ઊડિયા ભાષા અને સાહિત્ય
ઊડિયા ભારતની પ્રાચીન ભાષાઓમાંની એક છે. ભારતીય આર્યકુળની આ ભાષા માગધી પ્રાકૃત પરથી ઊતરી આવેલી છે. ઓરિસા ઉપરાંત બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ અને આંધ્રના કેટલાક વિસ્તારોમાં આ ભાષા અત્યારે આશરે ત્રણ કરોડ જેટલા લોકો બોલે છે.
ભરતનું ‘નાટ્યશાસ્ત્ર’ (ઈ. પૂ. બીજી સદી) અને માર્કંડેયનું ‘પ્રાકૃતસર્વસ્વ’ જેવા ભારતના પ્રાચીન ગ્રંથો દ્વારા ઔડ્ર ભાષા અને ઔડ્ર જાતિ વિશે માહિતી પ્રાપ્ત થઈ છે. ક્યારેક કલિંગ અને ઉત્કલ તરીકે ઓળખાતા આ પ્રાચીન પ્રદેશમાં વસતા લોકોની મૂળ ભાષા ઔડ્ર હોવાનું જણાય છે. મહાભારત, સ્કંદપુરાણ અને કાલિદાસના ‘રઘુવંશ’ જેવા સંસ્કૃત ગ્રંથોમાં પણ કલિંગ, ઉત્કલ અને ઔડ્ર દેશ જેવા ઉલ્લેખો મળે છે. ભરતના મત પ્રમાણે આદિવાસી ભાષાઓના સંસ્કૃત સાથેના સંસર્ગથી ઉદભવેલી સાત વિભાષાઓ એટલે બોલીઓમાંની એક ઊડિયા છે. માર્કંડેયના પ્રાકૃત વ્યાકરણ ‘પ્રાકૃતસર્વસ્વ’ પ્રમાણે ઊડિયા ચાર પ્રકારની પ્રાકૃતોમાંની એક છે. આમ છતાં ઈ. સ.ની આઠમી અને નવમી સદી દરમિયાન પ્રાકૃતમાંથી અપભ્રંશ દ્વારા ઊડિયા ભાષા ઊતરી આવ્યાનું જણાય છે. બૌદ્ધ સાધુ-કવિઓએ અપભ્રંશ ભાષામાં લખેલી લઘુ ઊર્મિપ્રધાન રચનાઓનો સમૂહ ‘બૌદ્ધગાન અને દોહા’ તેનું સમર્થન કરે છે.
ઊડિયા ભાષાને વ્યવસ્થિત અને સમૃદ્ધ કરવામાં દ્રાવિડી અને આદિવાસી ભાષાઓનો ફાળો પણ નોંધપાત્ર છે. પર્વતો અને ગીચ જંગલોવાળા ઓરિસાના દક્ષિણ-પશ્ચિમ વિભાગમાં આજે પણ સૌરાકોન્ડ, ભૂનિયા, પરજા, સાન્તાલ, ખારિયા, જુઆંગ, મુંડા, ગદબા જેવી આદિવાસી જાતિઓ વસે છે. સમય જતાં આદિવાસી ભાષાઓ અને આસપાસના પ્રદેશમાં બોલાતી તેલુગુ અને તમિળ ભાષાઓના શબ્દો ઊડિયા ભાષામાં ભળી ગયા. આદિવાસી અને દ્રાવિડી અસરો ઉપરાંત ભિન્ન ભિન્ન સ્રોતોમાંથી શબ્દો સ્વીકાર્ય હોવા છતાં ઊડિયા ભાષાના 70 % જેટલા શબ્દો આજે પણ સંસ્કૃત ભાષામાંથી સીધા તત્સમ કે તદભવ સ્વરૂપે જોવા મળે છે.
આર્યોનો પ્રભાવ ઈસુની આઠમી સદીથી આ પ્રદેશ ઉપર સુર્દઢ થયાનું મનાય છે. એસ. કે. ચૅટરજીના મત મુજબ આજના ઊડિયા ભાષકોના પૂર્વજો એટલે ઔડ્ર ઈસુની સાતમી સદી સુધી આર્યો સાથે એકરૂપ નહોતા થયા. હ્યુ-અન-સ્વાંગ તેનું સમર્થન કરે છે. પૂર્વની માગધી પ્રાકૃતમાંથી વ્યુત્પન્ન થયેલી હોવાથી ઊડિયા બંગાળી અને અસમિયા ભાષાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. ઊડિયા, બંગાળી અને અસમિયા ત્રણ ભાષાઓમાં ઊડિયા વ્યાકરણ અને ઉચ્ચારણનાં કેટલાક પ્રાચીન સ્વરૂપો ધરાવતી હોવાથી ભાષાવૈજ્ઞાનિક સત્યનો વિપર્યાસ કર્યા સિવાય એમ કહી શકાય કે ભાષાની પ્રાચીનતાને લક્ષમાં લેતાં ઊડિયા ઉપરની ત્રણ ભગિની-ભાષાઓમાં સૌથી વધુ પ્રાચીન છે.
ઊડિયા લિપિ બંગાળી અને અસમિયા લિપિથી ભિન્ન છે. તે ત્રિકોણીય નથી પરંતુ વર્તુળાકાર છે. તાડપત્રો પર તે લખાતી. આંધ્રપ્રદેશમાં આવેલા સિકાકુલમ જિલ્લામાંથી મળી આવેલ ઈ. સ. 1015નો શિલાલેખ જૂનામાં જૂનો છે.
ઊડિયા શબ્દોમાં દીર્ઘસ્વરનું ઉચ્ચારણ પૂરા ભાર સાથે થતું નથી. વ્યંજનાન્તક ઉચ્ચારણ ભાગ્યે જ થતું હોય છે. બોલાય છે તેવી જ રીતે લખાય છે. ડૉ. ચૅટરજીના મત મુજબ શબ્દના મધ્યમાં અને અંતે આવતા સ્વરો (જે સામાન્ય રીતે બંગાળી અને અન્ય ભાષાઓમાં હોતા નથી.) ઊડિયાને સંગીતમય બનાવે છે, તે એની પ્રાચીન લાક્ષણિકતા છે. ભારતની સર્વ ભાષાઓમાં ઊડિયા મૂળ સંસ્કૃત સાથે વધુ નિકટનો સંબંધ ધરાવે છે.
ઊડિયા ભાષાની વાક્યરચનામાં નામના લિંગ પ્રમાણે ક્રિયાપદનું રૂપ બદલાતું નથી. ઓરિસા લગભગ દોઢસો વર્ષ સુધી મુસ્લિમ અમલ તળે હોવા છતાં અઢારમી સદીના અંતભાગ સુધી ઊડિયા ભાષા ફારસી-અરબીની અસરથી મુક્ત હતી.
જ્યૉર્જ ગ્રિયર્સનના મત મુજબ આ ભાષા બોલીભેદો ધરાવતી નથી; તેમ છતાં પશ્ચિમ ઓરિસાનો સાંબલપુર જિલ્લો અને તેની આસપાસનો વિસ્તાર ઉપરાંત બાલસોર અને ગંજમ જિલ્લાઓમાં બોલાતી ભાષાના તફાવતો ખૂબ જ સ્પષ્ટ હોવાથી તેમનાં નામ અનુક્રમે સંબલપુરી, બાલાસોરી અને ગંજમી છે.
અંધકાર યુગ : અગાઉ ઉલ્લેખાયેલા ‘બોધગાન ઓ દોહા’ના અપભ્રંશ ભાષામાં લખાયેલાં લઘુકાવ્યોથી ઊડિયા સાહિત્યનો પ્રારંભ દર્શાવી શકાય. નવમી અને દશમી સદીના કાન્હુ પા, લૂઈ પા અને સાબેરી પા – એ ત્રણ મુખ્ય બૌદ્ધ સાધુ કવિઓએ બૌદ્ધ તત્વજ્ઞાનની વજ્રાજના અને સહજાજના સિદ્ધાંતોની તાત્વિક વિચારણાનું આલેખન કર્યું છે. તેમ છતાં દશમાથી પંદરમા સૈકા સુધીના ઊડિયા સાહિત્યના ક્રમિક વિકાસને આલેખવા સારુ પૂરતી સાહિત્યિક માહિતી ઉપલબ્ધ નથી. આ સમય દરમિયાન બૌદ્ધ ધર્મની પડતી થઈ અને ઓરિસામાં શૈવ ધર્મ, શક્તિ સંપ્રદાય અને વૈષ્ણવ ધર્મનો વ્યાપક પ્રચાર થયો. લોકોમાં સંસ્કૃતને બદલે લોકભાષામાં સાહિત્યસર્જન માટેનો ઉત્સાહ વર્તાતો હતો. આ સંદર્ભમાં લોકમુખે સચવાયેલા ઊડિયા લોકસાહિત્ય વિશે થોડું કહી શકાય.
પરંપરાગત ‘યોગી-ગીતો’ (ભિક્ષુઓનાં ગીતો); કાંદણા (કન્યાનાં વિવાહ-ગીતો); બાલનાટ્ય-ગીતો; કુમાર પૂર્ણિમા, રાજા, કર્મા, દન્ડા, દાલખાઈ, મૈલા જોડ, જામુદાલી, કૃષિગીતો અને અન્ય વિશિષ્ટ પ્રસંગો સાથે સંકળાયેલાં ગીતો ઊડિયા લોકસાહિત્યની સમૃદ્ધિ દર્શાવે છે. ઉત્સવ પ્રસંગે વંચાતાં અને મુખપાઠ કરાતાં ઓરિસાના સ્થાનિક દેવતાઓની સ્તુતિનાં ગીતો અને વાર્તાઓ તથા વ્રતકથાઓ ઊડિયા લોકસાહિત્યનો બીજો સમૃદ્ધ ખજાનો છે. સખીનટ, ગોપલીલા, સ્વાંગ, મુઘલતમાશા, કૃષ્ણલીલા, રામલીલા વગેરે ઓરિસાનાં લોકનાટ્યો છે. લોકનાટ્યોનો એ પ્રકાર પાલા સમૂહમાં ભજવાય છે. તેમાં નૃત્ય અને પદ્યવૃત્તાંતનું મિશ્રણ હોય છે.
