દ્વિવેદી, મણિલાલ નભુભાઈ

March, 2016

દ્વિવેદી, મણિલાલ નભુભાઈ (જ. 26 સપ્ટેમ્બર 1858, નડિયાદ; અ. 1 ઑક્ટોબર 1898, નડિયાદ) : ‘અભેદમાર્ગપ્રવાસી’. અગ્રણી ગુજરાતી સાહિત્યકાર, સમર્થ તત્વજ્ઞ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન. વતન નડિયાદમાં પિતા નભુભાઈ ગોરપદું કરતા. માતાનું નામ નિરધાર. પ્રાથમિક  શિક્ષણ દયાશંકર પંડ્યાની ગામઠી નિશાળમાં. અંગ્રેજી બીજા ધોરણમાં ઝવેરલાલ લલ્લુભાઈ નામના શિક્ષકની દોરવણીને પ્રતાપે પ્રથમ નંબરે પાસ થતાં, તેમની પ્રગતિથી ખુશ થઈને, મુખ્ય શિક્ષકે તેમને ત્રીજું ધોરણ કુદાવીને ચોથામાં મૂક્યા. તેનાથી રાજી થવાને બદલે ખિન્ન થઈને મણિલાલે હેડમાસ્તરને ત્રીજામાં ઉતારી પાડવા વિનંતી કરવાથી ત્રીજા ધોરણમાં રહ્યા. આ બધો વખત પિતા અભ્યાસ બંધ કરવા કહ્યા કરતા હતા; પરંતુ શિક્ષકો વચ્ચે પડ્યા એટલે મૅટ્રિક સુધી ભણવાની અનુમતિ મળી. પોતાનું ભાવિ અનિશ્ચિત છે એમ સમજીને આ દરમિયાન તેમણે સરકારી નોકરી માટે ઉપયોગી ‘ફર્સ્ટ ક્લાસ પબ્લિક સર્વિસ સર્ટિફિકેટ’ લઈ રાખ્યું. 1875માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં બેઠા, પણ પાછળથી દેશ-વિદેશમાં સંસ્કૃતના પંડિત તરીકે નામના મેળવનાર મણિલાલ સંસ્કૃતના જ વિષયમાં નાપાસ થતાં મૅટ્રિક્યુલેશન પરીક્ષામાં નિષ્ફળ ગયા. પછીને વર્ષે જાતમહેનતથી અભ્યાસ કરીને 1876ની મૅટ્રિકની પરીક્ષામાં આખી યુનિવર્સિટીમાં બીજે નંબરે પાસ થયા. તે જ વર્ષે શરૂ થયેલી, યુનિવર્સિટીની માસિક રૂપિયા વીસની કહાનદાસ મંછારામ શિષ્યવૃત્તિ તેમને મળી.

મણિલાલ નભુભાઈ દ્વિવેદી

બીજી પણ છાત્રવૃત્તિઓ મળી તેથી કૉલેજમાં જવા માટે પિતાની અનુમતિ મળી. 1877ની શરૂઆતમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. કૉલેજ છાત્રાલયમાં ત્રણે વર્ષ રહ્યા. કૉલેજમાં જે વિષય હાથમાં લે તે વિષય પરનાં વિવિધ પુસ્તકો મેળવીને તેનું જ્ઞાન પાકું કરવાની તેમની પદ્ધતિ હતી. દરરોજ લગભગ 13–14 કલાક વાંચવાનો તેમનો નિયમ હતો. વળી ડૉ. રામકૃષ્ણ ભાંડારકર અને પ્રિ. વર્ડ્ઝવર્થ જેવા ઉત્તમ અધ્યાપકોની પ્રીતિ અને શિક્ષણપદ્ધતિનો લાભ મળ્યો. 1879માં બી.એ.ની આખી પરીક્ષામાં બીજે નંબરે પાસ થયા અને ઇતિહાસ-રાજનીતિશાસ્ત્રમાં જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું. કૉલેજમાં ‘ફેલો’ તરીકે નિમાયા. પિતાના તકાદાને કારણે આગળ એમ.એ.નો અભ્યાસ થઈ શકે તેમ નહોતો; પરંતુ અભ્યાસતૃષા એટલી તીવ્ર હતી કે એમ.એ.ની પરીક્ષામાં અઘરા ગણાતા ઇતિહાસ અને ફિલસૂફીના વિષયોનું સઘન જ્ઞાન મેળવવા માટે અધ્યાપકો પાસેથી અભ્યાસપાત્ર ગ્રંથોની યાદી મેળવીને શ્રમ લઈને તે વિષયોનું ઊંડું પરિશીલન કર્યું. સાથે સાથે સંસ્કૃત નાટકો અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલતો હતો.

