લિઝ્ત, ફેરેન્ક (Liszt, Ferenc) (જ. 22 ઑક્ટોબર 1811, રેઇડિંગ, હંગેરી; અ. 31 જુલાઈ 1886, બેરુથ, જર્મની) : પ્રસિદ્ધ હંગેરિયન પિયાનોવાદક અને સંગીતનિયોજક. તેનાં શ્રેષ્ઠ સર્જનોમાં એકલા પિયાનો માટેના ટુકડા, બે પિયાનો કન્ચર્ટો, બાર સિમ્ફનિક પોએમ્સ, થોડી હંગેરિયન રહેપ્સૉડિઝ અને ચર્ચ માટેનાં સંખ્યાબંધ ખ્રિસ્તી ધાર્મિક વૃંદગાનનો સમાવેશ થાય છે. જર્મનીના રાજા પ્રિન્સ નિકોલસ એઝ્ટર્હેઝીના દરબારમાં પિતા ઍડમ લિઝ્ત અફસર હતા. પિતા શિખાઉ સંગીતકાર પણ હતા. એ દરબારમાં ઘણી વાર પધારતા જૉસેફ હેડન, લુઈગી શેરૂબિની અને જોહાન હમેલના સંપર્કમાં એ હતા અને સંગીતના દરબારી જલસાઓમાં એ શોખથી પિયાનો વગાડતા. પુત્ર ફેરેન્ક લિઝ્ત પાંચ વરસનો થયો એ અગાઉ જ પિતાએ તેને પિયાનોના પાઠ ભણાવવા શરૂ કરેલા.

ફેરેન્ક લિઝ્ત

બાળક ફેરેન્ક લિઝ્તે ચર્ચ-સંગીત અને હંગેરીના જિપ્સી-વણજારાના સંગીતમાં ઊંડો રસ લેવો શરૂ કર્યો. નવ વરસની ઉંમરે ફેરેન્ક લિઝ્તે પિયાનોવાદકની કારકિર્દીનો પ્રારંભ કર્યો; પહેલું જાહેર વાદન ચેકોસ્લોવૅકિયાના બ્રેટિસ્લાવા નગરમાં એક સંગીતજલસામાં કર્યું. એનું પિયાનોવાદન સાંભળી હંગેરિયનો એટલા બધા પ્રભાવિત થયા કે એને માટે સંગીતના ઉચ્ચશિક્ષણની વ્યવસ્થા કરી આપી. પિતા ઍડમ નોકરીમાં રજા મૂકીને પુત્ર લિઝ્તને વિયેના લઈ ગયા. ત્યાં બીથોવનના શિષ્ય પિયાનોવાદક અને સંગીત-નિયોજક કાર્લ ઝેર્ની પાસે લિઝ્તે પિયાનોવાદનના પાઠ લેવા શરૂ કર્યા; તથા વિયેના દરબારના સંગીતના ડિરેક્ટર ઍન્તોનિયો સેલિયેરી પાસે સંગીતનિયોજન શીખવું શરૂ કર્યું. વિયેનામાં સંગીતના ઘણા જાહેર જલસામાં લિઝ્તે સફળતાપૂર્વક પિયાનોવાદન કર્યું. એણે બીથોવનની મુલાકાત પણ લીધી.

1823માં લિઝ્ત પૅરિસમાં સ્થાયી થયો, પણ તેને ત્યાંની વિખ્યાત સંગીતશાળા ‘પૅરિસ કોન્ઝર્વેટરી’માં વિદ્યાર્થી તરીકે પ્રવેશ ન અપાયો. એણે જોસેફ હેડનના ભાઈ માઇકલ હેડનના એક વખતના શિષ્ય ઍન્ટોન રીખા તથા પૅરિસના ઇટાલિયન થિયેટરના ડિરેક્ટર ફર્ડિનાન્ડો પાઇર પાસે સંગીતનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખ્યો. પૅરિસમાં એણે 1824ની 7મી માર્ચે સંગીતનો પ્રથમ જાહેર જલસો આપ્યો અને સમગ્ર પૅરિસ પર તે છવાઈ ગયો. પછી એના સંગીતની નામનાથી આકર્ષાઈને રાજા જ્યૉર્જ ચોથાએ એને ઇંગ્લૅન્ડ બોલાવ્યો અને ત્યાં વિન્ડસર કૅસલમાં સંગીતનો ભવ્ય જલસો આપ્યો. એ જલસામાં એની કૃતિ ‘ન્યૂ ગ્રાન્ડ ઓવર્ચર’નો પ્રીમિયર યોજાયો. પછી લિઝ્તે જ્યારે એકાંકી-ઑપેરા ‘ડૉન સાંચે’ લખ્યો ત્યારે એ ઑપેરામાં ઓવર્ચર તરીકે ‘ન્યૂ ગ્રાન્ડ ઓવર્ચર’ સામેલ કર્યો. આ ઑપેરાને પૅરિસ ઑપેરા કંપનીએ 1825માં પહેલી વાર ભજવ્યો. 1826માં ફ્રાંસ અને સ્વિટ્ઝર્લૅન્ડના પ્રવાસો કરી 1827માં ઇંગ્લૅન્ડ પરત ફર્યો. થાક અને મનોનિર્વેદને કારણે લિઝ્તે પાદરી થવાનો નિર્ણય જાહેર કર્યો. પરિણામે પિતાનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. પિતાએ પુત્રની મનશ્ચિકિત્સા કરાવી, પણ દુર્ભાગ્યે, પિતાનું ટાઇફૉઇડમાં મૃત્યુ થયું.

1827માં લિઝ્ત પૅરિસમાં પિયાનો-શિક્ષક તરીકે સ્થિર થયો. 1828માં પોતાની એક વિદ્યાર્થિનીના પ્રેમમાં પડ્યો, પણ વિદ્યાર્થિનીના ક્રૂર પિતાએ વચ્ચે પડીને પ્રેમસંબંધો તોડાવી નાંખતાં લિઝ્તની તબિયત ફરી વાર લથડી; તે એટલે સુધી કે પૅરિસના એક છાપાએ તો શોકાંજલિ પણ છાપી નાખી ! માંદગીમાંથી એ બેઠો તો થયો, પણ લાંબા સમય સુધી ઊંડી હતાશાની ગર્તામાં ગરકાવ થઈ ગયો અને પાદરી બનવાનું ભૂત ફરી વાર સવાર થયું. અકર્મણ્યતા તેનો આદર્શ બની બેઠી. પિયાનોવાદકની કારકિર્દીના વિચારમાત્રથી તેને તિરસ્કાર છૂટતો, પણ માતાએ તેને પાદરી બની જતો માંડ માંડ અટકાવ્યો. જર્મન કવિ હેન્રિખ હેઇન અને ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યૂગો સાથે તેણે નિકટનો ઘરોબો કેળવ્યો. 1830માં ફ્રાંસમાં ‘જુલાઈ રેવોલ્યૂશન’ થતાં એના સ્વાગત માટે ‘રેવોલ્યૂશનરી સિમ્ફની’ લખી.

1830 અને 1832 વચ્ચે લિઝ્ત ત્રણ પુરુષોના પ્રગાઢ પ્રભાવ હેઠળ આવ્યો. 1830માં લિઝ્ત મહાન ફ્રેન્ચ સંગીતકાર હેક્ટર બર્લિયોઝને મળ્યો અને તેની ‘ફૅન્ટાસ્ટિક સિમ્ફની’ સાંભળી. બર્લિયોઝ પાસેથી તે રોમૅન્ટિક લઢણમાં ઑર્કેસ્ટ્રા–વાદ્યવૃંદ–માટે સંગીતસર્જન કરતાં તેમજ આસુરી (diabolic) મનોભાવો રજૂ કરતું અને પિશાચી વાતાવરણ ઊભું કરતું સંગીત સર્જતાં શીખ્યો. આ બંને લક્ષણો એના સંગીતમાં આજીવન મુખર બની રહ્યાં. 1833માં એણે બર્લિયોઝની વાદ્યવૃંદ માટેની ‘ફૅન્ટાસ્ટિક સિમ્ફની’ને માત્ર સોલો (solo) પિયાનોવાદન માટે લિપ્યંતરિત (transcribed) કરીને પૅરિસવાસીઓને ચકિત કરી દીધા. આ ઉપરાંત બર્લિયોઝની અન્ય કૃતિઓને પણ લિઝ્તે જાહેર જલસામાં વગાડવી શરૂ કરી. એ જ વર્ષે લોકપ્રિય ઇટાલિયન સંગીતકાર નિકોલો પૅગેનિનીનું તેમજ ફ્રેડરિખ શોપાં(Chopin)નું પિયાનોવાદન પહેલી વાર સાંભળ્યું. પૅગેનિનીનો અને શોપાંનો પ્રભાવ પણ એણે ઝીલ્યો.

