જોશી, જગદીશ (જ. 9 ઑક્ટોબર 1932, મુંબઈ; અ. 21 સપ્ટેમ્બર 1978) : મુખ્યત્વે કવિ. અનુવાદો અને સંપાદનો પણ કર્યાં. જન્મ, ઉછેર, ભણતર અને વ્યવસાય બધું મુંબઈમાં. ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સેન્ટ ઝેવિયર્સ કૉલેજ મુંબઈમાંથી 1953માં બી.એ. થયા. 1955માં શિક્ષણશાસ્ત્રમાં એમ.ડી.ની ઉપાધિ સ્ટૅનફર્ડ યુનિવર્સિટી, અમેરિકામાંથી મેળવી. મુંબઈની બજારગેટ હાઈસ્કૂલમાં 1957થી મરણપર્યંત આચાર્ય તરીકે સેવા આપી.
મધ્યમકક્ષાની કવિપ્રતિભા ધરાવતા આ કવિને એમના પ્રથમ સંચય ‘આકાશ’ (1972) માટે ‘ઉમા સ્નેહરશ્મિ’ પારિતોષિક મળ્યું. 1976માં પ્રગટ થયેલા ‘વમળનાં વન’ કાવ્યગ્રંથને એમના અવસાન પછી 1979નું દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું. ‘સંજય ઠક્કર’ના નામે પણ રચનાઓ કરી હતી.
પરંપરાને નકાર્યા વિના કવિએ ગીતકવિતામાં પોતાનાં સંવેદનોને અદ્યતન અભિવ્યક્તિ આપવાનો પ્રયાસ કર્યો છે. ખાસ તો ‘આકાશ’માંનાં ગીતો ધ્યાનપાત્ર છે. ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાં’, ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં’ વગેરે એમનાં સુખ્યાત ગીતો છે. ‘વમળનાં વન’માં બધા પ્રકારની રચનાઓ છે, પણ ગીતકવિતા વધારે સ્પર્શ્ય બની રહે છે. એમના મરણ પછી 1979માં પ્રગટ થયેલો ‘મોન્ટા કૉલાજ’ સંગ્રહ 14 દીર્ઘકાવ્યો લઈ આવે છે. એમાં અભિવ્યક્તિના નવતર પ્રયોગો છે.
મરાઠી કવિતાશ્રેણીમાં ‘ગ્રેસ’ની કવિતાનો એમણે ગુજરાતી અનુવાદ આપ્યો. ‘સૂર્યઘટિકાયંત્ર’ મરણોત્તર (1981) પ્રકાશિત અનુવાદગ્રંથ છે. ‘હું તો નિત્ય પ્રવાસી’, ‘વાર્તાની પાંખે’, ‘વાર્તાની મોજ’ 1થી 3, ‘વાર્તા રે વાર્તા’ 1થી 3 (1972–73) જેવાં સંપાદનોમાં સહાયક સંપાદક બન્યા હતા. ‘સુલભ સમૂહજીવન’ (1974)ના 1થી 3 ભાગોનું પણ સહસંપાદન કર્યું હતું.
મણિલાલ હ. પટેલ