લાલા શ્રીરામ (જ. એપ્રિલ 1884; અ. જાન્યુઆરી 1963) : અગ્રણી ઉદ્યોગસાહસિક અને કુશળ વહીવટકર્તા. તેમના કાકા ગિરધરલાલની વિધવાને શૈશવકાળથી જ દત્તક આપવામાં આવ્યા હતા. પરિણામે પિતા મદનમોહનને શ્રીરામના ઉછેરમાં રસ ઓછો થઈ ગયો હતો. મૅટ્રિકની પરીક્ષા સામાન્ય ગુણવત્તા સાથે પસાર કરી 16 વર્ષની વયે એક કાપડિયાને ત્યાં કામે જોડાયા હતા. નોકરીમાં ગૂંગળામણ અનુભવાતાં એક મિત્ર સાથે ભાગીદારીમાં સ્ટેશનરીની દુકાન શરૂ કરી, પરંતુ તેમાં ખોટ જતાં તે બંધ કરવી પડી. ત્યારબાદ અલવરમાં સંબંધીની જિનિંગ ફૅક્ટરીમાં નોકરી લીધી. સમય જતાં તે કારખાનું પણ બંધ થઈ ગયું. દિલ્હી પરત આવી એક કૉન્ટ્રાક્ટરને ત્યાં કારકુનની નોકરી સ્વીકારી. શ્રીરામ મિલના શેઠે તેઓશ્રી સેક્રેટરી મદનમોહનના પુત્ર છે તેની જાણ થતાં તેમના ખંતીલા દીકરાને મિલમાં લેવા સમજાવ્યા. કચવાતે મને પિતાએ હિસાબી ખાતામાં વિના વેતને કામ કરવા તેમની નિમણૂક કરી.
શ્રીરામ સમય કાઢીને મિલના મશીનખાતાના કામકાજથી માહિતગાર થતા. દુકાનદારો સાથે વિચાર-વિનિમય કરી મિલ વિશે અભિપ્રાયો મેળવતા. સુસ્ત કારભાર અને રૂના ઊંચા ભાવોને કારણે મિલના નફામાં ઠીક ઠીક ઘટાડો થયો હતો. તે જ સમયે શ્રીરામે સૌથી વધુ કથળેલ જિનિંગ ખાતાનો હવાલો સંભાળી, કામદારોનો સહકાર મેળવી કુનેહથી ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવી. સાથે બીજાં બે ખાતાંની જવાબદારી પણ સ્વીકારી. સમયાંતરે તે ડી.સી.એમ.(દિલ્હી ક્લૉથ મિલ્સ)ના સર્વેસર્વા થઈ રહ્યા. પિતા મદનમોહન માત્ર નામના જ સેક્રેટરી રહ્યા હતા.
પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)નો આરંભ થતાં તેમણે તંબૂઓના જથ્થાબંધ ઑર્ડરો મેળવ્યા. યુદ્ધનાં ચાર વર્ષોમાં તો મિલ શૅર પર 50 % જેટલું ડિવિડન્ડ આપવા જેટલી સધ્ધર સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. તેમણે મિલને અદ્યતન મશીનરીથી સજાવવાનું આયોજન કર્યું. યુદ્ધનો અંત આવતાં જ જાપાન અને ઇંગ્લૅન્ડથી ભારતમાં માલ ઠલવાતાં મંદીનો આરંભ થયો. શ્રીરામે ઉત્પાદનમાં વૃદ્ધિ કરી, સસ્તા ભાવે માલ પ્રસ્તુત કરી સફળતાથી હરીફાઈનો પ્રતિકાર કર્યો. પરિણામોથી પ્રોત્સાહિત થઈ તેમણે દિલ્હી ક્લૉથ મિલ નં. 2ની સ્થાપના કરી. તે જ સમય દરમિયાન અમદાવાદ, ચેન્નઈ અને કોલકાતામાં તાળાબંધી થતાં કામદારોને રહેઠાણ, તબીબી સવલતો, પ્રૉવિડન્ડ ફંડ, બોનસ, બાળકો માટે શાળા, શેરો આપી નફામાં હિસ્સેદાર બનાવી તેમનો વિશ્વાસ જીતી લીધો. પરિણામે કારખાનાના નફામાં વૃદ્ધિ થઈ. આવાં પરિણામોથી પ્રોત્સાહિત થઈ 1929માં તેમણે મિલ નં. 3ની શરૂઆત કરી.
પોતાના ઉદ્યોગમાં વિવિધતા પ્રસ્તુત કરવા તેમણે 1933માં દૌરાલામાં રોજના 500 ટન ઉત્પાદનશક્તિવાળું ખાંડનું કારખાનું સ્થાપી તેની ઉત્પાદનશક્તિ 800 ટન સુધી વધારી. ઉપરાંત શરબત, સ્ક્વૉશ, ચૉકલેટ વગેરેનું ઉત્પાદન શરૂ કર્યું. 1934માં લાયલપુરમાં કાપડની મિલ શરૂ કરી, પરંતુ લાયલપુર પાકિસ્તાનમાં જતાં સ્થળાંતર કરેલ 3,000 હિંદુ કામદારોને રોજી આપવા નજફગઢ નજદીક બીજી મિલની સ્થાપના કરી. ત્યારબાદ હિસ્સારમાં પણ કાપડની મિલ શરૂ કરી. 1934માં નબળી ગ્વાલિયર પૉટરિઝ, કોલકાતાનું સંચાલન હાથમાં લઈ તેને નફામાં તબદીલ કર્યું. ઊંચી ગુણવત્તા ધરાવતા સીવવાના સંચા દેશમાં બનાવવા તેમણે જય એન્જિનિયરિંગ વર્કસ, કોલકાતા હસ્તગત કર્યું. તેમાં પંખાના ઉત્પાદનનો પણ આરંભ કર્યો. સમયાંતરે તેને સધ્ધર સ્થિતિમાં મૂકી દીધું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન આયાત થતાં રસાયણોની તંગી નિવારવા 1939માં રોજના 75 ટન સલ્ફ્યુરિક ઍસિડ તથા આલ્કલીનું ઉત્પાદન હાથ ધર્યું. 1940માં બરહાનીમાં ખાંડની મિલ હસ્તગત કરી, તેનું મવાના સ્થળાંતર કરી, નફામાં તબદીલ કર્યું. વળી તેમણે વેજિટેબલ ઘી બનાવવાનું કારખાનું સ્થાપ્યું.
બીજા વિશ્વયુદ્ધમાં કાપડની ભારે માગને પહોંચી વળવા તેમણે સાતેય દિવસ મિલ ચાલુ રાખવાનો આરંભ કર્યો હતો. તે માટે નવા નવા કામદારોની ભરતી કરી, તેમને પ્રોત્સાહનો આપી ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ મેળવી હતી.
લાલા શ્રીરામે, 1935થી 1961 સુધી રિઝર્વ બક ઑવ્ ઇન્ડિયાના સંસ્થાપક ચૅરમૅન તરીકે સેવાઓ આપી હતી. તેઓ સીંદરી ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ લિમિટેડના ચૅરમૅન, ફેડરેશન ઑવ્ ઇન્ડિયાના ચેમ્બર્સ ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિઝ (FICCI) તથા અખિલ ભારતીય નિયોક્તા ફેડરેશન(All India Employers Federation)ના પ્રમુખ નિમાયા હતા. તેમણે ઇન્દ્રપ્રસ્થ કૉલેજ, શ્રીરામ કૉલેજ ઑવ્ કૉમર્સ, લેડી શ્રીરામ કૉલેજ ફૉર વિમેન, દિલ્હી પૉલિટૅકનિક અને શ્રીરામ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચની સ્થાપના કરી હતી. વર્ષ 2002માં થયેલ મૂલ્યાંકનમાં દિલ્હી ખાતેની શ્રીરામ કૉલેજ ઑવ્ કૉમર્સે સમગ્ર દેશમાં વાણિજ્ય વિદ્યાશાખાઓની કૉલેજોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
જિગીશ દેરાસરી