ગુજરાત સંશોધન મંડળ : ધર્મ સિવાયના વિવિધ વિષયો પર સંશોધન કરાવી લેખો, હેવાલો અને પુસ્તકો પ્રસિદ્ધ કરતી સંસ્થા. ગુજરાત રિસર્ચ સોસાયટી(ગુજરાત સંશોધન મંડળ)ની સ્થાપના મુંબઈમાં સન 1938ના વર્ષમાં સર મણિલાલ નાણાવટી, રમણલાલ સોમૈયા, પોપટલાલ ગો. શાહ, હરસિદ્ધભાઈ વ. દિવેટિયા વગેરે ગુજરાતીઓએ ગુજરાત પ્રાંતને લગતા ધર્મ સિવાયના અન્ય વિષયો ઉપર સંશોધન કરાવી પત્રિકાઓ, સંશોધન હેવાલો, પુસ્તકો તેમજ અંગ્રેજી-ગુજરાતી માધ્યમનું તત્વ-વિષયક લેખો આપતું ત્રૈમાસિક પ્રસિદ્ધ કરવા માટે કરી. શરૂમાં તો મુંબઈ યુનિવર્સિટીના એક ઓરડામાં એનું કાર્યાલય હતું. સમય જતાં ખારમાં 16મા રસ્તા નજીક એક પ્લૉટ ઉપર એક માળનું મકાન અને નાનો હૉલ બનાવડાવી ત્યાં પોતાની પ્રવૃત્તિ વિસ્તારી. પછીથી શિક્ષક-તાલીમ કૉલેજ પણ શરૂ કરી.

મુંબઈ ખાતે હ્યુમન ડેવલપમેન્ટ વિભાગ ખૂબ વિકાસ પામ્યો છે. મુંબઈની સંસ્થામાં સામાન્ય દરે મેડિકલ અને ફિઝિયૉથૅરાપી સેવા પૂરી પડાય છે. મંદબુદ્ધિનાં બાળકો માટે તાલીમ કેન્દ્ર ચલાવાય છે. વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસાર્થે ડૉ. માધુરીબહેન શાહે 1969માં મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાણ મેળવી કૉલેજ ઑવ્ એજ્યુકેશનની સ્થાપના કરેલી. બાળકો માટે ઇતર પ્રવૃત્તિ જેવી કે સ્કેટિંગ, ઇંગ્લિશ સ્પીકિંગ, પેઇન્ટિંગ મુંબઈ ખાતે ચલાવાય છે. જૂના મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતનાં રાજ્યો જુદાં પડતાં અમદાવાદમાં 12–3–61ના દિવસે ગુજરાત શાખા શરૂ કરવામાં આવી. અહીં શરૂમાં આરોગ્યનિદાન અને ભાષા-સંશોધનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. સાથે પૅથૉલૉજી લૅબોરેટરી પણ શરૂ થઈ. પ્રારંભમાં સાંકડી શેરી અને પછી ઝવેરીવાડમાં કાર્યાલય કામ કરતું રહ્યું. પછીથી પાલડીમાં ગુજરાત સરકાર તરફથી ઘરથાળની જમીન ભેટ મળતાં ત્યાં એના ઉપર સાત ઓરડા અને નાનો હૉલ ઉપરાંત ખુલ્લું પટાંગણ કરાવી ભાષા, સંશોધન, આરોગ્યનિદાન, પૅથૉલૉજી લૅબોરેટરી અને ઝવેરીવાડના કાર્યાલયમાં શરૂ કરેલું કુટુંબ-નિયોજનનું કાર્ય ચાલુ થયું. સમય જતાં હૃદયરોગ અટકાયત કેન્દ્ર શરૂ થયું અને થોડા સમય બાદ ‘ઍક્યુપંક્ચર’ સારવાર બાદ ઍક્યુપ્રેશરથી રોગ મટાડવાનું કાર્ય પણ ઉમેરાયું. એનાં અનેક પ્રકાશનોમાં ભીલી જાતિ વિશેના પો. ગો. શાહનાં પુસ્તક, એમનો વૈજ્ઞાનિક કોશ, કે. કા. શાસ્ત્રીની મહાભારતના બીજરૂપ ‘જયસંહિતા’ અને ‘ભારતસંહિતા’ (સંસ્કૃત મૂલમાત્ર), ‘જોડણી મીમાંસા’, ‘ભારતીય અમેરિકનો’, ‘વૃત્ત મંજરી’, ‘ભાવાંજલી’, ‘ગુજરાતી સાહિત્યના ઇતિહાસનાં મૂળ તત્વ’, ‘ભાણદાસના ગરબા’, A few notable articles, ‘મહાનિબંધ કે શોધગ્રંથનું માળખું એક અધ્યયન’ વગેરે અને આરોગ્ય વિશેની અનેક રોગોને લગતી પુસ્તિકાઓ નોંધપાત્ર છે.