ઊડિયા સાહિત્યનો પ્રારંભકાળ
ઊડિયા સાહિત્યના વ્યાસ કહેવાતા સારળાદાસના પંદરમી સદીના મધ્યભાગમાં થયેલા આકસ્મિક આગમનથી ઊડિયા સાહિત્યનો પ્રારંભ ગણાય છે. તેમણે સંસ્કૃત મહાભારતની વાર્તાની મૂળભૂત રૂપરેખાનો નવીન અને મૌલિક રીતે ઉપયોગ કરી ઊડિયામાં ‘દાંડિ મહાભારત’ તરીકે લોકપ્રિય કૃતિ આપી. અઢાર ભાગના આ અનન્ય સાહિત્યસર્જનથી હકીકતમાં ભાષાનો પાયો સુર્દઢ બન્યો અને તેની પ્રતિષ્ઠા વધી. મહાભારતની પૌરાણિક કથાને શુદ્ધ અને તળપદી ભાષામાં આલેખતાં કવિએ ઘણી કલાત્મક રીતે અગત્યનાં સ્થળો, દેવદેવીઓ તેમજ ઓરિસાની સમકાલીન ઘટનાઓને આ કૃતિમાં વણી લીધાં છે. ‘મહાભારત ચંડી પુરાણ’ અને ‘વલિંકા રામાયણ’ જેવી બીજી બે રચનાઓમાં રજૂ થયેલી કથાઓ અને ઉપકથાઓ પછી આવનાર કવિઓના સર્જન માટે પૂરતી સામગ્રી પૂરી પાડે છે. આ કારણથી ઊડિયા સાહિત્યના પ્રારંભના તબક્કાને યોગ્ય રીતે સારળા યુગ એવું નામ અપાયું છે.
પાંચ સંત કવિઓનો યુગ : ખાસ કરીને ભગવાન જગન્નાથના સ્થળ પુરી અથવા શ્રી-ક્ષેત્રને લીધે જૂના સમયથી ઓરિસા એક પવિત્ર સ્થળ ગણાયું છે અને ભારતના જુદા જુદા ભાગોમાંથી લગભગ બધા જ ધર્મપ્રવર્તકોને પોતાના ધર્મના પ્રચાર અર્થે આકર્ષતું રહ્યું છે. વૈષ્ણવ સંપ્રદાયના રામાનુજ અને રામાનંદ જેવા પ્રખ્યાત ઉપદેશકોએ પુરીમાં આવીને પોતાના ધર્મનો પ્રચાર કર્યો છે. 1501માં શ્રી ચૈતન્યે પણ પોતાના જીવનના અંતિમ સમયનાં અઢાર વર્ષનો (1510-1529) દીર્ઘ સમય ત્યાં વિતાવીને પ્રેમભક્તિ સંપ્રદાયનો ઉપદેશ આપ્યો હતો. આ સમય દરમિયાન તેમજ પછીનાં થોડાં વર્ષોમાં ઓરિસાના ‘પંચસખા’ તરીકે ઓળખાતા પાંચ સંત કવિઓ (તે બલરામ, જગન્નાથ, અચ્યુતાનંદ, અનંત અને યશોવંત) સારી પ્રસિદ્ધિ પામ્યા હતા. ઊડિયા સાહિત્યમાં આ પાંચ કવિઓનું પ્રદાન વિપુલ છે. તેમની સ્વતંત્ર રચનાઓ ઉપરાંત અખિલ ભારતીય સંસ્કૃતિના પાયારૂપ અગત્યના કેટલાક સંસ્કૃત ગ્રંથો ઊડિયામાં તેમણે અનૂદિત કરેલા છે. જગન્નાથ દાસનું શ્રીમદ્ ભાગવત અને બલરામ દાસની ભગવદગીતા પ્રસિદ્ધ છે. ભાગવતની ભાવપૂર્વક પૂજા થાય છે અને દરેક ઘરમાં લગભગ રોજ તે વંચાય છે. બલરામ દાસે સંસ્કૃત રામાયણના આધારે ઊડિયામાં જગમોહન રામાયણ તરીકે પ્રસિદ્ધ રામાયણની રચના કરી હતી. અચ્યુતાનંદકૃત ‘હરિવંશ’ પણ લોકપ્રિય છે. આ સંત-કવિઓનાં જનસમુદાયમાં જ્ઞાન-ભજન તરીકે જાણીતાં ભક્તિપ્રધાન ઊર્મિગીતો અત્યંત લોકપ્રિય બનેલાં. ઊડિયા સાહિત્યનો સોળમો સૈકો વિશેષ રીતે ભક્તિયુગ અથવા પંચસખા યુગ તરીકે જાણીતો છે. આ સમયગાળામાં ચૌતિસા અને કોઈલિ નામનાં લઘુકાવ્યો અને ઊર્મિગીતો રચાયાં હતાં. સમય જતાં આ કાવ્યસ્વરૂપોની લોકપ્રિયતા વધી અને તેમને સંગીતપ્રધાન બનાવવાની છંદની અનેક પ્રયુક્તિઓ અજમાવવામાં આવી. ઊડિયા સાહિત્યના પ્રાચીન અને મધ્યકાલીન સમયના બધા જ કવિઓએ ચૌતિસા લખવાના પ્રયત્નો કર્યા છે. અનેક કથાવસ્તુવાળા અને ભિન્ન ભિન્ન છંદોમાં લખાયેલા મોટી સંખ્યાના ચૌતિસા મધ્યકાલીન ઊડિયા સાહિત્યનું વિશિષ્ટ લક્ષણ છે.
સત્તરમા સૈકાના અંતભાગમાં ધર્મપ્રધાન સાહિત્યના પ્રવાહમાં પરિવર્તન આવ્યું. કલ્પનોત્થ રંગદર્શી કાવ્યો અને પૌરાણિક કથાઓનાં ઊર્મિગીતો રચાવા લાગ્યાં. પૌરાણિક કથાઓના આધાર પર કલાત્મક રચનાવાળાં કાવ્યોનું સર્જન થયું. કાર્તિક દાસનું ‘રુક્મિણીવિવાહ’; અર્જુન દાસનાં ‘રામવિવાહ’ અને ‘કલ્પલતા’; પ્રતાપરાયનું ‘શશિસેન’ અને શિશુશંકર દાસનું ‘ઉષાવિલાસ’ તેનાં ઉત્તમ ઉદાહરણો છે.
રીતિકાવ્ય અને ઉપેન્દ્રભંજનો યુગ : ઊડિયા સાહિત્યના મધ્યકાળના અંતિમ ભાગ તરીકે ઓળખાતો સત્તરમો સૈકો આલંકારિક કાવ્યોથી ભરપૂર છે. અખિલ ભારતીય સાહિત્યમાં પણ જેની અસર વરતાય છે તે રીતિ સંપ્રદાયનો એ એક પરિપાક છે. એકંદરે આ સમયમાં કાવ્યવિષયો સીમિત હતા. કવિઓ મુખ્યત્વે રૂપપ્રધાન પરંપરાને આધીન હતા અને કાવ્યસર્જન પરત્વે નવી દિશા દર્શાવવા અશક્ત હતા. કાવ્યવિષય તરીકે માનુષી અને દિવ્યપ્રેમના રૂપકાત્મક આલેખનમાં મુગ્ધ એવા આ કવિઓની કવિત્વશક્તિ શૈલીપ્રધાન રચનાઓમાં રાચતી. આમ છતાં અલંકૃત કાવ્યરચનાઓમાં ઊડિયા કવિઓની અભિવ્યક્તિ અત્યંત સુંદર અને કૌશલ્યપૂર્ણ છે એમ નિ:શંક કહી શકાય.
ઓરિસાની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ બદલાતાં સર્જકોએ સ્વરૂપ અને વસ્તુની ર્દષ્ટિએ તદ્દન ભિન્ન રચનાઓ પ્રયોજી. 1568 સુધી ઓરિસા સ્થાનિક રાજાઓની સત્તા નીચે સ્વતંત્ર રાજ્ય તરીકે સમૃદ્ધ થયું; પરંતુ ત્યારબાદ સ્વતંત્રતા નષ્ટ થતાં ભય અને જુલ્મથી લોકો ત્રસ્ત બન્યા. સમગ્ર પ્રદેશમાં સામાજિક અવ્યવસ્થા અને અસલામતી વ્યાપ્યાં. તે સમયના ઓરિસાના પઠાણ, મુઘલ અને મરાઠા જેવા શાસકો ધન લૂંટીને પોતાના વતનમાં પાછા ફરી જતા. પ્રદેશ કે લોકો સાથે સાંસ્કૃતિક સંબંધ બાંધવામાં એમને કશો રસ નહોતો, તેમ છતાં પઠાણ અને મુઘલ શાસકોની ભભકદાર રાજાશાહીએ ઓરિસાના સામંતો અને જાગીરદારો પર પ્રભાવ પાડ્યો. પરિણામે ધીમે ધીમે વીરતા અને સ્ત્રીદાક્ષિણ્ય ભૂલીને તેઓ આળસુ ને વિલાસી બન્યા. આ સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભમાં રીતિયુગની આલંકારિક કવિતા રચાઈ હતી.
‘પ્રેમલોચના’, ‘કલાવતી’ અને ‘લીલાવતી’ના લેખક વિષ્ણુ દાસ; ‘પરિમલ’ના લેખક નરસિંહ સેન અને ‘ચટા ઇચ્છાવતી’ના લેખક વનમાલી દાસ જેવા કવિઓએ રંગદર્શી કવિતાનો પાયો નાખ્યો હતો. આ ગાળામાં જે ગણ્યાગાંઠ્યા શાસકો સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા તે સંસ્કૃતના મોટા વિદ્વાનો હતા. તેમાં નોંધપાત્ર ધનંજય ભંજ, રઘુનાથ રાજ, હરિચંદન, ઉપેન્દ્ર ભંજ વગેરે હતા. રાજકુમાર અને રાજકુમારીના પ્રણયના કાલ્પનિક અને રંગદર્શી કાવ્યો રચનાર તે મુખ્ય હતા. અલંકાર પ્રાચુર્ય શબ્દ ચાતુરી, વક્રોક્તિ, ઉપમા, રૂપક, પુનરુક્તિ, શ્લેષ, અતિશયોક્તિ જેવા અનેક અલંકારો પણ તે વાપરતા. ઉપેન્દ્ર ભંજની રચનાઓ આનું ઉત્તમ ર્દષ્ટાંત છે. ઊડિયા સાહિત્યના ઇતિહાસમાં આ સમયને આલંકારિક કાવ્યનો સમય અથવા ઉપેન્દ્ર ભંજ યુગ કહેવામાં આવ્યો છે. ‘લાવણ્યવતી’, ‘કોટિ બ્રહ્માંડસુંદરી’, ‘રસિક હારાવલિ’, ‘પ્રેમસુધાનિધિ’, ‘સુભદ્રા પરિણય’ અને ‘વૈદેહીશવિલાસ’ જેવી રચનાઓ ઉત્કૃષ્ટ આલંકારિક રચનાઓના શિષ્ટ નમૂના છે.
