ગુજરાત સાહિત્ય અકાદમી

February, 2011

ગુજરાત સાહિત્ય અકાદમી : ગુજરાત રાજ્ય સરકારે સ્થાપેલી, ઈ. સ. 1982થી કાર્યરત ભાષા-સાહિત્યના ઉત્કર્ષ-વિકાસની કામગીરી કરતી સંસ્થા. બીજી પંચવર્ષીય યોજનામાં ભારતમાં વિવિધ ભાષાઓ અને તેમનાં સાહિત્યોના વિકાસ માટેનું આયોજન વિચારાયું હતું. એમાં નિશ્ચિત થયા પ્રમાણે અંગ્રેજી અને હિંદી ભાષાને કેન્દ્ર-સરકારની સંસ્થાકીય જવાબદારીમાં રાખવાનું અને દરેક રાજ્ય પોતાના પ્રદેશની બહુમતી ધરાવતી રાજ્ય ભાષાની તેમજ તે રાજ્યમાં વસતા અન્ય ભાષકોની લઘુમતી ભાષાઓના ઉત્કર્ષ-વિકાસની કામગીરી સંભાળે અને તેનો વાર્ષિક આર્થિક આયોજનમાં સમાવેશ કરે, તેવી નીતિ સ્વીકારવામાં આવી હતી.

આથી મોટા ભાગનાં રાજ્યોમાં તે તે પ્રદેશની રાજ્યભાષા અને તે રાજ્યમાં વસતી લઘુમતીઓની અર્વાચીન આર્યભાષાઓના વિકાસ માટે યોજનાઓ અમલમાં આવી અને તેમને કાર્યાન્વિત કરવાના હેતુથી ભાષાનિયામકની કચેરી અસ્તિત્વમાં આવી. ગુજરાતમાં પણ આ અન્વયે ભાષાનિયામકના નિયંત્રણમાં ગુજરાતી રાજ્ય ભાષાની અને લઘુમતી ભાષકોની સિંધી, ઉર્દૂ જેવી અન્ય અર્વાચીન ભારતીય ભાષાઓના ઉત્કર્ષ-વિકાસની યોજનાઓ હાથ ધરાઈ. સંસ્કૃત ભાષાની કામગીરી ઉચ્ચ શિક્ષણ નિયામકને સોંપવામાં આવી. મુંબઈ રાજ્યના તા. 24–02–1956ના ઠરાવથી કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના ફોકલોર માટે ત્રણ પ્રાદેશિક સમિતિઓની રચના પણ કરવામાં આવી.

કેન્દ્રીય સ્તરે ભાષાસાહિત્યના ઉત્કર્ષ-વિકાસ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીની દિલ્હીમાં સ્થાપના કરવામાં આવી હતી, જેમાંથી પ્રેરણા લઈને રાજસ્થાન વગેરેમાં પણ અકાદમીઓની રાજ્ય સરકારે સ્થાપના કરી. આથી ગુજરાત સરકારે પણ ઈ. સ. 1981ના ઠરાવથી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપના કરી અને તા. 04–05–1982ના ઠરાવથી મોહમ્મદ માંકડની અધ્યક્ષતામાં અકાદમી-સદસ્યોની નિમણૂક કરી. તા. 17–06–1982ના રોજ અકાદમીની સર્વપ્રથમ બેઠક મળી ત્યારે શિક્ષણમંત્રી પ્રબોધ રાવળે જાહેરાત કરી કે રાજ્ય સરકાર હસ્તકની આયોજન અને બિનઆયોજનમાં સ્વીકૃત બની ચાલુ રહેલી ભાષાકીય યોજનાઓ અકાદમીને તબદીલ થશે. ભાષાનિયામક તરીકે પણ રહી ચૂકેલા સાક્ષર-સદસ્ય પ્રો. અનંતરાય રાવળે સૂચવ્યું કે ‘ગુજરાતી’ને બદલે સંસ્થાનું નામ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ કરવું જોઈએ, જેથી, હિંદી અને અંગ્રેજી સિવાયની ગુજરાતમાં પ્રવર્તિત બધી જ ભાષાઓની યોજનાઓની કામગીરી આ સંસ્થા કરી શકે. આ સૂચન સ્વીકારીને સંસ્થાનું નામ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ નિશ્ચિત કરવામાં આવ્યું અને ગુજરાતી સિવાયની ભાષાઓની કામગીરી માટે ગુજરાત સાહિત્ય અકાદમી સાથે લોકસાહિત્ય સલાહકાર સમિતિ અને અન્ય અર્વાચીન ભારતીય ભાષાઓ માટેની સલાહકાર સમિતિની નિમણૂક કરવામાં આવી અને ઠરાવથી જ તે તે સમિતિઓને ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાયી સમિતિની સમકક્ષ સત્તા આપવામાં આવી.

