ગુજરાત સાહિત્ય સભા : રણજિતરામ વાવાભાઈએ સ્થાપેલી સાહિત્યિક સંસ્થા. 1898માં ‘સોશિયલ ઍન્ડ લિટરરી ઍસોસિયેશન’ની અમદાવાદમાં સ્થાપના થઈ હતી. 1904ના એપ્રિલમાં મિત્રોના સહકારથી એ સંસ્થાનું નામ ‘ગુજરાત સાહિત્ય સભા’ રાખવામાં આવ્યું અને એનું બંધારણ નવેસરથી ઘડાયું. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ‘ગુજરાતી સાહિત્યનો બને એટલો બહોળો વિસ્તાર કરવો તેમજ બનતા પ્રયાસે તેને લોકપ્રિય કરવું’  એ હતો. રણજિતરામ માનતા હતા કે પ્રજાના જીવનઘડતર અને વિકાસમાં સાહિત્યે પ્રેરક અને પોષક બળ રૂપે યોગદાન આપવું જોઈએ અને આમજનતા સાહિત્ય પ્રત્યે આકર્ષાય એ જાતની પ્રવૃત્તિ થવી જોઈએ. આથી જ પૂર્વેની સંસ્થા દ્વારા કલાપી, અખો ને મીરાંની જયંતીઓ ઊજવાઈ તેના અનુસંધાનમાં ગુજરાત સાહિત્ય સભા દ્વારા નરસિંહ, દયારામ, ધીરો, નર્મદાશંકર, મણિલાલ, બાલાશંકર, ગોવર્ધનરામ, હરિલાલ ધ્રુવ વગેરેનાં જયંતી-વ્યાખ્યાનોનું આયોજન અમદાવાદમાં થયું હતું. એમણે વધુ ઘનિષ્ઠ કામ થાય તે માટે 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરી અને તેનું પહેલું અધિવેશન ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખસ્થાને અમદાવાદમાં ભર્યું. ગુજરાત સાહિત્ય સભાની પ્રવૃત્તિ અમદાવાદ પૂરતી સીમિત રહી. વ્યાખ્યાનમાળા સતત ચાલુ રહી. આ ઉપરાંત સાહિત્યપ્રકાશનની પ્રવૃત્તિ પણ શરૂ કરી. 1929માં સભાની રજતજયંતી ઊજવાઈ. તે સમયે રત્નમણિરાવ ભીમરાવકૃત ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’ એ ગ્રંથ પ્રગટ કર્યો. આ સમયથી રણજિતરામની સ્મૃતિમાં શ્રેષ્ઠ સાહિત્યકારને સુવર્ણચંદ્રક આપવાનું પણ નક્કી કર્યું. પ્રથમ સુવર્ણચંદ્રક ઝવેરચંદ મેઘાણીને લોકસાહિત્યના સંપાદન માટે પ્રદાન કરવામાં આવ્યો. એ ચંદ્રક આજ સુધી ઉત્કૃષ્ટ સાહિત્યસેવા બદલ લેખકોને પ્રતિવર્ષ અપાતો રહ્યો છે. આ અરસામાં વર્ષ દરમિયાન પ્રગટ થયેલાં પુસ્તકોની વાર્ષિક સમીક્ષા કરાવી તેને પ્રસિદ્ધ કરવાની પ્રવૃત્તિ પણ સાહિત્ય સભાએ ઉપાડી, જે આજદિન સુધી ચાલુ છે. ગુજરાત સાહિત્ય સભાએ સાહિત્ય અને ઇતિહાસને લગતા સંખ્યાબંધ ગ્રંથો પ્રગટ કર્યા છે. આ ઉપરાંત નરસિંહ મહેતાનાં પદો (હસ્તપ્રતને આધારે) અને ‘દયારામ રસધારા’ અને ‘દયારામ ગદ્યધારા’ના અનુક્રમે 7 અને 4 મળીને કુલ 11 ગ્રંથો દયારામની પ્રાપ્ય હોય ત્યાં એના હસ્તાક્ષરની પ્રતો, અને જ્યાં એની હસ્તપ્રતો પ્રાપ્ય ન હોય ત્યાં એના શિષ્યોની હસ્તપ્રતોને આધારે પ્રસિદ્ધ થયા છે.

આ સંસ્થાએ સાહિત્યેતર વિષયો વિશેની પરિષદો પણ યોજી છે. 1935માં શિક્ષણ સપ્તાહ, 1937માં રંગભૂમિ પરિષદ, 1944માં ઇતિહાસ સંમેલન, 1945માં ભારતીય વનૌષધિનું પ્રદર્શન, 1946માં મૂળશંકર મૂલાણી સન્માનસભા, અને તે સમયે મૂળશંકરનાં નાટકોમાંથી ર્દશ્યોની જૂની રંગભૂમિના પ્રસિદ્ધ નટો દ્વારા ભજવણી; જયશંકર સુંદરીનું જાહેર વ્યાખ્યાન (સાભિનય), 1950–51માં ગુજરાતની સીમાઓ વિશે પ્રમાણભૂત નિર્ણય લેવા પરિષદ – એમ આ સંસ્થા સાહિત્ય ઉપરાંત ગુજરાતની અનેકવિધ સંસ્કારી પ્રવૃત્તિઓ કરતી રહી છે.

રણજિતરામના અવસાન પછી સભાના સંચાલનની પૂરી જવાબદારી સભાના મંત્રી ચૈતન્યપ્રસાદ દીવાનજીએ ઉપાડીને સભાની પ્રવૃત્તિને વેગ આપ્યો હતો. બીજા બે મંત્રીઓ કે. કા. શાસ્ત્રી તથા ધીરજલાલ ધનજીભાઈ શાહે પણ દીવાનજીના અવસાન પછી સભાને જીવંત રાખી. પછી પ્રો. અનંતરાય રાવળ સભાના પ્રમુખ હતા. તેમના અવસાન પછી કે. કા. શાસ્ત્રી પ્રમુખ થયા તે પછી શ્રી મધુસૂદન પારેખ પ્રમુખ થયા. અત્યારે શ્રી કુમારપાળ દેસાઈ પ્રમુખપદ સંભાળે છે. રણજિતરામ સુવર્ણચંદ્રક-પ્રદાન, વાર્ષિક સમીક્ષા તથા ગ્રંથ પ્રકાશનો અને વ્યાખ્યાનોની પ્રવૃત્તિ ચાલતી રહી છે.

કે. કા. શાસ્ત્રી