ખંડહર : રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી થયેલી હિંદી ફિલ્મ. પ્રેમેન્દ્ર મિત્ર દ્વારા લિખિત કથા પર આધારિત. નિર્માણવર્ષ : 1984. નિર્માતા, દિગ્દર્શક અને પટકથાલેખક : મૃણાલ સેન. પ્રમુખ ભૂમિકા : શબાના આઝમી, નસિરુદ્દીન શાહ, ગીતા સેન, પંકજ કપૂર, અન્નુ કપૂર, શ્રીલા મજમુદાર અને રાજેન તરફદાર.

‘ખંડહર’ ચલચિત્રનું ર્દશ્ય

ચલચિત્રક્ષેત્રે ત્રણ દાયકાથી નાનીમોટી કુલ 29 ફિલ્મોનું સર્જન કરનાર મૃણાલ સેનની આ એક વધુ સફળ ફિલ્મ ગણાય. પ્રેક્ષકોને એકાએક વિસ્મયમાં ગરકાવ કરી દેવાની તેમની કુશળતાનો પરિચય આ ચલચિત્ર કરાવે છે. ‘મૃગયા’ જેવા તેમના સર્જનમાં રાજકારણનો ધ્વનિ વધુ ઉત્કટતાથી સંભળાયો, તેની સરખામણીમાં આ ચલચિત્રમાં તેને એકદમ મંદ અને ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે.

જંગલમાં વેરાન અને ઉજ્જડ સ્થળે એક જમાનાના આલીશાન મહાલયમાં શહેરના ત્રણ મિત્રો રજા ગાળવા આવે છે. ખંડેરમાં હાલ વસતાં માતા અને પુત્રીના પરિચયમાં આવતાં તે ત્રણમાંથી એક મિત્ર પુત્રી પ્રત્યે આકર્ષાય છે. ગરીબાઈમાં કારમા દિવસો પસાર કરતાં માતા અને પુત્રીમાંથી માતા બીમાર અને અશક્ત છે, જેની એકમાત્ર ઝંખના તેનો ભત્રીજો પાછો આવી પુત્રી સાથે લગ્ન કરશે અને તેમને તેમની વિટંબણાઓમાંથી મુક્ત કરશે એટલી જ છે; પરંતુ પુત્રી પ્રત્યે આકર્ષાયેલો યુવાન એક જૂઠાણું ઘડી કાઢી માતા જેની ઉત્કંઠાથી રાહ જોઈ રહી છે તે ભત્રીજો પોતે જ છે એવું નાટક કરવા મજબૂર બને છે.

ભારતીય ચલચિત્રજગતના સુવિખ્યાત કલાકારો શબાના આઝમી અને નસિરુદ્દીન શાહ સાથે મૃણાલ સેનનાં પત્ની ગીતા સેને પણ આ ચલચિત્રમાં માતાની ભૂમિકામાં ધ્યાન ખેંચે તેવો અભિનય કર્યો છે.

આ ચલચિત્ર ફ્રાન્સ, મ્યૂનિક, લા રૉશેલ, લોકાર્નો, લૉસ ઍન્જલસ, મૉન્ટ્રિયલ, ટૉરંટો, લંડન અને મુંબઈ ખાતે યોજાયેલ ફિલ્મ-મહોત્સવમાં સફળતાપૂર્વક રજૂઆત પામ્યું હતું.

પીયૂષ વ્યાસ