આંબેડકર, બી.આર. (ડૉ.)

January, 2002

આંબેડકર, બી. આર. (ડૉ.) (જ. 14 એપ્રિલ 1891, મઉ, મધ્યપ્રદેશ; અ. 6 ડિસેમ્બર 1956, નાગપુર) : બહુમુખી પ્રતિભા ધરાવતા ભારતીય રાજપુરુષ, દલિત આગેવાન, પ્રખર ધારાશાસ્ત્રી, સમાજસુધારક અને બંધારણીય કાયદાના નિષ્ણાત. આખું નામ ભીમરાવ રામજી આંબેડકર. પિતા રામજી સકપાલ ભારતના લશ્કરમાં સૂબેદાર હતા. 1907માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ વડોદરા રિયાસતના રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આપેલ શિષ્યવૃત્તિથી ઉચ્ચશિક્ષણ માટે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા, જ્યાંથી 1913માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી હાંસલ કરી. 1913-16 દરમિયાન અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ડૉક્ટરેટની પદવી માટે અભ્યાસ કર્યો. 1917માં ત્યાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી સ્વદેશ પાછા ફર્યા. તે પૂર્વે 1916માં ઇંગ્લૅન્ડથી બૅરિસ્ટર થવા માટે સત્ર ભર્યાં અને લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સની ડી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી (1916-17). વડોદરા રિયાસતની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી (1912) તે સમયે તેમની સમક્ષ પ્રસ્તુત કરેલ શરત મુજબ તેઓ વડોદરા રાજ્યની સેવામાં દાખલ થયા, જે તેમના માટે કપરો અનુભવ સાબિત થયો. જન્મથી દલિત હોવાથી સવર્ણોના હાથે તેમને વડોદરા રાજ્યમાં બહુ સહન કરવું પડ્યું. પરિણામે ત્યાંની નોકરી છોડીને તેઓ મુંબઈમાં વકીલાત કરવા જતા રહ્યા. 1918-20ના બે વર્ષના ગાળામાં તેમણે ત્યાંની સિડનહામ કૉલેજમાં અર્થશાસ્ત્રનું અધ્યાપન કર્યું. 1926માં તેઓ મુંબઈની સરકારી લૉ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા અને તેની સાથે જ જાહેર જીવનની તેમની કારકિર્દીના શ્રીગણેશ થયા. હિંદુ ધર્મમાં ચાતુર્વર્ણ્યની જે વ્યવસ્થા છે તેને લીધે જ અસ્પૃશ્યતાનો એક અલાયદો વર્ગ ઊભો થયો અને તેના મૂળમાં ‘મનુસ્મૃતિ’ છે એવા કારણસર 1927માં તેમણે મહાડ ખાતે ‘મનુસ્મૃતિ’ની એક નકલ જાહેરમાં બાળી નાખી હતી. તે જ વર્ષે માર્ચ, 1927માં મહાડ ખાતેના જાહેર તળાવ(ચવદારતળે)માંથી હરિજનોને પણ પાણી ભરવાનો હક્ક મળવો જોઈએ તે માટેના સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું. માર્ચ, 1930માં નાસિક ખાતેના રામમંદિરમાં હરિજનોને પ્રવેશ મળવો જોઈએ તે માટેના સત્યાગ્રહનું પણ તેમણે નેતૃત્વ કર્યું. આ બંને ચળવળો ઐતિહાસિક મહત્વ ધરાવે છે. દરમિયાન 1928માં તેમણે ‘ડિપ્રેસ્ડ ક્લાસ એજ્યુકેશન સોસાયટી’ની તથા દલિતો માટેના છાત્રાલયની સ્થાપના કરી. સમય જતાં મુંબઈમાં 1946માં પીપલ્સ એજ્યુકેશન સોસાયટીની જે સ્થાપના થઈ તેની પૂર્વભૂમિકા 1928માં તેમનાં આ બે કાર્યોમાં જોવા મળે છે. તે પૂર્વે 1924માં તેમણે બહિષ્કૃત હિતકારિણી સભા નામની સંસ્થાની તથા 1927માં સમતા સેવાસંઘની સ્થાપનાની પહેલ કરી હતી. દરેક નાગરિકને જાતપાતના ભેદભાવ વિના સમાન તકો મળવી જોઈએ, દરેક નાગરિકને એકસરખા રાજકીય અધિકારો પ્રાપ્ત થવા જોઈએ એવા આદર્શોને આ બંને સંસ્થાઓ વરેલી હતી. 1927માં ‘બહિષ્કૃત ભારત’ નામથી તેમણે એક પાક્ષિક પણ શરૂ કર્યું હતું, જે તે પછીના વર્ષે 1928માં બંધ કરવું પડ્યું હતું. આ રીતે 1919-29ના દાયકા દરમિયાન ભારતના દલિતોને વાચા આપવા માટે તેમણે સઘન પ્રયાસ કર્યા હતા. તેના જ ભાગ રૂપે પરંતુ તેનાથી વિશાળ ફલક પર 1936માં તેમણે ‘ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’ નામના રાજકીય સંગઠનની સ્થાપના કરી હતી. આ પક્ષના મુખ્ય ઉદ્દેશોમાં ભારતના ખેડૂતોની ગરીબી નાબૂદ કરવી, નવા ઉદ્યોગોની સ્થાપના કરવી તથા વર્તમાન ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવું  આ ઉદ્દેશોનો સમાવેશ થયો હતો. ત્યાર બાદ તેમણે ‘શેડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશન’ નામની સંસ્થાની પણ સ્થાપના કરી હતી.

1935-38ના ગાળામાં તેમણે મુંબઈની સરકારી લૉ કૉલેજના આચાર્યનું પદ શોભાવ્યું હતું, જ્યાં ન્યાયશાસ્ત્ર તથા બંધારણીય કાયદાના નિષ્ણાત તરીકે તેમને ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. 1942માં મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિપદની દરખાસ્ત તેમની સમક્ષ મૂકવામાં આવી હતી, જે તેમણે સ્વીકારી ન હતી; પરંતુ તે જ વર્ષે તેઓ વાઇસરૉયની એક્ઝિક્યૂટિવ કાઉન્સિલમાં જોડાયા હતા, જ્યાં તેમને શ્રમખાતું સોંપવામાં આવ્યું હતું (1942-46). જૂન, 1946માં તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Dr. B.R. AMBEDKAR OIL PAINTING

ડૉ. બી. આર. આંબેડકર

સૌ. "Dr. B.R. AMBEDKAR OIL PAINTING" | CC BY-SA 4.0

1917માં અભ્યાસ પૂર્ણ કરી વિદેશથી સ્વદેશ પાછા આવ્યા બાદ તેમણે મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ રિફૉર્મ્સના સંદર્ભમાં નિમાયેલા સાઉથબરો કમિશન સમક્ષ મતદાનના અધિકારને વિસ્તૃત કરવા અંગે, ધારાસભાના જુદા જુદા સ્તરે બેઠકોની ફાળવણી કરવા અંગે તથા મતદાર-મંડળોની રચના કરવાની બાબત અંગે દલિતોના પક્ષની અસરકારક રજૂઆત કરી હતી અને આ રીતે માત્ર 26 વર્ષની ઉંમરે દલિતોના પ્રતિનિધિ તરીકેનો મોભો પ્રાપ્ત કર્યો હતો.

1931માં  ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે તેમણે ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો હતો. તે પૂર્વે 1928માં સાયમન કમિશન સમક્ષ રજૂઆત કરી કે દેશના દલિતોને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ, કારણ કે તેઓ હિંદુઓ કરતાં તદ્દન અલાયદી કોમના છે આ બાબત તેમણે ભારપૂર્વક જણાવી હતી. લગભગ આ અરસાથી જ દલિતોના માત્ર નેતા જ નહિ, પરંતુ સાચા અર્થમાં ઉદ્ધારક તરીકે ડૉ. આંબેડકરની છબી ઊપસી આવી હતી. 1938માં તેમની જ પ્રેરણાથી અસ્પૃશ્યોની પ્રથમ અખિલ ભારતીય પરિષદ યોજવામાં આવી, જેમાં વીસ હજાર અસ્પૃશ્યોએ ભાગ લીધો હતો.

અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિના સંદર્ભમાં ભારતના દલિતોને હિંદુઓ કરતાં અલગ બેઠકો ફાળવવાની રમત બ્રિટિશ સરકાર રમવા માગતી હતી, જેનો મહાત્મા ગાંધીએ બીજી ગોળમેજી પરિષદ દરમિયાન સખત વિરોધ કર્યો હતો; આમ છતાં કોમી ચુકાદામાં દલિતો માટે 71 અલગ બેઠકો ફાળવવામાં આવી હતી અને તેની સામે ગાંધીજીએ પુણે ખાતે જેલવાસ દરમિયાન ઑગસ્ટ, 1932માં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા આ પ્રશ્નને લઈને ગાંધીજી અને ડૉ. આંબેડકર વચ્ચે મંત્રણાઓ થઈ, જેના પરિણામ રૂપે સપ્ટેમ્બર, 1932માં બંને વચ્ચે સમાધાન થતાં ‘પુણે કરાર’ (Poona Pact) પર સહીસિક્કા કરવામાં આવ્યા અને આ કરાર મુજબ હિંદુઓ માટે ફાળવવામાં આવેલ કુલ બેઠકોમાંથી 148 બેઠકો દલિતો માટે આરક્ષિત કરવામાં આવી.

1946માં ડૉ. આંબેડકરની પહેલથી મુંબઈમાં સ્થાપવામાં આવેલી પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ મહારાષ્ટ્રમાં દલિતો માટે ઘણી શિક્ષણસંસ્થાઓ અને છાત્રાલયો શરૂ કરવામાં આવ્યાં છે.

ઑગસ્ટ, 1947માં ભારતને સ્વતંત્રતા મળી ત્યાર બાદ પંડિત નહેરુના નેતૃત્વ હેઠળ આઝાદ ભારતની જે પ્રથમ સરકાર કેન્દ્રમાં રચાઈ, તેમાં મહાત્મા ગાંધીના આગ્રહને કારણે ડૉ. આંબેડકરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમને કાયદાખાતું સોંપવામાં આવ્યું હતું (1947-51). સાથોસાથ સ્વતંત્ર ભારત માટે રાજ્યબંધારણનો જે મુસદ્દો બંધારણ સમિતિ દ્વારા ઘડવામાં આવી રહ્યો હતો તે ‘મુસદ્દા સમિતિ’ના ચૅરમૅનપદે ડૉ. આંબેડકરની વરણી કરવામાં આવી હતી. આ પદની રૂએ ડૉ. આંબેડકરે ઝીણવટ અને કુશળતાથી જે કાર્ય કર્યું હતું તે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી અંકિત કરવામાં આવેલ છે અને એટલા માટે જ તેમને ‘ભારતના બંધારણના ઘડવૈયા’ અને ‘આધુનિક મનુ’ તરીકે ઓળખવામાં આવે છે.

1952માં તેમણે ‘રિપબ્લિકન પાર્ટી ઑવ્ ઇન્ડિયા’ નામથી અલગ રાજકીય પક્ષની સ્થાપના કરી, જેના તેઓ સ્થાપક પ્રમુખ હતા. તે જ વર્ષે દેશમાં લોકસભા માટેની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં બૃહદ મુંબઈની લોકસભાની બેઠક પરથી તેમણે ઉમેદવારી કરી હતી, પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી.

મહાર નામની જે જ્ઞાતિમાં ડૉ. આંબેડકરનો જન્મ થયો હતો તે જ્ઞાતિની પ્રગતિ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. વીસમી સદીના ત્રીજા દાયકામાં તેઓ જ્યારે મુંબઈ ધારાસભાના સભ્ય હતા ત્યારે 1874ના ‘મહાર વતન ઍક્ટ’માં સુધારા કરી મહાર વતનદારોને સરકારી કર્મચારીઓને સમકક્ષ ગણી પગાર અને સરકારી નોકરીની અન્ય શરતો પણ તેમને લાગુ પાડવી જોઈએ એવા મતલબનો ઠરાવ તેમણે મુંબઈ ધારાસભામાં રજૂ કર્યો હતો. ઉપરાંત, મહાર જ્ઞાતિમાં તે સમયે પ્રચલિત બેગારીની પ્રથાની નાબૂદી માટે પણ તેમણે સઘન પ્રયાસ કર્યા હતા. ત્રીસ વર્ષ બાદ સ્વતંત્ર ભારતની રાજ્ય સરકારે આ પ્રથા નાબૂદ કરવાનો કાયદો પસાર કર્યો હતો. તેમની જ્ઞાતિમાંની યોગ્ય વ્યક્તિઓને ભારતના લશ્કરમાં જરૂરી સ્થાન મળવું જોઈએ તે માટે પણ તેઓ પ્રયત્નશીલ હતા. તેમના પ્રયત્નોને કારણે જ 1941માં ભારતના લશ્કરમાં મહાર બેટૅલિયન ઊભી કરવામાં આવી હતી. હવે ભારતના લશ્કરમાં આવી 15 બેટૅલિયન છે, જેમાંથી 6 બેટૅલિયનોમાં માત્ર મહાર જ્ઞાતિના સૈનિકોનો સમાવેશ થાય છે.

પોતાના જીવનકાળ દરમિયાન ડૉ. આંબેડકરે મેળવેલ પદવીઓ પરથી તેમની પ્રખર બુદ્ધિમત્તા અને વિદ્વત્તાનો પરિચય થાય છે. તેમણે અમેરિકન અર્થશાસ્ત્રી એડવિન સેલિગ્મનના માર્ગદર્શન હેઠળ કોલંબિયા યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. આ પદવી માટે તેમણે જે મહાનિબંધ રજૂ કર્યો હતો, તેનો વિષય હતો ‘ધી ઇવોલ્યૂશન ઑવ્ પ્રૉવિન્શિયલ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા – હાર્મફૂલ ઇફેક્ટ્સ ઑવ્ ધ બ્રિટિશ સિસ્ટિમ ઑન્ ઇન્ડિયાઝ ડેવલપમેન્ટ’. આ વિષયની પસંદગી ઉપરથી જ તેમનાં સાહસ અને તટસ્થતાનો પરિચય મેળવી શકાય છે. 1952માં તેમની શૈક્ષણિક માતૃસંસ્થા કોલંબિયા યુનિવર્સિટીએ તેમને ‘ઑનરરી ડૉક્ટર ઑવ્ લૉઝ’ની પદવી આપી હતી. વિશ્વવિખ્યાત લંડન સ્કૂલ ઑવ ઇકૉનૉમિક્સમાંથી તેમણે ડી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી તે ઉપરાંત ‘બૅરિસ્ટર ઑવ્ લૉ’ની પદવી પણ ઇંગ્લૅન્ડમાંથી પ્રાપ્ત કરી હતી. આમ તેમની કુલ પદવીઓમાં એમ.એ., પીએચ.ડી., ડી.એસસી., ડી.લિટ., એલએલ.બી., બૅરિસ્ટર- ઍટ-લૉઝનો સમાવેશ થાય છે.

પીએચ.ડી.ની પદવી માટેના મહાપ્રબંધ ઉપરાંત તેમણે ‘કાસ્ટસ્ ઇન ઇન્ડિયા, ધેર મિકૅનિઝમ, જેનિસિસ ઍન્ડ ડેવલપમેન્ટ’ (1916) પર પણ અલાયદો સંશોધનલેખ પ્રકાશિત કર્યો હતો. તેમનાં અન્ય પુસ્તકોમાં ‘ધ પ્રૉબ્લેમ ઑવ્ ધ રુપી’ (1923), ‘થૉટ્સ ઑન પાકિસ્તાન’ (1941 – તથા તેની બીજી બે આવૃત્તિઓ ‘પાકિસ્તાન ઑર પાર્ટિશન ઑવ ઇન્ડિયા’), ‘રાનડે, ગાંધી ઍન્ડ ઝીણા’ (1943), ‘હુ વેર ધ શૂદ્રાઝ ઍન્ડ હાઉ કેમ ટુ બી ધ ફૉર્થ વર્ણ ઇન ધી ઇન્ડો-આર્યન સોસાયટી’ (1946) અને ‘થૉટ્સ ઑન લિન્ગ્વિસ્ટિક સ્ટેટસ’(1955)નો સમાવેશ થાય છે.

હિંદુ ધર્મમાંની કેટલીક બદીઓનો જાતઅનુભવ કર્યા પછી ધમર્ન્તિર કરવાનો વિચાર છેક 1935થી તેમના મનમાં સ્ફુર્યો હતો. તેમણે વિશ્વના બધા જ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કર્યો અને છેવટે 1956માં તેમણે તેમના અસંખ્ય અનુયાયીઓની ઉપસ્થિતિમાં નાગપુર ખાતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. તે પૂર્વે 1955માં તેમણે ભારતીય બુદ્ધ મહાસભાની સ્થાપના પણ કરી હતી.

મહાત્મા જ્યોતિબા ફુલે (1827-1890) જેવા સમાજસુધારકોની જેમ ડૉ. આંબેડકરની પણ સાક્ષરતામાં, નિરક્ષરોમાં જાગૃતિ લાવવામાં અને શિક્ષણના સાર્વત્રિક પ્રસારમાં સંપૂર્ણ નિષ્ઠા હતી અને તે માટે તેઓ જીવનભર ઝૂઝ્યા હતા.

ડૉ. આંબેડકરે પોતાની જ્ઞાતિ માટે, સમાજ માટે અને બહોળા અર્થમાં સમગ્ર દેશ માટે જે શકવર્તી કાર્ય કર્યું છે તેની કદર રૂપે તેમને ભારત સરકારે 1990માં ‘ભારતરત્ન’ના સર્વોચ્ચ ખિતાબથી મરણોત્તર નવાજ્યા હતા.

દેવવ્રત  પાઠક

ર. લ. રાવળ