હાલમાં ગુજરાત સંશોધન મંડળનું ત્રૈમાસિક ‘Journal of the Gujarat Research Society’ જે 1985ની સાલથી બંધ પડ્યું હતું તે સંસ્થાના માનદ ડિરેક્ટર ડૉ. ભારતીબહેન શેલતના માર્ગદર્શન હેઠળ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે. તેના બે અંકો 2007–2008ની સાલના પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આ પ્રવૃત્તિ ચાલુ છે. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીની બી.એ. તથા એમ.એ.ની ડિગ્રી માટે આ સંસ્થાને તેમના સેન્ટર ફૉર ડિસ્ટન્ટ એજ્યુકેશન દ્વારા માન્યતા આપવામાં આવી છે.

હાલમાં ગુજરાત સંશોધન મંડળના આરોગ્ય વિભાગમાં બાળકોને રસી મૂકવાનું કાર્ય તથા ફૅમિલી પ્લાનિંગના ઑપરેશન અંગેનું માર્ગદર્શન પૂરું પડાય છે. સંસ્થામાં દર્દીઓને તપાસી તેમને દવા, ગોળી વગેરે માત્ર રૂ. 5.00ના સામાન્ય દરથી અપાય છે. આ વિભાગમાં ડૉ. મીતાબહેન દાણી મેડિકલ ઑફિસર તરીકે કામગીરી બજાવે છે. ઍક્યુપ્રેશર વિભાગમાં દર્દીઓને કમરનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે માટે ઉપયોગી સારવાર ઉપલબ્ધ છે. લૅબોરેટરી વિભાગમાં પ્રેગ્નન્સી ટેસ્ટ, યુરિન તથા બ્લડની તપાસ કરી આપવામાં આવે છે. અત્રે કાર્ડિયૉગ્રામ પાડવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. જે દ્વારા હૃદયના દર્દીઓનું નિદાન ચોકસાઈપૂર્વક કરી શકાય છે. ગુજરાત રિસર્ચ સોસાયટીની કારોબારીમાં નીચેના સભ્યો છે :

(1)  ડૉ. નીતિનભાઈ શાહ (કાર્ડિયૉલૉજિસ્ટ)

(2) ડૉ. ભારતીબહેન શેલત

 

(3) કલ્યાણભાઈ શાહ

(4) ગૌરાંગભાઈ દિવેટિયા

(5) મયૂરભાઈ પરીખ

(6) કૃષ્ણકાન્ત કડકિયા

(7) ડૉ. કીર્તિ શેલત

(8) જગતભાઈ વિપ્લવભાઈ પટેલ

પ્રમુખ

માનદ નિયામક

(ભાષાવિભાગ)

ઉપ-પ્રમુખ

મંત્રીશ્રી

કોષાધ્યક્ષ

કારોબારી સભ્ય

કારોબારી સભ્ય

કારોબારી સભ્ય

ભારતી શેલત