સામલ, કુલમણિ (જ. 3 ડિસેમ્બર 1929, કટક, ઓરિસા) : ઊડિયાના વિજ્ઞાન-લેખક. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ ઊડિયામાં ‘વિજ્ઞાન દિગંત’ નામના દ્વિમાસિકના સંપાદક રહ્યા. 1968-75 ઉત્કલ યુનિવર્સિટીમાં તેઓ પદાર્થવિજ્ઞાનના રીડર હતા. તે પછી 1975-89 સુધી સમ્બલપુરની બુરલા એન્જિનિયરિંગ કૉલેજમાં પદાર્થવિજ્ઞાનના પ્રાધ્યાપક હતા. 1969-93 સુધી તેઓ ‘વિજ્ઞાન પ્રભા’ના મુખ્ય સંપાદક રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં 30 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમના અતિલોકપ્રિય વૈજ્ઞાનિક ગ્રંથો છે : ‘મહાશૂન્યાર મનુષ્ય’ (1964); ‘અંક કૌતુક’ (1968); ‘ગ્રહરુ ગ્રહાન્તર જાત્રા’ (1990); ‘આમિ ઓ અમર વૈજ્ઞાનિકતા’ (1991) અને ‘દૂરસંચાર કહાની’ (1995). ‘ભારતગૌરવ સી. વી. રામન’ – એ ચરિત્રગ્રંથ છે.

વિજ્ઞાનક્ષેત્રે તેમના મહત્ત્વના પ્રદાન બદલ તેમને 1993ના વર્ષનો બેસ્ટ પોપ્યુલર સાયન્સ રાઇટર ઍવૉર્ડ; 1993ના વર્ષનો વિજ્ઞાન બંધુ ઍવૉર્ડ; પથની સામંત પ્રતિવા ઍવૉર્ડ અને 1994ના વર્ષનો જી. સી. પટનાયક મેમૉરિયલ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા