાં તો ‘વિષ’ નું ‘વિષયા’ કરતી ચંદ્રહાસ પાસે જતી વિષયાનું પ્રેમાનંદને પ્રેરક બનેલું સુંદર ચિત્રણ પણ છે. આ ઉપરાંત નાકરે લખેલું ‘નળાખ્યાન’ ભાલણ-પ્રેમાનંદ વચ્ચે નળ-દમયંતીના કથાનકને આકર્ષક રીતે રજૂ કરતું કડીરૂપ આખ્યાન છે. એમાં દમયંતીના અમૃતસ્રાવિયા કર અને હાર-ચોરીના આળનો પ્રસંગ (એક પ્રતમાં છે) નાકરમાં પહેલી વાર નિરૂપાયો છે અને પ્રેમાનંદે એનો લાભ લીધો છે. એનાં ‘અભિમન્યુ આખ્યાન’ તેમજ ‘ઓખાહરણ’માં અનુક્રમે સુભદ્રાના માતૃહૃદયનો અને ઓખાના અલૂણાવ્રતનો તેમજ ઓખાને જોઈ કામવ્યાકુળ થતા શિવનો પ્રસંગ વિશિષ્ટ છે.

કવિ નાકરકૃત ‘રામાયણ’ના યુદ્ધકાંડના પ્રારંભના પાઠની પ્રતિકૃતિ

સગાળશા તથા કર્ણ વિશેનાં આખ્યાનોમાં અન્નદાન અને દાનેશરીપણાનો મહિમા એણે ગાયો છે. એને નામે ચડેલાં ‘ધ્રુવાખ્યાન’ અને ‘શિવવિવાહ’ એનાં રચેલાં લાગતાં નથી. 31 કડીનો ‘સોગઠાનો ગરબો’ એની સુંદર કલાત્મક રચના છે એમાં ચોપાટ ખેલતાં રાધાકૃષ્ણ વચ્ચેનો સુંદર સંવાદ એ રમતની વિશિષ્ટ પરિભાષામાં મનોહર રીતે વ્યક્ત થયો છે. ‘વ્યાધ-મૃગલી-સંવાદ’ શિવરાત્રિનો મહિમા ગાય છે અને એની ઓવી જેવા લયમાં રચાયેલી ‘કૃષ્ણવિષ્ટિ’ અને ભાવમાધુર્યને પ્રગટ કરતી ‘ભ્રમરગીતા’ બીજી ધ્યાનાર્હ રચનાઓ છે.

મહાભારતનાં પર્વોમાં એ ક્યાંક પેટાપર્વો છોડી દે છે, કેટલાક પ્રસંગોના સાર આપે છે. કથાક્રમમાં પણ ફેરફાર કરે છે અને ક્યાંક ઉમેરણો પણ કરે છે. ‘આરણ્યક પર્વ’ અને ‘વિરાટ પર્વ’ એની પીઢ અને કવિત્વયુક્ત રચનાઓ છે. આ બધાં પર્વો કડવાંબદ્ધ છે. એમાં કેટલાંક પાત્રોનું સુંદર ચરિત્રચિત્રણ છે, વર્ણનોની સમૃદ્ધિ છે અને વિનોદવૃત્તિનો પણ સરસ વિનિયોગ થયેલો છે. ‘સૌપ્તિક પર્વ’માંનું દુર્યોધનનું ચિત્ર, પાંડુપુત્રોના સંહારની જાણ થતાં, એના ઉદાત્ત મનોભાવને કારણે સ્પર્શી જાય છે. નાકરનું ‘રામાયણ’ 6 કાંડ અને 125 જેટલાં કડવાંમાં વિસ્તરેલું છે. હજી એ અપ્રગટ છે. એમાં પણ કવિએ કેટલાક સરસ ફેરફારો કરી એના કવિત્વનો મનોરમ પરિચય આપ્યો છે. કુંભકર્ણ અને ખાસ તો રાવણના પાત્રની ઉદાત્ત રેખાઓ, લક્ષ્મણમૂર્છા સમયે રામવિલાપનું નિરૂપણ, ક્રિષ્કિન્ધાકાંડનાં રમણીય વર્ણનો વગેરેમાં એનો શક્તિવિશેષ પ્રગટ થાય છે. પ્રેમાનંદને કાચા માલ સાથે કેટલાક સુંદર ભાવપ્રસંગોની સૂક્ષ્મરેખાઓ એણે પૂરી પાડી છે.

ચિમનલાલ ત્રિવેદી