કેપ ટાઉન (આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના કેપ પ્રાંતનું પાટનગર અને બંદર. આટલાન્ટિક મહાસાગરને કિનારે ટેબલ પર્વતની તળેટીમાં આ શહેર આવેલું છે. અહીં જમીનનો ચાંચ આકારનો ભાગ મહાસાગરમાં દૂર સુધી વિસ્તરેલો છે.
33o 54′ દ. અ. અને 18o 25′ પૂ. રે. પર આવેલું આ શહેર ‘નૅશનલ બૉટેનિકલ ગાર્ડન’ અને પ્રાચીન સંગ્રહસ્થાન માટે જાણીતું છે. યુરોપ-ઑસ્ટ્રેલિયા માર્ગ ઉપર આવેલા આ બંદરને દરિયાઈ ભરતી અને મોજાંથી રક્ષવા માટે સમુદ્રદીવાલ ઊભી કરવામાં આવી છે, તેમજ નવું બંદર વિકસાવવામાં આવ્યું છે.
અહીં કાપડ, પ્લાસ્ટિક, ચામડાનો સામાન, દ્રાક્ષમાંથી દારૂ ગાળવાનો તેમજ ફળ-આધારિત ઉદ્યોગો વિકાસ પામ્યા છે. કેપ પ્રાંતની મોટાભાગની આયાત-નિકાસ આ બંદર મારફત થાય છે. સુંદર ઇમારતોથી શોભતું સુવ્યવસ્થિત બાંધણી ધરાવતું આ શહેર સહેલાણીઓ માટે આકર્ષણરૂપ છે. આ શહેરનું તાપમાન 20.9o સે. (જાન્યુઆરી) તથા 12.2o સે. (જુલાઈ) રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 515 મિમી. જેટલો પડે છે.
કેપટાઉન રેલમાર્ગે ઝિમ્બાબ્વે અને અન્ય પડોશી દેશો સાથે જોડાયેલું છે. આ શહેર આંતરરાષ્ટ્રીય હવાઈમથક ધરાવે છે.
હોલૅન્ડ(નેધરલૅન્ડ)થી ભારત અને જાવા-સુમાત્રા સુધી જતાં વેપારી વહાણોને અનાજ, પાણી અને કોલસો મળી રહે તે હેતુથી યાન વાન રીબેકે ઈ.સ. 1652માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઉપક્રમે આ શહેર સ્થાપ્યું હતું. આ શહેરનો મુખ્ય દરવાજો હોલૅન્ડના ડૉરડ્રેક્ત શહેરના દરવાજાને આબેહૂબ મળતો આવે છે. આ શહેરમા કેટલાક સમયથી પાણીની તીવ્ર તંગી અનુભવાય છે જેને કારણે ત્યાંના પ્રવાસન ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. યુનો દ્વારા દર્શાવેલ માહિતી અનુસાર અહીંયાની વસ્તી 4.34 લાખ (2011).
મહેશ મ. ત્રિવેદી