સામલ વૈષ્ણવચરણ

January, 2008

સામલ, વૈષ્ણવચરણ (જ. 27 ફેબ્રુઆરી 1939, ચાહિગન, જિ. કેન્દ્રપરા, ઓરિસા) : ઊડિયા લેખક. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ., ડી.લિટ.ની પદવી મેળવી. તેઓ ઉત્કલ યુનિવર્સિટીમાં ઊડિયાના રીડર રહેલા.

તેમણે આશરે 45 ગ્રંથો આપ્યા છે. ‘ઓડિયા ગલ્પ : ગતિ ઓ પ્રકૃતિ’ (1974, 91); ‘ક્ષુદ્ ગલ્પ : શ્રષ્ટા માનસ’ (1978); દૃષ્ટિ ઓ દિગંત’ (1980); ‘ગણકવિ સાહિત્ય સમિખ્યા’ (1991) અને ‘ઓડિયા સાહિત્ય ઇતિહાસ’ (1994) તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે. ‘આજ દેખિલિરે’ (1989); ‘ઇચ્છન્તી ડમ્બ્બિકે’ (1994) તેમના નિબંધસંગ્રહો છે. ‘શેષ શૃંગાર’ (1988); ‘એકા એકા નક્ષ્યત્ર’ (1993) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે, જ્યારે ‘સામાન્ય લિપિ’ (1972); ‘પુનશ્ર્ચ માનુષ’ તેમના કાવ્યસંગ્રહો છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને વિષુવ મિલન ઍવૉર્ડ; ગોકર્ણિકા ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા તથા અભિમન્યુ સાહિત્ય સંસદ તરફથી તેમને ‘સાહિત્ય સ્વયંભૂ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

બળદેવભાઈ કનીજિયા