ઇન્દ્રપ્રસ્થ : મહાભારતકાળમાં પાંડવો માટે નવી સ્થપાયેલી રાજધાની. મહાભારતના આદિપર્વમાં જણાવ્યા પ્રમાણે લાક્ષાગૃહમાંથી વિદુરની યુક્તિથી છટકી ગયેલા પાંડવો છૂપી રીતે ‘દ્રૌપદીનો સ્વયંવર થવાનો છે’ તેવું સાંભળી એમાં ભાગ લેવા મિથિલા ગયા ને દ્રૌપદીને પામ્યા. એ સમાચાર મળતાં ધૃતરાષ્ટ્રે એમને તેડાવી અને કૌરવો અને પાંડવો વચ્ચે કલહ આગળ ન વધે એ માટે ‘ખાંડવપ્રસ્થ’માં નવું નગર વસાવી તેઓ ત્યાં રહે એવી વ્યવસ્થા ગોઠવી ત્યારે જે નગર વસ્યું તે ઇન્દ્રપ્રસ્થ. એનો પર્યાય ‘શક્રપ્રસ્થ’ પણ છે. ખાંડવવનદાહમાંથી બચેલા મય અસુરે પાંડવોને માટે અહીં સભા તૈયાર કરી આપી. ઇન્દ્રપ્રસ્થમાં જ દુર્યોધનને જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળનો અનુભવ થયેલો.

ઇન્દ્રપ્રસ્થ

સૌ. "ઇન્દ્રપ્રસ્થ"

આ નગરની સ્થાપનાનું મુહૂર્ત દ્વૈપાયન વ્યાસે કાઢી આપ્યું હતું. હસ્તિનાપુર ગંગાના કિનારે હતું, જ્યારે ઇન્દ્રપ્રસ્થ યમુનાના કિનારે. યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ આ નગરમાં કર્યો હતો. હસ્તિનાપુરનો ગંગાના પ્રચંડ પૂરથી ઈ. સ. પૂ. સાતમી-આઠમી સદીમાં નાશ થયો. પણ ઇન્દ્રપ્રસ્થ નષ્ટ થયાનું જાણવામાં આવ્યું નથી. આજનું દિલ્હી યમુનાના કિનારે છે, પણ એ ઇન્દ્રપ્રસ્થનું સ્થાન નથી. દિલ્હીથી દક્ષિણ-પૂર્વમાં મથુરાના માર્ગે આગળ વધતાં જમણી બાજુએ ઉજ્જડ ટીંબાઓને ઇન્દ્રપ્રસ્થનું સ્થાન કહેવામાં આવે છે.

કે. કા. શાસ્ત્રી