આ કવિઓએ પોતાની કૃતિઓને સંગીતપ્રધાન બનાવવા સારુ વિભિન્ન છંદો ઉપરાંત નવીન છંદોના પ્રયોગો કર્યા. સૌથી વધુ છંદોનો ઉપયોગ થયેલો છે તે હકીકત મધ્યકાલીન ઊડિયા સાહિત્યના ગૌરવરૂપ છે. ‘ચૌપદી’ તરીકે ઓળખાતાં રાગ અને તાલયુક્ત હજારો લઘુ ઊર્મિકાવ્યો અને ગીતો આ સમયમાં રચાયાં અને તેથી ઊડિયા સાહિત્ય સમૃદ્ધ અને મનોહર બન્યું. ધનંજય ભંજ, ઉપેન્દ્ર ભંજ, વનમાલી દાસ, કવિસૂર્ય બળદેવ રથ, ગોપાલ કૃષ્ણ પટ્ટનાયક, ગૌર ચરણ અધિકારી, ગૌર હરિ પરિજા, રામકૃષ્ણ પટ્ટનાયક વગેરે કવિઓએ લખેલાં શ્રીકૃષ્ણ-રાધાના દિવ્ય પ્રેમનાં અને વિરહનાં ગીતો ઊડિયા ઊર્મિકોમાં અમૂલ્ય રત્ન જેવાં છે.
આ સમયમાં કવિઓએ વાપરેલાં સોદસા, બોલી, પોઈ, પાડિઆ, ચંપૂ જેવાં કાવ્યસ્વરૂપો પણ લોકપ્રિય બન્યાં હતાં. રંગદર્શી અને આલંકારિક રચનાઓની સાથે સાથે અનેક ભક્તિપ્રધાન ઊર્મિગીતો પણ રચાયાં હતાં. તેમાંનાં મોટાભાગનાં જગન્નાથની પ્રશસ્તિ રૂપે હતાં. હજુ પણ વૈષ્ણવ ધર્મનું વર્ચસ્ ચાલુ હતું. મધ્યયુગના વૈષ્ણવ કવિઓમાં ‘પ્રેમપંચામૃત’ના કર્તા ભૂપતિ પંડિત, ‘રાસકલ્લોલ’ના કર્તા દીનકૃષ્ણ દાસ, ‘વિદિગ્ધ ચિંતામણિ’ના કર્તા અભિમન્યુ સામંત શિંગાર, ‘મથુરામંગલા’ના કર્તા ભક્તચંદ્ર દાસ એટલા મુખ્ય છે. ઓગણીસમી સદીના અંતભાગમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો ત્યાં સુધી આ પ્રવાહ ચાલુ રહ્યો.
ઊડિયા સાહિત્યના પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં લખાયેલ અલ્પ ગદ્ય-સાહિત્યનો પણ અત્રે ઉલ્લેખ કરવો જોઈએ. સોળમા સૈકામાં લખાયેલ નારાયણ અવધૂત સ્વામીનું ‘રુદ્રસુધાનિધિ’ કાવ્યાત્મક ગદ્યવાળી જૂનામાં જૂની રચના છે.
સોમનાથ વ્રતકથા, નાગલ ચૌથી વ્રતકથા વગેરે સ્થાનિક દેવદેવીઓની પ્રશસ્તિરૂપ છે. સ્ત્રીઓ એ ધાર્મિક વ્રતો પાળતી. જગન્નાથ મંદિરની તવારીખ અને બ્રજનાથ બડેજનાનો (1730-1800) વાર્તાસંગ્રહ પણ પ્રાચીન ઊડિયા ગદ્યના સુંદર નમૂનાઓ છે.
આધુનિક યુગ : 1803માં ઓરિસા બ્રિટિશ સત્તા નીચે આવ્યું. ત્યારબાદ અનેક કારણોને લીધે ઓરિસામાં અંગ્રેજી શિક્ષણ અડધી સદી સુધી શરૂ નહોતું થયું. તેમ છતાં ખ્રિસ્તી પાદરીઓના પ્રયત્નોથી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સ્થપાઈ હતી. છાપખાનાં, માસિકોનું પ્રકાશન, શબ્દકોશ વગેરે ઉપરાંત ઓરિસામાં શાળાના વિદ્યાર્થીઓનાં પાઠ્યપુસ્તક તૈયાર કરવામાં તેમનો મુખ્ય ફાળો હતો. અંગ્રેજી શિક્ષણના પ્રચાર અને અંગ્રેજી સાહિત્યના સંપર્કને લીધે ઊડિયા સાહિત્યમાં નૂતન પરિવર્તન આવ્યું. ઓગણીસમી સદીના છેલ્લા ત્રણ દાયકામાં અભિનવ શિક્ષણ અને સંસ્કૃતિના પરિપાક રૂપે ફકીરમોહન સેનાપતિ (1843-1918), રાધાનાથ રાય (1848-1908) અને મધુસૂદન રાવ (1853-1912) આ નૂતન યુગના ઘડવૈયા બન્યા. સાહિત્યની અનેકવિધ ક્ષિતિજો વિસ્તરી. ગદ્ય, નિબંધ, નવલકથા, ટૂંકી વાર્તા, નાટક જેવાં નવાં સાહિત્યસ્વરૂપો અસ્તિત્વમાં આવ્યાં. સાહિત્યમાં ગદ્યનું પ્રાધાન્ય સ્થપાયું. ઓગણીસમી સદીના અંતભાગમાં ભારતીય જીવન અને સાહિત્યમાં વ્યાપેલી રાષ્ટ્રવાદની ચેતનાનો ભિન્ન ભિન્ન કલાસ્વરૂપોમાં પડઘો જોવા મળ્યો. અર્વાચીન ઊડિયા સાહિત્યની ત્રિપુટી તરીકે જાણીતા અગ્રણી લેખકો રાધાનાથ, મધુસૂદન અને ફકીરમોહને સાહિત્યના ત્રણ મુખ્ય પ્રકારો – અનુક્રમે કવિતા, નિબંધ અને નવલકથામાં સ્વરૂપ, કલાકૌશલ્ય અને વિષયવસ્તુની બાબતમાં નવીનતાનો પ્રારંભ કર્યો. રાધાનાથનાં કથાકાવ્યો અથવા કાવ્યો, મધુસૂદનની ઊર્મિકવિતા અને ગદ્યનિબંધો અને ફકીરમોહનની નવલો અને ટૂંકી વાર્તાઓએ નવી ક્ષિતિજો ઉઘાડી આપી અને રાષ્ટ્રીય જાગૃતિ જેવી અનેક સંવેદનાઓથી ઊડિયા સાહિત્યને સમૃદ્ધ કર્યું.
કથાકાવ્યો અને ઊર્મિકાવ્યો : રાધાનાથે પ્રયોજેલ નવીન વિષયવસ્તુ, ઊર્મિવૈવિધ્ય, મનોભાવની ઉત્કટ અભિવ્યક્તિ શુદ્ધ ભાષા અને અભિનવ કાવ્યશૈલી વગેરેથી ઊડિયા કવિતામાં ક્રાન્તિકારી પરિવર્તન આવ્યું. તેમનાં લખાણોમાં ઓરિસા અને ભારતની પ્રાચીન ભવ્યતા સાથે ઓરિસાના પ્રાકૃતિક સૌંદર્યનું જીવંત ચિત્ર ઊપસે છે. તેમણે શૈલી અને આલંકારિકતાની અતિશયતામાંથી મધ્યકાલીન કવિતાને મુક્ત કરીને તેને વધુ સરળ અને સાદી બનાવી. તેમની રચનાઓમાં ‘કેદાર ગૌરી’, ‘ચંદ્રભાગા’, ‘નંદિકેશ્વરી’, ‘ઉષા-પાર્વતી’, ‘ચિલિકા’, ‘મો જાત્રા’, ‘જગતિકેસર’ અને ‘દરબાર’ ખાસ ઉલ્લેખનીય છે.
અંગ્રેજી સાહિત્યમાંથી લીધેલાં સાહિત્યસ્વરૂપો સૉનેટ, કરુણપ્રશસ્તિ, ઓડ વગેરેમાં નવી શૈલીની રચનાઓ કરીને મધુસૂદને યુગપ્રવર્તક પરિવર્તન આણ્યું. તેમણે પ્રકૃતિ, રાષ્ટ્રપ્રેમ, મૈત્રી અને આધ્યાત્મિક અનુભવોને કાવ્યવિષય બનાવીને ઊડિયા કવિતાની ક્ષિતિજો વિસ્તારી. તે જ યુગના અન્ય કવિ ગંગાધર મેહેરે (1862-1924) કવિતાની જૂની અને નવી શૈલીની સમતુલા જાળવી. તેમની કૃતિઓ ‘તપસ્વિની’, ‘પ્રણયવલ્લરી’ અને ‘કીચક વધ’ તેના રચના-કૌશલ્યના સુંદર નમૂના છે.
નંદકિશોર બળે (1875-1928) ગ્રામજીવનના આલેખન દ્વારા ‘પલ્લી કવિ’ અથવા ગ્રામપ્રદેશના કવિ તરીકે ઊડિયા સાહિત્યમાં પોતાનું સ્થાન સિદ્ધ કર્યું છે. ગ્રામલોકોને પરિચિત ભાષા અને શૈલીમાં ગ્રામજીવનની સાદગી અને ગોપજીવનના સૌંદર્યનું વાસ્તવિક નિરૂપણ કરેલું છે.
આસપાસનાં રાજ્યોમાં વસતા ઊડિયા ભાષા બોલતા લોકોને સંગઠિત કરવાના હેતુથી આ સદીના પ્રારંભમાં સ્થપાયેલી ઉત્કલ સમ્મિલની જેવી રાજકીય સંસ્થા રચાઈ, જેનો પડઘો આ સમયના કવિઓનાં લખાણોમાં પડ્યો. પછીના સમયમાં ગાંધીજીના સત્યાગ્રહ અને અસહકારના સંદેશાનો પ્રભાવ કવિઓ પર પડ્યો. ગોપબંધુ દાસ (1877-1928), નીલકંઠ દાસ (1884-1967), ગોદાવરીશ મિશ્રા (1886-1956) અને ચિંતામણિ મહાન્તી (1867-1943), પદ્માચરણ પટ્ટનાયક (1885-1956), બીરકિશોર દાસ (1896-1972), બાંછાનિધિ મહાન્તી (1897-1938) તથા કુંતળાકુમારી સાબાત (1901-1938) જેવાં રાષ્ટ્રવાદી કવિઓનાં લખાણોમાં એની અસર જોઈ શકાય છે.
રાધાનાથના સમયથી ઊડિયા કવિતામાં પ્રગટ થયેલું રંગદર્શી મનોવલણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી નવી લાક્ષણિકતા દર્શાવે છે. તેમાં વ્યક્તિગત અનુભવને સ્થાન મળે છે. આનંદશંકર રાય (1904), વૈકુંઠનાથ પટનાયક (1904-1978), કાલિંદીચરણ પાણિગ્રાહી (1901) વગેરેનાં કાવ્યો ઉપરાંત માયાધર માનસિંહ (1905-1973), રાધામોહન ગડનાયક (1912), કુંજબિહારી દાસ (1915), બિનોદ નાયક (1919) અને નિર્મલા દેવી (1907) વગેરે તેમના સમકાલીનો અને અનુગામીઓમાં પણ તેનાં ઉદાહરણો મળે છે. રંગદર્શી અથવા સબુજ જૂથના કવિઓએ પ્રધાનતયા યૌવન, સૌંદર્ય અને પ્રેમનાં ગીતો ગાયાં છે અને તે કાવ્યો ઊર્મિપ્રધાન છે.
સમય જતાં પ્રેમના વ્યક્તિનિષ્ઠ અનુભવો, કલ્પના અને પ્રકૃતિપ્રેમ જેવા ભાવોનું સ્થાન વાસ્તવિકતાની પ્રબળ અસરથી લુપ્ત થયું. ઓરિસાનાં રજવાડાંમાં ઉદભવેલી લોકચળવળ, માર્કસવાદનો ફેલાવો, વિશ્વયુદ્ધનો પ્રારંભ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ વગેરેનો તેમાં ફાળો હતો. પરિણામે ઉપર દર્શાવેલા સબુજ જૂથના કવિઓ અને બીજાંઓની રચનાઓમાં વાસ્તવિક સભાનતા અને સામાજિક જાગૃતિનો સૂર સંભળાય છે. આ કવિઓમાં ગોદાવરીશ મહાપાત્ર (1898-1965), કુંતલાકુમારી સાબાત (1910), જ્ઞાનીદ્ર વર્મા (1916), સચ્ચિદાનંદ રાઉતરાય (1918), અનંત પટનાયક (1910), નિત્યાનંદ મહાપાત્ર (1912) અને કૃષ્ણ ચ. ત્રિપાઠી (1911) સવિશેષ ઉલ્લેખનીય છે.
બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં સ્વરૂપ અને શૈલી પરત્વે કવિતામાં ભારે પરિવર્તન આવ્યું. તેના વિષયોમાં અર્વાચીન જીવનની જાગૃતિનો પડઘો પડે છે. પરંપરાગત પ્રાસયુક્ત છંદોબદ્ધ રચનાઓને બદલે મુક્ત છંદનો બહોળો પ્રયોગ થવા લાગ્યો. સમકાલીન કવિતામાં વિશિષ્ટ કલ્પના અને પ્રતીકોવાળી વાસ્તવિક શૈલી ઉદભવી.
સમાજવાદી કવિતાનું આકર્ષણ ઓછું થતાં સમકાલીન કવિતામાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને વિજ્ઞાનના પ્રવેશને કારણે ભગ્નાશ અને ક્રાન્તિકારી મનોવલણ તથા બૌદ્ધિક વિશ્લેષણનાં તત્વો દેખાવા લાગ્યાં. વિષય પરત્વે સમકાલીન કવિતા વિવિધ પરિમાણવાળી અને વૈશ્વિક બની છે. સમકાલીન કવિતાની અન્ય વિશેષતામાં અજ્ઞાત અને અસંગત પ્રત્યે અહોભાવ, પરિવર્તન માટે તત્પરતા અને પરંપરાગત બુદ્ધિગ્રાહ્ય સ્વરૂપો વિશે અશ્રદ્ધા અને ઉપેક્ષાને ગણાવી શકાય. જાનકી વલ્લભ મહાન્તિ (1925), ભાનુજી રાવ (1926), ચિંતામણિ બહેરા (1928), જદુનાથ દાસ મહાપાત્ર (1929), દુર્ગાચરણ પરિડા (1931), સૌભાગ્ય મિશ્રા (1941), બ્રહ્મોત્રી મહાન્તિ (1934), રમાકાન્ત રથ (1934), રવિ સિંહ (1932), બ્રજનાથ રથ (1936), સીતાકાન્ત મહાપાત્ર (1937), કમલકાન્ત લેંકા (1935), સૌરીન્દ્ર બારીક (1938), મમતા દાસ (1941), પ્રતિભા સત્પથી (1945) અને બીજા કેટલાક સમકાલીન કવિઓનાં લખાણોમાં પ્રવર્તમાન વિચારપ્રક્રિયામાં અનુસ્યૂત વિરોધોથી ઉદભવેલી બૌદ્ધિક કટોકટીને કારણે પરાયાપણું અને અસહાયતા જોવા મળે છે. કવિતાક્ષેત્રે દીપક મિશ્ર (1939), સૌભાગ્ય મિશ્ર (1941), રાજેન્દ્ર કિશોર પંડા(1944)નાં નામોનો ઉલ્લેખ કરી શકાય.
નવોદિત કવિઓમાં અરૂપાનંદ પાણિગ્રાહી, અજય પ્રધાન, અખિલ નાયક, બાસુદેવ સુનાની, ચન્દ્ર મહાન્તિ, ભારત માઝી, ગજાનન મિશ્ર, મનોજકુમાર મહેર, મનોરંજન દાસ, પવિત્ર મોહનદાસ, પ્રદ્યુમ્ન કેશરી સેનાપતિ, સુનીલ પૃષ્ટિ, બ્રહ્માનંદ દાસ વગેરે કવિઓનાં નામ ઉલ્લેખનીય છે. કવયિત્રીઓમાં બ્રહ્મોત્રિ મહાન્તિ, કનકમંજરી પટ્ટનાયક, ગિરિબાળા મહાન્તિ, પ્રભાસિની મહાકૂડ તિવારી (1957), બીણાપાણી પંત (1957), સુચેતા મિશ્ર, સુજાતા ચૌધરી, સુસ્મિતા મહાન્તિ, સરોજિની પણી, અસીમા સાહુ, મંજુશ્રી મહાન્તિ, અપર્ણા મહાન્તિનાં નામોનો ઉલ્લેખ કરી શકાય.
રમાકાન્ત રથને ‘શ્રી રાધા’ કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન અને કબીર સન્માન મળ્યાં હતાં.
‘સચ્ચિદાનંદ રાઉતરાય’ અને ‘સીતાકાન્ત મહાપાત્ર’ને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે.
વળી પ્રતિભા સત્પથીને કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે.
ઉલ્લેખનીય ઊડિયા કવિતાગ્રંથોમાં આ ગ્રંથો અત્રે ઉલ્લેખનીય છે : (1) ‘કવિતા’ (1962) – સચ્ચિદાનંદ રાઉતરાય; (2) ‘સમુદ્ર-સ્નાન’ – ગુરુપ્રસાદ; (3) ‘શ્રી રાધા’ – રમાકાન્ત રથ; (4) ‘સમુદ્ર’ – સીતાકાન્ત મહાપાત્ર; (5) ‘અહનિક’ – જગન્નાથ પ્રસાદ; (6) ‘દેવ સુપર્ણ’ – સૌભાગ્ય કુમાર; (7) ‘શૈવ કલ્પ’ – રાજેન્દ્ર કિશોર.
નવલકથા : ઊડિયા સાહિત્યના નવલકથાનું સાહિત્યસ્વરૂપ ઓગણીસમી સદીના છેલ્લા ત્રણ દાયકા દરમિયાન અંગ્રેજી નવલકથાના આધારે વિકાસ પામ્યું છે. ઉમેશ ચંદ્ર સરકારે લખેલી અને 1888માં પ્રકાશિત થયેલી ‘પદ્મામાલી’ પ્રથમ સંપૂર્ણ ઊડિયા નવલકથા તરીકે સ્વીકૃત થયેલી છે. બીજી નવલકથા રામશંકર રાયની ‘બિળાસિની’ 1892-1893માં પ્રગટ થયેલી. કાલ્પનિક પ્રસંગો અને પાત્રોના પ્રાધાન્યવાળી આ બે સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ હતી. નવલકથાલેખનના આંતરપ્રવાહમાં ફકીરમોહન યુગપ્રવર્તક બન્યા. તેમની ‘છ માણ આઠ ગુંઠ’ (1898), ‘લછમા’ (1903), ‘મામું’ (1913) અને ‘પ્રાયશ્ચિત્ત’ (1915) નવલકથાઓ ઊડિયા સાહિત્યની શ્રેષ્ઠ રચનાઓ છે. આજે પણ અનન્ય ગણાતી તેમની નવલકથાઓ સમાજનાં સામાન્ય સ્ત્રી-પુરુષોનાં લોભ, મદ, વ્યભિચાર અને મનોવિકૃતિઓ વગેરેનું સજીવ ચિત્ર ખડું કરે છે. ઉપહાસ અને કટાક્ષ સાથે પાત્રો અને પ્રસંગોના આલેખનમાં તે અદ્વિતીય છે.
પ્રથમ વિશ્વયુદ્ધના આરંભથી ભારતની સ્વતંત્રતા સુધીના ફકીરમોહન પછીના સમયમાં ઘણા લેખકોએ નવલકથાના સ્વરૂપને ખેડ્યું અને લોકપ્રિય બનાવ્યું છે. આ સંદર્ભમાં ચિંતામણિ મહાન્તિ, કુંતળાકુમારી સાબાત, રામચંદ્ર આચાર્ય વગેરેનો ઉલ્લેખ કરી શકાય. નંદકિશોર બળની ‘કનકલતા’ (1925), વૈષ્ણવચરણ દાસની ‘માને માને’ (1926), ઉપેન્દ્રકિશોર દાસની ‘મલ્હા જહન’ (1928) અને કાલિન્દીચરણ પાણિગ્રાહીની ‘માટિર મણિસ’ (1928) – એ ચાર આ સમયગાળાની નોંધપાત્ર નવલકથાઓ છે. આદર્શવાદી અને મનોવૈજ્ઞાનિક અભિગમને કારણે તે લોકપ્રિય નીવડી છે.
ઉપરના લેખકો ઉપરાંત કાન્હુચરણ મહાન્તિ, ગોપીનાથ મહાન્તિ, રાજકિશોર પટ્ટનાયક અને નિત્યાનંદ મહાપાત્ર જેવા નવલકથાકારોએ યુદ્ધ પહેલાં ને આઝાદી પછીના યુગમાં અનેક નવલકથાઓ લખીને ઊંડાણ, વ્યાપકતા અને સંખ્યા પરત્વે ઊડિયા સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. કાન્હુચરણના લઘુબંધુ ગોપીનાથ મહાન્તિ અર્વાચીન ઊડિયા નવલકથાના સંપન્ન સર્જક છે. આદિવાસીઓના પાત્રાલેખનમાં ભારતીય કથાકારોમાં તેઓ અગ્રેસર છે. એમની ‘અમૃતર સંતાન’ અને ‘માટી મટાળ’ કૃતિઓને અનુક્રમે કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યા છે.
સુરેન્દ્ર મહાન્તિ અને બસંતકુમારી પટ્ટનાયક એ બે અનુસ્વાતંત્ર્ય-યુગના મહત્વનાં નવલકથાકારો છે. ઓરિસાના મધ્યકાલીન ઇતિહાસ તેમજ સંસ્કૃતિ સાથે રાજકીય ઊથલપાથલ નિરૂપતી ‘અંધ દિગંત’ અને ‘નીળશૈળ’ એ બે ઐતિહાસિક અને રાજકીય નવલકથાઓ અત્યંત જાણીતી છે. બસંતકુમારીની ‘અમડાબાટ’ પરથી ચલચિત્ર બન્યું છે.
સમકાલીન ઊડિયા નવલકથાકારોમાં જ્ઞાનીન્દ વર્મા, મહાપાત્ર નીળમણિ સાહુ, બિભૂતિભૂષણ પટ્ટનાયક, સાંતનુકુમાર આચાર્ય, કૃષ્ણપ્રસાદ, મિશ્ર, પ્રતિભા રાય ગણનાપાત્ર છે. પ્રયોગલક્ષી નવલકથાઓ દ્વારા આ લેખકો સમકાલીન સમાજના પ્રશ્નો અને સંઘર્ષો તેમની સંકુલતા સાથે આલેખવામાં વ્યસ્ત છે. વાર્તાકાર કિશોરીચરણ દાસ, મનોજ દાસ, જગન્નાથ પ્રસાદ દાસ, જગદીશ મહાન્તિ અને રામચંદ્ર બેહેરાએ નવલકથાના ક્ષેત્રને સમૃદ્ધ કર્યું છે. કિશોરીચરણની – ‘સાતોટી દિનર સતી’, ‘નેતા-ઓ નેત્રમણિ’ અને ‘સકળ સંતાન’; મનોજ દાસની ‘પ્રભંજન’, ‘ગોધુળીર બેળ’ અને ‘અમૃત ફળ’; જગન્નાથ પ્રસાદની ‘દેશ કાળ પાત્ર’; જગદીશ મહાન્તિની ‘નીજ નીજ પાણી પથ’ અને ‘કનિષ્ક’; સાન્તનુકુમાર આચાર્યની ‘ધરત્રીર ખંડ’ વગેરે જાણીતી કૃતિઓ છે.
સાંપ્રત નવલકથાકારોમાં દિનાનાથ ત્રિપાઠી, ભીમપૃષ્ટિ, અજય સ્વાંઈ, પ્રવીણા મહાન્તિ, મમતા દાસ, દેબરાજ લેંકા, ક્ષિરોદ દાસ, હૃષીકેશ પંડાનાં નામ ઉલ્લેખનીય છે.
ઉલ્લેખનીય નવલકથાઓ છે ‘તૃતીય પર્વ’ (હરેકૃષ્ણ મહતાબ’) અને ‘કા’ અને ‘શાસ્તિ’ (કાન્હુચરણ મહાન્તિ). ‘કા’ ને કેન્દ્રીય અકાદમી પુરસ્કાર મળેલો છે. આ ઉપરાંત ‘પરિજા’, ‘અમૃતર સંતાન’, ‘માટી મટાળ’ (ગોપીનાથ મહાન્તિ), ‘ચલા બાટ’ (રાજ કિશોર), ‘ઘર ડિહ’ (નિત્યાનંદ મહાપાત્ર), ‘અન્ધ દિગંત’, ‘નીળ શૈળ’ (‘સુરેન્દ્ર મહાન્તિ’, ‘નર કિન્નર’, ‘શકુંતળા’ (શાન્તનુ કુમાર આચાર્ય) અને ‘જાજ્ઞસેની’ (પ્રતિભા રાય) પણ મહત્વની નવલકથાઓ છે.
ટૂંકી વાર્તા : ઓગણીસમી સદીના છેલ્લા દસકામાં ફકીર મોહને શરૂ કરેલી ઊડિયા ટૂંકી વાર્તા સ્વરૂપ, વિષય અને કલાત્મક રચનાની બાબતમાં છેલ્લાં પચાસ વર્ષો દરમિયાન સર્વોત્તમ શિખરે પહોંચી છે. ફકીરમોહન સેનાપતિ રચિત ‘રેવતી’ ભારતની પહેલી ટૂંકી વાર્તા ગણાય છે. ચિંતામણિ મહાન્તિ, લક્ષ્મીકાન્ત મહાપાત્ર, ગોદાવરીશ મિશ્ર, કાલિંદીચરણ પાણિગ્રાહી, અનંતપ્રસાદ પાંડા, રાજકિશોર પટ્ટનાયક, રાજકિશોર રાય, કાન્હુચરણ મહાન્તિ વગેરે પ્રથમ વિશ્વયુદ્ધ પછીના સમયના ટૂંકી વાર્તાના જાણીતા સર્જકો છે.
ઊડિયાની ટૂંકી વાર્તામાં પ્રારંભે વસ્તુનું સવિશેષ મહત્વ હતું. ક્રમશ: લેખકોનો રસ સામાજિક સંઘર્ષ, જીવનપ્રશ્નો અને પાત્રોના મનોવૈજ્ઞાનિક નિરૂપણમાં વધવા લાગ્યો. સ્વાતંત્ર્ય પછીના સમયના પ્રસિદ્ધ લેખકોમાં ભગવતી ચરણ પાણિગ્રાહી, સચ્ચિદાનંદ રાઉતરાય, ગોદાવરીશ મહાપાત્ર, ગોપીનાથ મહાન્તિ, સુરેન્દ્ર મહાન્તિ, પ્રાણબંધુ કર, વિભૂતિભૂષણ ત્રિપાઠી, અખિલમોહન પટ્ટનાયક વગેરેનો ઉલ્લેખ કરી શકાય.
પ્રયોગશીલ ટૂંકી વાર્તાના લેખકોમાં બામાચરણ મિત્ર, કિશોરીચરણ દાસ, શાંતનુકુમાર આચાર્ય, રબિ પટ્ટનાયક, સત્ય મિશ્રા, બસંતકુમાર શતપથી, બીણાપાણી મહાન્તિ અને પ્રતિભા રાયે ગુણવત્તા દર્શાવી છે. બીજા પ્રકારના લેખકોમાં ચૌધરી હેમકાંત મિશ્ર, મહાપાત્ર નીળમણિ સાહુ, સુનીલ મિશ્ર અને રામચંદ્ર બેહેરા પોતાની કૃતિઓમાં રમતિયાળ વિનોદ અને કટાક્ષનો ઉપયોગ કરે છે. આ પ્રસિદ્ધ સર્જકોની ટૂંકી વાર્તાઓમાં વૈચારિક અને અન્ય પ્રકારની સમસ્યાઓ અને સંઘર્ષોનું કલાત્મક નિરૂપણ થયું છે.
મનોજ દાસ અને અચ્યુતાનંદ પાટી – એ બે ટૂંકી વાર્તાના સમર્થ લેખકો છે. અર્વાચીન જીવનને જૂની લોકવાર્તાની પદ્ધતિથી આલેખીને મનોજ દાસે અનન્ય બુદ્ધિ અને સર્જકશક્તિ બતાવ્યાં છે. એના ર્દષ્ટાંતરૂપે કથા ઓ કહાણી ‘લક્ષ્મીર અભિસાર’ જેવી કૃતિઓ ટાંકી શકાય. ‘અશુભ પુત્રર કહાણી’ એ ટૂંકી વાર્તાના સંગ્રહમાં અચ્યુતાનંદ પાટીએ સમાજના દલિત અને અસામાન્ય લોકોના જીવનને સહાનુભૂતિપૂર્વક આલેખવામાં વિશિષ્ટ સર્જકતા દર્શાવી છે.
સાંપ્રત સમયમાં ચન્દ્રશેખર રથ, સાતકડી હોતા, બરેન્દ્રકૃષ્ણ ધળ, નારુ મહાન્તિ, બિપિન બિહારી, કનૈઈલાલ દાસ, ચત્નાકર ચઈનિ, પ્રસન્નકુમાર મિશ્ર, પદ્મજપાળ, જગદીશ મહાન્તિ, હૃષીકેશ પંડા, દાસ બેન હુર, ગૌર હરિ દાસ, સેનાપતિ પ્રદ્યુમ્ન કેસરી, કૈલાસ પટ્ટનાયક, રણજિત પટ્ટનાયક, સદાનંદ સાહુ, દેબબ્રત મદનરાય, ક્ષીરોદ દાસ, દીપ્તિ રંજન પટ્ટનાયક, સમરેન્દ્રપ્રસાદ દાસ, પ્રદીપ દાસ, પ્રદીપ્ત મિશ્રનાં નામ ઉલ્લેખનીય છે.
પ્રતિભાશાળી લેખિકાઓમાં બીણાપાણી મહાન્તિ, પ્રતિભા રાય, નન્દિની સત્પથી, શકુન્તલા પંડા, યશોધરા મિશ્ર, સરોજિની મિશ્ર, હિરણમયી મિશ્ર વગેરે મહત્વપૂર્ણ નામો છે. સમકાલીન વાર્તાકારોમાં કવિતા બારીક, પુષ્પાંજલી નાયક, જ્યોત્સ્ના રાઉતરાય, સુસ્મિતા બાગચી, ચિરશ્રી ઇન્દ્રસિંહ, પારમિતા સત્પથી, સંજુકતા રાઉત વગેરે ઉલ્લેખનીય છે.
શાન્તનુકુમાર આચાર્ય અને ચન્દ્રશેખર રથને ટૂંકી વાર્તા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. ઉત્તમકુમાર પ્રધાનને તેમની કૃતિ ‘નચિકેતાર હાથ’ માટે શારળા પુરસ્કાર, ઓરિસા સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. આ ગાળાના પ્રસિદ્ધ વાર્તાસંગ્રહો છે : ‘ઠાકુર ઘર’ (કિશોરી ચરણ), ‘કથા ઓ કહાણી’ (મનોજ દાસ), ‘અભિશપ્ત ગાંધર્વા’ (નીળમણિ સાહુ), ‘પ્રિય બિદૂષક’ (જગ્ગનાથ પ્રસાદ) અને ‘પાટ દેઈ’ (બીણાપાણી મહાન્તિ).
નાટક : ‘રાસ’ અને ‘લીલા’ નામે જાણીતાં ઓરિસાનાં પ્રાચીન નાટકો મુખ્યત્વે પૌરાણિક કથાવસ્તુ પર આધારિત કાવ્યાત્મક રચનાઓ હતી અને તે ખુલ્લામાં ભજવાતી. રામશંકર રૉયે આધુનિક રંગમંચ પર ભજવવાના આશયથી 1880માં ‘કાંચી કાવેરી’ નામનું સંપૂર્ણ નાટક લખ્યું. થોડાં પૌરાણિક નાટકો ઉપરાંત સામાજિક સુધારણાનાં નાટકો લખીને ઊડિયા નાટક્ધો પગભર કર્યું. તે સંસ્કૃત અને અંગ્રેજી નાટ્યપદ્ધતિને મોટેભાગે અનુસર્યા છે. શેક્સપિયરને લક્ષમાં રાખીને તેમણે મુક્ત છંદનો વ્યાપક ઉપયોગ કરેલો છે.
ઊડિયા નાટકનો પ્રારંભિક સમય બીજા વિશ્વયુદ્ધ સુધી રહ્યો. પૌરાણિક અને ઐતિહાસિક નાટકોનો તેમાં પ્રભાવ હતો. એ સમયના અગ્રેસર નાટ્યકારોમાં કામપાલ મિશ્ર, બિહારી પટનાયક, ગોદાવરીશ મિશ્ર, અશ્વિનીકુમાર ઘોષ વગેરે હતા. ઓરિસાના વિવિધ પ્રદેશોમાં થયેલી રંગભૂમિની સ્થાપનાએ નાટ્યકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
કાયમી નાટ્યસંસ્થાઓમાં કાલિચરણ પટનાયકે 1940માં કટક ખાતે સ્થાપેલી ‘ઊડિયા રંગભૂમિ’ એક સીમાચિહન બની રહી. 1940 અને 1960 વચ્ચેના સમયમાં તેના દ્વારા કાલિચરણે ઓરિસાની રંગભૂમિ અને નાટ્યક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આણ્યાં. તેમણે સામાજિક, પૌરાણિક અને થોડાંક ઐતિહાસિક નાટકો પણ લખ્યાં. અર્વાચીન ઊડિયા નાટકને જીવંત અને લોકપ્રિય બનાવ્યું. અંગ્રેજી અને સંસ્કૃતની અસરમાંથી ઊડિયા નાટકને મુક્ત કરવામાં તેમણે મોટી સફળતા મેળવી. કાલિચરણ નાટ્યલેખક, નિર્માતા, દિગ્દર્શક અને ગીતકારની બહુમુખી પ્રતિભા ધરાવે છે.
છેલ્લાં ત્રીસ વર્ષો દરમિયાન ગોપાલ છોટરાય (1910), મનોરંજન દાસ (1914), પ્રાણબંધુકર (1914), રામચંદ્ર મિશ્ર (1921-1991), ભંજકિશોર પટ્ટનાયક (1922) જેવા નાટ્યકારોએ પ્રયોગલક્ષી સમસ્યાપ્રધાન અનેક નાટકો દ્વારા સાહિત્યની આ શાખાને સમૃદ્ધ કરી છે. યુવાન લેખકોના સમૂહે લખેલાં પ્રયોગાત્મક નાટકોને ભજવવાની તક 1953માં સ્થપાયેલ જનતા થિયેટર દ્વારા પ્રાપ્ત થઈ.
પ્રયોગશીલ અને વ્યંગ્યાર્થવાળાં નાટકોના લેખક તરીકે મનોરંજન દાસ અર્વાચીન નાટ્યક્ષેત્રે અગ્રેસર ગણાયા છે. પોતાનાં નાટકોમાં પશ્ચિમના વિચારોનો પ્રવેશ કરાવ્યો છે. જૂનાં જીવનમૂલ્યોને પડકાર્યાં છે અને રંગભૂમિની નવીન પ્રયુક્તિઓનો ઉપયોગ કર્યો છે. ગોપાલ છોતરાય વિનોદપ્રધાન સંવાદો અને હાસ્યપ્રધાન નાટકો માટે જાણીતા છે.
સમકાલીન નાટ્યકારોમાં ગોપાળ છોટરાય (1930), વિજય મિશ્ર (1946), અક્ષયકુમાર મહાન્તિ, વસંતકુમાર મહાપાત્ર, કાર્તિક રથ, રમેશપ્રસાદ પાણિગ્રાહી (1943), રત્નાકર ચૈની (1944) જેવા આધુનિક યુગની સંકુલતા અને યાતનાનું આલેખન કરતાં નાટકોના લેખનમાં સફળ નીવડ્યા છે.
નવા નાટ્યકારોમાં સુબોધ પટ્ટનાયક, રતિરંજન મિશ્ર, કુંજ રાય અને પ્રમોદ ત્રિપાઠીનાં નામ મહત્વનાં છે. પ્રમોદ ત્રિપાઠી કૃત ‘જેઉં બનરે માણિષ નાહિ’ (1999); શંકર ત્રિપાઠી કૃત ‘ગાંધી ભૂમિકારે’ (1998), ‘રાબણ છાયા’ (2003); રતિ મિશ્ર કૃત ‘માછ કાંદણાર સ્વર’; નારાયણ સાહુ કૃત ‘મૂક’ (2000); રણજિત પટ્ટનાયક કૃત ‘તિતલિ’ (1996); બજેન્દ્ર નાયક કૃત ‘માંકડ ખાયે કાંકડ કસી’ (1993); સુબોધ પટ્ટનાયક કૃત ‘અબરુદ્ધ’ (1994); હૃષીકેશ પંડા કૃત ‘ભાસ્કોડા ગામા’ અને વિજય સત્તપથી કૃત ‘એઈ જે સૂર્ય’ (ઓરિસા સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત) વગેરે પ્રખ્યાત છે. વળી ‘અરણ્ય ફસલ’ અને ‘નંદિકા કેસરી’ (મનોરંજન દાસ) પણ ઉલ્લેખનીય છે. નાટકક્ષેત્રે આ નાટ્યકારો સંઘર્ષ કરી રહ્યા છે. કદાચ ઓરિસામાં સ્થાયી નાટયગૃહ ન હોવાના કારણે આવું બનતું રહ્યું છે.
ગદ્ય : ઓગણીસમી સદીના છેલ્લા ચરણમાં વર્તમાનપત્રો અને સામયિકોના પ્રકાશને નિબંધના વિકાસ માટે અનુકૂળતા પૂરી પાડી. ખરા અર્થમાં નિબંધ કહી શકાય તેવો પ્રથમ સાહિત્યિક નિબંધ 1873માં ‘ઉત્કલપુત્ર’ સામયિકમાં પ્રસિદ્ધ થયો. કવિ રાધાનાથે લખેલા એ નિબંધનું શીર્ષક ‘વિવેકી’ છે. 1880માં પ્રસિદ્ધ થયેલો ‘પ્રબંધ માળા’ નામનો પ્રથમ નિબંધસંગ્રહ મધુસૂદનનો છે; પરંતુ પાછળથી વિશ્વનાથ કાર, બિપિન બિહારી રાય અને રત્નાકર પતી જેવાના નિબંધસંગ્રહોથી વિશેષ નોંધપાત્ર બન્યું નહોતું. આ નિબંધકારોએ શુદ્ધ અને સંસ્કૃતમય ભાષામાં સામાજિક પ્રશ્નો અને તત્વજ્ઞાન વિશે લખાણ કર્યું હતું. ગોપાલ ચ. પ્રહરાજ પોતાના સામાજિક કટાક્ષો અને વિનોદપ્રધાન શૈલીને કારણે પ્રસિદ્ધ છે. તેમ છતાં સ્વાતંત્ર્ય પહેલાંના આ સમયમાં ગોપીનાથ નંદા, મૃત્યુંજય રથ, કૃપાસિંધુ મિશ્રા, જગબંધુ સિંહ, જલંધર દેવ અને પાર્વતી ચ. દાસ જેવાએ ઓરિસાનાં પુરાતત્વવિદ્યા, ઇતિહાસ અને સાહિત્યિક વિવેચન જેવાં ક્ષેત્રોમાં સ્વાતંત્ર્ય પૂર્વેના સમયમાં ગણનાપાત્ર કામગીરી બજાવી છે.
સ્વાતંત્ર્યોત્તર સમયમાં ઊડિયા સાહિત્યના નિબંધના વિવિધ પ્રકારોમાં સામર્થ્ય અને સૌંદર્યનો ઘણો વિકાસ થયો છે. સદાશિવ મિશ્ર (1911-1914), શ્રદ્ધાકર સુપકાર (1915-93), મનમોહન ચૌધરી (1915), ભુવનેશ્વર બહેરા (1917), ગોલક બિહારી ધળ (1921-74), સૂર્યકાન્તદાસ (1921), ચિત્તરંજનદાસ (1923), ચન્દ્રશેખર રથ (1929), શરતકુમાર મહાન્તિ (1938), દેબકાંત મિશ્ર (1939), કાલિન્દીચરણ પાણિગ્રાહી, સુરેન્દ્ર મહાન્તિ, કુંજબિહારી દાસ, ગોપીનાથ મહાન્તિ, નટવર સામંતરાય કૃષ્ણચરણ પાણિગ્રાહી, એચ. કે. મહેતાબ અને બિનોદ કાનુનગોએ ઊડિયા ગદ્યને સમૃદ્ધિ બક્ષી છે. બિનોદ કાનુનગોએ સંપાદિત કરેલ ‘જ્ઞાનમંડલ’ નામનો વિશ્વકોશ ઊડિયા ગદ્યમાં થયેલું ભગીરથ કાર્ય છે.
છેલ્લા ત્રણ દશકા દરમિયાન ચિત્તરંજન દાસ, ચંદ્રશેખર રથ, ભુવનેશ્ર્વર બેહરા, શરદકુમાર મહાન્તી, મનોજદાસ (‘ભાત ઐતિહ સત્યેક પ્રશ્નર ઉત્તર’ – 2000), દેબેન્દ્રકુમાર દાસ (‘ગંગાધર કબિતા ઓ કબિ આત્મા’ – 1995), શત્રુઘ્ન પંડિત આધુનિક ઓડિયા કબિતાર પરિચર્ચા, અનંત ગિરિ (‘પથ પ્રાન્તર મૃતત્વ’). મહેન્દ્રકુમાર મિશ્ર (‘કળાહાંડિર લોક સંસ્કૃતિ’). પ્રો. શત્રુઘ્ન નાથ (‘અનેકર એક’), કૈલાસ પટ્ટનાયક (‘ગળ્ય બનામ ગળ્ય’), ડૉ. ઉન્મેષ પતિ (‘મતમતાંતર’), ડૉ. નિત્યાનંત સ્વાંઈ, બૈષ્ણબ ચરણ સામલ, મહાપાત્ર નીળમણી સાહુ, નિખિળાનંદ પાણિગ્રાહી, પ્રફુલ્લ મહાન્તિ, કિશોરીચરણદાસ, બિજયપ્રસાદ મહાપાત્ર, શુભકાંત બહેરા, ડૉ. ફકીરચરણ સાહુ, ડૉ. અરુણ મિશ્ર વગેરેએ ઊડિયા ગદ્યસાહિત્યને સમૃદ્ધ કર્યું છે.
આત્મકથા : ‘ઉત્કલ સાહિત્ય’ અને ‘સત્યવાદી’ જેવાં વર્તમાનપત્રોમાં ક્રમશ: પ્રસિદ્ધ થયેલી ફકીરમોહન સેનાપતિની ઊડિયા સાહિત્યમાં પ્રથમ આત્મકથા છે. 1924માં એ પુસ્તક રૂપે પ્રગટ થઈ. તેમાં સંપૂર્ણ જીવન અને સામાજિક સાંસ્કૃતિક વાતાવરણનું વિસ્તૃત નિરૂપણ છે. સ્વાતંત્ર્ય પછીના સમયમાં ગોદાવરીશ મિશ્ર, નીલકંઠ દાસ, લક્ષ્મીનારાયણ સાહુ (‘મોર બારબુલા જીવન’), બૈષ્ણવ પાણિ, પવિત્ર મોહન પ્રધાન (‘મુક્તિ પથ સૈનિક’), હરેકૃષ્ણ મેહતાબ (‘સાધનાર પંથ’), કુંજબિહારી દાસ (‘મો કહાણી’), કાલિંદીચરણ પાણિગ્રાહી, કૃષ્ણચંદ્ર પાણિગ્રાહી (‘મો સમયર ઓરિસા’), નંદકિશોર દાસ (‘મો જીબન ઓ જંજાળ’) વગેરે સર્જકોએ આત્મકથાસાહિત્યમાં ગણનાપાત્ર ઉમેરો કર્યો છે. તેમાં ગોદાવરીશ મિશ્રની આત્મકથા ‘અર્ધશતાબ્દી ઓરિસા ઓ તહીં રે મોર સ્થાન’ અને કુંજબિહારી દાસની ‘મો કહાણી’ને કેન્દ્રીય અકાદમી એવૉર્ડ મળેલા છે. આત્મકથાના ક્ષેત્રમાં બીજા ઉલ્લેખનીય લેખકો કાલિચરણ પટ્ટનાયક, શ્રીરામચન્દ્ર દાસ (1911-1914), ફતુરાનંદ (‘અળીઆસ’), રામચન્દ્ર મિશ્ર (1915-94), સત્યનારાયણ ગુરુ (‘મો જીબન સંગ્રામ’ કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવૉર્ડથી પુરસ્કૃત) – મન્મથનાથ દાસ, (જીબનર પ્રથમ પ્રાંતે – 1996), મનમોહન ચૌધરી (‘કસ્તૂરી મૃગ સમ’ સારળા પુરસ્કારથી સન્માનિત), મનોરંજન દાસ (‘મિત્રસ્ય ચક્ષુસા’), હૃદાનંદ રાય (2002), શત્રુઘ્ન નાથ – (‘ચરાચર ચિરાયુ’ 2003) વગેરે ઉલ્લેખનીય છે.
‘કોઇલિ’ : આ પ્રકારનાં કાવ્યો ઊડિયા સાહિત્યની એક વિશેષતા છે. કોઇલિ એટલે કોયલને સંબોધીને સંસ્કૃત સાહિત્યના દૂતકાવ્ય અથવા સંદેશકાવ્ય જેવી રચના. તે ખૂબ પ્રચલિત થયેલી. માર્કંડ દાસે આ પ્રકારનાં કાવ્યોનો પ્રારંભ કરેલો. તેમનું ‘કેશવ કોઇલિ’ (vk’h)ની સદી શ્રેષ્ઠ ગણાયું છે. તેમાં કૃષ્ણ મથુરાગમન પછી યશોદા કોયલને સંબોધી પોતાની વ્યથા વ્યક્ત કરે છે. જગન્નાથદાસ કવિની ‘અર્થ કોઈલિ’ પ્રસિદ્ધ છે. તેમાં ભાગવતનું અર્થઘટન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બલરામદાસનું ‘કાન્તા કોઇલિ’, શંકર દાસનું ‘વારાંસી કોઇલિ’, લોકનાથ દાસનું ‘જ્ઞાનોદય કોઇલિ’ વગેરે પ્રચલિત છે. ત્યારપછી દીનબંધુ રાજ, હરિચંદન, ગોવિંદદાસ, દનેઇદાસ, સદાનંદ બ્રહ્મ, જદુ દાસ, ગોપાલકૃષ્ણ પટ્ટનાયક, હનુમાન રાયગુરુ જેવા કવિઓએ પણ આ પ્રકારનાં કાવ્યો લખ્યાં છે.
હાસ્યલેખો : ઉડિયા સાહિત્યમાં ‘બિબેકી’ લેખ હાસ્યનો સૌપ્રથમ ઉચ્ચકોટિનો સફળ લેખ ગણાય. એ સિવાય ફકીરમોહન સેનાપતિ (‘નનાંક ફાજિ’), ગોવિંદ ત્રિપાઠી (‘બટુઆ’ એક ખૂબ જ પ્રખ્યાત હાસ્યલેખ) અને ગોપાલ પ્રહરાજ (‘નનાંક બસ્તાની’, ‘બાઈ માહાન્તિ ટુંગી’, ‘આમ ઘરર હાલચાલ’ પ્રખ્યાત હાસ્યલેખ) પણ ઉલ્લેખનીય છે. સમકાલીન પ્રખ્યાત હાસ્યલેખકો આ પ્રમાણે છે : કાલિન્દીચરણ પાણિગ્રાહી, રાજકિશોર રાય, ગોપીનાથ મહાન્તિ, અખિલ પટ્ટનાયક, નિત્યાનંદ મહાપાત્ર (‘પત્ર ઓ પ્રતિમા’ – પુસ્તક), ગોપીનાથ મહાન્તિ (‘કલાશક્તિ’ – પુસ્તક), મનોદાસ, સુરેન્દ્ર મહાન્તિ, બામાચરણ મિત્ર (‘એણુસ્ચ, તેલુચ્છ’ – પુસ્તક), સીતાકાન્ત મહાપાત્ર (‘અનેક શરદ’ હાસ્યલેખ), માયાધર માનસિંહ (‘જીબનપથ’ – હાસ્યલેખ), ચિતરંજન દાસ (‘જાતિ રે મું જબન’, ‘શિળા ઓ સાળગ્રામ’, ‘જીબન બિદ્યાળય’ – સંકલન), શરતકુમાર મહાન્તિ (‘બૈજ્ઞાનિક મનોવૃત્તિ’ – પુસ્તક), ચન્દ્રશેખર રથ (‘રથ સપ્તક’ પુસ્તક), ચૌધરી હેમકાન્ત મિશ્ર (‘અઘટન’ પુસ્તક), મહાપાત્ર નીળમણિ સાહુ (‘સ્વપ્ન સ્વપ્ન અનેક સ્વપ્ન’, ‘ધ્વનિ ધ્વનિ પ્રતિધ્વનિ’, ‘આમે ઉડિયા’, ‘ઉડિયા કિયે’ – પુસ્તક), ભુવનેશ્વર બેહેરા (‘શુણ પરીક્ષ’), કૃષ્ણપ્રસાદ બસુ (‘આખડા ઘરે બૈઠક’) ચિંતામણિ મિશ્ર (‘નબજીબન’), નિખિળાનંદ પાણિગ્રાહી, ગંતાયત શિબપ્રસાદ, ફતુરાનંદ, ડંબરુધર પટ્ટનાયક અને સુલોચના દાસ.
પ્રવાસવર્ણન : ભારત સ્વતંત્ર થયો તે પહેલાં માયાધર માનસિંહકૃત ‘પશ્ચિમ પથિક’; સ્વતંત્રતા પછી ગોલક બિહારી ધળકૃત ‘લંડન સ્થિતિ’ અને ‘અમેરિકા અનુભૂતિ’; શ્રી હર્ષ કૃત ‘પશ્ચિમ દિગંત’, સુરેન્દ્ર મહાન્તિકૃત ‘પેકિંગ ડાયરી’; શ્રીરામચન્દ્ર કૃત ‘યુરોપર અનુભૂતિ’; સૂર્યકાન્તદાસ કૃત ‘મોસ્કો દર્શન’; કૃષ્ણપ્રસાદ મિશ્રકૃત ‘કૅનડા ડાયરી’; મનોજદાસ કૃત ‘દૂર દૂરાન્ત’, સીતાકાન્ત મહાપાત્રકૃત ‘અનેક શરદ’; ગણેશ્વર મિશ્રકૃત ‘બિલાતેર બાબુ ઓ પાપુ’, ‘સાગર સેપારે’ અને ‘નિજ દેશ અન્ય દેશ’ જેવું પ્રવાસસાહિત્ય મળ્યું છે. આ સિવાય હાલમાં કિશોર ચરણદાસ શરતચન્દ્ર મિશ્ર, સાદરમણિ દાસ, સુરેન્દ્રનાથ દ્વિવેદી, જિતેન્દ્ર મિશ્ર, અનિલ દે, પ્રો. બૈજનાથ મિશ્ર, શ્રીદ્ધકરણ સુપકાર, અનન્ત ગિરિ, હૃદાનંદ રાય, ભૂપેન્દ્ર મહાપાત્ર, મહાપાત્ર જતીન્દ્રકુમાર, સહદેવ સાહુ, સાતકડી હોતા અને ગીતા હોતા વગેરેએ પ્રસિદ્ધ પ્રવાસવર્ણનો લખ્યાં છે. વાર્તાકાર પ્રતિભા રાય, ગૌરહરી દાસ, ચિતરંજનદાસ અને સુસ્મિતા બાગચીએ પણ પ્રવાસવર્ણનો લખ્યાં છે.
બાલસાહિત્ય : રામકૃષ્ણનંદને ઊડિયા બાલસાહિત્યના પ્રણેતા કહી શકાય. તેમણે બહાર પાડેલું ‘સંસાર’ નામનું બાલમાસિક બાલસાહિત્યને પ્રખ્યાત બનાવવાનું પ્રથમ સોપાન હતું. એ સિવાય રામપ્રસાદ મહાન્તિ કૃત ‘આમે સબુ સરગર ફૂલરે’ નામની કૃતિને ભારત સરકાર શિશુ સાહિત્ય પ્રતિયોગિતામાં પુરસ્કાર પ્રાપ્ત થયેલો. ગોદાબરીશ મહાપાત્ર, કાલિન્દીચરણ પાણિગ્રાહી, પંડિત ઉપેન્દ્ર ત્રિપાઠી, રામકૃષ્ણ નંદ, મહેશ્વર મહાન્તી, રમેશચન્દ્ર ભંજ, નિરંજન બેઉરિયા, ડૉ. પ્રસન્નકુમાર મિશ્ર, વીરેન્દ્રકુમાર સામન્તરાય વગેરે બાલસાહિત્યના ઉલ્લેખનીય લેખકો છે. સમકાલીન લેખકોમાં ડૉ. રમેશચંદ્ર પરિડા (‘લિલિર કમ્પ્યૂટર શિક્ષા’ ઓરિસા સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત), અન્નપૂર્ણા મિશ્ર, પ્રસન્ન હોતા, બટકૃષ્ણ ત્રિપાઠી, મનોજ મંજરી મિશ્ર, કાનન મિશ્ર, દાસ બેનહુર, નિખિલ મોહન પટ્ટનાયક, ડૉ. સચ્ચિદાનંદ શતપથી, પુષ્પશ્રી પટ્ટનાયક, અધિરાજ મોહન સેનાપતિ, રબીન્દ્ર મોહન સેનાપતિ, ડૉ. બિક્રમદાસ, ગોપીનાથ સેનાપતિ, ડૉ. પ્રસન્ન મિશ્ર, સરળા પતિ, સુરેન્દ્રનાથ શતપથી, કાશીનાથ મિશ્ર, ડૉ. બસંતકુમાર બેહેરા, નંદકિશોર રથ, કાશીનાથ મિશ્ર, હૃષીકેશ પંડા અને દુર્ગાચરણ મહાન્તીનાં નામ બાલસાહિત્યના ક્ષેત્રમાં ઉલ્લેખનીય છે.
