આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber cernuam Dalz. છે. તે પુષ્પ, ફળ અને બીજ-નિર્માણ કરે છે. ફળ પ્રાવર પ્રકારનું હોય છે. આદુંનું મૂળ વતન ઈશાન એશિયા છે. ભારત અને ચીનમાં તેની પ્રાચીન સમયથી વપરાશ છે. ગ્રીક અને રોમન પ્રજા દ્વારા તેનો તેજાના તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને તેને ‘અરેબિયન’ નીપજ ગણવામાં આવતી હતી; કારણ કે તે રાતા સમુદ્રના માર્ગે ભારતમાંથી પ્રાપ્ત કરવામાં આવતું હતું. પહેલી સદીમાં ભૂમધ્ય સમુદ્રના દેશોમાં અને 11મી સદીમાં તે ઇંગ્લૅંડમાં પ્રવેશ પામ્યું હતું. સ્પેનના વતનીઓ દ્વારા વૅસ્ટ ઇંડિઝના જમૈકા અને બીજા દ્વીપકલ્પોમાં તેનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ઈ. સ. 1547માં વેસ્ટ ઇંડિઝમાંથી સ્પેનમાં ખૂબ મોટા જથ્થામાં નિકાસ કરવામાં આવી હતી. તે ગાંઠામૂળી (rhizome) દ્વારા લગભગ 1,600 મી.ની ઊંચાઈ સુધી ઊગે છે.

Ginger rhizome

આદું

સૌ. "Ginger rhizome" | CC BY-SA 4.0

તે 1.0 મી. જેટલી ઊંચી, બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેનું પ્રકાંડ ભૂમિગત ગાંઠામૂળી પ્રકારનું હોય છે અને ભૂમિની સપાટીની નીચે અગ્ર અને કક્ષકલિકા દ્વારા વૃદ્ધિ પામે છે. તે સુરભિત (aromatic), માંસલ-ખંડિત, આછા પીળા રંગની હોય છે અને તેની વિવિધ કૃષ્ય જાતોમાં તેનાં આકાર અને કદમાં તફાવત હોય છે. જ્યારે વનસ્પતિ પરિપક્વ બને ત્યારે તે કેટલાક પાર્શ્વીય પ્રરોહ સમૂહમાં ઉત્પન્ન કરે છે. પર્ણો સાદાં, સાંકડાં, રેખીય-ભાલાકાર (linear-lanceolate), દ્વિપંક્તિક (distichous), એકાંતરિક, 17.0 સેમી. લાંબાં x 1.8 સેમી. (પહોળાં) અને લગભગ અદંડી હોય છે. પ્રકાંડ અને પર્ણોમાં તૈલી ગ્રંથિઓ આવેલી હોય છે. તેનો સ્રાવ તીવ્ર અમ્લીય હોય છે. પુષ્પો શુકી(spike)સ્વરૂપે ગોઠવાયેલાં અને લીલાશ પડતાં પીળાં હોય છે. પુષ્પની ટોચ ઘેરા જાંબલી રંગની હોય છે. તે દ્વિચક્રીય પરિદલપત્રો ધરાવે છે. પ્રત્યેક ચક્રમાં ત્રણ પરિદલપત્રો હોય છે. તે એક ફળાઉ પુંકેસર ધરાવે છે. કીટકોને આસન (platform) આપતું ઓષ્ઠક (labellum) પુંકેસરનો રૂપાંતરિત ભાગ છે. બીજાશય અધ:સ્થ અને ત્રિકોટરીય હોય છે અને ઘણાં બીજ ધરાવે છે. ફળ અધ:સ્થ પ્રાવર (diplotagia) પ્રકારનું હોય છે. બીજમાં ભ્રૂણ મોટો હોય છે અને પાર્શ્વબાજુએ ગાંઠ પર એક જ બીજપત્ર આવેલું હોય છે.

દુનિયાના ઉત્પાદનનું 50 % જેટલું આદું ભારતમાં વવાય છે, જેમાંનું 70 % જેટલું કેરળમાં થાય છે. ભારતમાં 1973-74માં લગભગ 23,844 હેક્ટર ભૂમિમાં તેનું વાવેતર કરવામાં આવ્યું હતું અને 38,231 ટન સૂકું આદું મેળવવામાં આવ્યું હતું. તે નાઇજિરિયા, બ્રાઝિલ, ચીન, જાપાન અને ઇન્ડોનેશિયામાં પણ વાવવામાં આવે છે. ભારત તેના ઉત્પાદનના 10 % જેટલું આદું સાઉદી અરેબિયા અને મધ્યપૂર્વના દેશોમાં નિકાસ કરે છે.

આદું વન્ય અવસ્થામાં ભાગ્યે જ મળી આવે છે અને કવચિત જ પુષ્પનિર્માણ કરે છે. જોકે ભારતના પશ્ચિમી સમુદ્રતટે વાવવામાં આવતું આદું ઑક્ટોબર માસમાં પુષ્પો ઉત્પન્ન કરે છે.

આદુંની ‘રિયો-ડી-જાનેરો’ જાતનો કેરળમાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તે લીલા આદું (12 ટન/હેક્ટર) કરતાં ઘણું ઊંચું ઉત્પાદન (20 ટન/હેક્ટર) આપે છે. ભારતમાં વાયનાડ, મારન, માનથોડી, વાલુવાનડ, એર્નાડ, નાદિયા, વુરૂપાંઅડી, સીદીપેટ, થીમ્ફી વગેરે સૂંઠ બનાવવા માટેની અને રિયો-ડી-જાનેરો તેલયુક્ત રાળના નિષ્કર્ષણ માટેની તેમજ લીલા આદું તરીકે વપરાતી લોકપ્રિય જાતો થાય છે. કારાક્કલ, બાલીવઇકા અને મારન જેવી જાતો વધુ ઉત્પાદન માટે જાણીતી છે. તાઇવાનથી લાવવામાં આવેલી આદુંની વિદેશી જાતો ‘તા-કુઆંગ’ અને ‘ચુ-ચિઆંગ’ મૃદુ અને લગભગ રેસાવિહીનતા માટે ખૂબ જાણીતી છે.

આકૃતિ 1 : આદું (અ) વ્યાપારિક ધોરણે વાવવામાં આવતી આદુંની એક જાત; (આ) આદુંની ગાંઠામૂળી

આદુંના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ ગણાય છે. મધ્યમસર વરસાદ (150 સેમી.થી 300 સેમી) યુક્ત લાંબું ચોમાસું ફાયદાકારક છે. જ્યાં વરસાદ ઓછો થતો હોય ત્યાં નિયમિત જલસિંચાઈ જરૂરી હોય છે. તેને વાવવા માટે પૂરતા પ્રમાણમાં સેંદ્રિય તત્વ ધરાવતી ગોરાડુ, મધ્યમ, કાળી કે ભાઠાની કાંપવાળી અને સારી નિતારશક્તિ ધરાવતી જમીન વધારે માફક આવે છે. ગોરાડુ જમીનમાં સપાટ ક્યારા અને પાણી ભરાતું હોય તેવી કાળી જમીનમાં ગાદી-ક્યારા કે નીક-પાળાની પદ્ધતિએ આદું રોપાય છે. તેની સુષુપ્ત અવસ્થા દરમિયાનની ઠંડી આબોહવા પાકને અસર કરતી નથી. આછા છાંયડામાં પાકની સારી વૃદ્ધિ થતી હોવા છતાં છાંયડો જરૂરી નથી. આ પાકની બે હરોળ વચ્ચે 30 સેમી. અને બે છોડ વચ્ચે 15 સેમી. અંતર રાખવામાં આવે છે. પાળાની પદ્ધતિમાં પાળાના ઢોળાવ પર 15 સેમી.થી 20 સેમી. અંતરે રોપણી કરવામાં આવે છે. રોપણી માટે પરિપક્વ, રોગમુક્ત, રસદાર, કઠણ અને ઓછામાં ઓછી એક પૂર્ણ વિકસિત આંખ ધરાવતી 4 સેમી.થી 5 સેમી.ની આશરે 30 ગ્રામ વજનની ગાંઠ પસંદ કરાય છે. એક હેક્ટરમાં 1,200થી 1,500 કિગ્રા. ગાંઠો પૂરતી છે. રોપણી અગાઉ 0.5 % ઍગેલોલ ત્રણ મિનિટ માટે કે સેરેસાન- (0.1 %, 30 મિનિટ માટે)ના જલીય દ્રાવણની માવજત આપવી જરૂરી હોય છે. પોચા સડાનો રોગ અટકાવવા રોપણી વખતે ચાસમાં ચેસનટ-કંપાઉન્ડ આપવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તે ચોમાસામાં એપ્રિલ-મેથી ડિસેમ્બર સુધી વવાય છે; જ્યારે ઉત્તર અને મધ્ય ભારતમાં તે સિંચિત (irrigated) પાક તરીકે ઉગાડવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં એપ્રિલ-મેથી વહેલાં વાવેતર થાય છે. પૂર્વ ભારતમાં માર્ચમાં વાવણી થાય છે. તેની રોપણી બાદ ઘાસપાતછાદન (mulching) જરૂરી હોય છે. તેને માટે લીલાં-સૂકાં પાંદડાં પાથરીને અને સોટિયો ગુવાર (હેક્ટર દીઠ 5.0 કિગ્રા. બી), શણ અને ઇકડનો પડવાસ નાખીને છાંયો કરવામાં આવે છે.

આદું નિષ્કાષિત (exhausting) પાક હોવાથી તેને વધારે પ્રમાણમાં ખાતર આપવું જરૂરી છે. હેક્ટરદીઠ 50થી 60 ટન ગળતિયું ખાતર, 50 કિગ્રા. ફૉસ્ફરસ અને 25 કિગ્રા. પોટૅશિયમ રોપણી વખતે અને 40 દિવસ પછી 37.5 કિગ્રા. નાઇટ્રોજન અને ત્રણ માસ પછી 37.5 કિગ્રા. નાઇટ્રોજન અને 25 કિગ્રા. પોટૅશિયમ ખાતર તરીકે અપાય છે. ગોરાડુ જમીનમાં 3થી 4 વખત અને કાળી જમીનમાં 20-25 પિયતની આવશ્યકતા રહે છે. એમાં નીંદામણ અને આંતરખેડ મહત્વનાં છે.

આદુંને ગાંઠનો સડો (rhizome rot) અને પોચો સડો (soft-rot) નામના રોગો થાય છે. આ સડા સાથે સંકળાયેલાં રોગજન Pythium aphanidermatum Fitzp., P. graminicolum Subram., P. gracile Schenk. અને Fusarium sambucinum Fuckel છે. ભારે વરસાદ, જલ-નિષ્કાસનનો અભાવ અને સતત ભેજવાળી સ્થિતિમાં આ સડાના રોગો મહામારી(epidemic)ના રોગો બની જાય છે. આ રોગમાં પાન પર ટપકાં પડી તે પીળાં પડે છે અને છોડ નીચેથી ઉપરની તરફ સુકાવા માંડે છે. ગાંઠો પોચી પડી કોહવાઈ જાય છે. આ રોગ આદુંના સંગ્રહ વખતે પણ લાગે છે.

તેના રોગનિવારણના પગલા તરીકે બીજ-ગાંઠામૂળીને વાવણી પહેલાં આ પહેલાં નિર્દેશ્યું તેમ ઍગેલોલ (0.5 %, 3 મિનિટ માટે), સેરેસાન (0.1 %, 30 મિનિટ માટે) કે કૉપિયેસન (0.3 %, 60 મિનિટ માટે)ની માવજત આપવામાં આવે છે. જ્યારે રોગ લાગુ પડે ત્યારે ચેસ્ટનટ સંયોજનની ભલામણ કરવામાં આવે છે. તે એમોનિયમ કાર્બોનેટ અને કૉપર સલ્ફેટનું 11:2ના પ્રમાણમાં મિશ્રણ કરી તૈયાર કરાય છે. સંગૃહીત બીજ-ગાંઠામૂળીને 0.1 % મર્ક્યુરિક ક્લોરાઇડની માવજત આપવાથી સારાં પરિણામ પ્રાપ્ત થયાં છે. ગાંઠોને ડાયથેન-એમ.45ના 2 %ના દ્રાવણની માવજત આપવાથી, ચોમાસામાં દર માસે 1 % બોર્ડો-મિશ્રણ, 0.3 % બ્લાઇટેક્સ, બ્લૂ કૉપર અથવા ફાઈટોલાનનું દ્રાવણ છોડની આજુબાજુ રેડવાથી રોગને કાબૂમાં લઈ શકાય છે. રોપણી વખતે હેક્ટરદીઠ 200 કિગ્રા. લિંબોળીનો ખોળ વાપરવાથી પણ આ રોગ અટકાવી શકાય છે. Colletotrichum capsici Butler & Bisby દ્વારા પાનનો શ્યામવ્રણ (anthracnose) નામનો રોગ થાય છે. તેનું નિયંત્રણ 1 % બૉર્ડો-મિશ્રણ દ્વારા કરી શકાય છે.

પાણી ભરાઈ રહે તેવી જમીનમાં ‘ગાંઠની માખી’ના ધોળા કીડાનો રોગ આદુંના પાકમાં થાય છે. આ માટે ફ્યુરાડેન-3 જી એક હેક્ટરે 50 કિગ્રાના પ્રમાણમાં જમીનમાં 5થી 7 સેમી.ની ઊંડાઈએ આપવામાં આવે છે. વાંકડિયા પાનનો રોગ લાગુ પાડતી પતંગિયાની (Udaspes folus) ઇયળના નાશ માટે 0.1 % કાર્બારીલ અથવા 0.05 % ડાયમિથિયેટ કે ફૉસ્ફામિડાનનો છંટકાવ કરવો જરૂરી છે. પાકને ગંભીર નુકસાન પહોંચાડતું એકમાત્ર કીટક (ફૂદું), પ્રરોહવેધક (shoot borer), Dichocrosis punctiferalis Guen છે. તેની ઇયળો વનસ્પતિના કેન્દ્રસ્થ પ્રરોહને કોરી ખાય છે; જેથી વનસ્પતિ પીળી બની સુકાઈ જાય છે. તેના નિયંત્રણ માટે 0.05 % ઍન્ડ્રિનનો છંટકાવ કરવામાં આવે છે અને અસરગ્રસ્ત પ્રરોહ કાપીને દૂર કરવામાં આવે છે.

Stegobium paniceum Linn. નામની ભમરાની જાતિની ઇયળ સૂકા આદું પર પોષણ માટે આધાર રાખે છે. ઇયળ ગાંઠામૂળીમાં સૂક્ષ્મ છિદ્ર પાડી તેને ખોતરી ખાય છે. છ કલાક માટે 54°-66° સે. તાપમાન આપવાથી અથવા પાયરેથ્રિનનો પાઉડર છાંટવાથી તેનું નિયંત્રણ થાય છે. Meloidogyne sp. નામના સૂત્રકૃમિ દ્વારા ગાંઠામૂળી પોચી પડી જાય છે. તેના નિયંત્રણ માટે નેમાગોનનો ધુમાડો ભૂમિને આપવામાં આવે છે.

છોડનાં પાન પીળાં પડે ત્યારે પાક તૈયાર થયેલો ગણાય છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં પાક તૈયાર થાય છે. વાવેતર પછી લગભગ સાતેક માસમાં તેની લણણી કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં અને પૂર્વ ભારતમાં સપ્ટેમ્બર-નવેમ્બરમાં તેની લણણી થાય છે. સારી સૂંઠ મેળવવા માટે આદુંની લણણી મોડી કરવામાં આવે છે. છતાં આ લણણી વાવેતર પછી 260 દિવસથી વધારે દિવસ બાદ કરવામાં આવતી નથી; કારણ કે તેથી રેસાઓમાં વધારો થાય છે અને બાષ્પશીલ તેલમાં ઘટાડો થાય છે. ગાંઠોને નુકસાન ન થાય તે રીતે આદુંને કાળજીપૂર્વક ખોદી કાઢવામાં આવે છે. તેને ધોઈને સાફ કરીને લીલા આદું તરીકે વેચવામાં આવે છે. ભારતમાં લીલા આદુંનું સરેરાશ ઉત્પાદન 7,000 કિગ્રાથી 10,000 કિગ્રા. પ્રતિહેક્ટર જેટલું થાય છે. વ્યક્તિગત પ્લૉટમાં 40,000 કિગ્રા. પ્રતિહેક્ટર મહત્તમ ઉત્પાદન મેળવી શકાયું છે.

બીજ માટે આદુંનો સંગ્રહ લગભગ 120 દિવસથી 150 દિવસ સુધી કરવો જરૂરી હોય છે. આ માટે રોગમુક્ત, ભરાવદાર, પરિપક્વ ગાંઠોને 0.25 % સેરેસાન કે ડાયથેન એમ. 45ના દ્રાવણમાં બોળીને છાંયડામાં સૂકવી ખાડામાં રેતી ઉપર ગોઠવવામાં આવે છે અને ખાડાને પાટિયાં મૂકીને ઢાંકી દેવામાં આવે છે. આદુંને ખેતરમાં જ પાંદડાં ઢાંકીને અથવા હવા-ઉજાસવાળા ઓરડામાં રેતી પાથરીને ઉપર આદુંની ગાંઠો મૂકીને સંગ્રહી શકાય છે.

આદુંની સૂંઠ : તેની ભરાવદાર પરિપક્વ તંદુરસ્ત ગાંઠોને ધોઈને કાથીથી કે લાકડાના ચપ્પુથી ઉપરની છાલ દૂર કરી, ફરીથી ધોઈને 8થી 10 દિવસ તડકામાં સૂકવવાથી દેશી સૂંઠ તૈયાર થાય છે. છાલ ઉતારીને ચૂનાના 2 %ના દ્રાવણમાં 8થી 10 દિવસ બોળી રાખવાથી અને ગંધકનો ધુમાડો આપવાથી વિરંજિત (bleached) સફેદ સૂંઠ મળે છે. સામાન્ય રીતે આદુંમાંથી ત્રીજાથી પાંચમા ભાગ (વજન) જેટલી તે મળે છે.

સૂકા આદુંની વિવિધ જાતોનું ટકાવારીમાં રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે (કૌંસમાં સરેરાશ મૂલ્ય ટકાવારીમાં દર્શાવવામાં આવ્યું છે.) : ભેજ 8.51-6.5 (10.9); અશુદ્ધ પ્રોટીન 10.3-15.0 (12.4); અશુદ્ધ રેસા 4.8-9.8 (7.2); સ્ટાર્ચ 40.4-59.0 (53.0); કુલ ભસ્મ 5.1-9.3 (6.6); જલદ્રાવ્ય ભસ્મ 4.0-8.8 (5.5); જલ-નિષ્કર્ષ 14.4-25.8 (19.6); શીત આલ્કોહૉલ-નિષ્કર્ષ 3.6-9.3 (6.0); એસિટોન-નિષ્કર્ષ 3.9-9.3 (6.5) અને બાષ્પશીલ તેલ 1.0-2.7 (1.8).

લીલા આદુંના રાસાયણિક બંધારણમાં ભેજ 80.9 %; પ્રોટીન 2.3 %; લિપિડ 0.9 %; રેસા 2.4 %; કાર્બોદિતો 12.3 % અને ખનિજ ક્ષારો 1.2 % હોય છે. તે કૅલ્શિયમ 20 મિગ્રા., ફૉસ્ફરસ 60 મિગ્રા. અને લોહ 2.6 મિગ્રા./100 ગ્રા. ધરાવે છે. લીલા આદુંમાં અત્યંત અલ્પ પ્રમાણમાં આયોડીન (0.82 પી. પી. એમ. અને ફ્લોરિન (2.2 પી. પી. એમ.) પણ હોય છે. તે પ્રજીવકો જેવાં કે થાયેમિન 0.06 મિગ્રા. રાઇબોફ્લેવિન 0.03 મિગ્રા.; અને નાયેસિન 0.6 મિગ્રા. એસ્કૉર્બિક ઍસિડ (પ્રજીવક, ‘સી’) 6.0 મિગ્રા/100 ગ્રા. ધરાવે છે. ગાંઠામૂળીમાં મુખ્ય કાર્બોદિત તરીકે સ્ટાર્ચ હોય છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ અલ્પ જથ્થામાં હોય છે.

આદુંની સુગંધ તેના બાષ્પશીલ તેલને કારણે છે. તે ગાંઠના બાષ્પ-નિસ્યંદન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. સામાન્ય રીતે છાલવાળા આદુંમાંથી તે મેળવવામાં આવે છે. અધિસ્તરીય પેશીમાં તૈલી ગ્રંથિ-કોષો આવેલા હોય છે. તેથી છાલરહિત આદુંમાં તેલનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તાજા સૂકવેલા છોલ્યા વિનાના આદુંમાં તેનું પ્રમાણ 1.5 % થી 3.0 % જેટલું હોય છે. તે લીલા રંગથી માંડી પીળા રંગનું, તરલ અને સુગંધીદાર હોવા છતાં તીખી વાસ ધરાવતું નથી. તેનો સંગ્રહ કરવાથી તે ઘટ્ટ બને છે. તેલમાં 50 %થી વધારે સૅસ્ક્વીટર્પિન હાઇડ્રોકાર્બન, સેસ્ક્વીટર્પિન આલ્કોહૉલ, મૉનોટર્પિનૉઇડ્, એસેટિક ઍસિડ અને કેપ્રિલિક ઍસિડના ઍસ્ટરો અને અત્યંત અલ્પ પ્રમાણમાં ફીનૉલ હોય છે. ઝિન્ઝબરિન મુખ્ય સેસ્ક્વીટર્પિન હાઇડ્રૉકાર્બન (35.6 %) છે. અન્ય સેસ્ક્વીટર્પિનમાં આસ્કુર્કુમિન (17.7 %); ફાર્નેસિન (9.8 %) અને અલ્પ પ્રમાણમાં β-બાઇસૅબોલિન, r-સૅલિનિન, β-ઍલિમિન અને β-સેસ્ક્વીફૅલેન્ડ્રિનનો સમાવેશ થાય છે. ઝિન્ઝિબરોલ સેસ્ક્વીટર્પિન આલ્કોહૉલ છે. તેલમાં રહેલા મૉનોટર્પિન હાઇડ્રૉકાર્બનમાં કૅમ્ફિન, α અને β પાયનિન, ક્યુમિન, માયર્સિન, લિમોનિન, p-સાયમિન અને β-ફૅલેન્ડ્રિનનો સમાવેશ થાય છે. ઑક્સિજન ધરાવતા મૉનોટર્પિન સંબંધિત સંયોજનોમાં 2-હૅપ્ટેનોલ 2-નોનૅલ, n-નોનેનલ, n-ડેકાનલ, મિથાઇલ હૅપ્ટેનૉન. 1,8-સિનિયૉલ, બૉર્નિયૉલ, બૉર્નાઇલ એસિટેટ, લીનેલૂલ અને સિટ્રેલનો સમાવેશ થાય છે. આદુંમાં રહેલા તીખા ઘટકો ઑલિયોરેઝીન (7.35 %) છે. તે અબાષ્પશીલ હોય છે અને રાસાયણિક રીતે તે ઑક્સિમિથાઇલ ફીનૉલ છે; જેમાં જિંજેરોલ, શોગાઓલ અને જિંજેરોન અને અલ્પ પ્રમાણમાં પેરેડૉલનો સમાવેશ થાય છે.

આયુર્વેદ અનુસાર આદું પાચક, સારક, અગ્નિદીપક, રુચિપ્રદ, કંઠ્ય, કૃમિઘ્ન અને નેત્ર્ય ગણાય છે. તે ઉષ્ણ હોવા છતાં પિત્તકર નથી. તેનો વિપાક મધુર હોય છે. તે કફઘ્ન અને વાતઘ્ન છે. તે સોજો, શ્વાસ, ઉધરસ, શરદી, દમ, આનાહવાયુ, મલબંધ, વાંતિ (ઊલટી) મંદાગ્નિ, હરસ અને તૃષા મટાડે છે. કૃષ્ઠ, પાંડુ, મૂત્રકૃચ્છ્, રક્તપિત્ત, વ્રણ, પિત્તજ્વર અને દાહ જેવા રોગોમાં અને ગરમીમાં તથા શરદ ઋતુમાં આદુંનું સેવન વર્જિત છે. આદું રસમાં અને પાકમાં શીતળ, મધુર, ગરમ અને હૃદયને હિતકારી છે. કાંજી અને સિંધાલૂણ કે મીઠા સાથે આદું પાચક, અગ્નિદીપક, તથા મલબંધ અને આમવાતનું નાશક છે. એકલા મીઠા સાથે તે અગ્નિદીપક, રુચિકર, સારક તથા સોજો, વાયુ અને કફનો નાશ કરનાર છે. ભોજન પહેલાં ભક્ષણ કરેલ આદું કંઠ અને જીભને શુદ્ધ કરે છે.

તે અજીર્ણ, મૂર્છા, યોનિશૂળ, આમવાત, પેટશૂળ, સંગ્રહણી, આમ, પ્લીહા, કાસશ્વાસ, વૃષણવાયુ, અતિસાર, અગ્નિમાંદ્ય, ગર્ભિણીના વિષમજ્વર, ઉધરસ, જીર્ણજ્વર, અમ્લપિત્ત, હૃર્દ-રોગ, પાણીથી થતા શૂળ, નાસારોગ, પરિણામશૂળ, શ્વેતપ્રદર, વીર્યવૃદ્ધિ, આંખનો દુખાવો, આધાશીશી, ગુલ્મ, ગૃધ્રસી, ઉદાવર્ત, હનુગ્રહ, પક્ષાઘાત, વાતશૂળ, બહુમૂત્રરોગ, પિત્તવિકાર, વાતભ્રમ, સન્નિપાતજ્વર દુર્જલજનિતજ્વર, કૃમિ અને આંખમાં શ્વેત ફૂલ પડે છે તે ઉપર ઉપયોગી છે. વિવિધ આયુર્વેદિક ઔષધોમાં સૂંઠ અગત્યનો ઘટક છે. આધુનિક ઔષધો (ડાયાજિનેસ સિરપ, ઇરેઝાઇમ લિક્વિડ, ઇરોપેક્સ એક્સપેક્ટોરન્ટ વગેરે)માં તથા હોમિયોપથીમાં સૂંઠ વપરાય છે.

તેની ગાંઠ પ્રોટિયોલાયટિક ઉત્સેચકનો એક નવો સ્રોત છે. આડા છેદમાં આછા વાદળી રંગનું વલય ધરાવતી આદુંની ચીરીમાં વાદળી વલય વિનાની ચીરી કરતાં વધારે પ્રમાણમાં આ ઉત્સેચક હોય છે. વાદળી વલય ધરાવતી 60 ગ્રા. ગાંઠમાંથી લગભગ 1.356 ગ્રા. (2.26 %) ઉત્સેચક મેળવી શકાય છે. તેની તુલનામાં 8,000 કિગ્રા. પપૈયામાંથી લગભગ 1.0 કિગ્રા. (0.013 %) પૅપેઇન મળે છે.

લીલું આદું ખાવાની વાનગીઓમાં, અથાણામાં, મદ્યયુક્ત અને મદ્યરહિત પીણાંઓમાં અને બેકરીની બનાવટોમાં વપરાય છે. તેનું તેલ મીઠાઈઓ અને ચટણી સુગંધિત કરવા માટે અને અત્તરોની બનાવટમાં ઉપયોગી છે.

કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

શોભન વસાણી
બકુલા શાહ

બળદેવભાઈ પટેલ