સામલ, નંદકિશોર (જ. 12 જૂન 1925, કુસુપુર, મહંગા, જિ. કટક, ઓરિસા) : ઊડિયા નાટ્યકાર અને બાલસાહિત્યના લેખક. બી.એ., બી.એડ.ની પદવી મેળવ્યા બાદ શિક્ષક તરીકે કાર્યરત રહી તેઓ સેવાનિવૃત્ત થયા. લેખનકાર્યમાં પણ લાગ્યા.
તેમણે અત્યાર સુધીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ઉલ્લેખનીય છે : ‘મર્ત્ય મેન્ડેબલ દેહાવહી’ (1993) રેડિયોનાટક છે; ‘પલ્લી કવિ નંદકિશોર’ (1976) રૂપક છે; ‘ગુન્ડુચી મુસારા પિથિરાય ગરા’ (1960); ‘મુ કહિબી કથાતિઆ’ (1986); ‘માતે જતબેલા દાસા બરાસા’ (1990); ‘હાસી હસૈબા ધારા’ તેમના બાલસાહિત્યને લગતા લોકપ્રિય ગ્રંથો છે.
ઊડિયા બાલસાહિત્યક્ષેત્રે તેમના મહત્ત્વના પ્રદાન બદલ તેમને 1961, 1962, 1964 અને 1966ના વર્ષનો ઓરિસા સરકારનો ઍવૉર્ડ; 1985માં ગોકર્ણિક સાહિત્ય સમાજ ઍવૉર્ડ; 1992માં ઓરિસા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; 1995માં શિશુ સાહિત્ય સંસદ ઍવૉર્ડ પ્રાપ્ત થયા. વળી સંખ્યાબંધ સાહિત્યિક સંસ્થાઓએ તેમને સન્માન્યા છે.
બળદેવભાઈ કનીજિયા