કવિ ઍલ્ફોન્સે દ લેમેર્તાઇન(Alphonse de Lamartine)નાં કાવ્યો પરથી પ્રેરણા મેળવીને 1834માં લિઝ્તે પિયાનો માટેની કૃતિ ‘પોએટિક ઍન્ડ રિલિજિયસ હાર્મનિઝ’ લખી. લિઝ્તની મહત્વની મૌલિક રચનાઓમાં એ પ્રથમ છે. એ સ્વરોની નમણાશ માટે જાણીતી બની છે. એ જ વર્ષે એ મેરી દ ફ્લેવિનીને મળ્યો અને બંને વચ્ચે પ્રેમસંબંધો સ્થપાયા. 1835માં ફ્લેવિની પતિને છોડીને લિઝ્ત સાથે સ્વિટ્ઝર્લૅન્ડ રહેવા ચાલી ગઈ. એ બંને દસ વરસ સાથે રહ્યાં. તેમને બે પુત્રીઓ બ્લેન્ડી અને કોસિમા તથા એક પુત્ર ડૅનિયલ હતાં. ફ્લેવિની પછીથી તેને છોડીને પૅરિસ ચાલી ગઈ અને ‘ડૅનિયલ સ્ટર્ન’ તખલ્લુસ હેઠળ જાણીતી લેખિકા બની. લિઝ્તે જિનીવા કૉન્ઝર્વેટરીમાં સંગીતના પ્રાધ્યાપકનો હોદ્દો સ્વીકાર્યો. પિયાનોવાદનના જાહેર જલસા કરી પૈસા ભેગા કર્યા અને બૉન નગરમાં બીથોવન સ્મારકની રચના કરવાના હેતુ માટે એ પૈસા બીથોવન મેમૉરિયલ કમિટીને દાનમાં આપ્યા. આ સમયની એની મહત્વની મૌલિક રચના છે ‘ટ્રાન્સેન્ડેન્ટલ સ્ટડિઝ’. સોલો (solo) પિયાનો માટેની આ રચના વાદક પાસેથી અભૂતપૂર્વ વાદનકૌશલ્ય માંગી લે છે.

બાળપણ પછી પહેલી વાર 1840માં લિઝ્ત માદરે વતન હંગેરી ગયો, જ્યાં રખડતા વણજારા (gypsies) સંગીતકારોએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું. લિઝ્તને હંગેરિયન સંગીતમાં ઊંડો રસ જાગ્રત થયો. એ સંગીતમાંથી પ્રેરણાપાન કરીને એણે જાણીતી ‘હંગેરિયન રહેપ્સોડિઝ’નું સર્જન કર્યું. 1845માં ગાયકવૃંદ અને વાદકવૃંદનો સુમેળ કરતો ‘કૅન્ટાટા’ લખ્યો, જેનો તે જ વર્ષે બીથોવન ફેસ્ટિવલમાં પ્રીમિયર શો યોજાયેલો.

1847માં લિઝ્તની મુલાકાત કીવ (Kiev) નગરમાં રાજકુમારી કૅરોલિન સેન-વિજેન્સ્ટીન સાથે થઈ. બંને પ્રેમમાં પડ્યાં. કૅરોલિને પોતાનું લગ્ન ભાંગવાનો પ્રયાસ કર્યો, પણ એ વ્યર્થ નીવડતાં છૂટાછેડા વગર જ પોલૅન્ડમાં લિઝ્ત સાથે રહેવું શરૂ કર્યું. કૅરોલિને લિઝ્તની કારકિર્દીને અંતિમ ઘાટ આપવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. પિયાનોવાદક તરીકે કારકિર્દી ત્યાગીને માત્ર સ્વરનિયોજક બની રહેવાની પ્રેરણા એ રાજકુમારીએ આપી. 1847માં લિઝ્તે કિરોવોગ્રાડ (યેલિઝાવેટ્ગ્રાડ) નગરમાં અંતિમ જલસો આપ્યો. એમાં તેણે વાગ્નરના ત્રણ ઑપેરા ‘ટૅન્હૉસર’ (Tannhauser), લોહન્ગ્રીન (Lohengrin) અને ‘ધ ફ્લાઇન્ગ ડચમૅન’, બર્લિયોઝના બે ઑપેરા ‘બેન્વેનુટો ચેલીની’ અને ‘ફાઉસ્ટ’ અને શુમનની ‘માન્ફ્રેડ સિમ્ફની’નું સંચાલન કર્યું. 1847માં લિઝ્ત રાજકુમારી કૅરોલિન સાથે જર્મનીના વાઇમાર (Weimar) નગરમાં સ્થાયી થયો અને સ્વરનિયોજન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એણે પોતાની શ્રેષ્ઠ કૃતિઓ હવે અને આ જ નગરમાં લખી : ‘ફાઉસ્ટ સિમ્ફની’, ‘દાંતે સિમ્ફની’, એ ઉપરાંત બાર સિમ્ફનિક પોએમ્સ, બે પિયાનો-કન્ચર્ટો અને પિયાનો સોનાટા ‘ફાઉસ્ટ’ (in B Minor). એની બાર સિમ્ફનિક પોએમ્સમાં ‘ધ પ્રીલ્યૂડ’, ‘ઑર્ફિયસ’, ‘પ્રૉમિથ્યસ’, ‘માઝેપ્પા’, ‘હંગેરિયા’, ‘ધ બૅટલ ઑવ્ હૂન્સ (Huns)’, અને ‘ફ્રૉમ ધ ક્રૅડલ ટુ ધ ગ્રેવ’ લોકપ્રિય બની છે.

પરંતુ વાઇમાર નગરના લોકો, ત્યાંની રાણી તથા રાણીનો ભાઈ રશિયાનો નિકોલસ પહેલો – એ બધાંને લિઝ્ત એક પરિણીત મહિલા સાથે છડેચોક રહે તે હરગિજ પસંદ નહોતું. વળી લિઝ્તને વાઇમારમાં આમંત્રિત કરનાર રાજાનું 1853માં અવસાન થતાં રાજદરબારે લિઝ્તના સંગીતમાં રસ લેવો બંધ કર્યો. છતાં અનેક મુશ્કેલીઓ સાથે એ 1861 સુધી વાઇમારમાં રહ્યો. 1859માં વીસ વરસની ઉંમરે પુત્ર ડૅનિયલનું અવસાન થતાં નિરાશ લિઝ્તે વાદ્યવૃંદ માટે ‘લ મૉર્ત’ નામે કૃતિ લખી. છૂટાછેડા પર પોપની મહોર મેળવવા 1860માં રાજકુમારી કૅરોલિન રોમ પહોંચી. તેની પાછળ લિઝ્ત પણ ત્યાં પહોંચ્યો, પણ દુર્ભાગ્યે, પોપે કૅરોલિનનું એ જૂનું લગ્ન રદબાતલ ન કરી આપ્યું. લિઝ્ત રોમમાં આઠ વરસ રહ્યો. અહીં એણે ધાર્મિક કૃતિઓના સર્જન પર લક્ષ્ય આપ્યું. ‘ધ લીજન્ડ ઑવ્ એલિઝાબેથ’ તથા ‘ક્રિસ્ટસ’ – એ બે કૃતિઓ તેમાંની શ્રેષ્ઠ ગણાય છે. પ્રાચીન ગ્રેકોરોમન યુગના ગ્રેગૉરિયન સંગીત પ્રત્યે આકર્ષાઈને, તેમાંથી પ્રેરણા લઈને નવું ધાર્મિક સંગીત સર્જવાની મનીષા તેણે સેવી; પણ જડ ધર્મગુરુઓને આ હકીકતની જાણ થતાં જ તેમનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. તેથી લિઝ્તનું એ નવા પ્રકારનું ધાર્મિક સંગીત તેના મૃત્યુ પછી પણ દસકા સુધી અપ્રસિદ્ધ જ રહ્યું.

1862માં પુત્રી બ્લેન્ડી અવસાન પામી. 1864માં કૅરોલિનનો પતિ મૃત્યુ પામ્યો, પણ હવે બેમાંથી એકેયને લગ્ન કરવાનો ઉત્સાહ રહ્યો નહોતો. 1865માં લિઝ્ત રોમન કૅથલિક સંપ્રદાયમાં દાખલ થયો. 1867માં ઑસ્ટ્રિયાના સમ્રાટ ફ્રાન્સિસ જૉસેફ પહેલાના હંગેરીના રાજા તરીકે રાજ્યાભિષેક પ્રસંગે લિઝ્તે ‘હંગેરિયન કૉરોનેશન માસ’ લખ્યો. એ જ વર્ષે પુત્રી કોસીમા પોતાના પ્રિય શિષ્ય હૅન્સ ફૉન બુલો સાથે પરણી. પણ તુરત જ કોસીમાએ પ્રસિદ્ધ સ્વરનિયોજક રિચર્ડ વાગ્નર સાથે લફરું કર્યું અને વધારામાં વાગ્નરના અનૌરસ સંતાનની માતા બની. લિઝ્તે શિષ્ય અને જમાઈ બુલોનો પક્ષ લેતાં તેને પુત્રી અને વાગ્નર સાથે દુશ્મની વહોરી લેવી પડી.

1869 પછી લિઝ્તનું જીવન રોમ, વાઇમાર અને બુડાપેસ્ટમાં વીત્યું. 1872માં વાગ્નર સાથે સુલેહ કરી લેતાં વાગ્નરે તેને બેરૂથ (Bayreuth) સંગીત સમારોહમાં આમંત્રણ આપવાનું શરૂ કર્યું. વર્ષો બાદ ફરી એક વાર લિઝ્તે જાહેર જલસામાં પિયાનોવાદન કર્યું. એ સમયની એની મૌલિક કૃતિમાં આધુનિક ફ્રેન્ચ સંગીતકાર દેબ્યુઝી(Debussy)ના સંગીતનો અણસાર (anticipation) જોવા મળે છે. લિઝ્તની એ વખતની એક કૃતિ ‘બેગાટેલે વિધાઉટ ટોનાલિટી’માં આધુનિક હંગેરિયન સંગીતકાર બેલા બાર્તોક અને આધુનિક ઑસ્ટ્રિયન સંગીતકાર આર્નોલ્ડ શોએનબર્ગના સંગીતનું પૂર્વપ્રતિબિંબ જોવા મળે છે.

1886માં જિંદગીમાં પહેલી વાર લિઝ્તે પૅરિસ, ઍન્ટવર્પ અને લંડનની મુલાકાત લીધી. ત્યાં જાહેર જલસાઓમાં વાદન તેમજ સંચાલન પણ કર્યું. લક્ઝમ્બર્ગ થઈને એ વાઇમાર પાછો પહોંચ્યો અને ન્યુમોનિયાથી મૃત્યુ પામ્યો.

પિયાનોવાદનની પદ્ધતિઓમાં નવીનતા આણનાર સંગીતકાર તરીકે લિઝ્તની પ્રતિષ્ઠા છે, સાથે સાથે મૌલિક કૃતિઓના રચયિતા તરીકે પણ આજે દુનિયા એને યાદ કરે છે. એ કૃતિઓનું આજે પણ વાદન અને મંચન કરવામાં આવે છે. સૂરાવલીઓનો ‘લાઇટમોટીફ’ (Leitmotif) તરીકે ઉપયોગ કરનાર એ પહેલો યુરોપિયન સંગીતકાર છે. વળી પૂર્વસૂરિઓ સેબાસ્ટિયન બાખ, બીથોવન અને શૂબર્ટ તથા સમકાલીનો શુમન, બર્લિયોઝ અને વાગ્નરની કૃતિઓને વારંવાર વાદન અને મંચન દ્વારા વ્યાપક લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા અપાવવામાં લિઝ્તનો ખૂબ મોટો ફાળો છે. એની છેલ્લી કૃતિઓમાં હવે આવનારી આધુનિકતાના ચોખ્ખા પડઘા સંભળાય છે. એ જોતાં લિઝ્તને આધુનિક સંગીતનો વૈતાલિક ગણવામાં આવે છે.

કુલ્લે 700 સંગીતકૃતિઓ સર્જવા ઉપરાંત લિઝ્તે લેખન પણ કર્યું છે. એણે સંગીતકાર ફ્રેડરિખ શોપાં, હંગેરિયન વણજારાનું સંગીત અને વાગ્નરના બે ઑપેરા ‘લોહેન્ગ્રીન’ તથા ‘ટેન્હોસેર’ પર પુસ્તકો લખ્યાં છે. એણે નિબંધો પણ લખ્યા છે. એનો પત્રવ્યવહાર પણ પ્રકાશિત થયો છે.

અમિતાભ મડિયા