લાઇનમ
વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લાઇનેસી કુળની એક પ્રજાતિ. તે વિશ્વના સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થતી શાકીય અને ક્ષુપીય જાતિઓની બનેલી છે. તેઓ ખાસ કરીને ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા દેશોમાં થાય છે. ભારતમાં તેની ત્રણથી ચાર જાતિઓ થાય છે.
Linum bienne Mill syn. L. angustifolium Huds અને L. grandiflorum Desf. ઉદ્યાનોમાં શોભનજાતિઓ તરીકે વાવવામાં આવે છે. L. grandiflorum એકવર્ષાયુ, શિયાળુ છોડ છે, જે 40 સેમી.થી 50 સેમી. ઊંચો હોય છે. તેની ઉપર કેસરી-ગુલાબી રંગનાં સુંદર પુષ્પો આવે છે. તેના છોડ 15 સેમી.થી 20 સેમી.ના અંતરે રોપવામાં આવે છે. તેના રોપની ફેરરોપણી કરવાથી ઘણા રોપ મૃત્યુ પામે છે. તેથી છોડ રોપવાના હોય ત્યાં થોડા મોટા રોપ તૈયાર થાય ત્યારે ઉપર્યુક્ત અંતર રાખી બાકીના છોડ કાઢી નાખવામાં આવે છે. વાવ્યા પછી લગભગ બે માસમાં પુષ્પનિર્માણ થાય છે અને દોઢથી બે માસ સુધી પુષ્પો આવે છે.
L. mysorense Heyne લગભગ 45 સેમી.થી 50 સેમી. ઊંચી એકવર્ષાયુ અરોમિલ જાતિ છે. તે પશ્ચિમ હિમાલયમાં 920 મી.થી 1,500 મી.ની ઊંચાઈએ અને પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ ઘાટ અને દખ્ખણના પહાડી વિસ્તારોમાં થાય છે. પુષ્પો પીળાં હોય છે અને લઘુપુષ્પગુચ્છી (panicled) તોરા (orymb) સ્વરૂપે થાય છે. ગેરુ રોગ લાગુ પાડતી Melampsora lini નામની ફૂગની તે પોષિતા વનસ્પતિ છે.
L. perenne Linn. 30 સેમી.થી 90 સેમી. ઊંચી બહુવર્ષાયુ જાતિ છે અને વાયવ્ય હિમાલયમાં 3,000 મી.થી 4,000 મી.ની ઊંચાઈએ થાય છે. પુષ્પો સુંદર વાદળી રંગનાં હોય છે. તેનો ઉપયોગ ઉદ્યાનોમાં મિશ્ર બૉર્ડર બનાવવામાં થાય છે. તેનું પ્રસર્જન મૂળ આગળ ફૂટતા પીલાઓ, બીજ અથવા કટકારોપણ દ્વારા થાય છે. L. strictum Linn. 30 સેમી.થી 50 સેમી. ઊંચી એકવર્ષાયુ જાતિ છે અને વાયવ્ય હિમાલયમાં 3,500 મી.ની ઊંચાઈ સુધી અને પંજાબમાં થાય છે. તેનાં પુષ્પો પીળા રંગનાં હોય છે. આ જાતિ બીજના તેલ અને ચારા તરીકે અફઘાનિસ્તાનમાં વાવવામાં આવે છે. તેનાં બીજ પ્રશામક (emollient) હોય છે.
L. usitatissimum Linn. (સં. અતસી; હિં. અલસી, તીસી; બં. મસિના; મ. અળસી, જવાસ; ગુ. અળસી; તે. આવીસી; ત. અલીવિરાઈ; ક. અગસી; અં. લિન્સીડ) 60 સેમી.થી 120 સેમી. ઊંચી એકવર્ષાયુ ટટ્ટાર શાકીય જાતિ છે અને 1,800 મી.ની ઊંચાઈ સુધી ભારતમાં બધે જ થાય છે. પુષ્પો નાનાં, ભૂરાં, જાંબલી કે સફેદ રંગનાં અને અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, પાંચ કોટરોનું બનેલું હોય છે. પ્રત્યેક કોટરમાં બે બીજ જોવા મળે છે. બીજ પીળાશ પડતાં કે કાળાં-બદામી, નાનાં, ચપટાં, અંડાકાર હોય છે અને આવરણ લીસું અને ચળકતું હોય છે.
અળસીની વન્ય અવસ્થા અને તેના ઉદભવ વિશે અસ્પષ્ટતા પ્રવર્તે છે. તે Linum bienne Mill.માંથી ઉદભવી હોવાનું અથવા તેની સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે, જે ભૂમધ્ય સમુદ્રીય વિસ્તારમાં વન્ય સ્થિતિમાં થાય છે. કેટલાક તેનો ઉદભવ ભારતમાં થયો હોવાનું માને છે. અળસી ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશો, એશિયા માઇનર, ઇજિપ્ત, અલ્જીરિયા, ટ્યૂનિસ, સ્પેન અને ગ્રીસમાં પ્રાચીન કાળથી વાવવામાં આવે છે. આ વિસ્તારોમાં તેનું વાવેતર રેસાઓ માટે થાય છે. તુર્કસ્તાન, અફઘાનિસ્તાન અને ભારત સહિત વાયવ્ય એશિયાના દેશોમાં તેલ માટે ઉગાડવામાં આવે છે. એશિયા માઇનર અને દક્ષિણ રશિયામાં તેલ અને રેસા બંને માટે તે વવાય છે.
