નવલખા મંદિર (ઈ. સ. અગિયારમી કે બારમી સદી) : નમૂનેદાર સ્થાપત્યનું પંચાંગી મંદિર. ઘૂમલી(જિ. જામનગર)નું નવલખા મંદિર અગિયારમી-બારમી સદીનાં સૌરાષ્ટ્રનાં મંદિરોમાં એનાં સમૃદ્ધ અને નમૂનેદાર સ્થાપત્યને કારણે અનોખી ભાત પાડે છે. ગુજરાતભરનાં મંદિરોમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર 45.72  30.48 મી.ની જગતી પર પૂર્વાભિમુખે ઊભું છે. આ વિશાળ જગતી પર ચડવા માટેનાં પગથિયાં પાસે ભવ્ય કીર્તિતોરણ હતું, જે નષ્ટ થયું છે. મંદિરમાં ગર્ભગૃહ, અને ફરતો છાજલીયુક્ત પ્રદક્ષિણાપથ, સમ્મુખ વિશાળ (સભા) મંડપ અને એમાં પ્રવેશવા માટે ત્રણેય દિશામાં શૃંગારચોકીઓની રચના છે. જગતીની ઊભણીમાં ચોતરફ કરેલા ગવાક્ષોમાં દિક્પાલાદિ દેવતાઓનાં શિલ્પ મૂકેલાં છે. પ્રદક્ષિણાપથમાં ત્રણે દિશાએ નિર્ગમિત ઝરૂખાઓની રચના છે. મંડપની મધ્યમાં અષ્ટકોણ સ્તંભ કરેલા છે જે બીજા મજલાના મંડપની વેદિકા તથા તેના પરના સ્તંભોને ટેકવે છે. બીજા મજલાના સ્તંભો પર કરોટક ટેકવાયેલાં છે. પ્રવેશચોકીઓ પણ બે મજલાની છે. મંદિરની પીઠની ત્રણે બાજુએ મધ્યમાં બે જબરદસ્ત હાથી સૂંઢમાં સૂંઢ ભરાવીને સાઠમારી કરતા દર્શાવ્યા છે. પીઠમાં કીર્તિમુખ, ગજથર, નરથર તથા કુંભાની મધ્યમાં ગવાક્ષમંડિત દેવીઓનાં શિલ્પ છે. મંડોવરના ભદ્રગવાક્ષમાં બ્રહ્મા-સાવિત્રી, પશ્ચિમે શિવ-પાર્વતી અને ઉત્તરે લક્ષ્મી-નારાયણનાં શિલ્પ દર્શનીય છે. મંદિરનું શિખર અને ગર્ભગૃહનો ઘણો ભાગ પણ નાશ પામ્યો છે.

પ્રવીણચંદ્ર પરીખ