લારવુડ હેરલ્ડ (જ. 14 નવેમ્બર 1904; અ. 1995, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડનો જગવિખ્યાત ઝડપી બૉલર.

હેરલ્ડ લારવુડ

તેણે પોતાની ટેસ્ટ મૅચ 26 જૂન, 1926ના રોજ ક્રિકેટમાં મક્કા સમાન ગણાતા ‘લૉર્ડ્ઝ’ના મેદાન પર રમી હતી. તેણે પ્રથમ ટેસ્ટ મૅચમાં જ ત્રણ વિકેટો ઝડપી હતી. તે ‘બૉડીલાઇન’ બૉલિંગ માટે વિશ્વવિખ્યાત બન્યો હતો. 1932–33માં બૉડીલાઇન બૉલિંગ દરમિયાન 78 રન આપીને તેણે 6 વિકેટ લીધી હતી. તેને બૉડીલાઇન બૉલિંગ માટે કોઈ અફસોસ ન હતો; કારણ કે તેણે આ જાતની બૉલિંગ તેના કૅપ્ટનના કહેવાથી કરી હતી. તેણે કુલ 21 ટેસ્ટ મૅચો રમી હતી અને 28.35 સરેરાશ સાથે 78 વિકેટો ઝડપી હતી. વ્યવસાયથી તે ખાણિયો (miner) હતો. વિશ્વના ખૂબ જ ઓછા દેશોમાં ક્રિકેટની રમત રમાય છે, છતાં પણ લારવુડ હેરલ્ડ જેવા ખેલાડીઓને કારણે જ આજે ક્રિકેટ વિશ્વની ખૂબ જ લોકપ્રિય રમતોમાંની એક ગણાય છે. આજે તો ક્રિકેટના ‘અમર ખેલાડીઓ’માં લારવુડ હેરલ્ડની ગણના થાય છે.

પ્રભુદયાલ શર્મા