જોશી, દમયંતી (જ. 5 સપ્ટેમ્બર 1930, મુંબઈ અ. 19 સપ્ટેમ્બર 2004) : કથકલી તથા ભરતનાટ્યમના નૃત્યાંગના. માતા વત્સલા અને પિતા રામચંદ્ર ડી. જોશીનું એકમાત્ર સંતાન. સાધારણ સ્થિતિના મરાઠી કુટુંબમાં જન્મ છતાં બાળપણથી જ નૃત્ય વિશે અભિરુચિ હતી. આથી માત્ર 4 વર્ષની ઉંમરમાં લેડી લીલા સોખીનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમણે દમયંતીની જન્મજાત નૃત્યશક્તિને લીધે દત્તક દીકરીની જેમ જ પોતાના ગુરુ સીતારામ મિશ્ર પાસે તાલીમ અપાવી. વિશ્વનૃત્યપ્રવાસમાં પણ તેમને સાથે લીધાં. બર્લિન ઑલિમ્પિઆડમાં નૃત્ય-રજૂઆત કરી ત્યારે દમયંતીની ઉંમર માત્ર 6 વર્ષની હતી.

દમયંતી જોશી

લખનૌ ઘરાનાના ગુરુ અચ્છન મહારાજ, શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ તેમજ જયપુર ઘરાનાના ગુરુ હીરાલાલ પાસે ઉચ્ચ તાલીમ લીધી. બંને ઘરાનાના લાસ્ય તેમજ પરિભાષાનાં લક્ષણોમાં પ્રવીણતા મેળવી. મૅડમ મેનકાના ઉચ્ચ સંસ્કારસિંચનથી તેમના કાર્યક્રમમાં યોગ્ય સમતોલન રહેતું અને ઝાકઝમાળનો અભાવ રહેતો. ઋજુતા અને માર્મિકતાનાં લક્ષણોને પ્રાધાન્ય અપાતું.

1950-60નાં વર્ષો તેમની કારકિર્દીનો સુવર્ણકાળ કહી શકાય. અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય નૃત્યસંગીત સમારોહોમાં ગ્રાહ્ય રજૂઆત કરી, શૈલીના પારંપરિક માળખામાં મૌલિકતા લાવ્યાં. દ્રુપદ, ખયાલ, ઠૂમરી, ત્રિવટ, તરાના અને ચતુરંગ જેવાં શાસ્ત્રીય સંગીતનાં પાસાંનો પ્રયોગ દ્રુત અને વિલંબિત લયમાં કથક નૃત્યમાં પહેલી વાર કર્યો. પ્રસિદ્ધ તબલાવાદકો કુંઠે મહારાજ, કિશન મહારાજ, પં. અનોખેલાલ, શાંતાપ્રસાદ, હબીબુદ્દીનખાં, કરામતખાં, પં. ચતુરલાલ વગેરેએ તેમને કાર્યક્રમમાં સાથ આપ્યો.

નાયિકાભેદનો ઊંડો અભ્યાસ કરી ‘અભિસારિકા’, ‘અષ્ટનાયિકા’, ‘અભિનય’ જેવાં એકલ નૃત્યસંયોજન રજૂ કર્યાં. ઠૂમરીને આધારે એક જ પંક્તિના પુનરાવર્તનથી અષ્ટનાયિકાના જુદા જુદા ભાવો નૃત્ય દ્વારા ચિત્રિત કર્યા. ખજૂરાહો મંદિરની શિલ્પાકૃતિનો અભ્યાસ કરી ‘સુરાસુંદરી’નું સંયોજન કર્યું. કાલિદાસ-સમારોહ – 1966 અને 1967માં ‘વિક્રમોર્વશીય’ અને ‘ઋતુસંહાર’ કથક શૈલીમાં રજૂ કર્યાં.

કથક ઉપરાંત ભરતનાટ્યમ્ ગુરુ ગોવિંદરાજ પિલ્લૈ અને ગુરુ મહાલિંગમ્ પિલ્લૈ પાસે, મોહિની અટ્ટમ્, માધવી અમ્મા, મણિપુરી ગુરુ નવકુમાર સિંહા અને ગુરુ બિપિન સિંહા તેમજ કથકલી ગુરુ કરુણાકર પાણિકર અને ગુરુ કૃષ્ણન્ કુટ્ટી પાસે શીખ્યાં.

1954માં ભારત સરકારનું એક સાંસ્કૃતિક શિવભક્ત ચીનના પ્રવાસે મોકલવામાં આવ્યું હતું તેમાં દમયંતી જોશીનો સમાવેશ થયો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે ચીનનાં કેટલાંક નગરોમાં એકલ નૃત્ય કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા અને ખૂબ પ્રશંસા મેળવી હતી.

કથક શૈલીમાં તેમના યોગદાન માટે કેન્દ્રીય સંગીતનાટક અકાદમીએ 1968માં સન્માન કર્યું. 1970માં ભારત સરકારે ‘પદ્મશ્રી’ એનાયત કર્યું. તેમની કલા વિશે ફિલ્મ્સ ડિવિઝન દ્વારા 1973-74માં બે રંગીન દસ્તાવેજી વૃત્તચિત્રો બનાવવામાં આવ્યાં છે.

પ્રકૃતિ કાશ્યપ