દુર્લભરાજ : અગિયારમી સદીમાં ગુજરાતના સોલંકી (ચાલુક્ય) વંશનો ચોથો રાજવી અને ચામુંડરાજનો બીજો પુત્ર. પોતાના જ્યેષ્ઠપુત્ર વલ્લભરાજનું અચાનક અવસાન થતાં ચામુંડરાજે દુર્લભરાજનો ઈ. સ. 1010માં રાજ્યાભિષેક કર્યો અને પોતે તીર્થવાસ કર્યો. દુર્લભરાજે લાટ પર આક્રમણ કરી માળવાના કીર્તિરાજ પાસેથી ઈ. સ. 1018માં લાટ પ્રદેશ જીતી લીધો. તેમ છતાં પરમાર ભોજે થોડા વખતમાં ત્યાં પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું. તેણે રા’દયાસને હરાવી સોરઠનો પ્રદેશ જીત્યો હતો. આબુનો પરમાર રાજા ધંધુક દુર્લભરાજનો સામંત હતો. દુર્લભરાજનાં લગ્ન નડુલના ચૌહાણ રાજા મહેન્દ્રની બહેન દુર્લભદેવી સાથે થયાં હતાં. દુર્લભરાજ અનેકાંતમત (જૈન ધર્મ) પ્રત્યે આસક્તિ ધરાવતો હતો. તેણે પોતાની રાજસભામાં થયેલા વાદવિવાદમાં વિજયી થયેલા જિનેશ્વરને ‘ખરતર’ એટલે કે ‘વધુ તીક્ષ્ણ’નું બિરુદ આપ્યું હતું. દુર્લભરાજ અપુત્ર હોવાથી પોતાના નાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવનો રાજ્યાભિષેક કર્યો

(ઈ. સ. 1022). પછી તે મરણ પામ્યો. દુર્લભરાજે અણહિલવાડ પાટણમાં દુર્લભ સરોવર, કોશગૃહ, હસ્તીશાલા, ઘટિકાગૃહ, સાત મજલાનું ધવલગૃહ તથા જૈન મંદિરો બંધાવ્યાં હતાં. તેણે વલ્લભરાજની સ્મૃતિમાં મદનશંકર-પ્રાસાદ બંધાવ્યો હતો. તે ન્યાયપરાયણ રાજા હતો.

શિવપ્રસાદ રાજગોર