કેપ કૉડ : ઉત્તર અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યના અગ્નિ ખૂણે આટલાન્ટિક મહાસાગરમાં ઘૂસેલો હૂકના આકારનો 104 કિમી. લાંબો અને સાંકડો દ્વીપકલ્પ. તે 41o 45’થી 42o 15′ ઉ. અ. તથા 70o 00’થી 70o 30′ પ. રે. વચ્ચે આવેલો છે. તેની પહોળાઈ 1.6 કિમી.થી 30 કિમી. જેટલી છે. 1914માં કેપ કૉડ કૅનાલ પૂર્ણ થતાં તે દ્વીપકલ્પ મટી જઈને ટાપુ બન્યો. મૅસેચૂસેટ્સના બાર્નસ્ટેબલ પ્રદેશમાં આ દ્વીપકલ્પ પ્રથમ પૂર્વ તરફ અને પછી ઉત્તર તરફ વળે છે. તેની પશ્ચિમે કેપ કૉડનો ઉપસાગર, પૂર્વ તરફ આટલાન્ટિક મહાસાગર, દક્ષિણ તરફ નૅન્ટકેટની ઊંડી ખાડી અને અગ્નિ ખૂણે બઝર્ડ્ઝ ઉપસાગર અને વાઇનયાર્ડ ખાડી આવેલાં છે. કાંઠા ઉપરના નિક્ષેપ ઉપર હિમનદી દ્વારા રેતી, કંકર અને મુરમ ઠલવાવાથી કેપ કૉડ દ્વીપકલ્પ બન્યો. અહીં દરિયાઈ પ્રવાહને કારણે દ્વીપકલ્પનો પૂર્વ તરફનો ભાગ વર્ષે આશરે 1 મીટર પ્રમાણે ધોવાતો જાય છે. કેપ કૉડનો પ્રદેશ રેતીના ઢૂવા અને રેતીની નીચી ટેકરીઓનો બનેલો છે. ટેકરીઓ ઉપર ઓક અને પાઇનનાં વૃક્ષો છે. દરિયાકાંઠે ઘણી લાંબી ચોપાટી અને નાનાં તળાવો આવેલાં છે. ચારે તરફ સમુદ્રને કારણે ઉનાળામાં આબોહવા ઠંડી અને આહલાદક રહે છે. શિયાળામાં પવન સતત ફૂંકાય છે પણ હિમવર્ષા થતી નથી. હરણાં, સસલાં, તેતર અને બતકો અહીં જોવા મળે છે. કેપ કૉડ આસપાસના સમુદ્રમાં કૉડ, લૉબ્સ્ટર તથા છીપ અને માછલીઓ પુષ્કળ છે. 1961માં કેપ કૉડના કેટલાક ભાગને ‘નૅશનલ સી-શોર એરિયા’ તરીકે જાહેર કરેલ છે. પ્રવાસન અને મત્સ્યઉદ્યોગનો સારો વિકાસ થયો છે. પ્રૉવિન્સટાઉન, ચૅટમ, વુડ્ઝ હોલ, હાઇયૅનસ, ફાલમથ અને સૅન્ડવિચ મોટાં નગરો છે. વસ્તી 2,28,000 (2021) જેટલી હતી.

શિવપ્રસાદ રાજગોર