નાક-છીંકણી : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી કુળની બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Centipeda minima (Linn.) A. Br. & Aschers. Syn. C. Orbicularis Lour (સં. છિક્કા, ચિક્કણી; હિં નાક-ચિકની : મ. નાક શિંકણી, ભૂતાકેશી; બં. મેચિત્તા; અં. સ્નીઝવર્ટ) છે. તે ભારત અને શ્રીલંકાનાં સપાટ મેદાનોમાં અને નીચી ટેકરીઓ પર ભેજવાળાં સ્થાનોએ નદીકિનારાનાં ભાઠાંમાં ઑક્ટોબર પછી ઊગે છે. નર્મદા નદીના કિનારે તે વિશેષ પ્રમાણમાં થાય છે.

તે જમીન પર પથરાતું અતિ-અલ્પ રોમિલ કે અરોમિલ (glabrous) અપતૃણ (weed) છે. તેનાં પર્ણો અત્યંત નાનાં, પ્રતિઅંડ-લંબચોરસ (obovate-oblong) અને જાડા દાંતવાળાં હોય છે. પુષ્પો નાનાં, પીળા રંગનાં, એકાકી, કક્ષીય અસ્પષ્ટ મુંડક (head) સ્વરૂપે થાય છે. ફળ ચર્મફળ (achene) પ્રકારનું અને લંબચોરસ હોય છે.

નાક-છીંકણી 9, 10  ડાઇ – આઇસોબ્યૂટીરાઇલૉકિસ – 8  હાઇડ્રૉક્સિ થાયમોલ, 9 – આઇસોબ્યૂટીરાઇલૉક્સિ – 10 [2 મિથાઇલ બ્યૂટીરાઇલૉક્સિ] – 8 – હાઇડ્રૉક્સિથાયમોલ, ફ્લોરીલેનાલિન આઇસોબ્યૂટીરેટ, ફ્લોરીલેનાલિન આઇસોવેલેરેટ, ફલોરીલેનાલિન એન્જેલેટ, 10-આઇસોબ્યૂટીરાઇલૉક્સિ – 8, 9 – એપૉક્સિથાયમોલ આઇસોબ્યૂટીરેટ, લ્યૂપીઑલ અને તેના ઍસિટેટ, આર્નિડિઑલ, ટેરેક્સેસ્ટેરૉલ, તેના ઍસિટેટ અને પામિટેટ, સ્ટિગ્મેસ્ટેરૉલ, b – સિટોસ્ટેરૉલ, બ્રેવિલિન, હેલેનાલિન, ઓરેન્ટિએમાઇડ ઍસિટેટ, સેન્ટિપીડિક ઍસિડ, 5, 3´ – ડાઇહાઇડ્રૉક્સિ – 3, 6, 7, 4´, 5´ – પેન્ટામિથૉક્સિ ફલેવોન, 5-હાઇડ્રૉક્સિ – 3, 6, 7, 3´, 4´, 5´ – હેક્ઝામિથૉક્સિ ફ્લેવોન, હેક્ઝાકોસેનૉલ, આર્નિકોલાઇડ C, 6-O- સેનિસિયોઇલ પ્લેનોલિન, ક્વિર્સેટિન-3, 3´ – ડાઇમિથાઇલ ઈથર, ક્વિર્સેટિન – 3 – મિથાઇલ ઈથર અને એપિજેનિન ધરાવે છે. છેલ્લાં પાંચ સંયોજનો પરોક્ષ ત્વચીય તીવ્રગાહિતા (anaphylaxis) – પરીક્ષણોમાં તીવ્ર પ્રતિગ્રાહિતારોધી (anti-allergic) સક્રિયતા દર્શાવે છે. આ છોડની ક્લૉરોફૉર્મ-નિષ્કર્ષમાં ઓળખાયેલાં બાષ્પશીલ સંયોજનો આ પ્રમાણે છે : હેપ્ટેન – 2 – ઑલ, હેપ્ટા – 2, 4 – ડાયેન – 1 – ઑલ, આઇસોબ્યૂટિરિક ઍસિડ, બૅન્ઝાઇલ આલ્કોહૉલ, સીસ ક્રિસેન્થેનૉલ અને તેનો ઍસિટેટ, મિથાઇલ લિનોલિયેટ, b – ગુર્જુનીન, મિથાઇલ અને ઇથાઇલ પામિટેટ, ડેકા – 2, 4 – ડાયેન – 1 – ઑલ, ફાઇટૉલ, કેરિયોફાઇલેન – 2, 6 –  b – ઑક્સાઇડ અને ડાઇહાઇડ્રોઍક્ટિનિડિયોલાઇડ.