વનસ્પતિનાં બીજમાંથી તેલ, અને પ્રકાંડ અને દંડોમાંથી ‘ફલેક્સ’ તરીકે જાણીતા વસ્ત્ર-તંતુઓ (textile fibres) મેળવવામાં આવે છે. રેસાઓ માટે વવાતી જાત પાતળા ઊંચા વધતા તલશાખનરહિત (non-tillering) અને અલ્પશાખિત હોય છે. બીજ માટે ઉગાડાતી જાત ઠીંગણી, બહુશાખી અને તલશાખી (tillering) હોય છે. ભારતમાં અળસીનું વાવેતર સંપૂર્ણપણે બીજ માટે થાય છે. તેના બે પરિસ્થિતિવિદ્યાકીય પ્રકારો જાણવા મળ્યા છે :
(1) ગંગા-પ્રકાર ઉત્તર ભારતની કાંપમય (alluvial) મૃદામાં અને (2) દ્વીપકલ્પીય પ્રકાર ગંગા અને જમના નદીની દક્ષિણે થાય છે. ગંગા-પ્રકારનાં સોટીમૂળ (tap root) છીછરાં હોય છે, જ્યારે દ્વીપકલ્પીય પ્રકારનાં સોટીમૂળ મૃદામાં ઊંડાં ઊતરે છે અને દ્વિતીયક મૂળોનો વિકાસ કરે છે. દ્વીપકલ્પીય પ્રકાર ઝડપી વૃદ્ધિ પામતી અને વહેલી પાકતી જાત છે. ગંગા-પ્રકાર ધીમી વૃદ્ધિ પામતી અને મોડી પાકતી જાત છે. તેનાં બીજ નાનાં હોય છે અને ઓછું તેલ ધરાવે છે, પરંતુ બીજનું ઉત્પાદન ઊંચું આપે છે. દ્વીપકલ્પીય પ્રકારનાં બીજ મોટાં અને પુષ્કળ તેલ ધરાવતાં હોવા છતાં બીજનું ઉત્પાદન ઓછું આપે છે. આ બંને મધ્ય એશિયામાંથી પ્રવેશ પામેલ L. usitatissimumના માત્ર જૈવિક વિભેદો (strains) જ છે અથવા તે મૂળભૂત પૂર્વજના ઉત્તરમાં L. strictum સાથે અને દક્ષિણમાં L. perenne અને L. mysorense સાથે સંકરણથી ઉદભવતી જાતો છે.
અળસી ઘણા ઉપોષ્ણ દેશોમાં પુષ્કળ પ્રમાણમાં વાવવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં આર્જેન્ટીના તેનો અગ્રણી ઉત્પાદક દેશ હતો. ત્યારબાદ રશિયા અને ભારતનો ક્રમ હતો. હાલમાં યુ. એસ. અળસીનું સૌથી વધારે ઉત્પાદન કરે છે; ત્યારબાદ રશિયા, ભારત, આર્જેન્ટીના, કૅનેડા અને ઉરુગ્વેનો ક્રમ આવે છે. દુનિયાના અળસીના કુલ ઉત્પાદનનું 12 % જેટલું ઉત્પાદન ભારતમાં થાય છે.
ભારતમાં કેરળ, ચેન્નાઈ, દિલ્હી, મણિપુર, ત્રિપુરા અને આંદામાન અને નિકોબારના ટાપુઓને બાદ કરતાં સમગ્ર દેશમાં તે વાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ અળસીનું ઉત્પાદન કરતાં ભારતનાં મુખ્ય રાજ્યો છે.
અળસી રવી પાક છે અને વાર્ષિક 75 સેમી.થી 175 સેમી. જેટલો વરસાદ થતો હોય ત્યાં બધા પ્રકારની મૃદામાં થાય છે, છતાં ઊંચી ભેજગ્રાહી ક્ષમતા ધરાવતી ભારે મૃદા સૌથી અનુકૂળ હોય છે. મધ્ય દ્વીપકલ્પીય ભારતમાં ખાસ કરીને જ્યાં ઘઉંની ‘ડુરમ’ જાત વવાય છે ત્યાં તે કાળી કપાસ-મૃદા(cotton soil)માં સારી રીતે ઊગે છે. અળસીનું ઉત્તર ભારતના ઉપ-પર્વતીય (sub-montane) જિલ્લાઓમાં મુખ્યત્વે વાવેતર થાય છે અને ભારે ગોરાડુ મૃદામાં તે સૌથી સારી રીતે થાય છે.
અળસીની ભારતનાં વિવિધ રાજ્યોમાં પર્યનુકૂલન (acclimatization), પસંદગી અને સંકરણને પરિણામે વિકસાવાયેલી કેટલીક જાતોમાં લિન્સીડ નં. 3, લિન્સીડ નં. 55, માલ્સીરાસ નં. 10, સોલાપુર નં. 36, ક્રૉસ 4/29, લિન્સીડ ટીસી (આઈએમપી 1193/2), પી. 142, બીઆર 1, બીઆર 2, બીઆર 9, બીઆર 12, મહોબા, એન.પી. 11, આઈપી 1–6, આઈપી 11, મયૂરભંજ, K–2 ટાઇપ નં. 1, ટાઇપ નં. 126, ડબ્લ્યૂ બી નં. 37 અને ડબ્લ્યૂ બી નં. 67 છે. લિન્સીડ નં. 3, અને લિન્સીડ નં. 55 મોટાં બીજ અને ઊંચું ઉત્પાદન આપતી અને વહેલી પાકતી જાતો છે અને મુંબઈ-મહારાષ્ટ્રમાં વવાય છે. મયૂરભંજ અને K–2 મોટાં બીજ અને ઊંચું ઉત્પાદન આપતી, વહેલી પાકતી અને ગેરુ તેમજ સુકારાની અવરોધક જાતો છે, જે અનુક્રમે ઓરિસા અને પંજાબમાં વાવવામાં આવે છે. ટાઇપ નં. 1 મોટાં બીજવાળી, વહેલી પાકતી, ઊંચું ઉત્પાદન આપતી ગેરુ-અવરોધક જાત છે. તેનું વાવેતર બુંદેલખંડમાં (ગંગા અને જમનાની દક્ષિણે) થાય છે. ટાઇપ નં. 126 ઉપરિગંગાની કાંપમય મૃદામાં વવાય છે. ડબ્લ્યૂ બી નં. 37નું વાવેતર રેસા અને બીજ બંને માટે થાય છે. ડબ્લ્યૂ બી નં. 67 શુષ્કતારોધી જાત છે. છેલ્લી બંને જાતો પશ્ચિમ બંગાળમાં ઉગાડવામાં આવે છે.
દ્વીપકલ્પીય ભારતમાં તેનું વાવેતર ઑક્ટોબર કે તેથી પહેલાં અને લણણી ફેબ્રુઆરીમાં થાય છે; જ્યારે ગંગાની કાંપમય મૃદામાં તેનું વાવેતર નવેમ્બરમાં અને લણણી માર્ચ કે એપ્રિલમાં થાય છે. કાશ્મીરમાં તેની વાવણી ફેબ્રુઆરી અને માર્ચમાં થાય છે. ઉત્તર પ્રદેશના પહાડી જિલ્લાઓમાં તે સપ્ટેમ્બર કે ઑક્ટોબરમાં વાવવામાં આવે છે. બીજનું વાવેતર સામાન્ય રીતે હરોળોમાં થાય છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં, જ્યાં ડાંગરના પાક સાથે વાવણી કરવાની હોય ત્યાં અળસીની છૂટી વાવણી (broadcast sowing) કરવામાં આવે છે. આ પદ્ધતિમાં વાવણીનો સમય લગભગ એક માસ વહેલો હોય છે. વાવણી હરોળમાં કરવાની હોય ત્યારે હરોળો વચ્ચેનું અંતર 25 સેમી.થી 30 સેમી. જેટલું રાખવામાં આવે છે. શુદ્ધ પાક તરીકે વાવણી માટે આશરે 22 કિગ્રા.થી 34 કિગ્રા./હેક્ટર અને મિશ્રપાક તરીકે લગભગ 11 કિગ્રા./હેક્ટર જેટલાં બીજની જરૂર પડે છે.
નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવાથી અળસીના ઉત્પાદનમાં લાભદાયી અસર થાય છે. ગેરુરોધી આર.આર. 9 જાત ઉપર થયેલાં સંશોધનો પ્રમાણે 18.0 કિગ્રા./હેક્ટર નાઇટ્રોજન આપતાં લગભગ 73.5 કિગ્રા./હેક્ટર બીજનું ઉત્પાદન વધે છે. એમોનિયમ સલ્ફેટ નાઇટ્રેટ ખાતર શ્રેષ્ઠ પરિણામ આપે છે, ત્યારબાદ અનુક્રમે એમોનિયમ સલ્ફેટ, કૅલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ અને યુરિયાનો ક્રમ આવે છે.
અળસીને થતા રોગોમાં ગેરુ અને સુકારો બે ગંભીર રોગો છે. ગેરુનો રોગ Melamspora lini (Ehrneb.) Lev. દ્વારા થાય છે. જો તેનો ચેપ અતિશય પ્રમાણમાં હોય તો લણણી કરી શકાતી નથી. રોગ પર્ણ, પ્રકાંડ અને પુષ્પના ભાગો ઉપર ચળકતાં, પીળાં કે નારંગી રંગનાં ચાઠાં સ્વરૂપે દેખાય છે. આ ચાઠાંમાં અસંખ્ય નિદાઘબીજાણુઓ (uredospores) ઉત્પન્ન થાય છે, જેમનું પવન દ્વારા ઝડપથી વિકિરણ થાય છે. અળસીને ચેપ લગાડતી આ ફૂગની લગભગ 40 જેટલી દેહધાર્મિક જાતો થાય છે, તે પૈકી ભારતમાં 5 જાતો નોંધાઈ છે. કેટલીક અમેરિકન અને ઑસ્ટ્રેલિયન જાતો ગેરુરોધી છે અને ઑસ્ટ્રેલિયન અને પુસા જાતો સાથે સંકરણ કરી ગેરુરોધી ઘણી જાતો વિકસાવાઈ છે; જેમાં વહેલી પરિપક્વતા, બીજ અને તેલનું ઊંચું ઉત્પાદન અને સફેદ બીજ જેવાં ઇચ્છિત લક્ષણોનું પણ સંયોજન કરવામાં આવે છે.
અળસીને સુકારાનો રોગ Fusarium lini Bolley દ્વારા થાય છે. આ રોગ તેને વૃદ્ધિના કોઈ પણ તબક્કે થાય છે. મૃદાના ઊંચા તાપમાનથી રોગનું પ્રમાણ વધે છે. આ ફૂગની પણ કેટલીક દેહધાર્મિક જાતો નોંધાઈ છે. ફૂગનો ચેપ મૃદા દ્વારા લાગે છે અને સારો પાક લેવા માટે સુકારા-રોધી જાતોનું વાવેતર એકમાત્ર ઉપાય છે. રોગરહિત બીજનું વાવેતર કરવાથી અને રોગિષ્ઠ ભાગોને બાળી નાખવાથી રોગનું કેટલેક અંશે નિયંત્રણ થાય છે.
અળસીને Erysiphe polyphaga Hammerlund syn. Oidium lini Skoric દ્વારા ભૂકી છારાનો અને Alternaria lini Dey દ્વારા કરમાવાનો રોગ થાય છે. જોકે ભારતમાં આ રોગો ગંભીર પ્રકારના નથી.
