કૅન્સર, લસિકાભ પેશીનું (લિમ્ફોમા) : લસિકાગ્રંથિઓ (lymph nodes) અને અન્ય લસિકાભ (lymphoid) પેશીનું કૅન્સર થવું તે. તેને લસિકાર્બુદ (lymphoma) કહે છે. ગળું, બગલ તથા જાંઘના મૂળ(ઊરુપ્રદેશ)માં ‘વેળ ઘાલી’ને મોટી થતી ગાંઠો મૂળ લસિકાગ્રંથિઓ અથવા લસિકાપિન્ડો (lymph nodes) જ છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે ત્યારે લોહીની સૌથી નાની નસો, કેશવાહિનીઓ(capillaries)માંથી લોહીમાંનું પ્રવાહી, કેટલાક શ્વેતકોષો અને અન્ય દ્રવ્યો બહાર નીકળે છે અને શરીરના કોષોની આસપાસ પ્રસરે છે. શરીરના કોષોની બહારનું પ્રવાહી ફરીથી કાં તો લોહીની નસો, શિરા (veins) દ્વારા હૃદય તરફ જાય છે અથવા તો તેમાંનું કેટલુંક પ્રવાહી લસિકાતરલ (lymph) રૂપે લસિકાવાહિનીઓમાં પ્રવેશે છે. આંતરડાંમાં પચેલાં દ્રવ્યોનો કેટલોક ભાગ આ માર્ગે શરીરમાંના વાહિનીતંત્રમાં પ્રવેશે છે. લસિકાવાહિનીઓ (lymphatics) લસિકાગ્રંથિઓ સાથે જોડાયેલી હોય છે. લસિકાવાહિનીઓ એકઠી થઈને મોટી વક્ષીયવાહિની (thoracic duct) બનાવે છે. તેના દ્વારા લસિકાતરલ ગળામાં આવેલી શિરામાંના લોહી સાથે ભળે છે અને હૃદયમાં આવે છે. આમ લોહીમાંથી છૂટું પડેલું પ્રવાહી ફરીથી લોહીમાં ભળે છે. આ સમગ્ર પરિભ્રમણ વખતે તે પોષક દ્રવ્યો અને ઉત્સર્ગદ્રવ્યોનું વહન અને આપલે કરે છે. આ ઉપરાંત લસિકાગ્રંથિમાં આવેલી લસિકાભ પેશીમાં લોહીના લસિકાકોષો (lymphocytes) બને છે અને રહે છે. તે શરીરની કોષીય પ્રતિરક્ષા (cellular immunity) નામે ઓળખાતી રોગપ્રતિકારક્ષમતાના મુખ્ય કોષો છે. તેને કારણે કોઈ એક ભાગમાં ચેપ લાગે, પરુ થાય કે ગૂમડું થાય ત્યારે તે વિસ્તારની લસિકાવાહિની દ્વારા જીવાણુ (bacteria) લસિકાગ્રંથિઓમાં જાય છે. ત્યાં તેમની વિરુદ્ધ પ્રતિરક્ષાજન્ય પ્રતિભાવ (immune response) ઉદભવે છે. તેને કારણે જે-તે લસિકાગ્રંથિમાં સોજો આવે છે તથા દુખાવો થાય છે. તેને ‘વેળ ઘાલવી’ કહે છે. શાસ્ત્રીય રીતે તેને લસિકાગ્રંથિશોથ (lymphadenitis) કહે છે. આ જ રીતે જ્યાં પણ કૅન્સર વિકસે ત્યાંની લસિકાવાહિનીઓ દ્વારા કૅન્સરના કોષો જે-તે વિસ્તારની લસિકાગ્રંથિઓમાં જાય છે. કૅન્સર સામેની કોષીય પ્રતિરક્ષા માટે આ જરૂરી પણ છે. જો કૅન્સરના કોષો લસિકાગ્રંથિને અસરગ્રસ્ત કરે તો તે મોટી થઈને ગાંઠ કરે છે. કૅન્સરના TNM વર્ગીકરણમાં ‘N’ની સંજ્ઞા આ પ્રકારના કૅન્સરના ફેલાવાને સૂચવે છે. લસિકાભ પેશી લસિકાગ્રંથિઓ ઉપરાંત હાડકાનાં પોલાણમાં આવેલા અસ્થિમજ્જા (bone marrow) નામના માવામાં, છાતીમાં આવેલા વક્ષસ્થ પિંડ(thymus)માં, આંતરડાંમાં આવેલી પેયરની ચકતીઓ(Payer’s patches)માં તથા વિવિધ અવયવોમાં હોય છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં લસિકાભ પેશી હોતી નથી. તેવી રીતે આંખની કીકીના પારદર્શક ઢાંકણ-સ્વચ્છા(cornea)માં તથા સ્વરપેટીમાં આવેલા સ્વરરજ્જુઓ(vocal cords)માં પણ લસિકાવાહિનીઓ હોતી નથી. અન્ય અવયવમાં ઉદભવેલું કૅન્સર જેમ લસિકાગ્રંથિને અસરગ્રસ્ત કરે છે તેમ તેના કોષોમાં ઉદભવતું કૅન્સર પણ તેમને અસરગ્રસ્ત કરે છે. લસિકાભ પેશીના કૅન્સરને લસિકાર્બુદ (lymphoma) કહે છે. તેના બે મુખ્ય પ્રકાર છે – (1) હૉજકિનનો રોગ અને (2) નૉન-હૉજકિન લિમ્ફોમા. તેમના વિવિધ ઉપપ્રકારો છે. મુખ્યત્વે યુવાનોને થતું પ્રથમ 7 કૅન્સરોમાંનું આ કૅન્સર ઘણી વખત મટે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા લસિકાભ પેશીના કૅન્સરને હૉજકિનનો રોગ, નોન-હૉજકિન લિમ્ફોમા ઉપરાંત ટી- અને એનકે-કોષી કૅન્સર એમ 3 જૂથોમાં વહેંચે છે.

વસ્તીરોગવિદ્યા : લિમ્ફોમા જૂથનું કૅન્સર સાતમા સ્થાને આવે છે. તેના 14 % દર્દીઓને હૉજકિનનો રોગ હોય છે. હૉજકિનના રોગનું પ્રમાણ બે વયજૂથોમાં વધુ છે : (1) 10થી 20 વર્ષ અને (2) 45 વર્ષ પછીની વય. ભારતમાં લ્યૂકીમિયા અને લિમ્ફોમાનો સંયુક્ત દર વધુ છે અને તેથી તે પુરુષોમાં 12 % (બીજું સ્થાન) અને સ્ત્રીઓમાં 6 % (ત્રીજું સ્થાન) છે. દર 1 લાખ પુરુષોએ ભારતમાં હૉજકિનના રોગનું પ્રમાણ 1.8 જેટલું છે અને નૉન-હૉજકિન લિમ્ફોમાનું પ્રમાણ 0.6થી 6.3/100000 જેટલું છે. દર 1 લાખ સ્ત્રીઓએ ભારતમાં હૉજકિનના રોગનું પ્રમાણ વધુમાં વધુ 1.1 છે અને નૉન-હોજકિનના લિમ્ફોમાનું પ્રમાણ 1.7થી 3.3 છે. અમદાવાદમાં નોંધાયેલા બધા જ પ્રકારના કૅન્સરના 2.11 % (પુરુષો માટે) તથા 0.73 % (સ્ત્રીઓ માટે) નવા દર્દીઓને હૉજકિનનો રોગ થાય છે. નૉન-હૉજકિન લિમ્ફોમાનો પુરુષોમાં દર 2.12/1 લાખ પુરુષો (2.35 %) તથા 3.20/1 લાખ સ્ત્રીઓ (2.19 %) છે. અમદાવાદમાં તેમનો સંયુક્ત દર 3.97 / 1 લાખ પુરુષો (4.46 %) તથા 3.64/1 લાખ સ્ત્રીઓ (2.92 %) છે. અમદાવાદમાં 14 વર્ષ સુધીનાં બાળકોમાં થતા કૅન્સરના આંકડા ઉપલબ્ધ છે. 1990માં છોકરાઓમાં થયેલા કૅન્સરના 16.3 %ને હૉજકિનનો રોગ તથા 4.92 %ને નૉન-હૉજકિન લિમ્ફોમા છે. આમ તેમનો સંયુક્ત દર 21.31 % જેટલો થાય છે. છોકરાઓમાં સૌથી વધુ થતું કૅન્સર હૉજકિનનો રોગ છે. છોકરીઓમાં હૉજકિનના રોગનો દર 5 % છે; નૉન-હૉજકિન લિમ્ફોમાનો દર પણ 5 % છે તથા તેમનો સંયુક્ત દર 10 % છે. છોકરીઓમાં હૉજકિનના રોગનું સ્થાન છઠ્ઠું છે તથા તેમનો સંયુક્ત દર ચોથા સ્થાને આવે છે.