1880માં નડિયાદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. 1881ના એપ્રિલમાં તે મુંબઈની સરકારી કન્યાશાળાઓના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે નિમાયા. પછી 1885માં ભાવનગર ખાતે નવી સ્થપાયેલી શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે નિયુક્ત થયા. મોહનદાસ ગાંધી અને પ્રો. બળવંતરાય ક. ઠાકોર તેમના વર્ગમાં ભણેલા. ત્રણેક વર્ષ બાદ ઉપદંશના વ્યાધિને લીધે નાકમાં વ્રણ પડવાથી અને તાળવું તૂટી જવાને કારણે બોલવામાં મુશ્કેલી ઊભી થતાં કૉલેજમાંથી નિવૃત્ત થઈને કાયમને માટે નડિયાદ આવીને રહ્યા (1888, એપ્રિલ). ત્યાં રહીને લેખનપ્રવૃત્તિ ચલાવી. તે દરમિયાન સંસ્કૃત અને ગુજરાતી પુસ્તકો તૈયાર કરવાની કામગીરી ચાલુ હતી.

1893ના ફેબ્રુઆરીમાં તેમણે વડોદારા રાજ્ય તરફથી પાટણના ગ્રંથભંડારોની તપાસ કરીને તેનો અહેવાલ તૈયાર કરેલો. પછી તે જ વર્ષના ડિસેમ્બરમાં તેમની નિમણૂક વડોદરા રાજ્ય તરફથી સંસ્કૃત ભાષાંતર શોધ ખાતાના નિયામક તરીકે થઈ. આ સંસ્થા પાછળથી ‘ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ’ તરીકે વિકસી. ત્યાં ખટપટો અને વિવાદો વચ્ચે રહીને વિવિધ સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતર–સંપાદનનું કામ કર્યું. 1895માં ભાષાંતર ખાતું બંધ થતાં નડિયાદ આવ્યા. ત્યાં રહીને છેલ્લા શ્વાસ સુધી પોતે સ્વીકારેલ જીવનકાર્ય(misson)ને અનુરૂપ અક્ષરપ્રવૃત્તિ ચલાવી હતી.

મણિલાલની લેખનપ્રવૃત્તિ સંસ્કારલક્ષી હતી. કૉલેજમાં હતા તે દરમિયાન તેમના મનમાં ‘યુરોપિયન સુધારો, નીતિ, રીતિ તથા ઈશ્વર, મોક્ષ ઇત્યાદિના વિવિધ તર્ક રમી રહ્યા હતા.’ પાશ્ચાત્ય સુધારકો તથા તત્વચિંતકોનાં ઇતિહાસ અને ફિલસૂફીનાં પુસ્તકો વાંચવાથી તેમના મનનું સમાધાન થયું નહિ. પછી ‘બ્રહ્મસૂત્ર’, ‘પંચદશી’, ‘શારીરક’ વગેરે વેદાન્તના ગ્રંથો વાંચ્યા. ઍલ્ફિન્સ્ટન કૉલેજના વિદ્વાન શાસ્ત્રી ભીમાચાર્ય ઝળકીકર પાસે ‘સર્વદર્શનસંગ્રહ’ નો અભ્યાસ કર્યો. તેને પરિણામે શાંકર વેદાન્ત પર તેમની શ્રદ્ધા બેઠી.

