દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ

March, 2016

દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ (જ. 11 ઑક્ટોબર 1857, સૂરત; અ. 14 માર્ચ 1938) : ગુજરાતી કવિ, વિવેચક, કોશકાર. મૂળ વતન કપડવણજ. વિસનગરા નાગર બ્રાહ્મણ. ચોથી વિસનગરા જ્ઞાતિ પરિષદ(બનારસ)ના પ્રમુખ. એમના પ્રપિતામહ અમદાવાદમાં આવી રહેલા એટલે ડાહ્યાભાઈ પી. દેરાસરીનું કાર્યક્ષેત્ર અમદાવાદ બન્યું.

1887માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી તે પુણેની સાયન્સ કૉલેજમાં જોડાયા. પણ તેમની કારકિર્દી રાજકોટમાં કાઠિયાવાડ ટ્રેનિંગ કૉલેજમાં શરૂ થઈ અને ત્યાં એ ઉપાચાર્યના હોદ્દા સુધી પહોંચેલા.

રાજકોટમાં એમણે લૅન્ગ લાઇબ્રેરી તેમજ વૉટસન મ્યુઝિયમને સમૃદ્ધ કરવામાં ઉત્તમ ફાળો આપેલો. 1893માં તેમણે કાઠિયાવાડ સંગ્રહસ્થાનનું આયોજન કર્યું હતું.

1856માં ભૂસ્તરવિદ્યાના અભ્યાસ માટે તેમને સરકાર તરફથી ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા. ત્યાં એ વિષયનો અભ્યાસ કરવા ઉપરાંત બૅરિસ્ટરની પદવી પણ મેળવીને તે પાછા ફર્યા. સરકારી નોકરીનું રાજીનામું આપી વકીલાત શરૂ કરી. સામાજિક સંસ્થાઓના સંચાલક હરિ હર્ષદ ધ્રુવ સાથે ‘સ્વદેશવત્સલ’ સામયિક ચલાવેલું. ગુજરાતના ભૂસ્તરવિદ્યા મંડળના પ્રથમ સભ્ય ફેલો.

અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)ના સક્રિય સભાસદ તરીકે તેમણે મહત્વની કામગીરી બજાવી હતી અને ગુજરાતીમાં કેટલાંક પુસ્તકોનો અનુવાદ પણ કરી આપ્યો હતો.

ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી

દેરાસરીની સાહિત્યિક, સામાજિક વગેરે અનેક પ્રવૃત્તિઓ હતી. તેમનાં બે સુંદર કાવ્યો ‘ચમેલી’ (1883) અને ‘બુલબુલ’ (1890) મણિલાલ અને બાલાશંકરની ગઝલોથી પ્રેરિત થયેલાં સ્મરણીય છે. ‘ચમેલી’ કાવ્ય સળંગ હરિગીત છંદમાં છે, જ્યારે ‘બુલબુલ’માં હરિગીતની વચમાં દોહરો મૂકીને તેમણે એક નવીન મધુર સ્વરૂપ ઉપજાવ્યું છે. બંને કાવ્યોમાં ક્યાંક એકતાનતા આવતી હોવા છતાં શિષ્ટ પ્રેમભાવનાનું સુંદર નિરૂપણ કવિ કરી શક્યા છે. પ્રેમલક્ષણા ભક્તિનો જાણે અહીં આવિર્ભાવ છે. ફારસી શબ્દોની ભરમારને બદલે અહીં કવિએ ઉચિત ઘરાળુ શબ્દો દ્વારા પણ સમર્થ ભાવનિરૂપણ કર્યું છે. એમનું બીજું એક કાવ્ય ‘હરિધર્મશતક’ ધર્મગ્રંથોનાં અનિષ્ટ તત્વોની મજાક રૂપે લખાયું છે (1884).

એમનું ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ (1911) અને ‘કાન્હડદે પ્રબંધ’નું સંપાદન (1913) એક વિવેચક અને સંશોધક તરીકે એમની મુદ્રા પ્રગટ કરે છે. ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’માં તેમણે 1850થી 1910 સુધીના સાહિત્યનું સરવૈયું રજૂ કર્યું છે. તેમાં વિષયવાર પુસ્તકો, નાટક, નિબંધ, નવલકથા જેવાં સાહિત્યસ્વરૂપોનો વિકાસ દર્શાવ્યો છે. ઉપરાંત ઇતિહાસ, તત્વજ્ઞાન, વૈદકશાસ્ત્ર વગેરેને લગતાં પ્રકાશનોની માહિતી પણ છે. શિક્ષણ તેમજ પત્રકારત્વ ક્ષેત્રની પ્રગતિનો ખ્યાલ પણ તેમાં  મળે છે. ‘પદાર્થવિજ્ઞાન’, ‘અર્થશાસ્ત્ર’, ‘રસાયનશાસ્ત્ર’, ‘વિદ્યાર્થીઓનો મિત્ર’, ‘પ્રાણીવર્ણન’ વગેરે પાઠ્યપુસ્તકો પણ લખેલાં.

‘કાન્હડદે પ્રબંધ’ મધ્યકાલના કવિ પદ્મનાભનો જાણીતો પ્રબંધ છે. દેરાસરીએ તેનું ટિપ્પણ સાથે સંપાદન કર્યું છે અને એનો સરળ અનુવાદ 1924માં પ્રગટ થયો છે.

મરાઠી પર આધારિત એમનો ‘પૌરાણિક કથાકોશ’ એમનું એક મહત્વાકાંક્ષી કાર્ય છે. એ ઉપરાંત તેમણે પદાર્થવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર જેવા વિષયો પર તથા ‘રણજિતસિંહ’ અનુવાદ (1895), ‘શહેનશાહ પંચમ જ્યૉર્જ’ અનુવાદ (1930) અને ‘ભૂસ્તરવિદ્યા’ (1930) જેવાં અનુવાદ રૂપે તેમજ મૌલિક પુસ્તકો શાલેય ઉપયોગ માટે આપ્યાં હતાં.

મધુસૂદન પારેખ