અરુણાચલ પ્રદેશ : ભૌગોલિક સ્થાન : તે આશરે 270.00થી 290.30´ ઉ. અ. અને 920થી 980 પૂ. રે. વચ્ચે આવેલું છે. ભારતના છેક ઈશાન ખૂણામાં આવેલું રાજ્ય. અહીં સૌપ્રથમ સૂર્યોદય દેખાય તેથી અરુણાચલ નામ અપાયું. અરુણાચલની ઉત્તરે અને ઈશાને ચીન દેશ, અગ્નિએ મ્યાનમાર, દક્ષિણે નાગાલેન્ડ, નૈઋત્યે અસમ રાજ્ય અને પશ્ચિમે ભૂતાન દેશ આવેલ છે.
તે મુખ્યત્વે જંગલોથી આચ્છાદિત, પર્વતમાળાનો પ્રદેશ છે. 3,000થી 6,000 મીટરની ઊંચાઈ ધરાવતી ઉત્તર તરફની પર્વતમાળાનો કેટલોક ભાગ હિમાચ્છાદિત છે. બ્રહ્મપુત્ર નદી અરુણાચલના પ્રદેશમાંથી આસામ બાજુ વહે છે.
ઇતિહાસ : બ્રિટિશ શાસનકાળ દરમ્યાન આ પ્રદેશ નેફા (North-East Frontier Agency) તરીકે ઓળખાતો. ચીન તરફની ઉત્તરની સરહદ 890 કિમી. જેટલી છે, જે ‘મૅકમેહૉન લાઇન’ તરીકે જાણીતી છે અને ચીન તથા ભારત વચ્ચે સરહદના વિવાદમાં સપડાયેલી છે.
અરુણાચલને 1987માં રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ ફેબ્રુઆરી, 1988માં યોજવામાં આવી હતી. ત્યાંની વસ્તી 13.82 લાખ (2011) અને વિસ્તાર : 83,743 ચોકિમી છે.
આબોહવા : આ પ્રદેશ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોઈ ઉનાળામાં વરસાદ પડે છે. શિયાળામાં ઊંચાઈવાળા ભાગોમાં બરફ જામી જાય છે.
આ પ્રદેશમાં ફરતી ખેતી (ઝૂમ ખેતી) થાય છે. પર્વતાળ જમીન હોઈ કસ વિનાની થઈ જવાથી બીજે વર્ષે નવી જગ્યા ખેડીને ખેતી થાય છે. આ ખેતીમાં કામદારો પૈકી 97 % જેટલી સ્ત્રીઓ કામ કરે છે. ડાંગર, મકાઈ અને કેટલાંક હલકાં ધાન્યોની ખેતી થાય છે. કુલ પ્રદેશના 60 % ઉપરાંત ભાગમાં જંગલો આવેલાં છે. ખેતીમાં કુલ વસ્તીના માત્ર 35 % લોકો જ કામ કરે છે.
આ વિસ્તાર પર્વતાળ હોવાથી બાગાયતી ખેતી માટે ઘણી સારી શક્યતાઓ છે. વિકાસયોજનાઓમાં ફળફળાદિના ઉત્પાદન માટે આયોજન થયેલું છે; જેમાં પાઇનેપલ, નારંગી, સફરજન, પીચ, ચેરી, અખરોટ વગેરે ફળાઉ ઝાડો ઉછેરવામાં આવે છે.
સિંચાઈની 300 જેટલી નાની યોજનાઓ ચોખાના પાકને માટે લાભકારક છે.
ઉદ્યોગો : પ્રદેશના 60 % ભાગમાં જંગલો છે તથા જળવિદ્યુતની અનુકૂળતા સાથે કોલસાનાં ક્ષેત્રો આવેલાં હોઈ ઔદ્યોગિક વિકાસની સારી ક્ષમતા ધરાવે છે. તિરાપ જિલ્લામાં નાગચિક પાસે 850 લાખ ટન કોલસાનો તથા ખનિજ તેલનો 15 લાખ ટન જેટલો અંદાજ છે. ઉપરાંત કામેંગ જિલ્લામાં ડૉલોમાઇટ મળી આવેલ છે. આમ મોટા ઉદ્યોગો માટે પાયાની જરૂરિયાતો પૂરતી હોઈ તેનો વિકાસ થઈ શકે તેમ છે. વણાટકામ તથા વાંસની ટોપલીઓ બનાવવાનો લઘુ ઉદ્યોગ છે. તેજુમાં સિમેન્ટ બનાવવાનો ઉદ્યોગ શરૂ થયો છે. પાસી ઘાટમાં ફળો ઉપર પ્રક્રિયા કરવાનો ઉદ્યોગ છે તથા લાકડાં વહેરવાની મિલો અને પ્લાયવુડના ઉદ્યોગો પણ છે.
લોકો : મોંગોલાઈ વંશની, વીસેક જેટલી આદિવાસી જાતિઓ આ પ્રદેશમાં રહે છે. મુખ્ય આદિવાસીઓ અદિ, નિશી, અપટાની, તાજીન, મિશીમી, ખામ્પા વગેરે ગણાય છે. આને લીધે અરુણાચલમાં વિવિધ ભાષાઓ બોલાય છે. લોકો બૌદ્ધ, ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મ પાળે છે. આંતરજાતીય વિવાહ માન્ય નથી. લોકો સંગીત અને નૃત્યકળામાં કુશળ છે. જોમવાળાં સમૂહનૃત્યોમાં આદિવાસીઓ વિશેષ ભાગ લે છે.
હિમાલયના કુદરતી સૌંદર્ય તથા ગીચ જંગલવાળો પ્રદેશ હોઈ, બોમડીલા, માલીનીથાન, લીકાબાલી, તેજૂ પશીઘાટ અને તવાંગ જેવાં પ્રવાસધામો વિકસ્યાં છે. ઈટાનગર અરુણાચલ રાજ્યનું પાટનગર કેન્દ્ર છે. ઈટાનગરનો અર્થ ઈંટોનો કિલ્લો થાય છે.
હેમન્તકુમાર શાહ