અરુણોદય (1846થી 1888) : અસમિયા ભાષાનું સામયિક પત્ર. આસામના અમેરિકન બૅપ્ટિસ્ટ મિશને પ્રકટ કરેલું. શરૂઆતના અંકમાં જ જાહેર કરેલું કે ‘‘આ માસિક પત્ર ધર્મ, વિજ્ઞાન અને સામાન્ય બુદ્ધિમત્તાની વૃદ્ધિ માટે પ્રકટ કરવામાં આવે છે.’’ અહીં ધર્મનો અર્થ પ્રૉટેસ્ટંટ થાય છે. પણ એની દ્વારા જે ધર્મપ્રચાર થયો તે આક્રમક ન હતો. એમાં નરી સાંપ્રદાયિકતા પણ ન હતી. ધાર્મિક બુદ્ધિમત્તાના સમાચારોમાં બૅપ્ટિસ્ટ ખ્રિસ્તી ધર્મના જ સમાચાર આવતા; પરંતુ એની વિશિષ્ટ સેવા એ કે એણે વિશ્વની ભૂગોળની અને વિદેશોના મહત્વના બનાવો વિશે પણ માહિતી આપી. ‘અરુણોદય’માં (એ લોકો એ શબ્દ ‘અરુણોદઈ’ રૂપે લખતા હતા) આસામનો ભૂતકાલીન ઇતિહાસ તથા તદ્વિષયક સાહિત્ય પ્રથમ વાર મળે છે. એ ઉપરાંત આસામમાં અહોમ અને કોહ રાજાઓના તેમજ મોગલ સમયના આસામના ખોદકામના જે સિક્કાઓ મળી આવેલા તેની પણ વિગત તેમાં પ્રગટ થયેલી. આસામની કેટલીક બદીઓના ઉન્મૂલન માટે પણ આ પત્રે ઝુંબેશ ચલાવી હતી; જેમ કે, અફીણ અને દારૂનું વ્યસન. નારીશિક્ષણની પણ તેના દ્વારા હિમાયત થયેલી. એ રીતે ‘અરુણોદય’ દ્વારા અસમિયા સમાજમાં નવી વિચારધારાનો પ્રવેશ થયો. અસમિયા ગદ્યનો વિકાસ સાધવામાં પણ તેનો નોંધપાત્ર ફાળો છે.

પ્રીતિ બરુઆ