હૉજકિનના રોગના તબક્કા : (1) સામાન્ય લસિકાગ્રંથિઓ, (2) ગળાના એક જૂથની અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ, (3) અસરગ્રસ્ત બરોળ (spleen), (4) મૂત્રપિંડ, (5) યકૃત, (6) ફેફસું, (7) અસરગ્રસ્ત વક્ષસ્થપિંડ (thymus), (8) ફેફસાંમાં થયેલી ગાંઠ, (9) ઉરોદરપટલ(diaphragm)ની નીચે લસિકાગ્રંથિનાં એકથી વધુ અસરગ્રસ્ત જૂથો, (10) ફેફસાંમાંની ગાંઠ તથા ઉરોદરપટલ ઉપરની અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ, (11) ઉરોદરપટલની બંને બાજુએ અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ, (12) બરોળ, ફેફસું તથા ઉરોદરપટલની બંને બાજુએ અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ, (13) બરોળ, યકૃત તથા ઉરોદરપટલની બંને બાજુએ અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ, (14) ફેફસાંમાં તથા અનેક લસિકાગ્રંથિઓમાં રોગ, (15) યકૃત તથા અનેક લસિકાગ્રંથિઓમાં રોગ. (અ થી ઈ) પ્રથમ તબક્કો, (ઉ અને ઊ) બીજો તબક્કો, (ઋ અને એ) ત્રીજો તબક્કો, (ઐ થી ઔ) ચોથો તબક્કો.

(1) હૉજકિનનો રોગ અથવા હૉજકિન લિમ્ફોમા (HD/HL) : તે ચેપજન્ય રોગ હોવાની માન્યતા છે. પરંતુ તેનો કોઈ ચેપકારક વિષાણુ કે અન્ય સૂક્ષ્મજીવ શોધાયેલ નથી. ઉપલા સામાજિક અને આર્થિક સ્તરના વધુ શિક્ષણ પામેલા, નાના કુટુંબના પહેલા બાળકને તે વધુ થાય છે. તેનું કારણ એમ માનવામાં આવે છે કે આવા બાળકને ચેપકારી સૂક્ષ્મજીવનો સંસર્ગ ઓછો રહે છે અને તેથી તેમની રોગપ્રતિકારક્ષમતા ઓછી હોય છે. એપ્સ્ટિન-બાર વિષાણુ (EBV) તેનો કારણભૂત સૂક્ષ્મજીવ છે એવું સૂચવાયેલું છે. ચેપી એકકેન્દ્રી કોષિતા (infectious mononucleosis) નામના રોગમાં હૉજકિનના રોગનું પ્રમાણ વધુ જોવામાં આવે છે. ચેપી એકકેન્દ્રી કોષિતાનો રોગ EBVથી થાય છે. અગાઉ તેને સંસર્ગજન્ય (contageous) રોગ ગણવામાં આવતો હતો પરંતુ હાલ તે માટે કોઈ ચોક્કસ સાબિતી ઉપલબ્ધ નથી. સગાં ભાઈબહેનમાં તે થવાનો દર 3ગણો વધારે છે. તેનું કારણ કદાચ જનીનીય (genetic) પણ હોય.

(1) HD/HLનું નિદાન : હૉજકિનના રોગના મુખ્ય કૅન્સરકોષને રીડ-સ્ટેન્બર્ગકોષ કહે છે. તે એક મહાકોષ (giant cell) છે. તે મોટાં બે કોષકેન્દ્રોવાળો કોષ છે. તે મોનોકાઇન ઇન્ટરલ્યુકિન-1નો સ્રાવ કરે છે અને તેને કારણે T-લસિકાકોષો (T-lymphocytes) અને તંતુકોષો(fibrocytes)ની સંખ્યાવૃદ્ધિ થાય છે. તે એક જ્વરજન (pyrogen) દ્રવ્યનો પણ બહાર સ્રાવ કરે છે, જેથી તાવ આવે છે. કોષીય પ્રતિરક્ષા (cellular immunity) નામે ઓળખાતી ચેપપ્રતિકારક્ષમતા ઘટે છે, લસિકાકોષો ઘટે છે અને તેથી વારંવાર ચેપ લાગે છે. ક્યારેક અસામાન્ય રોગજનક સૂક્ષ્મજીવો, દા.ત., ન્યુમોસિસ્ટિક કેરિનાઈ, નોકાર્ડિયા, લિસ્ટેરિયા, એસ્પરજીલોસિસ, કૅન્ડિડા વગેરેનો ચેપ લાગે છે (25 %).

સામાન્ય રીતે યુવાન દર્દીને લસિકાગ્રંથિઓની પીડા વગરની રબર જેવી ગાંઠો થાય છે. તેમને થાક, તાવ, રાતે પરસેવો, ખૂજલી, અરુચિ અને વજનનો ઘટાડો થાય છે. આ લક્ષણોને ‘B’ લક્ષણો કહે છે. તેમની હાજરી કે ગેરહાજરીને આધારે HDનું વર્ગીકરણ કરાય છે. મોટા ભાગના દર્દીઓમાં (90 %) ગાંઠો ગળા, બગલ અને છાતીમાં હોય છે અને તેમાં પણ સૌથી વધુ દર્દીઓમાં તે ગળામાં જોવા મળે છે (60-80 %). છાતીમાંની ગાંઠો મોટી હોય તો ખાંસી, શ્વાસ ચડવો તથા ઉપલી મહાશિરા પરના દબાણ(superior vena cava obstruction)ને કારણે મોં-ગળા પર સોજો અને ગળાની પહોળી થયેલી નસો વગેરે થાય છે. રોગ વધે તેમ પેટના પોલાણની પાછળ (retroperitoneal) અને ઊરુપ્રદેશ(inguinal region)માંની લસિકાગ્રંથિઓ તથા બરોળ, યકૃત (liver) અને અસ્થિમજ્જા (bone marrow) રોગગ્રસ્ત થાય છે.

