ખંડવા : મધ્યપ્રદેશના પૂર્વ નિમાડ જિલ્લાનું વહીવટી મથક તથા જિલ્લો. ભૌગોલિક સ્થાન : 21o 50´ ઉ.અ. અને 76o 20´ પૂ.રે. અગાઉ આ જિલ્લો ખંડવા જિલ્લા તરીકે ઓળખાતો હતો. ખંડવાની પૂર્વમાં ઇટારસી, વાયવ્યે મહેશ્વર અને ઇંદોર, દક્ષિણે અકોલા અને નૈર્ઋત્યે ભુસાવળ અને જળગાંવ આવેલાં છે. આમ તે ઉત્તર ભારતથી દક્ષિણ તરફ જવાના માર્ગ ઉપર આવેલું છે. રેલમાર્ગે તથા ભૂમિમાર્ગે ઉપર દર્શાવેલાં શહેરો સાથે જોડાયું છે. ઇમારતી લાકડું અને અનાજના વેપારનું તે મહત્વનું મથક છે. ખંડવાની ઘઉંની જાત પ્રખ્યાત છે. અહીં તેલની મિલો, જિન-પ્રેસ અને લાકડું વહેરવાની મિલો છે. રેશમ ઉછેરવાનું સંશોધનકેન્દ્ર અને સાગર યુનિવર્સિટી સંલગ્ન ત્રણ કૉલેજો પણ છે. ગ્રીક ભૂગોળવેત્તા ટૉલેમીએ આ સ્થળને કોગ્નાબંડા તરીકે ઓળખાવ્યું છે. પુરાણો પ્રમાણે આ સ્થળ ખાંડવવન વચ્ચે આવેલું હતું. અર્જુને ખાંડવવન બાળ્યું હતું. બારમી સદી દરમિયાન તે જૈન ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું. વસ્તી આશરે 14,65,106 (2022).

શિવપ્રસાદ રાજગોર