ઉંબરો : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus glomerata Roxb. syn. F. racemosa Linn. (સં. ઉદુંબર, મ. ઉંબર, હિં. ઉદુંબર, ગુલ્લર, બં. યજ્ઞડુમુર, ગુ. ઉંબરો, ઉંબરડો, ગુલર; તે. અત્તિ, બોડ્ડા; તા. અત્તિમાર; ફા. અંજીરે, આદમ; મલા. અત્તિ, અં. ફીગ ટ્રી.) છે. વડ, પીપળ, રબર, માખણકટોરી વગેરે તેનાં સહસભ્યો છે. તેને ઉમરડો કે ઊમરો પણ કહે છે. તે મધ્યમ કદથી માંડી ઘણા વિશાળ કદનું વૃક્ષ છે. પર્ણો સાદાં, એકાંતરિક, અંડાકાર કે અંડ-ભાલાકાર (ovate-lanceolate) કે ઉપવલયી (elliptic) બરછટ, બુઠ્ઠી અણીવાળાં, ઘેરા લીલા રંગનાં અને ઉપપર્ણીય (stipulate) હોય છે. પ્રકાંડ ઉપર આછી કાળી કે ભૂખરા રંગની છીછરી તિરાડોવાળી છાલ આવેલી હોય છે. ફળ ઉદુમ્બરક (hypanthodium) પ્રકારનું, પાકે ત્યારે રાતા રંગનું, જમરૂખ આકાર(pyriform)નું કે ઉપ-ગોળાકાર (sub-globose) હોય છે અને 2.5 સેમી.થી 5.00 સેમી.નો વ્યાસ ધરાવે છે અને મુખ્ય પ્રકાંડ અને પર્ણવિહીન ટૂંકી શાખાઓ ઉપર મોટા ગુચ્છમાં ઉદભવે છે. તે અંજીરના ફળ જેવાં જીવાતવાળાં હોય છે.

આકૃતિ 1 : ઉંબરો (Ficus glomerata) –
તેની પુષ્પ અને ફળ સહિતની શાખા

આ વૃક્ષ પરરોહી નથી અને ભારતમાં મોટેભાગે બધે જ ભેજવાળાં સ્થાનોએ થાય છે. તે ઝરણાંઓના કિનારે અને ખીણો(ravines)ની બાજુઓમાં તથા ખડકાળ ઢોળાવો ઉપર પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેના ખાદ્ય ફળો માટે ગામની આસપાસ વાવવામાં આવે છે.

ફળો માર્ચથી જુલાઈના ગાળામાં વિપુલ પ્રમાણમાં ઉદભવે છે. તે પૂર્ણ પરિપક્વ બને છે ત્યારે સફરજનના રસ જેવી મનોહર સુગંધી આપે છે. ફલનની ક્રિયામાં મદદ કરવા બ્લાસ્ટોફેગા નામના ફૂદાની ઇયળોથી ભરેલું હોય છે, અને ખાવા માટે અયોગ્ય હોય છે. તેમને સૂકવ્યા પછી દળીને લોટ બનાવવામાં આવે છે અને દૂધ અને ખાંડ સાથે લેવામાં આવે છે. અથવા ઠંડી જૅલી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ભૂંજેલાં ફળોનું ચૂર્ણ નાસ્તામાં ઉપયોગી છે.

ફળનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : પાણી 13.6 %, આલ્બ્યુમિનૉઇડો 7.4 %, લિપિડ 5.6 %, કાર્બોદિતો 49.0 %, રંગીન દ્રવ્ય 8.5 %, રેસો 17.9 %, ભસ્મ 6.5 %, સિલિકા (SiO2) 0.25 % અને ફૉસ્ફરસ (P2O5) 0.91 %.

કૉફી માટે તે એક સારા છાયા-વૃક્ષ તરીકે ઉપયોગી છે. ખરી પડેલાં પર્ણો કીમતી ઘાસપાતછાદન (mulch) બનાવે છે. હવા-શુષ્ક (air-dry) પર્ણોમાં નાઇટ્રોજન 0.915 %, ફૉસ્ફરસ (P2O5) 0.163 % અને કૅલ્શિયમ (CaO) 5.57 % જેટલું હોય છે.

પર્ણોનો ઉપયોગ ઢોરો અને હાથીના ચારા માટે થાય છે. પર્ણો(શુષ્ક દ્રવ્યને આધારે)માં અશુદ્ધ પ્રોટીન 12.36 %, ઇથર-નિષ્કર્ષ 2.75 %, અશુદ્ધ રેસો 13.03 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 58.88 %, કુલ કાર્બોદિતો 71.91 % અને કુલ ભસ્મ 12.98 % હોય છે.

તેના ક્ષીરમાં લગભગ 4.0 %થી 7.4 % જેટલું કૂચુક (કાચું રબર) હોય છે. સ્કંદિત (coagulated) ક્ષીરનો જમીન પર પાથરવાનાં પાથરણાં અને જલાભેદ્ય (water-proof) કાગળો બનાવવામાં ઉપયોગ થાય છે. હીવિયા રબર કે ક્ષીરમાં લગભગ 10 % જેટલું ઉંબરાનું ક્ષીર સુઘટ્યતાકારક (plasticizer) તરીકે ઉમેરવામાં આવે છે. પ્રકાંડના રસમાંથી પક્ષી-આસંજક (bird-lime) બનાવવામાં આવે છે.

તેનું કાષ્ઠ (480 કિગ્રા./ઘમી.) ભૂખરું કે ભૂખરું-સફેદ અને પોચું હોય છે. તે આમ તો ટકાઉ હોતું નથી, પરંતુ પાણીમાં સારું ટકે છે અને કૂવાનું થાળું બનાવવામાં ઉપયોગી છે. તે બારણાં, ગાડાનાં આડાં, ચોખા છડવા માટેના ખરલ, જાડાં પાટિયાં કે તખ્તા, શટર, રમકડાં, સસ્તું રાચરચીલું, ચોકઠાં, હળ, હલેસાં અને દીવાસળીની પેટીઓ વગેરે બનાવવામાં ઉપયોગી છે. તેનો સસ્તા ખરાદીકામમાં પણ ઉપયોગ થાય છે. તેનું કાષ્ઠ યજ્ઞમાં ઉપયોગમાં લેવાય છે.

તે લાખ બનાવતા કીટકનો પોષનાર છે. મૂળ ઉપર ગાંઠો ઉત્પન્ન કરતા સૂત્રકૃમિઓના ચેપનો તે પ્રતિકાર કરે છે અને તેથી અંજીરના સ્કંધ (stock) તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે Cerotelium fici (Cast.) દ્વારા થતા પર્ણગેરુ માટે સંવેદી છે.

છાલમાં 14 % જેટલું ટેનિન હોય છે. તે સંકોચક (astringent) છે અને તેના ક્વાથનો ઘા સાફ કરવા માટે ઉપયોગ થાય છે. મૂળ મરડામાં વપરાય છે. પર્ણોના ચૂર્ણને મધ સાથે મિશ્ર કરી પિત્ત સંબંધી રોગોમાં અપાય છે. ફળ સંકોચક, ક્ષુધાપ્રેરક અને વાતહર (carminative) હોય છે. ફળનો રસ હરસ અને અતિસાર(diarrhoea)માં ઉપયોગી છે.

આયુર્વેદ અનુસાર ઉંબરો શીતળ, ગર્ભસંધાનકારક, વ્રણરોપક, રુક્ષ, મધુર, તૂરો, ગુરુ, અસ્થિસંધાનકારક અને વર્ણકર છે અને કફ, પિત્ત, અતિસાર અને યોનિરોગનો નાશ કરે છે. તેની છાલ શીતળ, દુગ્ધપ્રદ, તૂરી, ગર્ભને હિતાવહ અને વ્રણનાશક છે. તેનાં કાચાં ફળ સ્તંભક, તૂરાં અને હિતકર છે. તે તૃષા, પિત્ત, કફ અને રક્તવિકારનો નાશ કરે છે. મધ્યમ કાચાં ફળ મીઠાં, શીતળ અને તૂરાં હોય છે અને પિત્ત, તૃષા, રક્તસ્રાવ વાંતિ અને પ્રદરનો નાશ કરે છે. તેનાં જૂનાં ફળ તૂરાં, રુચિકર, ખાટાં, દીપન, માંસવૃદ્ધિકર, રક્તદોષકારક, દોષલ અને જડ છે. તેનાં પરિપક્વ ફળ તૂરાં, મધુર, રુચિકર, જડ, અતિશીતળ અને કફહર હોય છે અને રક્તદોષ, પિત્ત, દાહ, ક્ષુધા, તૃષા, શ્રમ, પ્રમેહ, શોષ, રક્તપિત્ત તથા મૂર્છાનો નાશ કરે છે.

ઉંબરો આમાશયને નુકસાનકારક અને તાવ ઉત્પન્નકર્તા છે. તેની છાલ લગભગ 5 ગ્રા.થી 11 ગ્રા., ફળ 2થી 4, દૂધ 10થી 20 ટીપાં સાકર અને દૂધની સાથે અપાય છે. રક્તસ્રાવયુક્ત રોગો જેવા કે કફની સાથે લોહી, પેશાબમાં લોહી પડવું, નસકોરી ફૂટવી, લોહીની ઊલટી થવી, મરડો થઈને લોહી પડવું, અત્યાર્તવ અને ગર્ભપાત ઉપર વિના ભયે અપાય છે. ફળથી લોહી બંધ ન થાય તો થોડી છાલ મેળવવામાં આવે છે. ગર્ભપાત બંધ કરવામાં આ ઔષધ આપવાથી ગર્ભને ધક્કો પહોંચતો નથી.

મધુમેહમાં ફળ પાચન અને પૌષ્ટિક રૂપે અપાય છે. શીતળામાં ઉષ્ણતા ઓછી કરવા માટે ફળ આપવામાં આવે છે. નાનું બાળક અતિનિર્બળ થઈ ગયું હોય, ઊલટી અને દસ્ત લાગતાં હોય, તો તેને ઉંબરાનું દૂધ 10-10 બુંદ દૂધ સાથે આપવાથી સારો ફાયદો થાય છે. તાળવું પડ્યું હોય તો તેનું દૂધ તાળવા પર લગાડાય છે. ગંડમાળ, બદ અથવા બીજા પ્રકારના સોજા પર તેનું દૂધ લગાડવાથી વેદના અને સોજો ઓછાં થાય છે. કમરના દર્દ ઉપર કમર ઉપર અને શ્વાસરોગમાં છાતી પર અને પીઠ પર તેનું દૂધ લગાડવામાં આવે છે. પરમામાં તેનું મૂળ કે મૂળમાંથી નીકળેલું પાણી આપવાથી મૂત્રનલિકાનો સોજો ઓછો થાય છે. તેનું ઝેર અંદર ચાલ્યું જાય તો તેના ઉપર ઉંબરાનું પાણી અત્યંત ઉપયોગી છે. મધુમેહમાં તેના પાણીનો ઉપયોગ થાય છે. છાલનો ફાંટ અત્યાર્તવમાં અપાય છે. પાન ઉકાળી તેના ક્વાથમાં ઘી સિદ્ધ કરી લગાડવાથી અતિવેદના આપતાં ગૂમડાં મટી જાય છે.

આ ઉપરાંત, તેનો ઉપયોગ વાયુથી અંગ રહી ગયું હોય તે ઉપર, વછનાગ અને વીંછીનાં વિષ, સોમલ, થોથર, ગાલપચોળું, આમાતિસાર, પથરી, ભસ્મક (ભૂખ ઘણી લાગવી), પિત્તજ્વર અને કૉલેરામાં થાય છે.

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

શોભન વસાણી

બળદેવભાઈ પટેલ