નવલખી : સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં આવેલું મધ્યમ કક્ષાનું બંદર. તે કચ્છના અખાતના પૂર્વ કિનારે 22° 26´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. ઉપર આવેલું છે. નવલખી કંડલાથી 30 કિમી. અને મોરબીથી 43.3 કિમી. દૂર આવેલું છે.

નવલખીની નાળ (channel) હંજસ્થળ ખાડી ઉપર આવી છે. આ નાળ એક કિમી. પહોળી અને લગભગ અઢી કિમી. લાંબી છે. અહીં છથી દસ મી. ઊંડું પાણી રહે છે. નવલખીનું બારું વરસામેડ અને સૂઈ ખાડીઓના સંગમસ્થાને આવેલું છે. લંગરસ્થાન કિનારાથી અઢી કિમી. દૂર છે. અહીં છ ફૅધમ (one fathom = 6ft. તેથી 6 ફેધમ = 10.98 મી.) ઊંડું પાણી છે.

તેના પીઠપ્રદેશમાં ઉત્તર ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી અને ઉત્તરાખંડ છે. રેલવે દ્વારા તે વીરમગામ, અમદાવાદ અને સુરેન્દ્રનગર સાથે જોડાયેલું છે. ઉત્તર ભારતનાં શહેરોથી નવલખી સૌથી નજીક છે.

આઝાદી પૂર્વે નવલખીના પીઠપ્રદેશનો ઔદ્યોગિક વિકાસ થયો ન હતો અને મુખ્યત્વે પરદેશથી તથા હિંદના અન્ય પ્રદેશમાંથી માલ આયાત થતો હતો. મૅંગલોર અને મલબારનાં બંદરો દ્વારા ઇમારતી લાકડું, સૂંઠ, મરી, સોપારી, વિલાયતી નળિયાં તથા મુંબઈથી પેટ્રોલિયમ પેદાશો, લોખંડ અને સ્ટીલની વસ્તુઓ, સિમેંટ, કાપડ, રંગ, રસાયણો વગેરે આયાત થતાં હતાં, આઝાદી પછી નવલખી ખાતે મીઠાના ઉદ્યોગનો વિકાસ થયો છે. પરિણામે હાલ અનાજ, ખાતર, ખાદ્યતેલ, કોલસો વગેરેની આયાત થાય છે જ્યારે મીઠું, ખોળ, તેલીબિયાં, ચિનાઈ માટીનાં વાસણો અને ઢોરની નિકાસ થાય છે. ઢોર મધ્યપૂર્વના દેશોમાં મોકલાય છે.

મોરબી રાજ્યનું વવાણિયાનું બંદર નકામું થતાં મોરબીના ઠાકોર વાઘજીએ 1909માં કચ્છના અખાતના બેટોનું પુરાણ કરીને તે સૌરાષ્ટ્રની તળભૂમિ સાથે જોડી દીધું હતું. ડીસા-કંડલા રેલવે બંધાઈ તે પૂર્વે નવલખી અને કંડલા વચ્ચે ઉતારુઓની હેરફેર માટે ફેરી સર્વિસ હતી.

શિવપ્રસાદ રાજગોર