અનુવાદ–સાહિત્ય : ઊડિયાસાહિત્યમાં બીજી ભાષામાંથી ઘણા અનુવાદો થયા છે. કાલિદાસ, ભવભૂતિ, શ્રીહર્ષ ઊડિયામાં અનુવાદ દ્વારા ઊતર્યા છે. નવલકથાકાર ગોપીનાથ મહાન્તી, જ્ઞાનેન્દ્ર બર્મા, ચિત્તરંજન દાસ, ખગેશ્વર મહાપાત્ર, પ્રભાસચન્દ્ર શતપથી, લક્ષ્મીનારાયણ મહાન્તી, રબીસિંહ, શ્રીનિવાસ ઉદગાતા, શંકરલાલ પુરોહિત, પંડિત નીલમણિ મિશ્ર વગેરે પ્રખ્યાત અનુવાદકો ગણાય. હાલમાં સૌદામિની ઉદગાતા, ડૉ. શકુન્તલા બળિયાર સિંહ, અમીયબાળા, પટ્ટનાયક, ચન્દ્રશેખર દાસબર્મા, નરસિંહ મિશ્ર, અરવિંદ પટ્ટનાયક, અખિલ નાયક, ડૉ. શંકરલાલ પુરુ, સાબિત્રી પાત્ર, ગોપીનાથ પટ્ટનાયક, શકુન્તલા દેવી, બીણાપાણી પંડા, અરબિંદ બેહેરા, મહેન્દ્ર મિશ્ર, ક્ષીરોદ પરિડા, જતીન્દ્ર દાસ, સુબાસ શતપથી, જુગલ કિશોર દત્ત વગેરે અનુવાદકાર્ય કરી રહ્યા છે. સૌથી વધારે અનુવાદો બંગાળીમાંથી થયા છે. તે પછી અંગ્રેજી અને હિંદીમાંથી થયા છે. બીજી ભાષામાંથી અનુવાદોની સંખ્યા ઓછી છે. ડૉ. રમાકાંત રથે કરેલા કબીરના અનુવાદને કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ છાપ્યો છે. અશોક મહાન્તીને હિન્દીમાંથી અનુવાદ કરવા બદલ કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે.
ઊડિયા ચલચિત્ર : પ્રથમ ઊડિયા ફિલ્મ પુરીના મોહન સુંદર દેબે 1934માં બનાવી, જેનું નામ હતું ‘સીતા બિબાહ’. કાળિ ફિલ્મ સ્ટુડિયોમાં બનેલી આ ફિલ્મમાં રામ-લક્ષ્મણનાં પાત્રો નવોદિત વકીલ માખનલાલ બેનરજી અને ડૉક્ટર એ. સી. મહાન્તીએ ભજવ્યાં હતાં. તે જમાનામાં માત્ર પાંચ સ્થાયી અને ચાર પ્રવાસી સિનેમાગૃહ હતાં. ‘સીતા બિબાહ’ બૉક્સ ઑફિસ પર અસફળ રહ્યું. ત્યારબાદ વ્યવસાયી રંગભૂમિના પ્રતિભાશાળી કલાકારો મનોરંજન દાસ, રામચન્દ્ર મિશ્ર, ભંજ કિશોર પટ્ટનાયક, ગોપાળ છોટરાય, શારદાપ્રસન્ન નાયક, બસંતકુમાર મહાપાત્ર, બિશ્ર્વજિત દાસ જેવા મેદાનમાં આવ્યા. 1984માં નવોદિત રંગભૂમિ કલાકાર ગોપાલ ઘોષે ‘રૂપભારતી’ નામની સંસ્થા ફિલ્મનિર્માણ માટે શરૂ કરી. પબ્લિક લિમિટેડ કંપની હોવાથી શરૂઆત કરતાં થોડી મુશ્કેલી પડી. પ્રથમ ઊડિયા ફિલ્મના પંદર વર્ષ પછી કાલિચરણ પટ્ટનાયકે બીજી ઊડિયા ફિલ્મ ‘લોલિતા’ ગ્રેટ ઈસ્ટર્ન મુવિટોન કંપનીના નેજા નીચે બનાવી તે પછીના વર્ષે રૂપભારતી પબ્લિક લિમિટેડ કંપનીએ ‘શ્રી જગન્નાથ’ ફિલ્મ બનાવી. પચાસના દાયકાની મોટાભાગની ફિલ્મો સામાજિક-ધાર્મિક વિષયો ઉપર બની; જેમાં ‘રોલ્સ 28’, ‘આમરી ગાં ઝિઅ’, ‘કેદારગૌરી’ અને ‘શપ્ત શૈયા’ ઉલ્લેખનીય છે. આ દાયકાની ફિલ્મો નાટકી ઢબે બનાવવામાં આવતી હતી. સાઠ અને સિત્તેરના દાયકામાં પ્રતિ વર્ષ ભાગ્યે જ એકાદ બે ફિલ્મો બની. આ દાયકાઓમાં ફિલ્મનિર્માણ મુખ્ય ત્રણ કંપનીઓએ કરેલું : પંચશાખા પ્રૉડક્સન, ઘોષ દંપતી અને છાયાવાણી પ્રતિષ્ઠાનના બાબુલાલ દોશીએ.
સાઠના દાયકાની શરૂઆતની સફળ ફિલ્મ હતી ‘શ્રી લોકનાથ’. ત્યારબાદ ધાર્મિક ફિલ્મોના સ્થાને આધુનિક સામાજિક ફિલ્મોની શરૂઆત થઈ. આ ફિલ્મો લોકપ્રિય નવલકથાઓ ઉપરથી બનાવવામાં આવી હતી. જેમાં ‘કા’, ‘અભિનેત્રી’, ‘અમડાબાટ’, ‘મલ્હા જહન’ અને ‘માટીર મણીશ’ ઉલ્લેખનીય છે. આ ફિલ્મોમાં ઉત્તમ કક્ષા ‘મલા જહન’ની છે, જેના દિગ્દર્શક હતા નિતાઈ પલિત. ‘માટીર મણીશ’ના દિગ્દર્શક હતા મૃણાલ સેન. સિત્તેરના દાયકામાં 1975માં બનેલી ફિલ્મ ‘મમતા’ પછી ફિલ્મનિર્માણમાં એકાએક ભરતી આવી. 1977માં ઈસ્ટર્ન ઇન્ડિયા મોશન પિક્ચર ઍસોસિયેશનમાં પચાસ કરતાં વધુ ફિલ્મોની નોંધણી થઈ. આ જ સમયે ઊડિયા ભાષાની પ્રથમ રંગીન ફિલ્મ ‘ગપ હેલેબી સત’ બની. 1934થી 1974ના ગાળામાં એટલે કે ચાલીસ વર્ષના ગાળામાં ઊડિયા ભાષામાં માત્ર ચાલીસ જ ફિલ્મોનું નિર્માણ થયું. સદભાગ્યે, લિપિનબ રાયચૌધરીની ફિલ્મ ‘ચિલિકા તીરે’ જ્યારે રજૂઆત પામી ત્યારે ઊડિયા સિનેમા ઉપર ભારતનું ધ્યાન કેન્દ્રિત થયું. સાધુ મહેર (અંકુરનો નાયક) જેવો કાબેલ દિગ્દર્શક અને અભિનેતા બહાર આવ્યો. 1982 અને 1983ના વર્ષમાં ચૌદ ફિલ્મો ઊડિયા ભાષામાં બની; જેમાં ‘અશાંત ગૃહ’, ‘અષ્ટ રાગ’, ‘સમય બડ બળવાન’, ‘પુલા બંદન’, ‘હિસાબ નિકાસ’, ‘જીબન પુઅ’, ‘ઝિઅટી હેલા પારી’, ‘રામ રહીમ’, ‘મહાસતી સાબિત્રી’ અને ‘ભક્ત સાલબેગ’ ઉલ્લેખનીય છે. 1982માં ‘સીત રાતી’ ફિલ્મને શ્રેષ્ઠ ઊડિયા ફિલ્મ તરીકેનો પ્રેસિડેન્ટ એવૉર્ડ મળ્યો. આ ફિલ્મના યુવાન સર્જક મનમોહન પાત્રે ત્યારબાદ ‘નીરબ ઝડ’, ‘કળાન્ત અપરાહન’, ‘માઝી પાદીડા’ અને ‘અંધ દિગન્ત’ જેવી નોંધપાત્ર ફિલ્મો બનાવી. ઊડિયા ફિલ્મઉદ્યોગમાં શિશિર મિશ્ર અને પ્રશાંત નંદ જેવા ફિલ્મસર્જકો હિંદીભાષી ફિલ્મોનું નિર્માણ પણ કરી ચૂક્યા છે. 1983માં બનેલી ‘માયા મિરિગ’ કેન્દ્રીય સ્તરે બીજા નંબરની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી પામી. તે પછી 1984માં ‘કાવેરી’, 1985માં ‘હકીમબાબુ’, 1986માં ‘ત્રિસંધ્યા’, 1994માં ‘તારા’, 1996માં ‘શૂન્ય સ્વરૂપ’, 2002માં ‘માગુણિર સગડ’ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ફિલ્મ ઘોષિત થઈ. મનમોહન મહાપાત્રની ‘મુહૂર્ત’ કેરળ ફિલ્મ ફૅસ્ટિવલમાં વખણાઈ. બૈરાગી મિશ્રની ‘લક્ષ્મીર અભિસાર’, સુભાષ દાસની ‘અ આકારે આ’ પણ ચર્ચિત ફિલ્મો છે. ઊડિયા ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ રહી ચૂકેલા સાહિત્યકાર રણધીર દાસે તેમના ‘અર્ધ શતાબ્દીર ઊડિયા ચલચિત્ર ઇતિહાસ’, ‘ભારતીય ચલચિત્રર નબદિંગત’ વગેરે પુસ્તકો લખ્યાં છે નંદિતા દાસ જેવી પ્રતિભાશાળી ઊડિયાભાષી અભિનેત્રીએ હિન્દી આર્ટ ફિલ્મોમાં નામના મેળવી છે.
રેણુકા શ્રીરામ સોની