અળસીના પાકને નુકસાન પહોંચાડતા કીટકો આ પ્રમાણે છે : (1) પાન ખાઈ જતા કીટકો : Diacrisia obliqua Wlk., Prodenia litura F., Plusia orichalcea F., Laphygr exigua Hubn. (2) પ્રકાંડ ખાતા કીટકો : Agrotis ypsilon Rott. (3) પુષ્પ ખાતા કીટકો : Dasyneura lini Barnes. Dasyneura liniની ઇયળો પુષ્પનિર્માણ સમયે બીજાશયોને ખાઈ જાય છે અને ફળનિર્માણ અટકાવે છે. Laphygma exigua સામાન્યત: પર્ણો ખાય છે. તે કલિકાઓ, પુષ્પો અને ફળોને પણ નુકસાન પહોંચાડે છે.
પાકની લણણી ફળ સૂકાં બને તે પહેલાં ફેબ્રુઆરી અને માર્ચમાં થાય છે. જમીનના સમતલેથી છોડોની દાતરડા વડે કાપણી કરવામાં આવે છે, અથવા છોડ મૂળ સાથે ખેંચી લેવામાં આવે છે. તેમને ખેતરમાં એક કે બે દિવસ સૂકવવામાં આવે છે અને નિસ્તુષન (threshing) કરી બીજ મેળવવામાં આવે છે.
નિસ્તુષનની સામાન્ય પદ્ધતિમાં છોડોને બળદ દ્વારા કચરવામાં આવે છે, જેથી પ્રકાંડના નાના ટુકડાઓ થાય છે. બીજ મેળવવા લાકડી કે લાકડાની હથોડી દ્વારા છોડને ઝૂડવામાં આવે છે. પ્રકાંડના ટુકડાઓનું રેસાઓ મેળવવા એકત્રીકરણ કરવામાં આવે છે.
ભારતમાં અળસીનું ઉત્પાદન આશરે 220 કિગ્રા.થી 300 કિગ્રા./હેક્ટર મળે છે; જે બીજા દેશોની તુલનામાં ઓછું છે. અમેરિકામાં 494 કિગ્રા./હેક્ટર, આર્જેન્ટીનામાં 525 કિગ્રા./હેક્ટર, ઉરુગ્વેમાં 610 કિગ્રા./હેક્ટર, કૅનેડામાં 628 કિગ્રા./હેક્ટર અને મેક્સિકોમાં 965 કિગ્રા./હેક્ટર ઉત્પાદન થાય છે. જોકે કેટલાંક રાજ્યોમાં સુધારેલી જાતો 1,600 કિગ્રા.થી 1,790 કિગ્રા./હેક્ટર ઉત્પાદન આપે છે.
અળસી ઢોર માટે પોષક ખોરાક ગણાય છે અને પ્રોટીનની સારી એવી માત્રા પૂરી પાડે છે. તે કુલ પાચ્ય (digestible) પોષક-તત્વો 108.8 %, પાચ્ય પ્રોટીન 14.8 % અને પોષણ ગુણોત્તર 6.6 % ધરાવે છે. જોકે સૂવરને અળસી વધારે પ્રમાણમાં આપતાં તેનું માંસ પોચું બને છે.
ભારતીય ઔષધકોશમાં અળસી અધિકૃત ઔષધ ગણાય છે. તે શામક (demulcent), કફઘ્ન (expetororant) અને મૂત્રલ (diaretic) છે. ભૂંજ્યા પછી તે સંકોચક (astringent) તરીકે વર્તે છે. સમગ્ર બીજ ઇસપગોળની જેમ રેચક (laxative) હોય છે. તેના શ્લેષ્મી આસવને અળસીની ચા કહે છે અને શરદી, કફ, શ્વાસનળીની તકલીફો, મૂત્રમાર્ગમાં થતો સોજો, પરમિયો (gonorrhoea) અને અતિસારમાં ઉપયોગી છે. તેનો શ્લેષ્મ કન્જક્ટિવાઇટિસની પીડાકારક સ્થિતિમાં આંખમાં નાખવામાં આવે છે. સ્થાનિક સોજાઓ, ચાંદાંઓમાં દાઝ્યા પર અને ગૂમડાંઓ પર આરામ માટે અળસીનાં બીજની પોટીસ બનાવવામાં આવે છે. અળસીની પોટીસ શ્વસનીશોથ (bronchitis), ગાંઠ અને આમવાતના સોજાઓમાં પણ લગાડવામાં આવે છે.
કેટલાક ઔષધકોશ દ્વારા અળસીના તેલનો મુખ્યત્વે બાહ્યોપચારમાં ઉપયોગ કરવાની ભલામણ કરાઈ છે. તેનો મર્દનદ્રવ (embrocation) અને શરીરે ચોળવાના ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ‘લોશિયો કૅલ્સી હાઇડ્રૉક્સિડી ઑલીઓસા’ અળસીના તેલ અને કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણનું સમભાગે લેવાયેલું મિશ્રણ છે, જે દાઝવા ઉપર લગાડવામાં આવે છે. અળસીનું તેલ અને સલ્ફરનું દ્રાવણ ખસ અને અન્ય ત્વચાનાં દર્દો માટે વપરાય છે. તે કેટલીક વાર એનિમા અને દૂઝતા હરસમાં આપવામાં આવે છે. ઉકાળેલા અળસીના તેલમાં સીસું અને અન્ય ઝેરી પદાર્થો હોવાથી તેને ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતું નથી.
આયુર્વેદ અનુસાર અળસી મધુર, સ્નિગ્ધ, કડવી, બળકારક, પાકકાળે તીખી, ગુરુ, વાતકર, કફકારક, ઉષ્ણ અને દૃષ્ટિરોગ, શુક્રરોગ, શુક્રદોષ, પૃષ્ઠશૂળ અને પિત્તનો નાશ કરે છે. તેનાં પાંદડાનું શાક વાત, કાસ અને કફ ઉપર હિતકારક છે. તે અગ્નિદગ્ધ વ્રણ, મૂત્રદાહ, હરસ-મસા, પ્રમેહ, મૂત્રમાર્ગના તમામ રોગો, છાતીમાં કફ કે ફેફસાંનો સોજો હોય તે ઉપર, મરડો, લિંગેંદ્રિયથી લોહી પડે તે ઉપર અથવા સગર્ભા સ્ત્રીને પહેલા મહિનામાં ઊલટી અને ચક્કર આવે તે ઉપર ઉપયોગી છે.
ઘોડાઓ, ઢોરો અને નાનાં પ્રાણીઓમાં પણ અળસીના આસવનો શામક તરીકે ઉપયોગ થાય છે. તેનાં બીજ કચરીને ઢોર માટે પણ પોટીસ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.
અળસીનું તેલ અગત્યની વ્યાપારિક નીપજ ગણાય છે. તેનો શુષ્કન (drying) તેલ તરીકે, પેઇન્ટ અને વાર્નિશ ઉદ્યોગમાં અને લિનોલિયમની બનાવટમાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે.
તેલના નિષ્કર્ષણ પછી વધતા બાકીના ભાગમાંથી મેળવવામાં આવતો ખોળ ઢોર માટે પ્રોટીનના પૂરક ખોરાક તરીકે ઉપયોગી છે. અળસીના શ્લેષ્મ અને બીજના ખોળનો સૌંદર્ય-પ્રસાધન અને ઔષધ-ઉદ્યોગમાં ઉપયોગ થાય છે.
અળસીનો ચારો ઢોર અને ઘોડાઓ માટે સારો રુક્ષ-અંશ (roughage) ગણાય છે. તે પ્રોટીનનો સારો સ્રોત છે. છતાં ઓટના તૃણની જેમ તેમાં બીજાં પોષક તત્વો હોતાં નથી. પર્ણો, પ્રકાંડની બાહ્યકીય (cortical) અને અળસીના લાડવા ઢોર અને ઘેટાં માટે ઊતરતી કક્ષાના ચારા તરીકે ઉપયોગી છે.
ભારતીય અળસીનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 6.6 %, પ્રોટીન 20.3 %, મેદીય તેલ 37.1 %, કાર્બોદિતો 28.8 %, રેસા 4.8 %, ખનિજ-દ્રવ્ય 2.4 %, કૅલ્શિયમ 0.17 % અને ફૉસ્ફરસ 0.37 %; લોહ 2.7 મિગ્રા./100 ગ્રા. બીજમાં કૅરોટિન (પ્રજીવક ‘એ’ તરીકે 50 આઈ. યુ./100 ગ્રા.), થાયેમિન, રાઇબોફ્લેવિન, નાયેસિન, પેન્ટોથેનિક ઍસિડ, કોલાઇન (0.91 મિગ્રા.થી 1.18 મિગ્રા./ગ્રા. કોલાઇન ક્લૉરાઇડ તરીકે) અને પ્રજીવક ‘ઈ’ (4.7 મિગ્રા./100 ગ્રા.) હોય છે. અળસીનો ઔષધ તરીકે ઉપયોગ કરવા માટે વિદેશી કાર્બનિક દ્રવ્ય 1.0 %, સ્થાયી (fixed) તેલ 25.0 %, ભસ્મ 5.0 % અને જલદ્રાવ્ય નિષ્કર્ષ 15.0 % હોવાં જરૂરી છે.
બીજમાં તૈલી દ્રવ્યનું પ્રમાણ અળસીની જાત અને પર્યાવરણીય સ્થિતિઓ ઉપર આધારિત છે. મોટાં બીજ નાનાં બીજ કરતાં વધારે તૈલી દ્રવ્ય ધરાવે છે (સારણી 1).
શુષ્કતા અને ઊંચા તાપમાને બીજની વૃદ્ધિ દરમિયાન તૈલી દ્રવ્યમાં ઘટાડો થાય છે. તૈલી દ્રવ્ય અને આયોડિનનું મૂલ્ય બીજની પરિપક્વતા સાથે બદલાય છે (સારણી 2).
સારણી 1 : અળસીમાં તૈલી દ્રવ્ય
બીજનું કદ અને રંગ | તૈલી દ્રવ્ય % |
મોટાં – પીળાં | 41.85–42.69 |
મોટાં – આછાં બદામી | 43.31–44.76 |
મોટાં – બદામી | 42.32–44.36 |
મધ્યમ – બદામી | 38.91–39.38 |
નાનાં – બદામી | 35.12–40.07 |
નાનાં બીજની જાતો મોટાં બીજની જાતો કરતાં તેલમાં આયોડિનનું મૂલ્ય વધારે ધરાવે છે. ઠંડા પ્રદેશમાં ઉગાડેલ અળસીના તેલમાં ઉષ્ણ પ્રદેશમાં ઉગાડેલ અળસીના તેલ કરતાં આયોડિનનું મૂલ્ય વધારે હોય છે. બીજવિકાસ દરમિયાન સરેરાશ તાપમાન અને ભેજની અછત તેલમાં રહેલા આયોડિનના પ્રમાણમાં ઘટાડો કરે છે.
અપરિષ્કૃત અળસીના તેલમાં 0.25 % લૅસિથિન અને સિફેલિન ધરાવતાં ફૉસ્ફેટિડો, અલ્પ પ્રમાણમાં સ્ફટિકમય મીણ અને પ્રતિ-ઉપચાયી (antioxidant) ગુણધર્મો ધરાવતું જલદ્રાવ્ય રાળયુક્ત દ્રવ્ય હોય છે.
સારણી 2 : અળસીના બીજના વિકાસ દરમિયાન તૈલી દ્રવ્ય અને આયોડિનના મૂલ્યમાં થતા ફેરફારો
પુષ્પનિર્માણ પછીના દિવસો | તૈલી દ્રવ્ય % | આયોડિનનું મૂલ્ય |
10 | 2.5 | 114 |
14 | 15.1 | 119 |
17 | 31.1 | 127 |
23 | 37.0 | 143 |
28 | 36.9 | 170 |
35 | 36.8 | 180 |
51 | 36.3 | 190 |
અળસીમાં પ્રોટીનનું પ્રમાણ 16 %થી 31 % હોય છે. તેનાં મુખ્ય પ્રોટીન લિનિન અને કોલિનિન નામનાં બે ગ્લૉબ્યુલિન છે. અળસીમાં ગ્લુટેલિન પણ હોય છે, પરંતુ આલ્બ્યુમિન હોતું નથી. બીજમાં બિનપ્રોટીન નાઇટ્રોજન કુલ નાઇટ્રોજનના લગભગ 21.7 % હોય છે. દ્રાવ્ય નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં પ્રોટિયોઝિસ અને પેપ્ટોનોનો સમાવેશ થાય છે. અળસીના પ્રોટિયોઝ કપાસના બીજના પ્રોટિયોઝ સાથે સામ્ય ધરાવે છે અને સમાન પ્રત્યૂર્જક (allergenic) અને પ્રતિજનક (antigenic) ગુણધર્મો ધરાવે છે. તેમનામાં આર્જિનિન અને ગ્લુટામિક ઍસિડનું ઊંચું પ્રમાણ હોય છે.
અળસીના કુલ પ્રોટીનમાં રહેલા આવશ્યક ઍમિનોઍસિડો(ગ્રા./16 ગ્રા. નાઇટ્રોજન તરીકે)નું પ્રમાણ નીચે મુજબ છે : આર્જિનિન 8.4, હિસ્ટિડિન 1.5, લાયસિન 2.5, ટ્રિપ્ટોફેન 1.5, ફીનિલ ઍલેનિન 5.6, મિથિયોનિન 2.3, થ્રિયોનિન 5.1, લ્યુસિન 7.0, આઇસોલ્યુસિન 4.0 અને વેલાઇન 7.0. અળસીના પ્રોટીનપાચ્યતા આંક (digestibility coefficient) (પ્રોટીનના 8 % અંત:ગ્રહણે 89.6 %) અને જૈવિક મૂલ્ય (77.4 %) ઊંચાં ધરાવે છે. અળસીમાં મોટે ભાગે શર્કરાઓ (સુક્રોઝ અને રેફિનોઝ), સેલ્યુલોઝ અને શ્લેષ્મ-સ્વરૂપે કાર્બોદિતો જોવા મળે છે. પાકાં બીજમાં અપચાયક (reducing) શર્કરાઓ અને સ્ટાર્ચ હોતાં નથી. અળસીમાં 2 %થી 7 % જેટલો શ્લેષ્મ હોય છે. તે પેક્ટિન પણ ધરાવે છે.
અળસીમાં લિનેમેરીન નામનું નીલિમાજનક (cyanogenetic) ગ્લુકોસાઇડ (ઍસિટોન-સાયનોહાઇડ્રિન–β–ગ્લુકોસાઇડ, C10H17O6N) અલ્પ જથ્થામાં હોય છે. લાઇનેઝ નામનો ઉત્સેચક ગ્લુકોસાઇડ ઉપર પ્રક્રિયા કરી હાઇડ્રોસાયનિક ઍસિડ મુક્ત કરે છે. રેસા આપતી જાતના બીજમાં બીજ માટે ઉગાડવામાં આવતી જાત કરતાં વધારે પ્રમાણમાં ગ્લુકોસાઇડ હોય છે. અપરિપક્વ બીજ કરતાં પરિપક્વ બીજમાં ગ્લુકોસાઇડ ઓછું હોય છે. લિનેમેરીન અળસીનાં પર્ણો, પ્રકાંડ, મૂળ અને પુષ્પમાં પણ હોય છે અને કેટલાંક ઢોર અળસીનો ચારો ચરતાં મૃત્યુ પામ્યાં હોવાના કિસ્સાઓ નોંધાયા છે. અળસીના વિવિધ ભાગોમાં લિનેમેરીનના જલાપઘટનની, મુક્ત થતાં હાઇડ્રોસાયનિક ઍસિડની સાંદ્રતા (ટકાવારીમાં) આ પ્રમાણે છે : પર્ણો અને પુષ્પો સિવાયના પ્રકાંડના અગ્ર ભાગો 0.128 %, પુષ્પો (ફલન પૂર્વે) 0.08 %, અપરિપક્વ બીજવાળાં પુષ્પો (ફલન પછી) 0.692 %, પરિપક્વ બીજ 0.06 %, ફોતરું 0.046 % અને મૂળ 0.067 %.
અળસીની ભસ્મ(3.69 %)માં રહેલા વિવિધ ઘટકોનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પોટૅશિયમ (K2O) 30.63 %, સોડિયમ (N2O) 2.07 %, કૅલ્શિયમ (CaO) 8.10 %, મૅંગેનીઝ (MgO) 14.29 %, લોહ (Fe2O3) 1.12 %, ફૉસ્ફરસ (P2O5) 41.50 %, સલ્ફર (SO3) 2.34 %, ક્લોરીન 0.16 % અને સિલિકા 1.24 %. અલ્પ તત્વોમાં બેરિયમ, ક્રોમિયમ, કોબાલ્ટ, તાંબું, સીસું, મૅંગેનીઝ, મોલિબ્ડેનમ, નિકલ, ચાંદી, સ્ટ્રૉન્શિયમ, કલાઈ, ટાઇટેનિયમ, વેનેડિયમ, જસત, લિથિયમ અને આર્સેનિકનો સમાવેશ થાય છે.
ભારતમાં અળસીનું તેલ ઘાણી (ક્ષમતા 4.5 કિગ્રા.થી 36 કિગ્રા./દિવસ) ઇલેક્ટ્રિક ચક્કી, બહિષ્કારિત્ર (expeller) અને દ્રવચાલિત દાબકો (hydraulic presses) દ્વારા મેળવવામાં આવે છે. ઘાણીનું તેલ સ્વાદે મીઠું અને સુવાસિત હોય છે અને ખાવા માટે પસંદ કરવામાં આવે છે. તેલના ઉત્પાદનનું પ્રમાણ બીજને કચરવા માટે ઉપયોગમાં લેવાતા યંત્ર ઉપર આધારિત છે.
અપરિષ્કૃત અળસીના તેલમાં મુક્ત ફૅટી ઍસિડો, રંગીન દ્રવ્ય અને શ્લેષ્મી દ્રવ્ય હોય છે. શ્લેષ્મી અશુદ્ધિ ફૉસ્ફેટિડો, કાર્બોદિતો અને કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને મૅગ્નેશિયમના ક્ષારો ધરાવે છે. અળસીના તેલનું શોધન તેલને લાંબો સમય ટાંકીમાં ભરી રાખીને (આ ક્રિયાને tanking કહે છે) કે આલ્કલી કે ઍસિડની ચિકિત્સા દ્વારા કરવામાં આવે છે. ટૅંકિંગ કર્યા પછી ગાળણ દ્વારા શ્લેષ્મી દ્રવ્ય દૂર કરવામાં આવે છે. આલ્કલી(10 % કૉસ્ટિક સોડા)ની ચિકિત્સા દ્વારા સ્વચ્છ, આછું પીળું તેલ મળે છે. ઍસિડ-ચિકિત્સા (1 % – 2 % સલ્ફ્યુરિક ઍસિડ) દ્વારા શ્લેષ્મી દ્રવ્યનું અવક્ષેપન થાય છે. ઍસિડ-પરિષ્કૃત તેલમાં મુક્ત ફૅટી ઍસિડો વધારે પ્રમાણમાં હોય છે. આલ્કલી-પરિષ્કૃત તેલમાં મુક્ત ફૅટી ઍસિડો હોતા નથી.
પરિષ્કૃત તેલના રંગમાં વિરંજન (decolourizing) પ્રક્રિયકોની ચિકિત્સા દ્વારા સુધારણા કરી શકાય છે. તેને માટે ઊંચા તાપમાને (80° સે.થી 90° સે.) સક્રિય કાર્બન આપી પ્રેસ દ્વારા ગાળણ કરવામાં આવે છે. મીણ દૂર કરવા પરિષ્કૃત તેલનું અતિશીતન (chilling) કરવામાં આવે છે.
190 કે તેથી વધારે આયોડિન-મૂલ્ય ધરાવતું અળસીનું તેલ સારી ગુણવત્તાવાળું ગણાય છે. બાલ્ટિક(ઉત્તર રશિયા)ના અળસીના તેલનું આયોડિન-મૂલ્ય 190–204 હોવાથી તે સૌથી સારું ગણાય છે. દ્વિતીય ક્રમે મોરૉક્કો, હોલૅન્ડ અને તુર્કી (આયોડિન-મૂલ્ય 185–202) આવે છે.
અળસીના તેલનો મુખ્યત્વે પેઇન્ટ અને વાર્નિશમાં ઔદ્યોગિક તેલ તરીકે ઉપયોગ થાય છે. તે એક સૌથી અગત્યનું શુષ્કન-તેલ છે અને તેનો ઉપયોગ અન્ય શુષ્કન-તેલો કરતાં વધારે થાય છે. અન્ય તેલોની શુષ્કન-ગુણવત્તા નક્કી કરવા અળસીના તેલને પ્રમાણભૂત ગણવામાં આવે છે. અળસીના તેલના પડ(film)ના ગુણધર્મો અન્ય શુષ્કન-તેલની તુલનામાં લાભદાયી હોય છે.
અળસીનું તેલ લિનોલિયમ, ઑઇલ-ક્લૉથ, મુદ્રણ અને અશ્મમુદ્રણીય (lithographic) શાહી અને મૃદુ સાબુ બનાવવામાં ઉપયોગી છે. તેનો સંધાન કરતાં (caulking) સંયોજનો, તેલ-રૂપાંતરિત આલ્કાઇડ, રાળ, લાપી, ચર્મશોધન-સંયોજનો, ઊંજણો, ગ્રીઝ, પૉલિશ, સુઘટ્યતાકારકો (plasticizers) અને આતશબાજી-સંયોજનો બનાવવામાં ઉપયોગ થાય છે. તે બૉબિન, ક્રિકેટના બૅટ અને રમતનાં અન્ય સાધનોના સંશોષણ (seasoning) માટે વપરાય છે. અળસીના તેલના ફૅટી ઍસિડો રક્ષણાત્મક આવરણો માટે અને પાયસીકારક (emulsifying agent) તરીકે ઉપયોગી છે.
ઉકાળેલા તેલનો રંગો બનાવવામાં ઉપયોગ થાય છે, પરંતુ તે વાર્નિશમાં ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે. તેનો જલ-રોધી (waterproof) દ્રવ્યો, ખાસ પ્રકારના ચામડાના અને કપાસ તથા રેશમના તંતુઓના શોધનમાં પણ ઉપયોગ થાય છે.
ધમિત (blown) અળસીનું તેલ લિનોલિયમ, ઑઇલ-ક્લૉથ, આંતરિક રંગો અને ઊતરતી કક્ષાનાં ઇનૅમલ બનાવવામાં વાપરવામાં આવે છે.
‘ફ્લેક્સ’ રેસો આપતી અળસીની જાતોનું વાવેતર સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. તેને વૃદ્ધિકાળ દરમિયાન ઠંડું, ભેજવાળું અને વાદળિયું વાતાવરણ અનુકૂળ હોય છે. તે ભેજવાળી અને સારા નિતારવાળી, કાર્બનિક દ્રવ્યોથી ભરપૂર મૃદામાં સારી રીતે થાય છે. તેનું વાવેતર કર્યા પછી 70થી 100 દિવસમાં તે પરિપક્વ બને છે. શુષ્ક વાતાવરણ દરમિયાન ત્રણથી ચાર પિયત આપવામાં આવે છે.
ફળ પાકે તે પહેલાં તેની લણણી કરવામાં આવે છે. છોડના પ્રકાંડનો નીચેનો ભાગ પીળો પડે અને નીચેનાં પર્ણો ચીમળાવા લાગે ત્યારે લણણી કરવાનો સમય પાકે છે. મોટે ભાગે છોડને મૂળ સહિત ખેંચી કાઢી લણણી કરવામાં આવે છે. યુ.એસ., રશિયા, કૅનેડા અને અન્ય કેટલાક દેશોમાં યંત્રની મદદથી લણણી થાય છે.
કપાસ કરતાં અળસીના રેસાઓ પ્રાપ્ત કરવાની વિધિ ઘણી મહેનતવાળી અને ખર્ચાળ છે. લણણી પછી તેના પ્રકાંડોને લહેરાવીને ભાંગી નાંખવામાં આવે છે. પ્રકાંડને પાણીમાં ડુબાડી અથવા ઝાકળવાળા વાતાવરણમાં રાખી કોહવાટ લગાડવામાં આવે છે. આ પ્રક્રિયાને અપગલન (retting) કહે છે. તે દરમિયાન કોષોને પરસ્પર જોડી રાખતા કૅલ્શિયમ પેક્ટેટના બનેલા મધ્યપટલ(middle lamella)ને ઉત્સેચક ઓગાળે છે, જેથી રેસાઓ છૂટા પડે છે. ત્યારપછી પરાળ(straw)ને સૂકવી, સાફ કરી રેસાઓને ઝૂડીને અન્ય પેશીઓથી અલગ કરવામાં આવે છે. અંતમાં, શિરોગુચ્છ (tow) બનાવતા ટૂંકા રેસાઓને લાંબા રેસાઓથી જુદા પાડવામાં આવે છે. માત્ર લાંબા રેસાઓનો જ કાંતણ(spinning)માં ઉપયોગ કરવામાં આવે છે, જે હાથ દ્વારા કે દાંતાવાળા યંત્ર (hackling machine) દ્વારા થઈ શકે છે.
કાચા રેસાઓ આછા પીળાશ પડતા સફેદથી માંડી ભૂખરા રંગના હોય છે. રેસાઓ ખરાબ રીતે છોલાયા હોય અથવા વધારે પડતો કોહવાટ થયો હોય તો તેઓ ઘેરા બદામી કે ભૂખરા-લીલા હોય છે. રેસાઓનાં સૂત્રકો (strands) 15 સેમી.થી 100 સેમી. લાંબાં હોય છે. તેઓ સમૂહો બનાવે છે અને ગુંદર જેવા પદાર્થ દ્વારા એકબીજા સાથે જોડાયેલાં હોય છે. અંતિમ રેસા(તંતુકોષ)ની સરેરાશ લંબાઈ 25 મિમી.થી 30 મિમી. અને સરેરાશ વ્યાસ 15 માઇક્રૉનથી 18 માઇક્રૉન હોય છે. તેઓ આડા છેદમાં બહુકોણીય હોય છે. તેઓ વધતે-ઓછે અંશે નળાકાર હોય છે અને અણીદાર છેડાઓ ધરાવે છે. તેમની દીવાલો ખૂબ જાડી હોય છે. આ કોષોનું પોલાણ ખૂબ સાંકડું અને અનિયમિત આકારનું હોય છે. કપાસના રેસાઓની જેમ તેઓ સંવલિત (convolute) હોતા નથી.
એક રાસાયણિક વિશ્લેષણ મુજબ તે 70 %થી 80 % જેટલો સેલ્યુલોઝ (કપાસના રેસામાં લગભગ 90 % સેલ્યુલોઝ હોય છે), મેદ અને મીણ 2 %થી 3 %, લિગ્નિન અને પેક્ટિક સંયોજનો 2 %થી 5 % અને ભસ્મ 1 % ધરાવે છે. તંતુકોષોને જોડીને સમૂહો બનાવતા ગુંદર જેવા પદાર્થને પેક્ટિન કહે છે, જે કાર્બોદિતોનું જટિલ મિશ્રણ છે. મીણને કારણે રેસા લચીલા બને છે.
અળસીના તંતુઓ તેના તનન-સામર્થ્ય, રેસાની લંબાઈ, ટકાઉપણા, ચળકાટ અને સૂક્ષ્મતા માટે જાણીતા છે. તેઓ ઊંચી જલ-અવશોષકતા (absorbency) ધરાવે છે અને ભીના હોય ત્યારે શુષ્ક સ્થિતિ કરતાં વધારે મજબૂત હોય છે. તેઓ સળ-રોધી (crease resistenet) અને ભેજરોધી હોય છે. તેઓ રંગબંધકો (mordants) અને રંગો સાથે પ્રક્રિયા કરતા નથી અને ઊંચા તાપમાને ઓછા અવરોધક હોય છે. તેમનો ઉપયોગ લિનનનું કાપડ, દોરી, કૅન્વાસ, નાવિકનાં વસ્ત્રોનું કાપડ, શેતરંજીઓ, પાર્સલ કે પડીકાં લપેટવાની પાતળી દોરી, સિગારેટ અને લખવા માટેના સારા કાગળો, વીજરોધક (insulating) દ્રવ્ય અને માછલી પકડવાની જાળ બનાવવામાં થાય છે.
બીજ માટે ઉગાડેલા છોડના પર્ણદંડોના રેસાઓ ખૂબ રુક્ષ (harsh) અને બરડ (brittle) હોવાથી કાંતી શકાતા નથી. તેમનો સિગારેટના કાગળો બનાવવામાં ઉપયોગ થાય છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