એ રીતે પૂર્વ અને પશ્ચિમની ફિલસૂફીના મુખ્ય ગ્ંરથોનો ઊંડો અભ્યાસ કરીને, મુંબઈના ‘ગુજરાતી સોશિયલ યુનિયન’માં વિધવાવિવાહની સામે ‘નારીપ્રતિષ્ઠા’નો ઉચ્ચ આદર્શ તીક્ષ્ણ તર્કબુદ્ધિએ સિદ્ધ કરી બતાવીને અને એ જ યુનિયનના સભ્યો સમક્ષ મેસ્મેરિઝમના પ્રયોગો કરીને, થિયૉસૉફિકલ સોસાયટીમાં ‘લૉજિક ઑવ્ કૉમનસેન્સ’ વિશે સમર્થ વ્યાખ્યાન આપીને, સ્ત્રીકેળવણી વિશે ‘રાસ્તગોફ્તાર’ સાથે વિવાદ કરીને, ‘કાન્તા’, ‘રાજયોગ’ અને ‘પૂર્વદર્શન’ ઇત્યાદિ ગ્રંથોના રચયિતા બનીને, સંસ્કૃત ભાષા અને સાહિત્યના અપૂર્વ વિદ્વાન તરીકે એડવિન આનૉર્લ્ડની પ્રશંસા પામીને અને 1886માં વિયેનામાં ભરાનારી ઓરિયેન્ટલ કૉન્ફરન્સમાં હાજરી આપવાનું નિમંત્રણ પ્રાપ્ત કરીને મણિલાલે ગુજરાત ખાતે આર્યધર્મ તથા સંસ્કૃતિના શિક્ષણ અને સંરક્ષણનું નર્મદે અધૂરું મૂકેલું કાર્ય આગળ ધપાવવા માટેની પોતાની યોગ્યતા સિદ્ધ કરી બતાવી હતી.

ગુજરાતમાં ધર્મ અને સમાજવિષયક ‘સુધારા’ને ઐતિહાસિક ર્દષ્ટિએ નિહાળીને તેની તાત્વિક ચર્ચા કરવાનું કામ સૌથી પ્રથમ મણિલાલે કર્યું. ધર્મને કેન્દ્રમાં રાખીને જીવિતનો હેતુ નક્કી કરવાનું ર્દષ્ટિબિંદુ સૌપ્રથમ મણિલાલે લોકો સમક્ષ ધર્યું.

ધર્મ અને પ્રેમ તેમના ચિંતવનનાં બે લક્ષ્યસ્થાનો હતાં. ઘણા મનનને અંતે ધર્મ અને પ્રેમની એકતાની પ્રતીતિ થતાં પ્રેમ – જગદ્વ્યાપી વિશાળ પ્રેમ – એ જ મોક્ષ એવો નિર્ણય થયો, જે અદ્વૈત રૂપે તેમની સમગ્ર વિચારશ્રેણીના પાયા રૂપે હતો. આ અદ્વૈતના કીમિયા વડે મણિલાલે જીવનની અનેકવિધ વિસંવાદિતાઓનું સમાધાન કરી બતાવ્યું છે. સ્વધર્મ એટલે કે પ્રાચીન આર્યભાવનાની શ્રેષ્ઠતા સાબિત કરીને લોકોને ધર્માભિમુખ કરવાનો ઉદ્દેશ એમનાં મોટાભાગનાં લખાણોની પાછળ પ્રત્યક્ષ યા પરોક્ષ સ્વરૂપે રહેલો. આ ‘મિશનરી’ હેતુ સિદ્ધ કરીને મણિલાલ, ગોવર્ધનરામ કે આનંદશંકરની માફક, તટસ્થ દ્રષ્ટા કે ન્યાયાધીશ ન બન્યા પણ આર્યધર્મભાવનાના વકીલ બન્યા.

તેને લીધે તેમને ધર્મ અને સમાજના ક્ષેત્રે અનેક ઉગ્ર વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. દ્વૈતવાદી સુધારક રમણભાઈ નીલકંઠ અને અદ્વૈતવાદી મણિલાલ વચ્ચે પોણા દાયકા સુધી ‘જ્ઞાનસુધા’ અને ‘સુદર્શન’માં વિવાદ ચાલ્યો હતો. ગુજરાતી ભાષા તત્ત્વચર્ચા માટે પળોટાઈ અને ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્યપ્રધાન નવલકથા ઉપલબ્ધ થઈ તે એના આનુષંગિક લાભ.