દક્ષિણ-પૂર્વ એશિયામાં છોડનો નાસાશોથ (rhinitis), વાયુવિવરશોથ (sinusitis), નાસાગ્રસની અર્બુદ (nasopharyngeal tumor), દમ અને શરદી માટેની ચિકિત્સામાં ઉપયોગ થાય છે. તેનો આસવ નેત્રરોગમાં અસરકારક હોય છે. આ છોડ જંતુનાશક ગુણધર્મ ધરાવે છે. તેનો ઉપયોગ વાઈ (epilepsy) અને જલસંગ્રહ (hydrocele)માં થાય છે. પર્ણો કફોત્સારક (expectorant), વામક (emetic) અને વાતાનુલોમક (carminative) હોય છે.

ઔષધની યુનાની પ્રણાલીમાં તેનો કટિવેદના (lumbago), લકવો, સાંધાનો દુખાવો, સફેદ દાગ (leucoderma) અને ખસ (scabies)ની ચિકિત્સામાં ઉપયોગ થાય છે. પર્ણો અને બીજનું ચૂર્ણ નાકમાં નાખવાથી ખૂબ છીંકો આવે છે. તેથી તેને ‘નાક-છીંકણી’ કહે છે. તેની છીંકણીનો નાકમાં થતા રક્તાધિક્ય (congestion)થી આરામ મેળવવા ઉપયોગ કરવામાં આવે છે. બીજ કૃમિનાશક (vermifuge) તરીકે ખૂબ જાણીતાં છે.

આયુર્વેદ અનુસાર, નાક-છીંકણી તીખી, રોચક, તીક્ષ્ણ પિત્તલ, અગ્નિદીપક, લઘુ, તૂરી, ઉગ્રગંધા અને ઉષ્ણ હોય છે. તે જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર અને પિત્તકારક છે અને ત્વગ્દોષ, શ્વેતકુષ્ઠ, વાતરક્ત, કૃમિ, વાત અને કફને હરનાર છે. તે વિશેષ છીંકો લાવનાર છે અને શ્વાસ, કાસ અને રક્તપિત્તને હરે છે.

શિરોવિરેચનમાં નાક-છીંકણી અન્ય ઔષધો સાથે વપરાય છે. સળેખમ, શિર:શૂળ અને માથાની શરદીમાં નસ્ય તરીકે તે ઉપયોગી છે. તેનો આધાશીશીમાં પણ ઉપયોગ થાય છે.

પિચોટી ખસી ગઈ હોય તો 1 ગ્રા. ચૂર્ણ ગોળમાં મેળવીને થોડા દિવસ સવાર-સાંજ આપવાથી લાભ થાય છે.

હિસ્ટીરિયા અને વાઈ રોગમાં વારંવાર હુમલા થઈ બેશુદ્ધિ થતી હોય તો તેનું ઘી અથવા શુષ્ક પંચાંગનું ચૂર્ણ 0.12 ગ્રા. આશરે 230 ગ્રા. દૂધ સાથે દિવસમાં બે વખત પિવડાવવામાં આવે છે. તેના પંચાંગનું ચૂર્ણ મધ સાથે મેળવી સ્ત્રીની ડૂંટી ઉપર લેપ કરવાથી ગર્ભપાત થાય છે. તેનું ચૂર્ણ લગભગ 0.5 ગ્રા. જેટલું લઈ ગોળમાં મેળવી ખવડાવવાથી કૃમિનો નાશ થાય છે અને પછી 25–35 ગ્રા. દિવેલ દૂધ સાથે આપવાથી કૃમિ નીકળી જાય છે. તેનાં પર્ણોમાં સૂંઠ મેળવી વાટી ગરમ કરી ગાલ પર લેપ લગાડવાથી દાંતનો દુખાવો મટે છે.

આદિત્યભાઈ છ. પટેલ

બળદેવભાઈ પટેલ