નિદાન માટે આખી લસિકાગ્રંથિને શસ્ત્રક્રિયા વડે બહાર કઢાય છે. તેને જીવપેશીપરીક્ષણ (biopsy) કહે છે. કેટલાંક સૂચક દ્રવ્યો (markers) માટેના તથા કોષજનીનીય (cytogenetic) અભ્યાસ માટે તાજી પેશીની જરૂરિયાત રહે છે માટે લસિકાગ્રંથિનું શીતીકરણ (freezing) કે સ્થાપન (fixing) કરતાં પહેલાં પેથોલૉજિસ્ટને જણાવવાનું જરૂરી ગણાય છે. 50 % દર્દીના લોહીમાં લસિકાકોષોની સંખ્યા ઘટે છે, ESR વધે છે અને જો રક્તકોષો તૂટી જવાથી હીમોગ્લોબિનનો ઘટાડો થતો હોય તો કુમ્બની કસોટીમાં હકારાત્મક પરિણામ આપે છે. તે પ્રતિરક્ષાલક્ષી (immunological) પ્રતિક્રિયા સૂચવે છે. આ ઉપરાંત યકૃત (liver) અને મૂત્રપિંડની કાર્યક્ષમતા- કસોટીઓ, છાતીનો એક્સ-રે, અલ્ટ્રાસૉનોગ્રાફી, સીએટી-સ્કૅન અને એમ.આર.આઈ. વગેરે પ્રકારનાં ચિત્રણો લેવાય છે. લોહીમાં લેક્ટિક ડીહાઇડ્રોજીનેઝ વધે છે. ક્યારેક આલ્બ્યુમિન ઘટે છે. લોહીમાં આલ્કલાઇન ફૉસ્ફેટેઝનું વધેલું પ્રમાણ યકૃતમાં રોગના ફેલાવા અંગેનું સૂચન કરે છે, પરંતુ બાળકોમાં તે ઉપયોગી નથી કેમ કે તેમનાં હાડકાંની વૃદ્ધિને કારણે તે સામાન્યપણે પણ વધુ પ્રમાણમાં હોય છે. વિવિધ ચિત્રણો છાતી અને પેટમાંની લસિકાગ્રંથિઓ અને અવયવોમાં રોગનો ફેલાવો થયો છે કે નહિ તે દર્શાવે છે. આ બધાં પરીક્ષણો રોગનો તબક્કો નક્કી કરવામાં ઉપયોગી છે. કેટલાક દર્દીમાં ESRમાં વધારો રોગે ઊથલો માર્યો છે એવું દર્શાવે છે.

(1) HD/HLનું વર્ગીકરણ : રોગગ્રસ્ત પેશીમાં રીડ-સ્ટર્નબર્ગ (RS) કોષો દર્શાવવાથી નિદાન થાય છે. પેશીવિકૃતિવિદ્યા-(histopathology)ના અભ્યાસ વડે રાયના વર્ગીકરણ (1965) પ્રમાણે તેના 4 ઉપપ્રકારો નોંધાયા હતા – (ક) મહત્તમ લસિકાકોષીય (lymphocyte predominant), (ખ) ગંડિકામય તંતુતા (nodular sclerosis), (ગ) મિશ્રકોષિતા (mixed cellularity) તથા (ઘ) લસિકાકોષ-અલ્પતા (lymphocyte depletion). સન 1994માં WHO/REAL (રિવાઇઝ્ડ યુરોપિયન-અમેરિકન  લિમ્ફોમા) વર્ગીકરણ દર્શાવવામાં આવ્યું. તેમાં પેશીવિકૃતિ અને પ્રતિરક્ષા-અભિવ્યક્ત પ્રકાર (immunophenotype) વડે હૉજકિનના લિમ્ફોમા (HL) 2 અલગ રોગો ગણવામાં આવે છે – શાસ્ત્રીય HL (classical HL) અને લસિકાકોષ-મહત્તમ HL (lymphocyte-predominant HL). તેથી હવે તેના 5 ઉપપ્રકારો થયા છે (સારણી 1). તે દર્શાવે છે કે લસિકાકોષ-મહત્તમ ઉપપ્રકારમાં 2 ઉપપ્રકારો છે : લસિકાકોષ-

સારણી 1 : હૉજકિન લિમ્ફોમા(HL)ના ઉપપ્રકારો

વર્ગીકરણ

REAL વર્ગીકરણ (1994)

રાયનું વર્ગીકરણ (1965)

ઉપપ્રકાર લસિકાકોષ-મહત્તમ શાસ્ત્રીય
HL (lymphocyte predominant
classical HL)
લસિકાકોષ-મહત્તમ
ગંડિકામય (nodular)
અથવા
લસિકાકોષ-સભર શાસ્ત્રીય HL
(lymphocyte-rich classical HL)
પ્રસરિત (diffuse)
ગંડિકામય તંતુતા (nodular sclerosis) ગંડિકામય તંતુતા
મિશ્રકોષિતા (mixed cellularity) મિશ્રકોષિતા
લસિકાકોષ-અલ્પતા (lymphocyte
depletion)
લસિકાકોષ-અલ્પતા

મહત્તમ શાસ્ત્રીય અને લસિકાકોષ-સભર શાસ્ત્રીય હૉજકિન લિમ્ફોમા. તેમને અલગ પાડવા માટે પ્રતિરક્ષા-અભિવ્યક્તિ પ્રકાર (immunophenotype) દર્શાવતી કસોટી કરાય છે (સારણી 2). લિમ્ફોસાઇટ પ્રિડૉમિનન્ટ પ્રકારમાં ખૂબ જ પ્રમાણમાં પક્વ લસિકાકોષો (lymphocytes) હોય છે અને તે સૌથી સારો અને વધુ જીવનકાળ ધરાવતો વિકાર (90 %માં 5 વર્ષથી વધુ) છે. પશ્ચિમી દેશોમાં બીજો ઉપપ્રકાર – નૉડ્યુલર સ્ક્લેરોસિસ – સૌથી વધુ થાય છે. તેમાં લસિકાગ્રંથિની અંદર કૅન્સરગ્રસ્ત પેશીની નાની નાની ગંડિકાઓ થાય છે અને આસપાસ તંતુતાની જાણે પાળ બંધાય છે. આ શરીરનો પ્રતિકાર સૂચવે છે અને તેમાં પણ સારવારનું પરિણામ

સારણી 2 : પ્રતિરક્ષાઅભિવ્યક્તિ પ્રકાર કસોટી (immunophenotyping) વડે શાસ્ત્રીય (classical)

હૉજકિન લિમ્ફોમા (HL) અને લસિકાકોષમહત્તમ હૉજકિન લિમ્ફોમા (LPHL)

કોષ \ પ્રતિજન

(antigen)

શાસ્ત્રીય હૉજકિનનો
લિમ્ફોમા (classical
HL, CHL)
લસિકાકોષ-મહત્તમ
હૉજકિન લિમ્ફોમા (lym-
hocyte-predominant
HL, LPH)
રિડ-સ્ટેન્બર્ગ કોષો
લસિકાકોષોની પૃષ્ઠભૂમિ
હંમેશ હોય
T > B કોષો
ક્યારેક હોય કે ન હોય
B > T કોષો
CD30 (Ki-1)
CD15 (LeuM1)
CD45 (LCA)
CD20 (L26)
EBV
સામાન્ય રીતે હોય
સામાન્ય રીતે હોય
સામાન્ય રીતે ન હોય
સામાન્ય રીતે હોય
40 %થી 50 %
ઘણી વખત હોય
ન હોય
હોય
હોય
સામાન્ય રીતે ન હોય

સારું હોય છે. તેમાં જોવા મળતા RS કોષોને રિક્તકોષો (lacunar cells) કહે છે, કેમ કે તેમનો ઝાંખો અભિરંજિત થતો કોષરસ ખાલી જગ્યા જેવો લાગે છે. તે ખાસ કરીને યુવાન સ્ત્રીઓમાં થતો ઉપપ્રકાર છે. ભારતમાં સૌથી વધુ ત્રીજો ઉપપ્રકાર – મિક્સ્ડ સેલ્યુલારિટી – જોવા મળે છે. તેમાં પુખ્ત લસિકાકોષો ઓછા હોય છે અને RS કોષો તથા ઇઓસીનોફિલ કોષો પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ વિવિધ કોષો બહુરૂપી (pleomorphic) ચિત્ર ઉપજાવે છે. તેમાં 5 વર્ષનો જીવનકાળ 50 %-60 %  દર્દીઓમાં જ જોવા મળે છે. છેલ્લો પ્રકાર – લિમ્ફોસાઇટ ડિપ્લીશનમાં લસિકાકોષો ઓછા હોય છે અથવા સદંતર હોતા નથી. RS કોષો જ મુખ્યત્વે જોવા મળે છે. સામાન્ય રીતે તે મોટી ઉંમરે જોવા મળે છે અને તેમાં ‘B’ લક્ષણો જોવા મળે છે. 5 વર્ષનો જીવનકાળ 50 %થી ઓછા દર્દીઓમાં જોવા મળે છે.

હૉજકિનના રોગના 4 તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. તે માટે સૂચવવામાં આવેલાં પરીક્ષણોમાં દર્દીની તકલીફોની કાળક્રમ (chronological) પ્રમાણેની નોંધ, તબીબ દ્વારા કરાયેલી શારીરિક તપાસ, લોહીના કોષોની સંખ્યા, યકૃત અને મૂત્રપિંડ માટેની લોહીની તપાસ, છાતીનું એક્સ-રે ચિત્રણ, પેટની સૉનોગ્રાફી તથા સીએટી-સ્કૅન અથવા એમઆરઆઈ તથા બંને પગનાં લસિકાવાહિની-ચિત્રણો (lymphangiography) સૂચવવામાં આવે છે. આ ઉપરાંત અસ્થિમજ્જાનું જીવપેશીપરીક્ષણ (bone marrow biopsy) અને પ્રથમ બે તબક્કાનાં ‘B’ લક્ષણો વગરના દર્દીઓમાં પેટની શસ્ત્રક્રિયા કરીને પેટમાંની લસિકાગ્રંથિઓ અને બરોળની તપાસને આવરી લેવાય છે. હાલ તબક્કાના નિર્ણય માટે પેટની શસ્ત્રક્રિયા ભાગ્યે જ કરાય છે. રોગના તબક્કાને સારણી 3માં દર્શાવ્યા છે.

દરેક તબક્કાને લક્ષણોની હાજરી પ્રમાણે A અને B તબક્કામાં વહેંચાય છે. ‘B’ લક્ષણોમાં કારણ નિશ્ચિત ન કરી શકાયો હોય તેવો મોઢામાં માપેલો 38o સે.થી વધુ તાવ, રાત્રિ દરમિયાન થતો પરસેવો તથા વજનમાં 10 %થી વધુ ઘટાડો ગણાય છે. ખૂજલી તથા દારૂ લેવાથી થતો પેટનો દુખાવો ‘B’ લક્ષણોમાં આવરી લેવાયો નથી. કારણ નિશ્ચિત ન હોય તો હીમોગ્લોબિનનો ઘટાડો ‘B’ લક્ષણોમાં ગણવાનું સૂચન છે.

સારણી 3 : હૉજકિનના રોગના તબક્કા

તબક્કો

રોગનો ફેલાવો

I

I   (E)

લસિકાગ્રંથિઓનું એક જૂથ

લસિકાગ્રંથિ સિવાયની કોઈ એક જગ્યા

II

 

II  (E)

ઉરોદરપટલ(diaphragm)ની એક બાજુ એકથી વધુ લસિકા-

ગ્રંથિનાં જૂથો

II પ્રમાણે, પરંતુ તેમાં એક લસિકાગ્રંથિ સિવાયની જગ્યા

III

III (E)

III (S)

III (ES)

ઉરોદરપટલની બંને બાજુ લસિકાગ્રંથિઓમાં ફેલાયેલો રોગ

III પ્રમાણે, પરંતુ તેમાં એક લસિકાગ્રંથિ સિવાયની જગ્યા

III પ્રમાણે, પરંતુ બરોળ અસરગ્રસ્ત

III પ્રમાણે, પરંતુ સાથે બરોળ અને એક લસિકાગ્રંથિ

સિવાયની જગ્યા

IV લસિકાગ્રંથિઓ સિવાયના અવયવોમાં વ્યાપક ફેલાવો,

દા.ત., ફેફસું, યકૃત, અસ્થિમજ્જા, હાડકાં, મગજ, ચામડી વગેરે

નોંધ : E : લસિકાગ્રંથિઓ (lymphnodes) સિવાયની પેશી / અવયવ;

S : બરોળ (spleen); A : ‘B’ લક્ષણો નહિ; B : ‘B’ લક્ષણો હોય.

દર્દીના રોગનો તબક્કો III B કે IV હોય, ‘B’ લક્ષણો હોય, 10 સેમી.થી મોટી ગાંઠ હોય, યકૃત કે બરોળ અથવા અસ્થિમજ્જામાં ફેલાવો હોય, દર્દીની ઉંમર 40 વર્ષથી વધુ હોય, તેનો ESR વધુ હોય (‘B’ લક્ષણો વગર 70 અને તેની સાથે 30), મિશ્રકોષિતા કે લસિકાકોષ-અલ્પતાવાળો રોગપ્રકાર હોય કે રુધિરરસમાં આલ્બ્યુમિન ઓછું હોય તો તે વધુ જોખમી રોગ સૂચવે છે. સામાન્ય રીતે પ્રથમ 2 તબક્કાનો, ‘B’ લક્ષણો વગરનો અને 10 સેમી.થી નાની ગાંઠવાળો રોગ ઓછું જોખમ ધરાવે છે. તે સિવાયના બધામાં વધુ જોખમ રહે છે.

(1) HDની સારવાર : વિકિરણન (radiotherapy) વડે હૉજકિનના રોગના I,  II અને III A તબક્કાનો રોગ મટે છે. જેમનામાં ‘B’ લક્ષણો હોય અથવા કોઈ લસિકાગ્રંથિનું જૂથ ખૂબ મોટી ગાંઠ કરતું હોય તો દવાઓ ઉમેરવામાં આવે છે. લિનિયર ઍક્સેલરેટર નામના યંત્રની મદદથી વિકિરણન-સારવાર અપાય છે. હૉજકિનનો રોગ જોડે-જોડેનાં લસિકાગ્રંથિઓનાં જૂથમાં ફેલાતો હોવાથી આસપાસની લસિકાગ્રંથિઓનાં જૂથ પર પણ વિકિરણન-સારવાર અપાય છે. વિકિરણન-સારવાર આપવા માટે ચોક્કસ વિસ્તારો નક્કી કરાયેલા છે અને તેમને વિકિરણનક્ષેત્રો (radiation fields) કહે છે. વિકિરણન ક્ષેત્રો પર સારવાર અપાય છે. I A, II A અને ક્યારેક II B તબક્કામાં મેન્ટલ ક્ષેત્ર તથા પરામહાધમનીય-બરોળ (paraaortic-spleen) ક્ષેત્ર અથવા પાવડા-આકાર અથવા ખનિત્ર (spade) ક્ષેત્ર પર વિકિરણન અપાય છે. તેને અપૂર્ણ લસિકાગ્રંથીય (subtotal lymph nodal) વિકિરણન કહે છે. II B અને III A તબક્કામાં શ્રોણીય (pelvic) ક્ષેત્રને પણ આવરી લેવાય છે અને તેથી મેન્ટલ અને ઊંધા ‘Y’ આકારનાં ક્ષેત્ર પર વિકિરણન અપાય છે. તેને પૂર્ણ લસિકાગ્રંથીય (total lymph nodal) વિકિરણન કહે છે. જો દવાઓની સાથે કોઈ એક જ લસિકાગ્રંથિના જૂથ પર વિકિરણન અપાય તો તેને સ્થાનિક વિકિરણન કહે છે. સ્થાનિક વિકિરણનને અસરગ્રસ્તક્ષેત્રી વિકિરણન (involved field radiation) પણ કહે છે. જ્યારે આસપાસનાં સામાન્ય (અસરગ્રસ્ત નહિ એવાં) ક્ષેત્રો પણ આવરી લેવાય તો તેને વિસ્તૃતક્ષેત્રી (extended field) વિકિરણન કહે છે. અપૂર્ણ લસિકાગ્રંથીય વિકિરણનમાં શુક્રપિંડ તથા શ્રોણી(pelvic)માંની અસ્થિમજ્જા પર તેની કોઈ આડઅસર થતી નથી. ફેફસાં, હૃદય, કરોડરજ્જુ, સ્વરપેટી, મૂત્રપિંડ, જનનપિંડ તથા ઇલિયમ (કેડનાં) હાડકાંની ક્રેસ્ટ પર વિકિરણનની અસર ન થાય તે માટે તેના પર ખાસ આકારની બનાવાયેલી ઢાલ (shield) મુકાય છે. અસરગ્રસ્ત લસિકાગ્રંથિનાં જૂથો પર 40થી 45 Gy વિકિરણન, તેની આસપાસનાં જૂથો પર 35 Gy વિકિરણન અને દવાઓની સારવાર પછી વધારાનું 15થી 20 Gy વિકિરણન અપાય છે જે અનુક્રમે 4થી 4.5 અઠવાડિયાંમાં, 3.5 અઠવાડિયાંમાં કે 1.5થી 2 અઠવાડિયાંમાં ટુકડે ટુકડે અપાય છે.