તેઓ થિયૉસૉફિકલ સોસાયટીના અંતરંગ મંડળના સભ્ય હતા. લંડનથી સ્ટર્ડી અને અમેરિકાથી બરટ્રામ કીટલી જેવા થિયૉસૉફિસ્ટ તેમને મળવા નડિયાદ આવતા. પહેલી વિશ્વધર્મ પરિષદમાં જતાં અગાઉ સ્વામી વિવેકાનંદે પણ તેમની નડિયાદમાં મુલાકાત લીધાના ઉલ્લેખો મળે છે. એ પરિષદમાં મણિલાલે ‘હિન્દુઇઝમ’ વિશે શોધપત્ર લખીને મોકલેલો (1893). તે પરથી પ્રભાવિત થઈને પરિષદના સંચાલકોએ તેમને પરિષદમાં હાજરી આપવા નિમંત્રણ મોકલેલું; પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તે જઈ શકેલા નહિ. ઓરિયેન્ટલ કૉન્ફરન્સનાં વિદેશમાં વિવિધ સ્થળોએ ભરાયેલાં અધિવેશનોમાં તેમણે ‘અદ્વૈત’, ‘મૉનિઝમ ઑર અદ્વૈતિઝમ ?’, ‘પુરાણ’, ‘જૈન ફિલૉસૉફી’ એમ વિવિધ વિષયો પર અંગ્રેજીમાં શોધપત્રો મોકલેલાં. તેને અંગે મૅક્સમૂલર જેવા વિદેશી વિદ્વાનો સાથે મતભેદ થતાં પત્રવ્યવહાર પણ ચાલતો.

મણિલાલની સંસ્કારપ્રવૃત્તિનું મુખ્ય વાહન તેમનાં બે માસિક પત્રો ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ હતાં. 1885ના ઑગસ્ટમાં નારીશિક્ષાના શુભાશયથી સ્થપાયેલું ‘પ્રિયંવદા’ 1890ના ઑક્ટોબરથી ‘સુદર્શન’માં ફેરવાઈને સંસ્કારોદબોધનના વિશાળ ક્ષેત્રને (ધર્મ, ગૃહ, રાજ્ય અને સાહિત્યને) આવરી લે છે. ‘કાન્તા’, ‘નૃસિંહાવતાર’, ‘સિદ્ધાંતસાર’, ‘પ્રાણવિનિમય’ અને ‘નારીપ્રતિષ્ઠા’ જેવી ગણતર કૃતિઓને બાદ કરતાં તેમનું લગભગ બધું ગદ્યપદ્યસાહિત્ય આ માસિકોમાં પ્રગટ થયું હતું. ‘ગુલાબસિંહ’ અને ‘શ્રીમદભગવદગીતા’ જેવી સળંગ કૃતિઓ પણ હપતે હપતે તેમાં પ્રગટ થતી. આ કૃતિઓ તથા ‘અભેદોર્મિ’ નામે તેમનાં કાવ્યોનો સંગ્રહ મણિલાલના જીવતાં જ પુસ્તકાકારે પ્રગટ થયાં હતાં. પણ મણિલાલના અક્ષરજીવનના અર્કરૂપ ગણાય તેવા તેમના ગદ્યલેખોનો બૃહતસંચય ‘સુદર્શન ગદ્યાવલી’ નામથી તો છેક 1909માં તેમના બે ઉત્સાહી પ્રશંસકો હિંમતલાલ છોટાલાલ પંડ્યા અને પ્રાણશંકર ગૌરીશંકર જોષીએ આનંદશંકર ધ્રુવની સહાયથી પુસ્તકાકારે પ્રગટ કર્યો હતો. તે પરથી આ લખનારે મણિલાલના પ્રતિનિધિરૂપ લેખોનો ચયનરૂપ સંગ્રહ તૈયાર કરેલો તે ગુજરાત વિદ્યાસભાએ ‘મણિલાલની વિચારધારા’ એ શીર્ષકથી 1948માં પ્રસિદ્ધ કર્યો હતો. આ ઉપરાંત મણિલાલે કિશોર વયની વિદ્યાર્થિનીઓને માટે પાઠ રૂપે લખેલા લઘુ નિબંધોનો સંગ્રહ ‘બાલવિલાસ’ તેમની હયાતીમાં જ પ્રગટ થયેલો.

