દ્વિવેદી, પ્રભુલાલ

March, 2016

દ્વિવેદી, પ્રભુલાલ (જ. 15 નવેમ્બર 1892, વીરપુર (સૌરાષ્ટ્ર); અ. 31 જાન્યુઆરી 1962, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. પિતાનું નામ દયારામ. માતાનું નામ ફૂલબાઈ. બચપણમાં પિતા પાસેથી એમણે શ્રીમદ્ ભાગવત, ઉપનિષદ અને મહાભારતમાંથી કથાઓ સાંભળી હતી. ચાર ચોપડી તેઓ જેતપુરમાં ભણ્યા અને ત્યાંથી સત્તરમે વર્ષે તેઓ કરાંચી ગયા. ડૉક વર્કશૉપમાં ઍન્જિનિયરિંગ શીખવા રહ્યા. રૂ. 12 દરમાયો મળતો. અહીં એમણે ફાજલ સમયમાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજી પુસ્તકો વાંચ્યાં.

એમણે 1916માં સૌપ્રથમ નારાયણ વિસનજી ઠક્કુરના ‘દેવી દમયંતી’ નાટકમાં એક ર્દશ્ય લખ્યું. પોતે લખેલું ર્દશ્ય મંચ પર જીવંત બનેલું જોઈ એમણે રોમાંચ અનુભવ્યો. 1918માં રજૂ થયેલ ‘શંકરાચાર્ય’ નાટકે પ્રભુલાલ મૌલિક અને સાહિત્યિક અંશવાળાં નાટકો લખી શકે છે એવી પ્રતીતિ કરાવી. 1920માં ભજવાયેલ ‘અરુણોદય’ નાટકે એમની નાટ્ય-પ્રતિભા બહાર આણી. 1924માં રજૂ થયેલ ‘માલવપતિ’ નાટકે પ્રભુલાલને સમર્થ નાટ્યકારની પ્રતિષ્ઠા અપાવી. 1926માં રજૂ થયેલ ‘સંસારસાગર’ નાટકમાં એમણે એક ધર્મલગ્નની વિધવા એક સ્નેહલગ્નની વિધવા અને એક સંજોગોનો ભોગ બનેલી વિધવાની સમસ્યાઓને વણી લીધી. 1927માં રજૂ થયેલ ‘એક અબળા’ નાટકમાં એમણે સૌપ્રથમ ખલનાયકને નાયક બનાવ્યો. 1938માં રજૂ થયેલ ‘વડીલોના વાંકે’ નાટકે ગુજરાતી રંગભૂમિ ઉપર વિક્રમ સર્જ્યો. ગુજરાત–સૌરાષ્ટ્રનું એક પણ ગામ ભાગ્યે જ બાકી હશે જ્યાં આ નાટક નહિ ભજવાયું હોય. એમણે સમયની માગ પ્રમાણે દ્વિઅંકી નાટિકાઓ પણ લખી.

વસ્તુ તરીકે એમણે પુરાણ, ઇતિહાસ અને સમાજની કથાઓને પસંદ કર્યું છે. તેઓ માનતા કે નાટક જોવા બેઠેલી બહેન–દીકરીઓની સુરુચિનો ભંગ થવો ન જોઈએ. પ્રભુલાલનો નાટ્યપુરુષાર્થ થિયેટરના વ્યવસાયી નાટ્યકારનો છે એટલે એમાં તખ્તા ઉપર સજીવ બને એવા નાટકિયા પ્રસંગોની ગૂંથણી પણ છે. એમનામાં સૂત્રધારની શક્તિ છે. એમનાં મોટા ભાગનાં નાટકો ભજવણીની ર્દષ્ટિએ લોકપ્રિય થયેલાં છે. પ્રભુલાલના ‘શંકરાચાર્ય’, ‘વિદ્યાવારિધિ ભારવિ’ અને ‘સામે પાર’ નાટકોનું સાહિત્યિક મૂલ્ય ઊંચું છે. એમનાં દસ જેટલાં નાટકોએ  ભજવણીમાં સદીઓ વટાવી છે. ‘વડીલોના વાંકે’ સળંગ પાંચસો કરતાં પણ વધારે વાર ભજવાયું છે.

પ્રભુલાલે નાટ્યલેખનપ્રવૃત્તિ શરૂ કરી એ સમયે રંગભૂમિ ઉપર ઉર્દૂ તખ્તાની અસર હતી. આ અસરમાંથી મુક્ત થઈ સમકાલીન બળોના પ્રભાવ નીચે એમણે નાટ્યરચના અને વસ્તુ-પસંદગીમાં નવા પ્રયોગો કર્યા. આજે પણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વ્યવસાયી ફરતી મંડળીઓ પ્રભુલાલનાં નાટકો ફેરફાર સાથે ભજવે છે. ‘વિદ્યાવારિધિ’, ‘સામે પાર’ અને ‘જગદ્ગુરુ શંકરાચાર્ય’ એમનાં મુખ્ય મુદ્રિત નાટકો છે. સાત નાનાં શાળોપયોગી નાટકોનો સંગ્રહ ‘સપ્તરંગ’ એમના અવસાન બાદ (1968) પ્રગટ થયેલ છે.

પ્રભુલાલ ગુજરાતની વ્યવસાયી રંગભૂમિના ઉત્તરરંગના પ્રતિભાસંપન્ન નાટ્યકાર છે. એમના સમકાલીન અને અનુગામી નાટ્યકારોએ એમનું અનુકરણ કરીને એમને ગુરુ તરીકે માન્યા છે. 1961માં ભારત સરકારે એમને શ્રેષ્ઠ નાટ્યકારનો ઍવૉર્ડ આપ્યો હતો.

દિનકર ભોજક