III B અને IV તબક્કાના હૉજકિનના રોગમાં દવાઓ વડે સારવાર કરાય છે. તે માટે સમૂહમાં દવાઓ અપાય છે. MOPP નામનો દવાઓનો સમૂહ સૌપ્રથમ સફળ સામૂહિક સારવારનો નમૂનો છે. તેમાં નાઇટ્રોજન મસ્ટાર્ડ (M), વિન્ક્રિસ્ટિન (O), પ્રોકાર્બાઝિન (P) અને પ્રેડ્નિસોલોન (P) વપરાય છે. નાઇટ્રોજન મસ્ટાર્ડને સ્થાને સાઇક્લોફૉસ્ફેમાઇડ (C) વાપરવાથી COPP પ્રોટોકૉલ બને છે. ડૉક્સોરુબિસિન (A), બ્લિયોમાયસિન (B), વિન્બ્લાસ્ટિન (V) અને ડેકાર્બાઝિન અથવા DTIC (D)ના સમૂહનેABVD પ્રોટોકૉલ કહે છે. MOPP કે COPP દર 4 અઠવાડિયાંના ચક્રમાં પ્રથમ 2 અઠવાડિયાં માટે અપાય છે જ્યારે ABVD દર 2 અઠવાડિયે અપાય છે. 4 ચક્રોમાં રોગ પૂરેપૂરો કાબૂમાં આવે છે તથા કુલ છ ચક્રો પૂરાં કરાય છે. MOPP અને ABVDને વારાફરતી પણ અપાય છે. અથવા બંને પ્રોટોકૉલના મિશ્રણ જેવો MOPP-ABVD-hybrid પ્રોટોકૉલ પણ વપરાય છે. કૅન્સરના કોષો પર દવાઓની અસર જળવાઈ રહે તે માટે આવા પ્રયોગો કરાયેલા છે. MOPP અને ABVD પ્રથમ 2 તબક્કામાં 84 % જેટલી સફળતા મેળવે છે અને 66 % દર્દીઓમાં 10 વર્ષ સુધીનો જીવનકાળ આપી શકે છે. ABVDની સારવાર પછી રોગનો ઊથલો મોડો આવે છે. તેથી તે હાલ વધુ સ્વીકાર્ય સારવાર બની છે. કોઈ એક લસિકાગ્રંથીય જૂથ વધુ પડતું મોટું થઈ ગયું હોય તો દવાઓ અને સ્થાનિક વિકિરણનની સારવાર – એમ બંને અપાય છે. લોહીના કોષો ઘટવા, વાળ ઊતરવા તથા ક્યારેક જ ફેફસાં કે હૃદયના આવરણમાં સોજો આવવો જેવી આડઅસરો થાય છે.

રોગના વિવિધ ફલકમાં અપાતી સારવારનો સિદ્ધાંત સારણી 4માં દર્શાવ્યો છે.

હૉજકિનના રોગની સારવારમાં શસ્ત્રક્રિયાનો ઉપયોગ મર્યાદિત છે. તેના વડે બાયૉપ્સી લેવાય છે, તબક્કો નક્કી કરી શકાય છે અને જરૂર પડ્યે બરોળ કે કરોડના મણકાની પટ્ટી કાઢી નાખવાની સારવાર અપાય છે.

(2) નૉન-હૉજકિન લિમ્ફોમા (NHL) : છેલ્લાં કેટલાંક વર્ષોથી અમેરિકામાં તેનું પ્રમાણ લગભગ 4 %ના દરે વધે છે.

સારણી 4 : હૉજકિનના રોગની સારવારના સિદ્ધાંતો

કાલક્રમ ફલક

જોખમી પરિબળો

સારવારના સિદ્ધાંતો

પ્રારંભિક
(primary)
સારવાર
પ્રથમ 2 તબક્કા
‘B’ લક્ષણો નહિ,
10 સેમી.થી નાની ગાંઠ
ABVDનાં 2થી 4 આવર્તનો (cycles)
અને તે પછી અસરગ્રસ્તક્ષેત્રી વિકિરણન
અથવા વિસ્તૃતક્ષેત્રીય વિકિરણન (એકલું)
I B, II B, III
તબક્કા
ABVDનાં 4 આવર્તનો અને વિસ્તૃત-
ક્ષેત્રીય વિકિરણન
IV તબક્કો ABVDનાં 6થી 8 આવર્તનો. પૂર્ણ
નિયંત્રણ પછી વધુ 2 આવર્તનો. જો
મોટી ગાંઠ હોય તો અસરગ્રસ્ત ક્ષેત્ર પર
વિકિરણન-ચિકિત્સા કરાય છે.
લસિકાકોષ–મહત્તમ
HL / CD-20
દર્શાવતી ગાંઠ
રિટુક્સિમેબ ઉમેરવાના પ્રયોગો થઈ
રહ્યા છે.
પુનરારંભી
અથવા ઊથલો
મારતો
(relapted)
રોગ
1 વર્ષમાં ઊથલો પુન:રક્ષણ (salvage) ચિકિત્સા રૂપે
ઔષધોનાં આવર્તનો (DHAP, ICE,
MINE, ESHAP વગેરે) તથા
અસ્થિમજ્જા પ્રત્યારોપણ (bone
marrow transplantation)
1 વર્ષ પછી ઉપર પ્રમાણે અથવા ક્યારેક સ્થાનિક
ઊથલો હોય તો વિકિરણન-ચિકિત્સા
પુનર્રક્ષણ ચિકિત્સામાં વપરાતાં ઔષધો છે ઇટોપોસાઇડ (E), મિથાયલ પ્રેડ્નિસોલોન (S), ભારે માત્રામાં સાયટાર્બિન (HA), સિસ-પ્લૅટિન (P), આઇફૉસ્ફેમાઇડ (F), કાર્બોપ્લૅટિન (C), ડેક્ઝામિથેસોન (D) વગેરે

પ્રતિરક્ષાક્રિયા(immunity)ની ઊણપ કે નિયંત્રિતતામાં ફેરફાર થાય તો NHLનો રોગ થવાની સંભાવના વધે છે; દા.ત., HIVનો ચેપ, સ્વકોષઘ્ની રોગો (autoimmune diseases); વિવિધ પ્રકારના વિષાણુજ ચેપ લિમ્ફોમાનું જોખમ વધારે છે, જેમકે HIV, એપ્સ્ટિન-બારવિષાણુ (EBV), માનવહર્પિસવિષાણુ-8 (HHV-8) અથવા કાપોસીસાર્કોમા-સંલગ્ન હર્પિસવિષાણુ (KSHV), માનવ T-કોષી લિમ્ફોમા વિષાણુ-1 (HTLV-1), યકૃતશોથ-સી (hepatitis-C) વિષાણુ વગેરે.