ગદ્યને મુકાબલે તેમણે કરેલું પદ્યનું ખેડાણ ઓછું છે. ‘આત્મનિમજ્જન’ની છેલ્લી આવૃત્તિ(1959)માં મૂકેલી 55 રચનાઓ ઉપરાંત ‘શિક્ષાશતક’ની સત્તાવીસ પાનાંની ચોપડી અને ‘કાન્તા’ તથા ‘નૃસિંહાવતાર’ નાટકોમાં મૂકેલી પદ્યરચનાઓનો તેમાં સમાવેશ થાય છે. કવિ મિત્ર બાળાશંકરની પ્રેરણાથી તેમણે ગઝલનો સફળ પ્રયોગ કરેલો છે. તે ઉપરાંત સુગેય અને પ્રાસાદિક ગીતો તથા સંસ્કૃત વૃત્તોમાં રચેલાં કાવ્યો છે. કાવ્ય તરીકે આ રચનાઓ અવશ્ય આનંદકર છે, પરંતુ અદ્વૈતના ‘મિશનરી’ મણિલાલે આ કૃતિઓ પર લાંબી ટીકા લખીને કવિતાના ફલકને કેવલાદ્વૈતના સીમાડામાં બાંધવાનો વિચિત્ર પ્રયોગ કર્યો છે.

તેમણે બે નાટકો આપેલાં છે : ‘કાન્તા’ (1882) અને ‘નૃસિંહાવતાર’ (1896). ‘કાન્તા’ ઐતિહાસિક વસ્તુવાળું શિષ્ટ સંસ્કૃતમય પણ ચરોતરી છાંટવાળી ભાષામાં રચાયેલું. 1889માં મુંબઈ ગુજરાતી નાટક મંડળીના ઉદ્ઘાટન પ્રસંગે તેના પ્રથમ પ્રયોગ તરીકે તે ભજવાયેલું. ‘નૃસિંહાવતાર’ પૌરાણિક નાટક છે. તે જ નાટકમંડળી માટે તે લખાયેલું અને 1900 આસપાસ ભજવાયેલું હતું. તે પુસ્તક રૂપે 1955માં આ લખનાર દ્વારા સંપાદિત થઈ પ્રસિદ્ધ થયું હતું. તેંમની વિચારસંપત્તિનું સ્વાભાવિક વાહન નિબંધ છે. વિદ્વત્તા, વિશાળ અનુભવ અને અવલોકનની સંપત્તિ તેમના નિબંધોમાં સહજપણે ગોઠવાય છે. વિષયનું સુર્દઢ ગ્રથન અને વિશદ નિરૂપણ તેમને સહજસિદ્ધ છે. તેમની ખરી ખૂબી વિચારનું નિર્વહન કરતા ગદ્યપ્રવાહને સુનિયોજિત આકૃતિમાં નિબદ્ધ કરવામાં રહેલી છે. તેમની આ વિશિષ્ટતા મણિલાલને આદર્શ નિબંધકાર ઠેરવે છે. તેમણે લૉર્ડ લિટનની ‘ઝેનોની’ નામની રહસ્યપ્રધાન નવલકથાનું ગુજરાતી ભાષાંતર ‘ગુલાબસિંહ’ આપેલું છે. તેમણે પ્રબોધેલ ચૈતન્યવાદને તે સમર્થિત કરે છે.

તેમણે આત્મવૃત્તાંત લખ્યું છે. તેમાં 1895 સુધીના સ્વજીવનની હકીકત મૂકેલી છે. ખરું જોતાં એ તેમના અંગત જીવનની કરુણ કથની છે. ગાંધીજીની માફક મણિલાલ પણ સત્યકથન કરે છે. સુરુચિનો ભંગ થવા દઈને પણ નિખાલસ ભાવે પોતાના દોષો અને સ્ખલનોની સ્પષ્ટ વાત કહે છે. ગાંધીજીની આત્મકથા સત્યદર્શન દ્વારા સતત ઊર્ધ્વગમન કરતા સંત-આત્માનું સ્વચ્છ પ્રતિબિંબ ઝીલે છે, ત્યારે મણિલાલનું આત્મવૃત્તાંત લેખક, ચિંતક, પંડિત અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામનાર જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અતૃપ્ત પ્રેમતૃષાને કારણે અદમ્ય બનેલી વિષયેચ્છાની સામે જિંદગીભર ચલાવેલા યુદ્ધની દારુણ કથા છે. મણિલાલના અવસાન પછી 80 વર્ષ સુધી અપ્રગટ રહેલી આ આત્મકથા 1979માં આ લખનાર દ્વારા સંપાદિત થઈને પ્રગટ થઈ ત્યારે ગુજરાતી સાહિત્યમાં ઊહાપોહ થયો હતો.

તેમની કૃતિઓની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે :

કવિતા: શિક્ષાશતક (1876), પ્રેમજીવન (1887), આત્મનિમજ્જન (1895, 1959).

