ત્રિવેદી, નવલરામ જગન્નાથ

March, 2016

ત્રિવેદી, નવલરામ જગન્નાથ (જ. 11 ઑક્ટોબર 1895 વઢવાણ; અ. 18 મે 1944) : ગુજરાતી વિવેચક, હાસ્યલેખક તેમજ શિક્ષણકાર અને અધ્યાપક. તેમણે હાસ્યસાહિત્યક્ષેત્રે તેમજ સંપાદક તરીકે પણ નોંધપાત્ર સેવા બજાવી છે. જન્મ તેમજ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1914માં મૅટ્રિકની, 1920માં બી.એ.ની અને 1926માં એમ.એ.ની પરીક્ષા પસાર કરી. પછી મુખ્યત્વે અમદાવાદ જ એમની કર્મભૂમિ બની રહી હતી.

શિક્ષણક્ષેત્રમાં એમને જીવંત રસ હતો એટલે અમદાવાદની લાલશંકર ઉમિયાશંકર ગુજરાત મહિલા કૉલેજમાં 1920માં તેઓ અધ્યાપક તરીકે જોડાયા. તે દરમિયાન એમની વિવેચકીય સૂઝ-શક્તિનો પરિચય કરાવતાં લેખો-પુસ્તકો પ્રકાશિત થવા માંડ્યાં. પણ એ પૂર્વે એમણે શ્રી અરવિંદ ઘોષના બંગાળી પુસ્તકનો ‘કારાવાસની કહાણી’ (1921) નામથી ગુજરાતીમાં અનુવાદ કરી પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ કરી દીધો હતો. અધ્યાપનના ફળ રૂપે તેમનાં વિવેચનનાં પુસ્તકો  પ્રગટ થવા માંડ્યાં. તેમાં ‘કેટલાંક વિવેચનો’ (1934) અને ‘નવાં વિવેચનો’ (1941)નો સમાવેશ થાય છે. તેમનું એક પુસ્તક ‘શેષ વિવેચનો’ એમના અવસાનબાદ 1947માં પ્રકાશિત થયું હતું. આ બધામાં વિદ્વાન અને સાહિત્યની સૂક્ષ્મ સમજદારી ધરાવતા તટસ્થ વિવેચકનો પરિચય મળી રહે છે. એમના વિવેચનમાં તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ ધ્યાન ખેંચે છે. અભિપ્રાયોમાં સ્પષ્ટતા, ઊંડા પરિશીલનમાંથી પ્રગટેલાં મૌલિક નિરીક્ષણો, વિશદતા તેમજ સહૃદયતા તેમના વિવેચક તરીકેના વિશિષ્ટ ગુણો છે. મુનશી, રમણલાલ વ. દેસાઈ, કલાપી ને કવિ નાનાલાલની કૃતિઓને મૂલવતા લેખો એમને વિવેચનક્ષેત્રે એક સ્મરણીય અને બહુશ્રુત વિદ્વાન વિવેચક તરીકે સ્થાપી આપે છે.

એમનો જીવંત સાહિત્યરસ એમને રણજિતરામ વાવાભાઈ મહેતાએ સ્થાપેલી અમદાવાદની ગુજરાત સાહિત્ય સભામાં ખેંચી ગયો અને એ સભાના મંત્રી તરીકે તેમણે લગભગ બે દાયકા સુધી સેવા આપી. એ સભાની એક મુખ્ય પ્રવૃત્તિરૂપ વાર્ષિક વાઙ્મયની સમીક્ષામાં પણ તેમણે મહત્વનો ફાળો આપ્યો.

આ ઉપરાંત ‘કેતકીનાં પુષ્પો’ (1939) તેમજ ‘પરિહાસ’ (1944) તેમનો સૂક્ષ્મ હાસ્યકાર તરીકે પરિચય કરાવે છે. નર્મ–મર્મ બંને પ્રકારના વિનોદમાં તેમની એક સુરુચિવાળા હાસ્યકાર તરીકેની મુદ્રા પ્રગટે છે. તેમણે હાસ્યલેખોમાં સાહિત્યજગતની કૂપમંડૂકતા, સામાજિક રૂઢિઓ તેમજ શિક્ષણજગતની બદીને હાસ્ય-કટાક્ષનાં નિશાન બનાવેલ છે. વિનોદી વાર્તાઓ, હળવા નિબંધો, પ્રતિકાવ્યો – એ સર્વમાં તેમની વિનોદભરી પ્રકૃતિનો તેમજ હાસ્ય નિષ્પન્ન કરવાની અનોખી સૂઝનો અંદાજ મળી રહે છે. તેમણે હાસ્યકાર તરીકે ‘વૈનતેય’, ‘ડાબેરી’ ‘પોણીપચીસ’ જેવાં તખલ્લુસો યોજ્યાં હતાં. તેમનાં સંપાદનોમાં કલાપીનાં કાવ્યોનું મૂલ્યાંકન કરનારાં બે સંપાદનો ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (1938) તેમજ ‘હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો’ (1939) વિશેષ જાણીતાં છે. ‘શામળનું વાર્તાસાહિત્ય’ તથા ‘જયંતી વ્યાખ્યાનો’ (1940), ‘બુદ્ધિપ્રકાશ લેખસંગ્રહ ભા.1, 2’ (અનંતરાય  રાવળ સાથે, 1941, 1942) પણ તેમની  વિવેચકીય તેમજ સંપાદકીય શક્તિની પ્રતીતિ કરાવે છે. આ ઉપરાંત ‘સમાજસુધારાનું રેખાદર્શન’ (1934)માં 1930 સુધી ગુજરાતમાં ચાલેલી સમાજ-સુધારણાની પ્રવૃત્તિનો આલેખ મળે છે.

ઉપરાંત ‘શિક્ષણરહસ્ય’(અનુવાદ); અને ‘માનસશાસ્ત્ર’, ‘બ્રિટિશ સામ્રાજ્યનો અર્વાચીન ઇતિહાસ’ ‘હિંદનું નવું રાજ્યબંધારણ’ વગેરે પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

મધુસૂદન પારેખ