લાઇનર : નિયમિત પરિવહન-સેવા આપનાર જહાજ. પૂર્વનિર્ધારિત જળમાર્ગ ઉપર નિશ્ચિત સમયાંતરે વિજ્ઞાપિત દરે પરિવહન-સેવા આપનાર નૌયાન આ છે. ઉતારુ-લાઇનર અને માલવાહક-લાઇનર એમ બે પ્રકારનાં લાઇનર હોય છે. ઉતારુ-લાઇનરો ઝડપી અને સુખસવલતવાળી પ્રવાસ-સેવા આપવામાં અન્યોન્ય સાથે હરીફાઈ કરતાં હોય છે. હવાઈ માર્ગે ઉતારુ પરિવહન-સેવા શરૂ થયા પછી ઉતારુ-લાઇનરના ધંધામાં ઓટ આવી છે. છતાં યુનાઇટેડ કિંગ્ડમનું 65,000 ટન વજન અને કલાકે 28.5 કિલોમીટરની ઝડપવાળું ‘ક્વીન એલિઝાબેથ-2’, ફ્રાન્સનું ‘નૉર્મન્ડી’ અને અમેરિકાનું ‘યુનાઇટેડ સ્ટેટ્સ’ નામનાં ઉતારુ-લાઇનરો તેમની ઝડપ અને સુખસગવડ માટે વિશ્વવિખ્યાત છે. માલવાહક-લાઇનરો વિવિધ પ્રકારના માલસામાનનાં નાનાં-મોટાં પ્રેષણો(consignments)નું પરિવહન કરે છે. તેમની પ્રરચના અને કામગીરી પ્રેષકો (consignors) અને પ્રેષિતીઓ (consignees)ની કરકસર કરવાની અપેક્ષાઓ સંતોષાય તેવી હોય છે. હજારો પ્રેષકો અને પ્રેષિતીઓ જુદા જુદા સ્થળે ધંધો કરતા હોવાથી માલવાહક-લાઇનર કંપનીઓ માલ ચઢાવવા-ઉતારવાનાં બંદરોએ પોતાનાં કાર્યાલયો ઉઘાડે છે, અલ્પ કામગીરીવાળાં બંદરોએ આડતિયા નીમે છે અને અંતરિયાળ સ્થળોએ કેન્દ્રો ઉઘાડે છે. કેટલીક વાર બે કે વધારે લાઇનર કંપનીઓ તેમનાં સંયુક્ત કાર્યાલયો અથવા કેન્દ્રો ઉઘાડે છે તેમજ સંયુક્ત આડતિયાઓ નીમે છે. આમ તેઓ પ્રેષકોનો માલસામાન અંતરિયાળ સ્થળોએથી માલ ચઢાવવાના બંદરે પહોંચાડે છે, માલવાહક-લાઇનરોમાં તે લઈ જવામાં આવે છે અને પ્રેષિતીઓને માલ ઉતારવાનાં બંદરોએ સોંપે છે. કેટલીક વાર માલવાહક-લાઇનર ઉતારુઓનું પણ વિજ્ઞાપિત દરે પરિવહન કરે છે. તે જો 12થી વધારે સંખ્યામાં ઉતારુઓનું પરિવહન કરતું હોય તો તે ઉતારુ-માલવાહક અથવા મિશ્ર-લાઇનર કહેવાય છે. ઉતારુ-લાઇનરને લાગુ પડતા સુરક્ષાના બધા નિયમો મિશ્ર-લાઇનરને લાગુ પડે છે.

લાઇનરથી વિરુદ્ધ પ્રકારના જહાજને ટ્રૅમ્પ (tramp) કહેવાય છે. તેનો કોઈ નિશ્ચિત પરિવહન-માર્ગ હોતો નથી, તે કોઈ પણ બંદર ઉપરના માલનું અન્ય કોઈ પણ બંદરે પરિવહન કરે છે. તે સમુદ્રયાત્રા-કરાર (voyage-charter) અથવા સમય-કરાર (time-charter) પદ્ધતિથી ભાડે આપવામાં આવે છે. ઓછા માલસામાનનું પરિવહન કરવાનું હોય તેવા વેપારીઓ માટે લાઇનર-સેવા જરૂરી છે, પરંતુ આખું જહાજ અથવા મોટાભાગનું જહાજ ભરાય તેવા એક જ પ્રકારના જથ્થાબંધ માલસામાનનું પરિવહન કરવાનું હોય તેવા વેપારીઓને લાઇનર-સેવા કરતાં ટ્રૅમ્પ-સેવા સસ્તી પડે છે. લાઇનર-સેવા નિશ્ચિત ઠરાવેલા દર પર આધારિત હોવાથી લાઇનર-કંપનીની આવક વર્ષોવર્ષ એકસરખી રહે છે; પરંતુ ટ્રૅમ્પ-સેવા વિભિન્ન ઋતુઓની વિશિષ્ટ માગ અને પ્રેષકો સાથેની વાટાઘાટો પર આધારિત હોવાથી ટ્રૅમ્પ-કંપનીની આવકમાં તીવ્ર ચઢાવઉતાર આવતા હોય છે.

પ્રસ્થાપિત જળમાર્ગો ઉપર અનેક લાઇનર-કંપનીઓનાં લાઇનર ફરતાં હોવાથી તેમની વચ્ચે નૂર-યુદ્ધ (freight-war) થવાની શક્યતા હોય છે. તે નિવારવા માટે લાઇનર-કંપનીઓની પરિષદ (conference) દરેક પ્રસ્થાપિત માર્ગ ઉપર પરિવહનનું નૂર અને દરેક લાઇનર-કંપની માટે પરિવહનના ફેરા નક્કી કરે છે તથા વિલંબિત-વળતર (de-ferred rebate) પદ્ધતિની સમજૂતી કરે છે. આ પદ્ધતિ હેઠળ જો પ્રેષક પોતાના માલનું પરિષદ સાથે સંકળાયેલી કોઈ પણ લાઇનર-કંપનીના લાઇનર દ્વારા નિયમિત રીતે પ્રેષણ કરે તો તેની સિદ્ધ નિષ્ઠા (proved loyalty) માટે વળતર આપવામાં આવે છે. પરિષદ ઉપર ઇજારાશાહી અને જાહેર હિતને નુકસાન કરવાની નીતિ આદરવા માટે કેટલીક વાર આક્ષેપો થાય છે; પરંતુ લાઇનર-કંપની સુવ્યવસ્થિત અને ગુણવત્તાવાળી સેવા આપે છે. તેના માટે અવાસ્તવિક અને અતાર્કિક નૂર લાંબા સમય સુધી વસૂલ કરવાનું શક્ય નથી અને પ્રસંગોપાત્ત સંજોગોનો લાભ ઉઠાવીને ટ્રૅમ્પ-કંપની માલ-પરિવહનની તક ઝડપી લઈને ખોટો લાભ ઉઠાવી જાય તો તે સામે લાઇનર-કંપની સંરક્ષણની અધિકારી છે.

જયન્તિલાલ પો. જાની