લિચ્છવી : બિહારના ઉત્તર ભાગમાં (વર્તમાન મુઝફ્ફરપુર જિલ્લામાં) ઈ. પૂ. છઠ્ઠી સદીથી વસવાટ કરતી પ્રાચીન જાતિ. એમનું પાટનગર વૈશાલી હતું. ‘લિચ્છ’ નામના મહાપુરુષના વંશજ હોવાને કારણે અથવા એમણે કોઈ પ્રકારનું ચિહન (લિક્ષ) ધારણ કર્યું હોવાથી તેઓ ‘લિચ્છવી’ તરીકે ઓળખાયા એવી માન્યતા છે. ‘લિચ્છવી’ એટલે ‘પારદર્શક પાતળી ચામડીવાળા’ એવો અર્થ પણ થાય છે.

આ જાતિનો ઉલ્લેખ અને ઇતિહાસ એક હજાર વર્ષ સુધી કોઈ ને કોઈ રૂપમાં મળે છે. વજ્જી સંઘની આઠ જાતિઓમાં લિચ્છવી જાતિ મુખ્ય હતી. વૈશાલી નગરીનો ઉલ્લેખ ‘રામાયણ’માં પણ છે. ‘વિશાલ’ નામના રાજાએ એની સ્થાપના કરી હોવાથી તેનું નામ ‘વૈશાલી’ પડ્યું હતું. લિચ્છવીઓ વસિષ્ઠ ગોત્રના ક્ષત્રિય હતા. તેથી એમણે બુદ્ધના મહાપરિનિર્વાણ બાદ એમના અવશેષોમાં ભાગ પડાવ્યો હતો અને વૈશાલીમાં એના પર સ્તૂપ બંધાવ્યો હતો. પાલિ સાહિત્યમાં લિચ્છવીને એક ખૂબ શક્તિશાળી અને સંગઠિત જાતિ તરીકે ઓળખવામાં આવી છે. બૌદ્ધ ધર્મની બીજી ‘સંગીતિ’ પણ વૈશાલીમાં થઈ હતી.

બિંબિસારના શાસનકાળમાં લિચ્છવીઓએ મગધ ઉપર આક્રમણ કર્યું હતું. બિંબિસાર પછી અજાતશત્રુએ એ આક્રમણનું વેર લેવા લિચ્છવીઓ ઉપર ચઢાઈ કરવાનું નક્કી કર્યું ત્યારે સંસારથી વિરક્ત હોવા છતાં ગૌતમ બુદ્ધે તેને ચેતવણી આપી હતી કે લિચ્છવી સંઘ અજેય છે અને એમના સંગઠનને કોઈ તોડી શકે તેમ નથી; તેથી અજાતશત્રુએ લિચ્છવીઓ ઉપર હુમલો કરવાને બદલે પ્રથમ પોતાના મંત્રી વસ્સકાર મારફત એમનામાં કુસંપ અને મતભેદો ઊભા કરાવ્યા. એ પછી અજાતશત્રુએ લિચ્છવીઓને હરાવ્યા. લિચ્છવીઓના વૈશાલીનગર પર આક્રમણ કરવા ગંગા નદીના દક્ષિણ કિનારે પાટલીપુત્ર શહેરની સ્થાપના કરવામાં આવી અને ત્યાંથી મગધના સૈન્ય દ્વારા વૈશાલી પર હુમલો કરવામાં આવ્યો હતો.

મોટાભાગના લિચ્છવીઓ બૌદ્ધધર્મી હોવાને કારણે શાંતિ અને અહિંસાના સમર્થક હતા. એમનો વહીવટ લોકશાહી ધોરણે સદીઓ સુધી ચાલતો રહ્યો. ઈસવી સનની શરૂઆતમાં અને કુશાણ કાલમાં એમણે પોતાને સ્વતંત્ર જાહેર કરી પ્રજાતંત્ર દ્વારા પોતાનો વહીવટ કરવા માંડ્યો. ઉત્તર બિહારમાં એમના વૈશાલી ગણરાજ્યનું પ્રભુત્વ વધ્યું. ઈસુની ચોથી સદીમાં લિચ્છવીઓ સાથેના લગ્નસંબંધોને કારણે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત 1લો અને સમ્રાટ સમુદ્રગુપ્ત શક્તિશાળી બન્યા. ચંદ્રગુપ્ત 1લાએ લિચ્છવી કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યાં હતાં અને એણે પડાવેલા સુવર્ણના સિક્કાઓ પર બંનેનાં નામ અંકિત કરાવ્યાં હતાં. સમ્રાટ સમુદ્રગુપ્તે એના સિક્કાઓ પર પોતાને ‘લિચ્છવી દૌહિત્ર’ તરીકે ઓળખાવ્યો હતો. આમ, ગુપ્ત સમ્રાટોના સામ્રાજ્યવિસ્તારમાં લિચ્છવીઓ સાથેના લગ્નસંબંધોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

