દેરોઝીઓ, હેન્રી, લૂઈ વિવિયન

March, 2016

દેરોઝીઓ, હેન્રી, લૂઈ વિવિયન (જ. 18 એપ્રિલ 1809, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 26 ડિસેમ્બર 1831, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી કવિ અને દેશભક્ત. પૉર્ટુગીઝ પિતા અને ભારતીય માતાનું સંતાન. ચૌદ વર્ષની વયે અંગ્રેજીમાં કવિતા લખવી શરૂ કરી અને કૉલકાતાના ડૉ. જૉન ગ્રાન્ટનું તેના તરફ ધ્યાન ખેંચાયું. અઢાર વર્ષની વયે હિન્દુ કૉલેજ, કૉલકાતામાં અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસ વિષયોના વ્યાખ્યાતા તરીકે જોડાયા. દેરોઝીઓનો પ્રેમ ભારત અને પ્રકૃતિ તરફ વિશેષ રહ્યો.

તત્વજ્ઞાન અને વિશેષ કરીને કૅન્ટ (Kant) પર તેમનું ચિંતન – વક્તવ્ય વિવેચનાત્મક હતું.

જુદાં જુદાં ચાર અંગ્રેજી સામયિકોનું તંત્રીપદ તેઓ સંભાળતા. સ્થાનિક રાજકારણમાં ઓતપ્રોત થઈ, સ્વતંત્ર વિચારસરણીના હિમાયતી હતા. તેને લીધે અધ્યાપક તરીકે કૉલેજમાંથી તેમને ફારેગ કરવામાં આવ્યા હતા. 1831માં 22 વર્ષની ભરયુવાનવયે તેમનું અવસાન થયું.

ભારતમાં અંગ્રેજી ભાષામાં કાવ્યરચનાઓ લખનાર શરૂઆતની પેઢીના કવિઓમાં દેરોઝીઓનું નામ અગ્રણી ગણી શકાય. અંગ્રેજી રોમૅન્ટિક કવિઓ બાયરન, સ્કૉટ, શેલી અને કીટ્સની કવિતાનો પ્રભાવ દાખવતાં તેમનાં પ્રકૃતિકાવ્યો નોંધપાત્ર છે. તેમની વિશેષ દિલચસ્પી ‘સૉનેટ’માં હતી. તેમનાં રાત્રીને ઉદ્દેશીને લખેલાં પાંચ સૉનેટ ભારતીય અંગ્રેજી કવિતાનો વારસો ગણી શકાય. પ્રકૃતિના સૌંદર્યને તથા તેની ભીષણતાને તેમણે કવિતામાં કંડારવાનો પ્રયાસ કર્યો છે. મૃત્યુ વિશેની એક કવિતામાં તેમણે મૃત્યુને અચ્છા દોસ્ત તરીકે વર્ણવ્યું છે. ભારતની ભૂતકાલીન ગરિમા તેમણે કવિતામાં ગાઈ છે અને તે ગરિમાને છિન્નભિન્ન કરતી પરિસ્થિતિ ઉપર અફસોસ પ્રગટ કર્યો છે. નાનાં ઊર્મિગીતો અને સૉનેટના આ કવિએ ‘ધ ફકીર ઑવ્ જંધીરા’ નામની કૃતિમાં પોતાની વર્ણનશક્તિનો પરિચય કરાવ્યો છે.

દેરોઝીઓ સાદું પણ હિંમતવાળું જીવન જીવ્યા અને તે જ રીતે મૃત્યુનો પણ સામનો કર્યો. તેમની એક કવિતા ‘ધ પોએટ્સ ગ્રેવ’માં કવિની કબર પર શિલાલેખ લખતા હોય તેવો ભાવ વ્યક્ત થયો છે. લગભગ એ જ ભાવને અનુરૂપ દેરોઝીઓને પાર્ક સ્ટ્રીટ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા.

પંકજ સોની