બર્કિટનું લિમ્ફોમા, ભૂમધ્ય લિમ્ફોમા તથા પુખ્ત વયનાનું T-કોષી લ્યૂકીમિયા / લિમ્ફોમા(ATLL)માં વિષાણુઓ કારણભૂત હોવાનું મનાય છે. ATLL એ માણસમાં થતું એક માત્ર એવું કૅન્સર છે, જેમાં HTLV-1 નામનો વિષાણુ કારણભૂત છે તે સાબિત કરાયેલું છે. હેલિબેક્ટર પાયલોરિ નામના સૂક્ષ્મજીવનો ચેપ જઠરના લસિકાર્બુદ સાથે સંલગ્ન છે. NHL એઇડ્ઝના દર્દીઓમાં વધારે પ્રમાણમાં જોવામાં આવે છે અને તેવી જ રીતે અવયવોના પ્રત્યારોપણ (transplantation) પછી પ્રતિરક્ષા (immunity) ઘટે ત્યારે પણ NHL થાય છે. અન્ય જન્મજાત પ્રતિરક્ષાની ઊણપ કરતા રોગોમાં પણ તેનું પ્રમાણ વધુ છે. NHLમાં કેટલીક ચોક્કસ જનીનીય વિકૃતિઓ જોવામાં આવેલી છે, જેમ કે બર્કિટના લિમ્ફોમામાં 8મા અને 14મા રંગસૂત્ર વચ્ચે પ્રતિસ્થાપન (translocation) અને ક્યારેક 8મા અને 2જા કે 8મા અને 22મા રંગસૂત્રો વચ્ચે સ્થાનાંતરણ થાય છે તે સમયે કેટલાંક કૅન્સરજનીન(oncogene)નું સ્થાન બદલાય છે. ‘B’ અને ‘T’ કોષીય NHL જુદાં જુદાં રંગસૂત્રોની વિકૃતિઓ સાથે સંકળાયેલાં છે.

(2) NHLનું નિદાન : લસિકાગ્રંથિઓ, બરોળ અને યકૃત મોટાં હોય થાય છે. 20 % દર્દીઓ ‘B’ લક્ષણો ધરાવે છે. ઘણા મહિનાઓ સુધી ગાંઠોમાં વધઘટ (waxing and waning) થાય છે. HD કરતાં NHLમાં મોં અને ગળામાં (દા.ત., કાકડા), ચામડીમાં, જઠર-આંતરડાંમાં તથા હાડકાંમાં રોગ વહેલો થાય છે. પેટમાં પણ તે ઝડપથી અને વધુ થાય છે. 10 %થી 15 % દર્દીઓમાં લોહીનું કૅન્સર થાય છે. ઘણા દર્દીઓમાં કુમ્બની કસોટી હકારાત્મક બને છે તથા ક્યારેક રક્તકોષો તૂટવાથી રક્તકોષવિલયી પાંડુતા (haemolytic anaemia) થાય છે. HD અને NHLની નિદાનપદ્ધતિઓ સમાન છે. નિદાન માટે લસિકાગ્રંથિનું પેશીપરીક્ષણ (biopsy), છાતીનું એક્સ-રે ચિત્રણ, પેટની તથા ડોક, બગલ અને જાંઘના મૂળ(ઊસપ્રદેશ)નું ધ્વનિચિત્રણ (sonography), સીએટી-સ્કૅન, એમ.આર.આઈ. તથા PET સ્કૅન કરાય છે. પ્રસરિત મહા બી કોષી લસિકાર્બુદ(diffuse large B cell lymphoma)માં LDH વધુ હોય તો તથા બર્કિટના લિમ્ફોમા તથા AIDS-સંલગ્ન લિમ્ફોમામાં કટિછિદ્રણ (lumbar puncture) કરીને મગજ-કરોડરજ્જુની આસપાસનું પ્રવાહી (CSF) કાઢીને તેનું પરીક્ષણ કરાય છે. કોષોના કોષજનીની (cytogenetic) પરીક્ષણમાં અનેક પ્રકારનાં રંગસૂત્રીય પ્રતિસ્થાપનો (trans-location) જોવાં મળે છે; જેમાં 2, 3, 5, 8 અને 14 રંગસૂત્રો હોય છે.

(2) NHLનું વર્ગીકરણ : અનેક પ્રકારનાં NHL છે અને તેમનું કોઈ ચોક્કસ અને સંતોષકારક વર્ગીકરણ થયેલું નથી. તેમના માટે હાલ મુખ્ય 2 પદ્ધતિઓ વપરાશમાં છે (સારણી 5) – (ક) રેપાપોર્ટનું વર્ગીકરણ અને (ખ) વ્યવહારુ પદ્ધતિ (working formulation). આ ઉપરાંત તેમને ‘બી’ કોષીય અને ‘ટી’ કોષીય એમ બે રીતે વહેંચીને પણ વિભાજિત કરાય છે (સારણી 6). રેપાપોર્ટનું વર્ગીકરણ કોષો અને પેશીની વિકૃતિ પર આધારિત છે જ્યારે વ્યવહારુ પદ્ધતિમાં સારવાર માટે વિવિધ જૂથો બનાવાયેલાં છે (સારણી 5). રેપાપોર્ટનું વર્ગીકરણ 3 બાબતો પર આધાર રાખે છે : (1) રોગગ્રસ્ત પેશીમાં લસિકાકોષ (lymphocytes), પેશીકોષો (histiocytes), લસિકાબીજકોષો (lymphoblasts) અથવા તેમના મિશ્રણને આધારે, (2) કૅન્સર કોષોના પેશીમાંના વ્યાપક પ્રસરણને (diffuse) અથવા એકઠા થઈને કરેલી ગંડિકાના રૂપ(nodular)ને આધારે તથા (3) પૂર્ણ, અપૂર્ણ કે અલ્પ વિભેદન(differentiation)ને આધારે. વ્યવહારુ પદ્ધતિમાં રોગની તીવ્રતાને આધારે અલ્પ, મધ્યમ અને અતિ તીવ્રતાઅંક(grade)વાળાં જૂથોમાં વહેંચણી કરાયેલી છે. અલ્પતીવ્રતાવાળા NHL ‘B’ કોષવાળા છે. લસિકાર્બુદ કરતા કોષોના પ્રતિરક્ષાલક્ષી અભિવ્યક્તરૂપ(phenotype)ને પ્રતિરક્ષા-અભિવ્યક્તરૂપ (immunophenotype) કહે છે. તેને આધારે તેમને ‘બી’ કે ‘ટી’ પ્રકારમાં વહેંચવામાં આવે છે. તે માટે કરાતી કસોટીમાં

સારણી 5 : નૉનહૉજકિન લિમ્ફોમાનું વર્ગીકરણ

તીવ્રતાઅંક (grade)

વ્યવહારુ પદ્ધતિ

રેપાપોર્ટનું વર્ગીકરણ

અલ્પતીવ્રતા (low grade) લઘુ લસિકાકોષીય
(small
lymphocytic)
પ્રસરિત (diffuse), પૂર્ણ
વિભેદિત (well
differentiated) લસિકાકોષીય
લઘુપુટિકામય
(follicular), લઘુ
ખાંચાવાળા (cleaved)
લઘુકોષો
ગંડિકામય (nodular), અતિ
અલ્પ (poorly) વિભેદિત
લસિકાકોષો
લઘુપુટિકામય ખાંચા-
વાળા લઘુ અને મોટા
એમ મિશ્ર કોષો
ગંડિકામય લસિકાકોષો અને
પેશીકોષો(histiocytes)નું
મિશ્રણ
મધ્યમ (inter-mediate) તીવ્રતા લઘુપુટિકામય
મોટા કોષો
ગંડિકામય, પેશીકોષીય
પ્રસરિત (diffuse),
ખાંચાવાળા લઘુકોષો
પ્રસરિત, લસિકાકોષીય
પ્રસરિત, ખાંચા-
વાળા લઘુ અને
મોટા કોષો
પ્રસરિત, લસિકાકોષો અને
પેશીકોષોનું મિશ્રણ
પ્રસરિતલક્ષી, લઘુકોષો પ્રસરિત, પેશીકોષીય
અતિ(high)તીવ્રતા પ્રતિરક્ષા બીજકોષીય
(immunoblastic)
પ્રસરિત, પેશીકોષીય
લસિકાબીજકોષીય
(lymphoblastic)
પ્રસરિત, લસિકાબીજકોષીય
ખાંચા વગરના
લઘુકોષો : બર્કિટ
અથવા નૉન-બર્કિટ
પ્રકારો
પ્રસરિત, અલ્પ વિભેદિત
પ્રકીર્ણ પેશીકોષીય માયકોસિસ ફંગોઇડીસ,
અસ્થિમજ્જાની બહારનું
પ્લાઝમાસાયટોમા,
મિશ્ર, અવર્ગીકરણીય

Slg, Clg, TdT તથા CD la, CD2-5, CD7-8, CD10-11, CD15, CD23, CD25, CD30, CD34, CD43, CD45, CD56, વગેરે સૂચક દ્રવ્યો (markers) માટે પરીક્ષણ કરાય છે. જો તે CD20 માટે હકારાત્મક પરિણામ આપે તો રિટુક્સિમેબ નામની લક્ષ્યવેધી સારવાર ઉપયોગી રહે છે. NHLનું તબક્કા પ્રમાણે વર્ગીકરણ કરવાના કોઈ ખાસ લાભ નથી. તબક્કો નિશ્ચિત કરવા માટે HD જેવી જ પદ્ધતિઓ વપરાય છે. પરંતુ તબક્કો નક્કી કરવા પેટની શસ્ત્રક્રિયા કરાતી નથી. અલ્પતીવ્રતાવાળા NHLના દર્દીઓનો જીવનકાળ લાંબો હોય છે, પરંતુ તેમાંના ઘણા III અને IV તબક્કામાં હોય છે અને અસ્થિમજ્જામાં ઘણી વખત રોગ વહેલો હોય છે. સારવારપદ્ધતિ તથા તેનું પરિણામ રોગના પ્રકાર પર વધુ આધાર રાખે છે અને તેના પર રોગના તબક્કાની અસર ઓછી હોય છે.

સારણી 6 : કેટલાંકબીઅનેટીકોષીય લસિકાર્બુદો

લસિકાકોષનો પ્રકાર

લસિકાર્બુદનો પ્રકાર

બી-લસિકાકોષી (88 %) લઘુ લસિકાકોષી (small lymphocytic),
પ્રરસાભ (plasmacytoid), મેન્ટલકોષી,
લઘુપુટિકામય (follicular), ખાંચા વગરના
લઘુકોષી (બર્કિટ કે અબર્કિટ), મોટા કોષોવાળું
(large cell)
ટી-લસિકાકોષી (12 %) લસિકાબીજકોષી (lymphoblastic),
એનાપ્લાસ્ટિક મોટા કોષોવાળું

(2) NHLની સારવાર : રોગની આક્રમકતા પ્રમાણેના કરાતા જૂથ પ્રમાણે સારવારનો નિર્ણય કરાય છે. આક્રમકતાની ર્દષ્ટિએ લસિકાર્બુદો 3 જૂથમાં વહેંચાય છે : (1) અલ્પતીવ્રતાવાળી આક્રમકતાવાળા અથવા નિરુદ્યોગી (indolent), (2) મધ્યમ તીવ્રતાવાળી આક્રમકતાવાળા અથવા આક્રમક અને (3) અતિ-તીવ્રતાવાળી આક્રમકતાવાળા અથવા અતિઆક્રમક લસિકાર્બુદો.

રોગના નિદાન સિવાય અન્ય કોઈ પ્રક્રિયામાં કે સારવારમાં શસ્ત્રક્રિયા ભાગ્યે જ ઉપયોગી છે. જઠર અને આંતરડાંમાં થતા NHLની અને ઘણી મોટી થયેલી બરોળને કારણે ઉદભવતી વિષમતાઓની સારવારમાં તે ઉપયોગી છે. પહેલા 2 તબક્કામાં ખૂબ મોટી ગાંઠો ન થઈ હોય તેવા NHLમાં સ્થાનિક વિકિરણનની સારવાર (radiotherapy) અપાય છે. જો મધ્યમ કે વધુ તીવ્રતાવાળું NHL હોય તો દવાઓની સામૂહિક (combination) સારવાર પણ સાથે અપાય છે. મોટી ગાંઠોવાળો II તબક્કો તથા ઓછી તીવ્રતાવાળા NHLનો III અને IV તબક્કો હોય તો ઘણી વખત તરત દવા આપી દેવાતી નથી. જોકે ક્યારેક ક્લોરેમ્બ્યુસિલ એકલી કે વિવિધ દવાઓનો સમૂહ સારવાર રૂપે અપાય છે. મધ્યમ કે વધુ તીવ્રતાવાળા III અને IV તબક્કામાં સામૂહિક ઔષધની સારવાર અપાય છે. મોટી ગાંઠો પર વિકિરણનની સારવાર અપાય છે.

આંતરડાના NHLના દર્દીઓમાં મોટેભાગે શસ્ત્રક્રિયા પછી નિદાન થાય છે. ત્યારબાદ દવાઓ અપાય છે. કાકડા, જીભના મૂળ તથા નાકની પાછળના ગળાના ભાગમાં વિકિરણનની સારવાર અને પછી દવાઓ અપાય છે. થાઇરૉઇડ ગ્રંથિ અને હાડકાંના NHLમાં પહેલાં વિકિરણન-સારવાર અપાય છે. તેવી જ રીતે મગજના લિમ્ફોમામાં પણ પ્રથમ સારવાર રૂપે વિકિરણન અપાય છે. કરોડરજ્જુ, ઉપલી મોટી શિરા કે મૂત્રપિંડનળી (ureter) પર દબાણ થતું હોય તો વિકિરણનની સારવાર અપાય છે. ચામડીના માયકોસિસ ફંગોઇડીસ પ્રકારના NHLમાં ગંડિકાઓ પર વિકિરણન અપાય છે.

નિરુદ્યોગી (indolent) અથવા અલ્પતીવ્રતાવાળી આક્રમકતાવાળા કેટલાક ‘બી’ અને કેટલાક ‘ટી’ કોષી લસિકાર્બુદો છે. લઘુલસિકાકોષી (small cell) અથવા ‘બી’ કોષી ક્રોનિક, લસિકા-પ્રરસાભ (lymphoplasmoid) અથવા વૉલ્ડેસ્ટ્રોન્ગ મેક્રોગ્લોબ્યુલિનિમિયા, લિમ્ફેટિક લ્યુકીમિયા (B-CLL), લઘુપુટિકામય કેન્દ્રકોષી (follicular centre cell, FCC) લિમ્ફોમા અને ઉપાંત્યક્ષેત્રી (marginal zone), લસિકાર્બુદ ‘બી’ પ્રકારનાં છે. માયકોસિસ ફંગોઇડીસ અને ટી-કોષી ક્રોનિક લિમ્ફેટિક લ્યુકીમિયા (T-CLL) ‘ટી’ પ્રકારનાં છે. FCC અને MZમાં વિકિરણન-સારવાર મુખ્ય છે. FCC – પ્રથમ તબક્કામાં વિકિરણન-ચિકિત્સાથી 54 %થી 88 % દર્દીઓ 10 વર્ષથી વધુ જીવે છે; ત્રીજા કે ચોથા તબક્કાના તકલીફો કરતા રોગમાં ઔષધચિકિત્સા અપાય છે. તેમાં ક્લોરેમ્બ્યુસિલ, ફલ્યુડારાબિન, સાઇક્લોફૉસ્ફેમાઇડ (C), વિન્ક્રિસ્ટિન (O અથવા V) અને પ્રેડ્નિસોલોન (P) તથા ડૉક્સોરુબિસિન (H) વાળી CVP અથવા CHOP સામૂહિક સારવાર અપાય છે. CD20 દર્શાવતી ગાંઠમાં રિટુક્સિમેબ (R) ઉપયોગી છે. લઘુપુટિકામય લસિકાર્બુદ(follicular lymphoma)માં R-CHOP વડે લાંબો રોગમુક્ત જીવનકાળ શક્ય બને છે.

મધ્યમ કે વધુ તીવ્રતાવાળા NHL માટે સામૂહિક સારવાર રૂપે દવાઓના વિવિધ સમૂહો વપરાય છે. દા.ત., CVP, MOPP, CHOP, MACOP-B, m-BACOD અને ProMACE – Cyta-BOM. તેમાં સાઇક્લોફૉસ્ફેમાઇડ (C), વિન્ક્રિસ્ટિન (O) અથવા પ્રેડ્નિસોલોન (P), ડૉક્સોરુબિસિન (H/A), મિથોટ્રેક્ઝેટ (M/m), કૅલ્શિયમ, લ્યુકોવૉરિન, બ્લિયોમાયસિન (B), ડેક્ઝામિથેસોન (D), ઇટોપોસાઇડ (E), સાયટોસિન એરાબિનોસાઇડ (સાયટાર્બિન) વગેરે ઔષધોનો સમાવેશ થાય છે. જો તે CD20 દર્શાવતા હોય તો રિટુક્સિમેબ ઉમેરવાથી વધુ લાભ રહે છે. આ બધી સારવારપદ્ધતિઓમાં 55 %થી 65 % જેટલી સફળતા મળે છે. જોકે જેમ દવાની સંખ્યા વધે તેમ આડઅસરો અને જીવનને જોખમી વિષતા (toxicity) પણ વધે છે. મધ્યમ અને વધુ તીવ્રતાવાળા NHLમાં દવાઓની અસર ન થાય અથવા રોગ ફરીથી ઊથલો મારે એવું ઘણી વખત બને છે, ત્યારે DHAP, MINE, ICF વગેરે ઔષધોના સમૂહો અપાય છે. તેમાં રિટુક્સિમેબ ઉમેરાય છે. તેમાં ઉપયોગમાં લેવાતી દવાઓ છે સિસ-પ્લૅટિન (P), સાયટાર્બિન (A), ડેક્સામિથેસોન (DH), માયટોઝેન્ટ્રોન (N), આઇફૉસ્ફેમાઇડ (I), મેસ્ના (M), ઇટોપોસાઇડ (E) વગેરે.  મગજની અંદર રોગનો ફેલાવો ઘણી વખત જોવામાં આવે છે. બાળકોમાં થતા NHLની એક્યૂટ લિમ્ફેટિક લ્યૂકીમિયાની રીતે જ સારવાર અપાય છે. મધ્યમ અને વધુ તીવ્રતાવાળા NHLમાં સારવારનું પરિણામ સુધારવા બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સૂચવાય છે.

હાડકાનું લિમ્ફોમા ઈવિંગના સાર્કોમાથી ઓછી સંખ્યામાં તથા મોટી ઉંમરે (40 વર્ષે) જોવા મળે છે. સામાન્યપણે જાંઘનું હાડકું (જંઘાસ્થિ, femur) અસરગ્રસ્ત હોય છે. અન્ય અવયવો, લસિકાગ્રંથિઓ, અસ્થિમજ્જા વગેરેમાં તે ઘણી વખતે ફેલાયેલું હોય છે. તેથી હાડકાનું ‘શુદ્ધ – પ્રાથમિક’ લિમ્ફોમા ક્યારેક જ જોવા મળે છે. મોટેભાગે તે નૉન-હૉજકિન પ્રકારનું હોય છે. ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રીની પદ્ધતિ વડે તેને ઈવિંગના સાર્કોમાથી અલગ પડાય છે. ઈવિંગના સાર્કોમા કરતાં લિમ્ફોમાના દર્દીઓમાં તાવ અને અરુચિ જેવા શારીરિક વિકારો ઓછા હોય છે. સામાન્યપણે હાડકાની આસપાસની મૃદુપેશીમાં તે ફેલાતું નથી. સાઇક્લોફૉસ્ફેમાઇડ (C), ડૉક્સોરુબિસિન (H), વિન્ક્રિસ્ટિન (O) તથા પ્રેડ્નિસોલોન (P)ની ‘CHOP’ની સંજ્ઞાથી ઓળખાતી સામૂહિક ઔષધ-સારવાર તથા વિકિરણનની સારવાર વડે 70  % દર્દીઓમાં લાંબા ગાળાનો ફાયદો જોવા મળે છે. તેમાંના કેટલાકને રોગ મટે છે.

ચામડીમાં ‘B’ અને ‘T’ કોષીય – એમ બે પ્રકારના લિમ્ફોમા થાય છે. ‘B’ પ્રકારના લિમ્ફોમાને ત્વકીય લસિકાર્બુદ (lymphoma cutis) કહે છે. તે શરીરમાં વ્યાપકપણે ન પણ ફેલાય. મોટી ઉંમરની વ્યક્તિઓમાં માથું, ડોક, ચહેરો અને ક્યારેક ધડ પર ગુલાબી કે જાંબલી રંગની ગંડિકા રૂપે તે થાય છે. લોહી દ્વારા તે ફેલાય છે. સ્થાનિક વિકિરણનની સારવાર અને સામૂહિક ઔષધ સારવાર (COP) વડે તેનો ઉપચાર થાય છે. ચામડીનો ‘T’કોષીય NHL બે પ્રકારનો છે : અધિત્વચા(epidermis)માં થતો ત્વકીય ફૂગસમ લસિકાર્બુદ (mycosis fungoides) અને બીજો રેટિક્યુલમ સેલ સાર્કોમા. માયકોસિસ ફંગોઇડીસમાં શરૂઆતનાં 4થી 10 વર્ષ ખરજવું કે સોરાયસિસ જેવો વિકાર થાય છે. ત્યારબાદ તેમાં ગોળ સિક્કા જેવી ખંજવાળ કરતી ચકતીઓ (plaques) થાય છે. છેલ્લે ચહેરો, બગલ, જાંઘ (groin),  કોણીનો આગળનો ભાગ તથા ડોકમાં ગંડિકાઓ (nodules) થાય છે. તેના શરીરમાંના ફેલાવાથી સિઝારેનું સંલક્ષણ થાય છે ત્યારે લસિકાગ્રંથિઓ મોટી થાય છે. રેટિક્યુલમ સેલ સાર્કોમામાં ચામડી ઉપરાંત ફેફસાં, યકૃત, હાડકાં કે મગજ અસરગ્રસ્ત થાય છે. સ્થાનિક સારવાર રૂપે મેક્લોર-ઇથેમિન, વિકિરણનની સારવાર, પ્રકાશ-ઔષધ સારવાર વગેરે અપાય છે. જરૂર પડ્યે સામૂહિક ઔષધ સારવાર અપાય છે. 60 %થી 85 % દર્દીઓમાં દવાથી ફાયદો થાય છે.

શિલીન નં. શુક્લ

પંકજ મ. શાહ