ચૌલ્ટ્રી : દક્ષિણનાં મંદિરોના સ્થાપત્યમાં મંદિરોના સંકુલમાં રચવામાં આવતો વિશાળ મંડપ. આવા મંડપોની રચના એક અથવા વધારે દાનવીરોની યાદમાં કરવામાં આવતી અને તેમાં વપરાયેલા સ્તંભો સાથે ઘણી વખત દાનવીરોની પ્રતિમાઓ જોડવામાં આવતી. આવા મંડપોમાં ધાર્મિક વિધિઓ માટે સમૂહોમાં લોકો એકઠા થતા. ખાસ કરીને મદુરા અને તાંજોરનાં મંદિરો સાથે બંધાયેલી આવી ચૌલ્ટ્રીઓ સ્થાપત્યનાં બેનમૂન ઉદાહરણો છે.

રવીન્દ્ર વસાવડા