નાટક : કાન્તા (1882), નૃસિંહાવતાર (1955).

નિબંધ : નારીપ્રતિષ્ઠા (1885), પ્રાણવિનિમય (1888), સિદ્ધાંતસાર (1889), ગુજરાતના બ્રાહ્મણો (1893), બાલવિલાસ (1893), પરમાર્થદર્શન (1893), સુદર્શન ગદ્યાવલી (1909).

ઇતિહાસ : પૂર્વદર્શન (1882).

સંશોધન : प्रसिद्धौनपुस्तकमन्दिरस्थ–स्तलिखितगन्थानां क्रमप्रदर्शकपत्रम् (1886).

આત્મવૃત્તાંત : (1979).

ભાષાંતર-રૂપાંતર : સંસ્કૃતમાંથી : માલતીમાધવ (1880), ઉત્તરરામચરિતમ્ (1882), શ્રીમદભગવદગીતા (1894), પંચશતી (1895), વિવાદતાંડવ (1901), ચતુ:સૂત્રી (1909 ?), સ્વયોજિત ‘ધી ઇમિટેશન ઑવ્ શંકર’માંના 500 સંસ્કૃત શ્લોકો.

અંગ્રેજીમાંથી : ચેસ્ટરટનનો પુત્ર પ્રતિ ઉપદેશ તથા સંક્ષિપ્ત સુવાક્ય (ગોપાળદાસ હરિદાસ દેસાઈ સાથે) (1890);  ચારિત્ર (1895) (સ્માઇલ્સ કૃત ‘કૅરૅક્ટર’); ચેતનશાસ્ત્ર (1896) વાક્પાટવ (1897 ?), ગુલાબસિંહ (1897); શિક્ષણ અને સ્વશિક્ષણ (1897 ?) ન્યાયશાસ્ત્ર પરામર્શખંડ  (1897); સ્વામી વિવેકાનંદની અમેરિકાની મુલાકાતો (અપ્રગટ).

હિન્દીમાંથી : નિશ્ચલદાસરચિત શ્રીવૃત્તિપ્રભાકર (1895).

ભાષાંતર-સંપાદનો (સંસ્કૃત) : બુદ્ધિસાગર (1891), અનુભવપ્રદીપિકા (1891), સમાધિશતક (1891) , ગોરક્ષશતક (1892), ભોજપ્રબંધ (1892), તર્કભાષા (1892), શ્રુતિસારસમુદ્ધરણ (1892), શ્રી દ્વયાશ્રય મહાકાવ્ય (1893), ષડ્દર્શનસમુચ્ચય (1893), વસ્તુપાલચરિત્ર (1893), વિક્રમચરિત (1894), સારસંગ્રહ-1, 2 (1894), ચતુર્વિંશતિપ્રબંધ (1895), યોગબિંદુ (1899), કુમારપાલચરિત (1899) અનેકાન્તવાદપ્રવેશ (1899), રામગીતા (અપ્રગટ).

અંગ્રેજી કૃતિઓ : મૌલિક : સજેશન્સ ફૉર ધ રિવિઝન ઑવ્ ગુજરાતી રીડિંગ સિરીઝ (1884), મૉનિઝમ ઑર અદ્વૈતિઝમ ? (1889), લેટર્સ ઑન વિડો-રિમેરેજ (1887), ધ પુરાણઝ (1891), ધી અદ્વૈત ફિલૉસૉફી ઑવ્ શંકર (1891), એસેઝ ઑન આઇડૉલ-વર્શિપ, સંસ્કાર એટસેટેરા (1891), જૈનિઝમ ઍન્ડ બ્રાહ્મણિઝમ (1891), હિન્દુઇઝમ (1893), ધ નેસેસિટી  ઑવ્ સ્પિરિચ્યુઅલ કલ્ચર (1895), ધ ડૉક્ટ્રિન ઑવ્ માયા (?).

અંગ્રેજી : ભાષાંતર-સંપાદન : રાજયોગ (1885), તર્કકૌમુદી (1886), યોગસૂત્ર (1890), માંડુક્યોપનિષદ (1894), જીવન્મુક્તિવિવેક (1894), સમાધિશતક (1894), ધી ઇમિટેશન ઑવ્ શંકર (1895), સ્યાદવાદ-મંજરી (1933) (આનંદશંકર ધ્રુવે પૂર્ણ કર્યું.).

ધીરુભાઈ ઠાકર