અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ શકે, જોકે કરારની મુદત પૂરી થયા અગાઉ તેનું નવીનીકરણ થઈ શકે. વીમેદારની ઉંમર 16 વર્ષથી ઓછી કે 65 વર્ષથી વધુ ન હોય એવું વિહિત છે.
અકસ્માતના વીમાની શરૂઆત ઇંગ્લૅન્ડમાં રેલવેના આગમન સાથે થઈ. શરૂઆતમાં વખતોવખત દુર્ઘટનાઓને કારણે રેલવેપ્રવાસ જોખમી ગણાતો, અને તેથી રેલવે અકસ્માતમાં પ્રવાસીનું અવસાન થાય અગર તેને શારીરિક ઈજા પહોંચે તેનું વળતર આપવા માટે રેલવે પેસેન્જર્સ એશ્યોરન્સ કંપનીએ ઈ. સ. 1848માં અકસ્માતના વીમા આપવાની શરૂઆત કરી હતી; પછીનાં વર્ષોમાં અન્ય વીમા કંપનીઓએ તેનું અનુકરણ કર્યું અને અન્ય પ્રકારના અકસ્માતોને પણ ક્રમશ: આવરી લેવાયા.
અકસ્માતથી વીમેદારનું અવસાન થાય અગર તેના બંને હાથ કે પગ કપાઈ જાય યા કપાવી નાંખવા પડે અગર તેને બંને આંખે અંધાપો આવે અગર તે કોઈ પણ નોકરી-ધંધા માટે કાયમી રૂપમાં સંપૂર્ણ અશક્ત બની જાય તો પૂરેપૂરી વીમારકમનું વળતર આપવામાં આવે છે. આંશિક અંધાપો, સંપૂર્ણ યા આંશિક બહેરાશ, હાથનાં આગળાં-અંગૂઠા તૂટવાં, અસ્થિભંગ ઇત્યાદિ ઈજાઓ માટે નિર્દિષ્ટ પ્રમાણ અનુસાર વળતર આપવામાં આવે છે. સંપૂર્ણ યા આંશિક હંગામી અશક્તિની પરિસ્થિતિમાં વીમારકમની મર્યાદામાં નિર્દિષ્ટ મુદત સુધી મુકરર સાપ્તાહિક વળતર આપવામાં આવે છે. ઉપરાંત શારીરિક ઈજા અંગે કરવામાં આવેલ જરૂરી વાજબી તબીબી સારવારનું ખર્ચ ભરપાઈ કરી આપવામાં આવે છે.
યુદ્ધ, આંતરવિગ્રહ, લશ્કરી આક્રમણ, રાજકીય દુશ્મનાવટ, બંડ, ક્રાંતિ, આસમાની-સુલતાની, આપઘાત યા આપઘાતનો પ્રયાસ, સ્વપીડન, ઉડ્ડયન, પર્વતારોહણ, ઘોડદોડ, શિકાર, જોખમી રમતગમતો, માદક નશાખોરી, અસ્થિર માનસ, ગુનાહિત કાનૂનભંગ, જાતીય રોગો, સગર્ભાવસ્થા, પ્રસૂતિ ઇત્યાદિ કારણો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ હોય એવી પરિસ્થિતિમાં થયેલ અશક્તિ, ઈજા કે અવસાનનું વળતર આપવામાં આવતું નથી.
અકસ્માત વીમાયોજનાનું જીવનવીમા સાથે સંયોજન કરી શકાય છે. જીવનવીમાના વીમેદાર થોડુંક વધારાનું પ્રીમિયમ ચૂકવીને આકસ્મિક અવસાનના કિસ્સામાં બેવડી વીમારકમનું વળતર મેળવી શકે; સંપૂર્ણ કે આંશિક કાયમી અશક્તિના કિસ્સામાં પ્રીમિયમ ચૂકવવા બાબતમાં મુક્તિ કે રાહત મળી શકે છે.
ભારતીય સામાન્ય વીમા નિગમ (General Insurance Corporation of India) 16થી 65 વર્ષ સુધીની ઉંમરના સામાન્ય નાગરિકોના લાભાર્થે જનતા અકસ્માત વીમાયોજનાનો અમલ કરે છે.
હવે મોટાભાગના દેશોમાં વાહન ખરીદતી વખતે ‘થર્ડ પાર્ટી’ વીમો ફરજિયાત થઈ ગયો છે. જેમાં વાહનચાલક ઉપરાંત જેને ઈજા થઈ હોય કે અકસ્માતમાં જેનું મૃત્યુ થયું હોય તેના પરિવારને પણ વળતર મળે છે. અકસ્માતની જેમ 21મી સદીમાં સ્વાસ્થ્ય–વીમાનું ચલણ પણ વધ્યું છે. વિવિધ બીમારીમાં હૉસ્પિટલનો ખર્ચ થાય છે, એની રકમ આ હેલ્થ પૉલિસી અંતર્ગત વીમાધારકને મળે છે. આખા પરિવારનો સંયુક્ત વીમો પણ લઈ શકાય છે. અકસ્માતનો વીમો અને હેલ્થના વીમા પાછળ ખર્ચાતી રકમ ટૅક્સમાંથી બાદ મળે એવી જોગવાઈ પણ વિશ્વભરની સરકારોએ કરી છે.
ભારત સરકારે 2015માં ‘પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના’ નામથી વીમા પૉલિસી શરૂ કરી હતી. દેશની કુલ વસ્તીમાંથી માત્ર 20થી 25 ટકા લોકો જ વીમો ખરીદે છે. એ આંકડો વધે તે માટે કેન્દ્ર સરકારે જ રાહત દરે વીમા યોજના શરૂ કરી હતી. ખૂબ જ નાની રકમ ભરીને વીમાધારક 2થી 4 લાખ રૂપિયા સુધીનું લાઇફકવર આ યોજના અંતર્ગત મેળવી શકે છે. કેન્દ્ર સરકારની અકસ્માત વીમા યોજના અને જીવન વીમા યોજનાએ વિશ્વભરમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ધીરુભાઈ વેલવન