ચૌલુક્ય વંશ (942–1304) : ગુજરાતમાં શાસન કરતા ચૌલુક્યોનો વંશ. ગુજરાતીમાં જેને ‘સોલંકી’ કહે છે તેને સંસ્કૃતમાં ‘ચૌલુક્યો’ કહેતા. મૂળમાં આ કુળનું નામ ‘ચુલિક’ (કે ‘શુલિક’) નામે જાતિના નામ પરથી પડ્યું લાગે છે; પરંતુ આગળ જતાં એની વ્યુત્પત્તિ ‘ચુલુક’ (ખોબો) પરથી દર્શાવવામાં આવી છે.
અણહિલવાડ પાટણમાં ચૌલુક્ય સત્તા સ્થાપનાર મૂલરાજના પિતા રાજિ ત્યાંના ચાવડા રાજા સાવંતસિંહની બહેન લીલાદેવીને પરણ્યા હતા. રાજિ પ્રાય: કનોજના પ્રતિહાર રાજ્યમાં ગુર્જરદેશનો સામંત હતો.
મૂલરાજે મદિરામત્ત મામાને મારીને ચાવડાઓની રાજસત્તા હસ્તગત કરી. એણે 55 વર્ષ (ઈ. સ. 942થી 997) રાજ્ય કર્યું. એણે સૌરાષ્ટ્ર અને કચ્છના રાજાઓને હરાવેલા એવું કહેવાય છે. વળી, લાટના રાજા બારપ્પનો પણ પરાજય કર્યો. મૂલરાજના પુત્ર ચામુંડરાજે પાટણમાં બે પ્રાસાદ કરાવ્યા. ચામુંડરાજના જ્યેષ્ઠ પુત્ર વલ્લભરાજે માત્ર છ માસ રાજ્ય કર્યું. એના અનુજ દુર્લભરાજે ઈ. સ. 1010થી 1022 સુધી રાજ્ય કર્યું.
એના ભત્રીજા ભીમદેવ પહેલા(ઈ. સ. 1022–1064)ના સમયમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિરનો ધ્વંસ કર્યો. ભીમદેવે આ મંદિરનું નવનિર્માણ કર્યું. મોઢેરાનું સૂર્યમંદિર તેણે બંધાવ્યું. ભીમદેવના પુત્ર કર્ણદેવે લાટમાં પોતાની સત્તા પ્રસારી ને સાબરમતીના તટે આશાપલ્લી પાસે કર્ણાવતી નગરી વસાવી.
જયસિંહ સિદ્ધરાજ (ઈ. સ. 1094–1142) સોલંકી વંશનો સહુથી પ્રતાપી અને લોકપ્રિય રાજવી હતો. એણે સોરઠ જીત્યું, બર્બરકનો પરાભવ કર્યો ને સોલંકી રાજ્યને વિશાળ અને પ્રબળ બનાવ્યું. એના ઉત્તરાધિકારી કુમારપાલે (ઈ. સ. 1142–1172) પણ અનેક પરાક્રમો કર્યાં ને રાજ્યવિસ્તાર કર્યો. એ જૈન ધર્મનો પ્રભાવક હતો. તારંગા પરનું અજિતનાથ મંદિર અને બીજાં અનેક ભવ્ય દેરાસરો એણે બંધાવ્યાં. એણે નિ:સંતાનના ધનનો ત્યાગ કર્યો. હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ તથા કુમારપાલના પ્રોત્સાહનથી અનેક ગણનાપાત્ર કૃતિઓ રચી.
કુમારપાલના ઉત્તરાધિકારી અજયપાલે શાકંભરીના રાજાને કર આપતો કર્યો. એના પુત્ર મૂલરાજ બીજાએ મુસ્લિમ આક્રમણને પાછું હઠાવ્યું (ઈ. સ. 1178).
એના અનુજ ભીમદેવ બીજાએ એકંદરે 63–64 વર્ષ (ઈ. સ. 1178–1242) રાજ્ય કર્યું. એના સમયમાં આસપાસનાં રાજ્યો તરફથી આક્રમણ થયાં કર્યાં તેમજ રાજ્યમાં આંતરિક ખટપટો ચાલ્યા કરી. અમાત્યો અને માંડલિકો સ્વતંત્ર થઈ સત્તા પડાવતા ગયા. વાઘેલના ચૌલુક્ય લવણપ્રસાદ તથા એના પુત્ર વીરધવલે ધોળકામાં રાણક (રાણા) તરીકે સત્તા પ્રવર્તાવી. ઈ. સ. 1210ના અરસામાં જયંતસિંહ ઉર્ફે જયસિંહ બીજાએ ભીમદેવનું રાજ્ય પડાવી લીધું. ઈ. સ. 1225ના અરસામાં ભીમદેવે પોતાની સત્તા પાછી મેળવી. વીરધવલના મંત્રી વસ્તુપાલ-તેજપાલે સોલંકી રાજ્યનું સંરક્ષણ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. વિ. સં. 1300(ઈ. સ. 1244)માં ત્રિભુવનપાલના શાસન સાથે મૂલરાજના વંશની સત્તા અસ્ત પામી. વીરધવલનો પુત્ર વીસલદેવ, જે ધોળકાનો રાણો હતો, તેણે હવે અણહિલવાડની રાજસત્તા હસ્તગત કરી. એ પણ ચૌલુક્ય કુળનો હતો. આ કુળ ‘વાઘેલા’ તરીકે જાણીતું છે. વીસલદેવ પછી આ વંશમાં અર્જુનદેવ, રામદેવ, સારંગદેવ અને કર્ણદેવ રાજા થયા. કર્ણદેવના સમયમાં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીની ફોજે ચૌલુક્ય રાજ્ય પર બે વાર આક્રમણ કર્યું – પહેલાં ઈ. સ. 1299માં ને છેવટે ઈ. સ. 1304માં. કર્ણદેવ ગુજરાત છોડી દેવગિરિ તરફ નાસી છૂટ્યો. ખલજીની ફોજે એની દીકરી દેવળદેવીને પકડી દિલ્હી રવાના કરી. ગુજરાતમાં દિલ્હી સલ્તનતની હકૂમત સ્થપાઈ. દેવળદેવીને દિલ્હીના શાહજાદા ખિજરખાન વેરે પરણાવવામાં આવી.
ચૌલુક્ય વંશના શાસન દરમિયાન (ઈ. સ. 942થી 1304) ગુજરાતમાં રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સુવર્ણકાળ પ્રવર્ત્યો.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી