ઈડર : ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું તાલુકામથક અને પ્રાચીન શહેર. સમુદ્રની સપાટીથી 229 મી. ઊંચાઈએ આવેલું આ શહેર 23o 05´ ઉ. અ. અને 73 પૂ. રે. ઉપર છે. અહીંનું સર્વોચ્ચ શિખર 437 મી. ઊંચાઈ ધરાવે છે. તે અમદાવાદની ઉત્તરે 104 કિમી. અને હિંમતનગરની ઉત્તરે માત્ર 27 કિમી. દૂર છે. અમદાવાદ-ખેડબ્રહ્મા રેલમાર્ગનું તે સ્ટેશન છે.

જૂના વખતથી તે વેપારનું કેન્દ્ર છે અને વાણિજ્ય અને વિનયન કૉલેજ ઉપરાંત માધ્યમિક શાળાઓ, સ્ત્રીઅધ્યાપન મંદિર અને તાલુકા-પુસ્તકાલય ધરાવે છે. અહીં રમકડાં-ઉદ્યોગ અને ચર્મ-ઉદ્યોગ વિકસેલા છે. અહીં ગ્રૅનાઇટ ખડકની ટેકરીઓ આવેલી છે.

અહીંનો ઇડરિયો ગઢ વિખ્યાત છે. હાલ તે ભગ્નાવસ્થામાં છે. આ ઉપરાંત રણમલ ચૉકી, રૂઠી રાણીનું માળિયું, જૈન મંદિરો, સ્વામિનારાયણ મંદિર, જુવાનવિલાસ મહેલ, રણમલેશ્વર તળાવ, વેણીવત્સનો કુંડ તથા કોટેશ્વર, કણ્વનાથ મંદિર, ચંપેશ્વર વગેરે શિવાલયો અને ચંદનગુફા જોવાલાયક છે.

ઈડરનું જૂનું નામ ઇલ્વદુર્ગ હતું. દંતકથા પ્રમાણે દ્વાપરયુગમાં ઇલ્વ અને વાતાપિ રાક્ષસો ઋષિમુનિઓને ત્રાસ આપતા હતા. તેનો અગસ્ત્યે નાશ કર્યો હતો. ઈ. સ. પૂ. 870 આસપાસ અહીં વેણીવત્સ રાજા થઈ ગયો. શિલાદિત્ય સાતમાની રાણી પુષ્પાવતીએ ‘ગુહ’ નામના પુત્રને અહીં જન્મ આપ્યો હતો તેમ મનાય છે. તેની સાત પેઢી પછી આ શહેર ભીલોના હાથમાં ગયું હતું. ઈ. સ. 1000 આસપાસ અહીં પ્રતિહારોની સત્તા હતી, જે પૈકી અમરસિંહ ખૂબ બલિષ્ઠ હતો. પ્રતિહાર વંશના રાજાને હરાવીને હાથી સોડ અને શામળિયા સોડે અહીં રાજ્ય કર્યું હતું. શામળિયા સોડને મારવાડના સોનિંગજી રાઠોડે હરાવી આ વંશની સ્થાપના કરી હતી. ઈ. સ. 1298-1304 દરમિયાન અલાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલૂઘખાને તે કબજે કર્યું હતું. ગુજરાતના સુલતાનોને રાઠોડ રાજાઓ સાથે અવારનવાર ઘર્ષણ થતું હતું. આ રાજાઓ પૈકી રણમલ ખૂબ જ બળવાન હતો(1414). ગુજરાતના સુલતાનો, મુઘલ સુબેદારો તથા ગાયકવાડનાં લશ્કરોએ ઇડર ઉપર ચઢાઈ કરી હતી, પણ ઇડર રાજ્યે ખંડણી આપતાં રાજ્ય ઉપર રાઠોડ સત્તા ચાલુ રહી હતી. જોધપુરના મહારાજા આનંદસિંહ તથા રાયસિંહજીએ થોડોક વખત રાજ્ય કર્યું હતું. ત્યારબાદ શિવસિંગ, ગંભીરસિંગ, જવાનસિંગ અને કેસરીસિંગે ઈ. સ. 1742થી ઈ. સ. 1901 સુધીના સમય દરમિયાન રાજ્ય કર્યું હતું. 20-2-1901ના રોજ કેસરીસિંગના મૃત્યુ બાદ તેના બાળકપુત્ર કૃષ્ણસિંહજીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ જોધપુર રાજવી તખ્તસિંહના 55 વરસના પુત્ર પ્રતાપસિંહની વફાદારીની કદર કરી બ્રિટિશ સરકારે 12-2-1902ના રોજ તેમને ઈડરની ગાદીએ બેસાડ્યા. તેમણે લોકો ઉપર ખૂબ કરવેરા નાખ્યા હતા. તેથી ત્રાસેલી પ્રજાએ હરગોવિંદ હરિદત્ત ઠાકોરના નેતૃત્વ હેઠળ સંગઠિત થઈને ઈ. સ. 1910માં પ્રજાકીય લડત ચલાવી હતી અને જન્મવેરો, નાતવરાનો વેરો વગેરે વેરા રદ થયા હતા. પ્રતાપસિંહ પછી તેનો દત્તક પુત્ર દૌલતસિંહ 42 વર્ષની ઉંમરે ગાદીએ બેઠો. દીવાન લલ્લુભાઈ તથા ભંડારીએ ખૂબ કરવેરા વધારી દીધા હતા તેથી પ્રજાએ ત્રાસીને 22-2-1925ના રોજ મુંબઈમાં ‘ઈડર પ્રજામંડળ’ની સ્થાપના કરી હતી. મોડાસાના આગેવાન મથુરાદાસ ગાંધીના નેતૃત્વ નીચે ઈડરમાં 1932માં જવાબદાર રાજ્યતંત્રની માગણી કરાઈ હતી, પણ પ્રજા ઉપર ત્રાસ વર્તાવીને રાજ્યે શાંત, અહિંસક ચળવળ દબાવી દીધેલી. 1931માં દૌલતસિંહના મૃત્યુ પછી તેના પુત્ર હિંમતસિંહજી ગાદીએ આવ્યા. તે ઘોડાની રેસના શોખીન હતા. રાજ્યની ધુરા દીવાનના હાથમાં હતી. પ્રજાકીય નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. ગંગારામ શુક્લને કુલ 8 વરસની જેલની સજા કરાઈ હતી. 15-1-1948ના રોજ પ્રજામંડળે ઠરાવ કરી જવાબદાર રાજતંત્રની માગણી કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહથી રાજાએ ભારત સાથેનું જોડાણ સ્વીકાર્યું અને 10-6-1948થી ઈડર રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું હતું.

મહેશચંદ્ર પંડ્યા