શિષ્ટ માન્ય ગ્રંથના પુસ્તકના પ્રકાશન માટે લેખકને આર્થિક સહાય, પહેલું જ પુસ્તક પ્રગટ કરવાનું હોય તેવા લેખકને લલિત પ્રકારના – સર્જનાત્મક પુસ્તકને આર્થિક સહાય, સિંધી-ઉર્દૂ-મરાઠી-પંજાબી વગેરેના ભાષકોની તેમની ભાષાઓની કૃતિઓનાં ગુજરાતી ભાષામાં અને ગુજરાતી ભાષા-સાહિત્યનાં શિષ્ટ પુસ્તકોનો તેમની ભાષાઓમાં અનુવાદ કરી, તેમનું પ્રકાશન કરવા માટેની સહાય, તે તે ભાષાઓના મૂળ ગ્રંથો અને અનુવાદો ગ્રંથાલય માટે ખરીદવા માટેની સહાય, આદિજાતિ પછાત વિસ્તારોનાં ગ્રંથાલયોને ગ્રંથની ખરીદી માટેની સહાય તથા ભાષા-સાહિત્ય અંગેની પરિયોજનાઓ માટે વ્યક્તિ/સંસ્થાને અપાતી સહાય  આવાં રાજ્ય સરકારે મંજૂર કરેલાં અને ભાષાનિયામક હસ્તક હતાં એવાં કાર્યોને તે પછી અકાદમીને તબદીલ થયાં. ઉચ્ચશિક્ષણ-નિયામક દ્વારા શ્રેષ્ઠ ગુજરાતી મૌલિક પુસ્તકોને પારિતોષિક આપવામાં આવતાં હતાં અને વેદ-પંડિતોનું સન્માન કરવામાં આવતું હતું તે કામગીરી અને તેનાં બજેટ અકાદમી હસ્તક મુકાયાં. તા. 24–10–1983થી ગુજરાત રાજ્ય સરકારની લોકસાહિત્ય સલાહકાર સમિતિ, તેનાં દ્વારા પ્રગટ થયેલાં પચાસેક ગ્રંથો અને ગ્રંથશ્રેણી પણ ગુજરાત સાહિત્ય અકાદમીને તબદીલ થયાં.

મૂર્ધન્ય સાહિત્યકારનું સન્માન, સર્જન-સંશોધન-સંપાદન માટેની ફેલોશિપ, તાલીમ-શિબિર, વિવિધ પ્રકારના કોશનાં નિર્માણ-પ્રકાશન વગેરે અંગેની નવી યોજનાઓ અકાદમીએ અમલમાં મૂકી. આમ વિવિધ ભાષાઓ માટેની યોજનાઓ 52 જેટલી અસ્તિત્વમાં આવી. એ પછી પ્રથમ અધ્યક્ષ પબ્લિક સર્વિસ કમિશનમાં સદસ્ય તરીકે નિમાતાં તત્કાળ વ્યવસ્થા માટે તે સમયના શિક્ષણ સચિવશ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકને અને તે પછી ગુજરાત રાજ્યના માહિતી ખાતાના નિયામક તરીકે નિવૃત્ત થયેલા શ્રી ભૂપત વડોદરિયાને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આથી, અકાદમીના અધ્યક્ષ કેન્દ્રીય સાહિત્ય અકાદમીની જેમ ચૂંટાવા જોઈએ, તેવી રજૂઆત થતાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીએ, અકાદમી-સદસ્ય, ગઝલકાર અને દક્ષ વકીલ એવા અકબરઅલી જસદણવાળાને કેન્દ્રની અકાદમી જેવું સંસ્થાકીય રૂપ આપી શકાય એવું સુધારેલું બંધારણ તૈયાર કરવાનું સોંપ્યું અને તેનો મુસદ્દો શ્રી ઉમાશંકર જોશીને દર્શાવવામાં આવ્યો. તેઓ આ સુધારા માટે સંમત હતા; પરંતુ તેનો ઠરાવથી સ્વીકાર થાય અને સામાન્યસભાએ ચૂંટેલા પ્રમુખ કાર્યભાર સંભાળે એ પહેલાં જ અકાદમીએ ઉમાશંકર જોશીનું મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે સન્માન કરવાનું નક્કી કર્યું જે તેમણે તાત્વિક વિરોધ સાથે નકાર્યું.

આ પછી સિંધી, ઉર્દૂ દ્વારા પણ પોતપોતાની અલગ-અલગ અકાદમીઓની સ્થાપનાની માગણી થઈ, જે સ્વીકારવામાં આવી અને ગુજરાત, સિંધી અને ઉર્દૂ એમ ત્રણ અકાદમીઓ અસ્તિત્વમાં આવતાં, ત્રણેય સંસ્થાઓ વચ્ચે સંકલન રહે એ હેતુથી રાજ્યના શિક્ષણમંત્રીને ત્રણેય અકાદમીઓના અધ્યક્ષ જાહેર કરી ત્રણે અકાદમીના ઉપાધ્યક્ષની સરકારે નિમણૂક કરી. એ રીતે ડૉ. સુરેશ દલાલ એ સ્થાને નિમાયા. આ અકાદમીઓની મુદત પૂરી થયા પછી, શિક્ષણમંત્રી હોદ્દાની રૂએ અકાદમીના પણ અધ્યક્ષ હોય એ સામે વિરોધ હોવાથી, નવી અકાદમીની રચના ન થઈ. ડૉ. રમણલાલ જોશી ઉપપ્રમુખ બન્યા અને તે પછી શ્રી દર્શક ઉપપ્રમુખ બન્યા. આ ગાળામાં સ્વાયત્ત અકાદમીની રચના માટે સરકાર સામે રજૂઆત થઈ અને હિંદી તથા સંસ્કૃતની અલગ અકાદમીઓ માટેની પણ માગણી રજૂ થઈ.

આથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલે પૂરી અકાદમીની પુનર્રચના ન કરતાં અકાદમીની કામગીરી ચાલુ રહે તે માટે તથા સ્વાયત્ત અકાદમીના બંધારણ માટે શ્રી દર્શકના અધ્યક્ષસ્થાને સમિતિની રચના કરી. તેમાં પ્રતિનિધિ તરીકે હિંદીમાં ડૉ. અંબાશંકર નાગર, સંસ્કૃતમાં ડૉ. ગૌતમ પટેલ, ઉર્દૂમાં ડૉ. વારીસહુસેન અલવી, સિંધીમાં શ્રી હરિ ‘દિલગીર’ને મૂકવામાં આવ્યા. અન્ય ભાષાઓના પ્રતિનિધિઓનો અભિપ્રાય ભાષાવાર અલગ અકાદમીઓનો હતો. શ્રી દર્શકે સમજાવ્યું : કેન્દ્રની અકાદમી એકવીસથી વિશેષ ભાષાઓની કામગીરી કરી શકે છે ત્યારે એ કામ ગુજરાતમાં પણ અકાદમી સંલગ્નરૂપમાં કેમ કરી ન શકે ? પ્રમુખપદ વારા-પ્રમાણે (By turn) ગોઠવી શકાય. અકાદમી પોતાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ ચૂંટી શકે એવો કે એટલો સ્વાયત્તતાનો અર્થ નથી. કોઈ ઇચ્છે ને યોગ્યતા ધરાવે તો તે પણ અકાદમીમાં પ્રવેશી શકે ત્યારે જ પૂરી સ્વાયત્તતા ગણાય. આમ દર્શકનો અભિપ્રાય થયો અને મતદાર-મંડળનો સમાવેશ થયો.

આ બંધારણ સરકારમાં રજૂ થયું ત્યારે તત્કાલીન મુખ્યમંત્રીએ મહામાત્રને બોલાવી જણાવ્યું : હિંદી અને બીજાને સંસ્થા અને બંધારણ અલગ જોઈએ છે. આથી આ બંધારણ પ્રસ્તાવના મૂળ રૂપને જાળવીને ગુજરાતી, હિંદી, ઉર્દૂ અને સિંધી – એમ ચાર સ્વતંત્ર અકાદમીનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરો. સંસ્કૃત માટે તેમ કરવું જરૂરી નથી. મહામાત્રે જણાવ્યું : હિંદી કેન્દ્રની યાદીમાં છે અને પ્લાનમાં રાજ્યને કેન્દ્રનું અનુદાન મળી પણ ન શકે એ સ્થિતિમાં એવી નવી અકાદમી સ્થાપીએ અને સંસ્કૃત માટે તો યોજના અનુસાર કેન્દ્રનું અનુદાન પણ મળે છે અને આઠેક જેટલી સ્વીકૃત અને નિયત-યોજનાઓ વર્ષોથી ગુજરાતમાં ચાલે છે તેથી આ નિર્ણય ફરી વિચારવો જોઈએ. તત્કાલીન શિક્ષણસચિવ શ્રી બાલકૃષ્ણને પણ તેને અનુમોદન આપ્યું. અંતે ગુજરાતી, સંસ્કૃત, હિંદી, સિંધી અને સંસ્કૃત – એમ પાંચ ભાષાઓની સ્વાયત્ત અકાદમીઓનું માળખું સ્વીકારાયું, એમનાં અલગ અલગ બંધારણ થયાં, ટ્રસ્ટ અને રજિસ્ટ્રેશન ઑવ્ સોસાયટી ઍક્ટ તરીકે તેમની નોંધણી થઈ, મતદારમંડળો અને અકાદમીમાન્ય સંસ્થાઓની યાદીઓ થઈ અને પાંચ સ્વતંત્ર સાહિત્ય અકાદમીઓ અસ્તિત્વમાં આવી. શ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’ ગુજરાત સાહિત્ય અકાદમીના સ્વાયત્ત તંત્રના સર્વપ્રથમ પ્રમુખ બન્યા. એમની મુદત પૂર્ણ થયે ડૉ. ભોળાભાઈ પટેલ પ્રમુખ થયા. અકાદમીની મુદત પૂરી થતાં પુનર્રચનાની કામગીરી હાથ ધરાઈ ને પૂર્ણ પણ થઈ; પરંતુ જાન્યુઆરી 2009ના અંત સુધી એ કામગીરી પછી અમલની ભૂમિકાએ આગળ વધી નથી.

હસુ યાજ્ઞિક