નાકાબંધી : યુદ્ધમાં સંડોવાયેલા દેશનાં યુદ્ધજહાજો દ્વારા શત્રુના કિનારા પરના બંદરમાં અન્યનો પ્રવેશ તથા ત્યાંથી બહાર થતા પ્રસ્થાનને અટકાવવા માટે કરાતી યુદ્ધની કાર્યવાહી. તે લશ્કરી અથવા વ્યાપારી બંને પ્રકારના હેતુ માટે હાથ ધરવામાં આવે છે. લશ્કરી નાકાબંધી સામાન્ય રીતે વિશિષ્ટ લશ્કરી હેતુ સિદ્ધ કરવા માટે હાથ ધરવામાં આવી હોય છે; દા. ત., નૌકાદળના કોઈ બંદર પર કબજો મેળવવાનો હેતુ વ્યાપારી હેતુ માટે હાથ ધરવામાં આવેલ નાકાબંધી કોઈ તાત્કાલિક લશ્કરી હેતુ સિદ્ધ કરવા માટે અમલમાં મુકાતી નથી, પરંતુ દરિયાઈ માર્ગ દ્વારા શત્રુપક્ષનો થતો વ્યવહાર અટકાવી દઈને શત્રુને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડવાનો અથવા શત્રુપક્ષ પર સમાધાન લાદવાનો હોય છે. યુદ્ધમાં સંડોવાયેલો કોઈ એક પક્ષ તેની પાસે તેટલી શક્તિ હોય તો તેના શત્રુના સમગ્ર કિનારાની અથવા દરિયાઈ માર્ગોની નાકાબંધી કરી શકે છે, પણ તેની માત્ર ઔપચારિક જાહેરાત કરી નૌકાદળ મારફત તેનો અમલ કરવામાં ન આવે તો તે નિરર્થક નીવડે. ભૂતકાળમાં આવી નિરર્થક જાહેરાતો ઘણી વાર કરવામાં આવતી જેને ‘કાગળની નાકાબંધી’ (paper blockade) નામથી ઓળખવામાં આવતી. નાકાબંધી જાહેર કરનાર પક્ષ સામાન્ય રીતે તેના અમલથી તટસ્થ પ્રદેશને બાકાત રાખવાની નીતિ અખત્યાર કરે છે, સિવાય કે કોઈ તટસ્થ પ્રદેશ શત્રુ પક્ષના સીધા કબજામાં હોય અથવા શત્રુના પરોક્ષ નિયંત્રણ હેઠળ હોય. તેવી જ રીતે શત્રુની નાકાબંધી કરનાર પક્ષ, તટસ્થ પ્રદેશ સાથેનો અન્યનો વ્યવહાર થંભી જાય એવી રીતે નાકાબંધીનો અમલ કરશે નહિ.

નાકાબંધી અંગેનો અવિદિત કાયદો આંગ્લ-અમેરિકી પ્રાઇઝ કોર્ટો દ્વારા નિર્ધારિત સિદ્ધાંતો પર રચાયેલો છે જેનાં મહત્ત્વનાં ઘટકતત્વો સંક્ષિપ્તમાં સ્ટીફન લુશિંગ્ટન તથા પ્રિવી કાઉન્સિલના ચુકાદાઓના સંગ્રહ ‘ધ ફ્રાન્સિસ્કા’માં સાંપડે છે. કોઈ પણ નાકાબંધી અવિદિત કાયદા હેઠળ નીચેની શરતોને અધીન યોગ્ય ઠરી શકે છે અને તો જ તેનું ઉલ્લંઘન કરનારા તટસ્થ જહાજોને તે માટે દંડ કરી શકાય છે :

(1) નાકાબંધી વિધિસર રીતે પ્રસ્થાપિત થવી જોઈએ; યુદ્ધમાં સંડોવાયેલા દેશની સત્તા હેઠળ તે લાગુ કરવામાં આવેલી હોવી જોઈએ.

(2) નાકાબંધી અસરકારક નીવડે તેવી હોવી જોઈએ. માત્ર કાગળ પરની નાકાબંધી નિરર્થક ગણાય.

(3) નાકાબંધીનો અમલ સતત થવો જાઈએ. શત્રુપક્ષનાં બધાં જ જહાજો પર કોઈ પણ જાતના પક્ષપાત કે ભેદભાવ વિના તેનો અમલ થવો જોઈએ.

નાકાબંધી દાખલ કરનાર દેશની સરકાર અથવા તેનો અમલ કરનાર સેનાપતિ તે ઉઠાવી લેવાની અધિકૃત જાહેરાત કરે ત્યારે તેનો અંત આવે છે.

નાકાબંધી કેટલા અંતરેથી કરી શકાય તે નિશ્ચિત થયેલું નથી. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીએ વ્યાપારી વહાણો ડુબાડવાનો નિર્ણય કર્યો (1915) ત્યારે તેની સામે બ્રિટને જર્મનીથી 1600 કિમી. દૂરથી નાકાબંધી કરી હતી જે અસરકારક નહોતી થઈ. બીજા વિશ્વયુદ્ધમાં (1939–45) પણ ધરી-રાજ્યો સામે સાથી રાજ્યોએ આવી લાંબા અંતરની નાકાબંધી કરી હતી.

શાંતિના સમયમાં પ્રતિકાર રૂપે કે મોટો સંઘર્ષ નિવારવા ‘શાંતિમય નાકાબંધી’ (peaceful blockade) કરાય છે. સંયુક્ત રાષ્ટ્રોના હકનામાના સંદર્ભમાં તેની યોગ્યતા શંકાસ્પદ છે. 1948માં જર્મનીનું એકીકરણ રોકવા સોવિયત સંઘે પશ્ચિમ બર્લિનની નાકાબંધી કરી હતી જેનો ભંગ બ્રિટન-અમેરિકાએ હવાઈ માર્ગે પુરવઠો પહોંચાડીને કર્યો હતો. 1962માં સોવિયત સંઘે ક્યૂબામાં પ્રક્ષેપણાસ્ત્રમથકો ઊભાં કર્યાં ત્યારે પ્રક્ષેપણાસ્ત્રો ગોઠવાતાં અટકાવવા માટે અમેરિકાએ ક્યૂબાની નાકાબંધી કરી હતી, જેને પરિણામે તે મથકોનો નાશ કરવાની સોવિયત સંઘને ફરજ પડી હતી. આ રીતે તે વખતની આ બે મહાસત્તાઓ વચ્ચેના ત્રીજા યુદ્ધનો ભય ટળ્યો હતો.

પ્રકાશચંદ્ર ચતુર્વેદી

છોટાલાલ છગનલાલ ત્રિવેદી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે