દ્વિવેદી, મહાવીરપ્રસાદ

March, 2016

દ્વિવેદી, મહાવીરપ્રસાદ (જ. 15 મે 1864, દૌલતપુર, ઉ. પ્ર.; અ. 11 ડિસેમ્બર 1938, રાયબરેલી) : હિંદી સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ વતનમાં લીધું અને ત્યારબાદ પિતાની પાસે મુંબઈ ગયા જ્યાં તેમણે સંસ્કૃત, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો. શરૂઆતમાં રેલવેમાં નોકરી સ્વીકારી, પરંતુ ઉચ્ચ અધિકારીઓ સાથે અણબનાવ થતાં રાજીનામું આપ્યું. 1903માં ‘સરસ્વતી’ પત્રિકાનું સંપાદન હાથ પર લીધું. તે દરમિયાન હિંદીના ઉત્થાન માટે નિષ્ઠાથી કામ કર્યું. તેમના પ્રોત્સાહન તથા માર્ગદર્શનને કારણે કવિઓ તથા લેખકોનો એક વિશિષ્ટ સમુદાય ઊભો થયો.

તેમના મૌલિક તથા અનૂદિત ગદ્ય-પદ્ય ગ્રંથોની સંખ્યા 80 કરતાં પણ અધિક છે. તે પૈકી ‘પદ્ય’, ‘વિનયવિનોદ’ (ભર્તૃહરિના ‘વૈરાગ્યશતક’નો દોહામાં અનુવાદ), ‘વિહારવાટિકા’ (‘ગીતગોવિંદ’નો ભાવાનુવાદ), ‘ગંગાલહરી’ (પંડિતરાજ જગન્નાથકૃત ‘ગંગાલહરી’નો સવૈયામાં અનુવાદ), ‘સોહાગરાત’ (બાઇરનના ‘બ્રાઇડલ નાઇટ’નો અનુવાદ), તેમની મૌલિક પદ્યરચનામાં ‘દેવીસ્તુતિશતક’ (1892), ‘કાન્યકુબ્જ અબલાવિલાપ’ (1898), ‘કાવ્યમંજૂષા’ (1903), ‘અબલાવિલાપ’ (1907), ‘દ્વિવેદી કાવ્યમાલા’ (1940) ઉલ્લેખનીય છે. તેમની મૌલિક ગદ્યરચનાઓમાં ‘તરુણોપદેશ’, ‘હિંદી શિક્ષાવલી તૃતીય ભાગ કી આલોચના’ (1899), ‘નૈષધચરિતચર્ચા’ (1900), ‘વૈજ્ઞાનિક કોશ’ (1906), ‘હિન્દી ભાષાકી ઉત્પત્તિ’ (1907), ‘સંપત્તિશાસ્ત્ર’ (1907), ‘કાલિદાસકી નિરંકુશતા’ (1907), ‘નાટ્યશાસ્ત્ર’ (1912), ‘ઔદ્યોગિકી’ (1920), ‘અતીતસ્મૃતિ’ (1924), ‘મહિલામોદ’ (1925), ‘આધ્યાત્મિકી’ (1928), ‘વિદેશી વિદ્વાન’ (1928), ‘વિજ્ઞાનવાર્તા’ (1930), ‘પુરાતત્ત્વ પ્રસંગ’ (1929), ‘વાગ્વિલાસ’ (1930), ‘પુરાવૃત્ત’ (1933) વગેરેનો સમાવેશ થાય છે.

મહાવીરપ્રસાદ દ્વિવેદી

મહાવીરપ્રસાદ દ્વિવેદીએ ઇતિહાસ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, પુરાતત્વ, ચિકિત્સા, રાજનીતિ વગેરે જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોનું ભરપૂર ખેડાણ કર્યું છે. તેમણે ગદ્યસાહિત્યને અધિક સમૃદ્ધ કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો હતો અને તેને લીધે હિંદી ગદ્યના અનેક પ્રકારો વિકસ્યા છે. નિબંધકાર, આલોચક, અનુવાદક  તથા સંપાદકના રૂપમાં તેમણે પોતાની આગવી પ્રતિભા ઉપસાવી હતી. લોકરુચિનું સંવર્ધન; વાચકોનું હિતચિંતન; નવા, ઊગતા કવિઓ અને લેખકોને પ્રોત્સાહન; પત્રિકાને નિર્દોષ, સરસ અને ઉપયોગી બનાવવાની ઉત્કંઠા – આ તેમની જીવનસાધનાનાં મુખ્ય લક્ષ્ય હતાં. અનુવાદક તરીકે તેમણે ભાવનું જતન કરવાની સાથે ભાષાસૌંદર્યનું ધ્યાન પણ રાખ્યું હતું. તેમનું મોટામાં મોટું યોગદાન તો એ ગણાય કે તેમણે ખડી બોલીને નિશ્ચિત તથા સ્થિર રૂપ આપવાનો સફળ પ્રયાસ કર્યો છે.

મહાવીરપ્રસાદ દ્વિવેદીની કર્તવ્યપરાયણતા, આત્મસંયમ, નૈતિકતા તથા લોકકલ્યાણ માટેની ભાવના તેમના ઉદાત્ત ચરિત્રના ઉત્તમ અંશો છે. 1903થી 1925 સુધીના ગાળામાં તેમણે હિંદી સાહિત્ય પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો.

ગીતા જૈન

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે