લિટમસ : દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક તે પારખવા માટે રસાયણશાસ્ત્રમાં વપરાતો જલદ્રાવ્ય રંગક. તે ઍસિડિક દ્રાવણોમાં રાતો અને બેઝિક દ્રાવણોમાં વાદળી રંગ ધારણ કરે છે. રંગનો આ ફેરફાર pH મૂલ્ય 4.5થી 8.3 (25° સે.)ની પરાસમાં થાય છે. આથી તે અનુમાપનોમાં સૂચક તરીકે યોગ્ય નથી. પણ દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા માટે સ્થૂળ (rough) સૂચક (indicator) તરીકે કામ આપે છે. તે એક જૂનામાં જૂનો સૂચક છે. તેને ઍસિડિક કે જે લાલ રંગનું હોય છે તથા બેઝિક કે જે વાદળી રંગનું હોય છે એમ બે સ્વરૂપમાં મેળવી શકાય છે. ઍસિડિક દ્રાવણ ભૂરા (વાદળી) લિટમસને લાલ બનાવે છે, જ્યારે લાલ લિટમસ પર તેની અસર થતી નથી. બેઝિક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, પણ ભૂરા લિટમસ પર તેની અસર થતી નથી. તટસ્થ દ્રાવણ કે જે ઍસિડિક કે બેઝિક હોતું નથી તેની બંને પૈકી એક પણ પ્રકારના લિટમસ પર અસર થતી નથી.

લિટમસ શિલાવલ્કો(lichens)નું નિષ્કર્ષણ કરીને મેળવવામાં આવે છે. તે રંગીન કાર્બનિક સંયોજનોનું મિશ્રણ છે. આ સંયોજનો નેધરલૅન્ડ્ઝમાં મળતી લાઇકન્સની અનેક જાતિઓમાંથી બનાવાય છે (ખાસ કરીને Lecanora tartarea અને Roccella tinctorum). લાઇકન્સ પર એમોનિયા, પોટાશ તથા ચૂના વડે હવાની હાજરીમાં પ્રક્રિયા કરવાથી લિટમસના વિવિધ રંગીન ઘટકો ઉત્પન્ન થાય છે. ઈ. સ. 1840 સુધીમાં તો લિટમસ આંશિક રીતે એઝોલિટમીન, ઇરિથ્રોલિટમીન, સ્પેનિયોલિટમીન તથા ઇરિથ્રોલાઇન જેવાં વિવિધ ઘટકોમાં જુદું પાડવામાં આવેલું. આ બધાં એકબીજા સાથે રચનાની દૃષ્ટિએ ગાઢ રીતે સંકળાયેલાં સંયોજનો છે, જેને 1961માં ફિનૉક્સેઝીન નામના વિષમચક્રી કાર્બનિક પદાર્થનાં વ્યુત્પન્નો તરીકે ઓળખી શકાયાં છે.

લિટમસને પાણી અથવા આલ્કોહૉલમાં ઓગાળવાથી સૂચક દ્રાવણ બને છે. લિટમસ ખૂબ ઘેરા રંગનો પદાર્થ હોવાથી સૂચક દ્રાવણનાં માત્ર થોડાં ટીપાં જ ઉમેરવાં પડે છે. દ્રાવણને તટસ્થ બનાવવું હોય ત્યારે પણ લિટમસ સૂચક વાપરી શકાય; ઉ. ત., લિટમસ સૂચક ઍસિડિક દ્રાવણમાં ઉમેરતાં દ્રાવણ રાતા રંગનું બને છે. ઍસિડનું તટસ્થીકરણ કરવા માટે આ રાતા રંગના દ્રાવણમાં બેઇઝ ધીમે ધીમે ઉમેરવામાં આવે છે. દ્રાવણ જ્યારે તટસ્થ બને ત્યારે લિટમસ સૂચકનો રંગ આછો જાંબલી બની જશે. જો વધુ બેઇઝ ઉમેરવામાં આવે તો દ્રાવણ બેઝિક બનતાં લિટમસ (દ્રાવણ) વાદળી રંગમાં ફેરવાઈ જશે.

લિટમસને અવશોષક (absorbant) પેપરમાં બોળી સૂકવી દેતાં લિટમસ પેપર બને છે. લિટમસ પેપર રાતા અથવા વાદળી રંગના મળે છે. આ રંગ લિટમસ કયા સ્વરૂપમાં છે તેના ઉપર આધાર રાખે છે. જ્યારે લિટમસ પેપર ઉપર આપેલા દ્રાવણનું એક ટીપું મૂકતાં નીપજતો રંગ આ દ્રાવણ ઍસિડિક, બેઝિક કે તટસ્થ છે, તે દર્શાવે છે.

એક કાળે તે રંગક (dye) તરીકે વપરાતું તેમજ પીણાંઓને રંગ આપવા વપરાતું. નમૂનાઓને સૂક્ષ્મદર્શક યંત્ર નીચે મૂકી સહેલાઈથી તપાસવા માટે લિટમસ અભિરંજક (stain) તરીકે પણ વપરાય છે.

જ. પો. ત્રિવેદી