કૅન્સર – યોનિ(vagina)નું
January, 2008
કૅન્સર, યોનિ(vagina)નું : સ્ત્રીઓનું બાહ્ય જનનાંગ ભગોષ્ઠ (vulva) છે. તેમાં છિદ્ર દ્વારા યોનિ ખૂલે છે. યોનિમાં ગર્ભાશયનો ગર્ભાશય-ગ્રીવા નામનો ભાગ છે જે એક છિદ્ર દ્વારા ખૂલે છે. યોનિનું દુ:વિકસન (dysplasia) અને અતિસીમિત કૅન્સર થવાનો દર ઘણો ઓછો છે. તેનું કારણ જાણમાં નથી પરંતુ વિષાણુઓ કેટલાક કિસ્સામાં કારણભૂત હશે તેમ મનાય છે. સંભોગ વખતે પીડા, લોહીના ડાઘ, શ્વેતપ્રદર (leucorrhoea) કે કોઈ પણ લક્ષણની ગેરહાજરી હોય તોપણ યોનિનું કૅન્સર હોઈ શકે છે. યોનિ-અંત:દર્શક અને પૅપ-ટેસ્ટની મદદથી નિદાન શક્ય છે. મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા છે. કૅન્સરના તબક્કા પ્રમાણે શસ્ત્રક્રિયા વડે ઉચ્છેદન, લેઝર વડે સારવાર, અતિશીત શસ્ત્રક્રિયા (cryosurgery), વીજદહન (electrocautery) તથા યોનિમાં કૅન્સર વિરોધી ઔષધોનો લેપ વગેરે વિવિધ પદ્ધતિએ સારવાર કરાય છે.
યોનિના કૅન્સરને 4 તબક્કામાં વહેંચવામાં આવેલું છે. પ્રથમ 2 તબક્કામાં 30 %થી 90 % દર્દીઓ 5 વર્ષ કે વધુ જીવે છે.
શિલીન નં. શુક્લ
અનિલા સુ. કાપડિયા