વહીવટ ચલાવવા માટે લિચ્છવીઓએ લોકોના પ્રતિનિધિઓની એક ‘સભા’ની રચના કરી હતી, જેના બધા સભ્યો ‘રાજા’ તરીકે ઓળખાતા. આ સભ્યોની ચૂંટણી કે નિમણૂક થતી હતી તે કહી શકાતું નથી. કેટલાક સભ્યો ‘ઉપરાજા’ તરીકે પણ ઓળખાતા. એમના પ્રજાતંત્રના અધિકારીઓમાં ‘સેનાપતિ’ (લશ્કરનો ઉપરી), ‘ભંડાગારિક’ (કોષાધ્યક્ષ), ‘મહામાત્ર’ (તપાસ-અધિકારી), ‘વ્યવહારિક’ (કરારોની ચકાસણી કરનાર અધિકારી), ‘વોહારિક’ (કાયદાના જાણકાર), વગેરેનો સમાવેશ થતો હતો. લિચ્છવીઓ પોતાને એકબીજાથી નાના કે મોટા નહિ, પરંતુ સમાન ગણતા હતા. તેઓ ખૂબ પરિશ્રમી હતા. સખત જીવન જીવતા અને ઘાસની પથારી પર સૂઈ રહેતા. તેઓ જાહેર જીવનમાં નીચેના સાત નિયમોનું પાલન કરતા :

(1) વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવા તેઓ વારંવાર પોતાની ‘સભા’ બોલાવતા અને તેમાં અચૂક હાજરી આપતા. ‘સભા’ ભરવાની જાણ લોકોને ઢોલ વગાડીને કરવામાં આવતી. (2) આ સભાઓમાં લેવાયેલા નિર્ણયોનું તેઓ ચુસ્તપણે પાલન કરતા. (3) તેઓ પ્રણાલિકાઓને માન આપતા અને વચનોનો વફાદારીપૂર્વક અમલ કરતા. (4) તેઓ પોતાના  વડીલોને માન આપતા અને એમની સેવા કરતા. (5) એમની સ્ત્રીઓ કે દાસીઓમાંથી કોઈનું અપહરણ થાય નહિ, તેની તકેદારી રાખતા. (6) એમનાં ધાર્મિક સ્થાનોની શ્રદ્ધાપૂર્વક જાળવણી કરતા. (7) એમના સંતો અને સાધુઓ તરફ અત્યંત પૂજ્યભાવ રાખતા.

આમ, લિચ્છવી જાતિ પ્રાચીન ભારતની એક શક્તિશાળી અને ગણતંત્રવાદી જાતિ હતી, જેને નેપાળ તથા તિબેટ સાથે સંબંધો હતા.

નેપાળના લિચ્છવીઓ : ઈસુની છઠ્ઠી સદીમાં લિચ્છવીઓ ઉત્તર બિહાર છોડીને નેપાળમાં ગયા. ત્યાં કાઠમંડુની આસપાસના પ્રદેશમાં એમણે પોતાનું રાજ્ય સ્થાપ્યું. શરૂઆતમાં નાના અધિકારીઓ તરીકે કામ કરીને શક્તિશાળી બન્યા પછી પોતાના રાજવંશની સ્થાપના કરી. લિચ્છવી જાતિનો મહાસામંત અંશુવર્મન્ પ્રથમ નેપાળના રાજાના મહેલનો મુખ્ય અધિકારી બન્યો. પછી એણે રાજા શિવદેવની પુત્રી સાથે લગ્ન કરી રાજગાદી મેળવી. શિવદેવને રાજા તરીકે દૂર કરીને પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. અંશુવર્મન્ પછી એના કેટલાક વંશજોએ રાજ્ય કર્યું. નેપાળના ઇતિહાસમાં વિચ્છવીઓના શાસનકાલને ‘સુવર્ણયુગ’ ગણવામાં આવ્યો છે. રાજા જયદેવના અવસાન પછી રાજ્ય નબળું પડ્યું. વારસના અભાવે નેપાળના આ લિચ્છવી રાજવંશનો ઈ.સ. 748 પછી થોડાં વર્ષોમાં અંત આવ્યો.

મુગટલાલ પોપટલાલ બાવીસી