લક્ષ્મીવિલાસ રસ (નારદીય)

January, 2004

લક્ષ્મીવિલાસ રસ (નારદીય) : વાત-કફજ દર્દોની એક ઉત્તમ આયુર્વેદીય રસૌષધિ. દ્રવ્ય-ઘટકો : (1) કૃષ્ણાભ્રક-ભસ્મ 8 ભાગ, (2) શુદ્ધ ગંધક 4 ભાગ, (3) શુદ્ધ પારદ 4 ભાગ, (4) કપૂર 2 ભાગ, (5) જાવંત્રી 2 ભાગ, (6) જાયફળ 2 ભાગ, (7) વિધારાબીજ 2 ભાગ, (8) ધંતૂરાનાં બી 2 ભાગ, (9) ભાંગનાં બી 2 ભાગ, (10) વિદારીકન્દ 2 ભાગ, (11) શતાવરી 2 ભાગ, (12) નાગબલા 2 ભાગ, (13) અતિબલા 2 ભાગ, (14) ગોક્ષુરબીજ 2 ભાગ, (15) હિજ્જલ-બીજ 2 ભાગ.

નિર્માણવિધિ : પહેલાં પારદ અને ગંધકની કજ્જલી ખરલમાં ઘૂંટીને બનાવાય છે. પછી કપૂર, જાયફળ અને જાવંત્રી સિવાયનાં દ્રવ્યોનું તેમાં મિશ્રણ કરી તેને નાગરવેલના પાકા પાનના રસની એક ભાવના અપાય છે. ખરલમાં ખૂબ ઘૂંટવામાં આવે છે. પછી તેના કલ્કમાં કપૂર, જાયફળ અને જાવંત્રીનું ચૂર્ણ મેળવાય છે. ત્રણ-ત્રણ રતીની ગોળીઓ બનાવી, છાંયે સૂકવીને શીશીમાં ભરી લેવાય છે.

અનુપાન : રોગને અનુલક્ષીને દૂધ, દહીં, પાણી, સુરા કે મધમાં તે લેવાય છે.

ઉપયોગ : આયુર્વેદની આ પ્રભાવશાળી રસઔષધિ પ્રાય: વાતજ, પિત્તજ અને કફજ ત્રણેય પ્રકારનાં દર્દો – ત્રિદોષજ દર્દો મટાડે છે. તે 18 પ્રકારના કોઢ (ત્વચારોગ), 20 પ્રકારના પ્રમેહ (મૂત્રરોગ), વ્રણ (જખમ), ગુદારોગ, ભગંદર, કફ-વાતદોષજ હાથીપગું, ગળાનો સોજો, આંત્રવૃદ્ધિ (હર્નિયા), ભયંકર ઝાડા, ખાંસી, શરદી, વાત-કફજ (ફ્લૂ) તાવ, ક્ષય, હરસ, સ્થૂળતા, દેહ-દુર્ગંધી, આમવાત, જીભની જડતા, કંઠગ્રહ, અડદિયો વા (મોં વાંકું થવું તે), ગલગંડ (ગૉઇટર), વાતરક્ત (ગાઉટ), ઉદરરોગ, કાનનાં દર્દ, નાકનાં દર્દ, આંખના રોગ, મુખનું બદસ્વાદ રહેવું, બધી પ્રકારનાં શૂળ, મસ્તક-પીડા, સ્ત્રીરોગો જેમ કે પ્રદર, યોનિશૂળ, યોનિકંડૂ, કટિશૂળ, ઋતુશૂળ, જરાયુશૂળ વગેરેને દૂર કરે છે. મહર્ષિ નારદજીએ કહેલ આ ‘લક્ષ્મીવિલાસ’ (નારદીય) શરીરમાં અકાળે (નાની વયે) આવેલ સ્નાયુકાઠિન્ય મટાડે છે તેમજ તે સંભોગકાળમાં વીર્યનું સ્તંભન કરી, સમય વધારે છે. તેના પ્રયોગથી પુરુષની નપુંસકતા પણ દૂર થાય છે.

આ ઔષધિ હૃદયની સંકોચ-વિકાસ-ક્રિયા નિયમિત કરીને ધબકારા વધી જવાની સમસ્યાને મટાડે છે. આ ઔષધિનો હૃદયાવરણ (પટલ) અને હૃદયના અલિન્દનિલય (વેન્ટ્રિકલ-ઑરિકલ) પર પણ સારો પ્રભાવ પડે છે. તેથી તે હૃદયશૂળ, હૃદયનો સોજો અને હૃદયકૃમિના રોગમાં પણ લાભદાયી છે. હૃદયની અશક્તિથી વારંવાર ચક્કર આવવાં, ભ્રમ, તંદ્રા, અચેતના જેવાં લક્ષણો તેના સેવનથી દૂર થાય છે. ખાસ કરી કફદોષપ્રધાન હૃદયનાં દર્દોમાં જેમ કે, સર્વાંગશોથ, થોડા શ્રમથી વ્યાકુળતા (ગભરાટ), હૃદયની ક્રિયા અને સ્પંદનો મંદ હોવાં જેવી વિકૃતિઓ લક્ષ્મીવિલાસ રસના સેવનથી મટે છે. વાત-કફજ, સન્નિપાત, દંડકજ્વર, ખાંસી, શરદી, શ્વાસ, ભારે ટેમ્પરેચર (તાવ), ફેફસાંનો સોજો, શૂળ ખૂબ વેગીલી નાડી અને હૃદયગતિની વૃદ્ધિ જેવાં બધાં લક્ષણો તેનાથી દૂર થાય છે. તે મૂત્ર સાફ લાવે છે. સનેપાતની ત્રીજી અવસ્થામાં જ્યારે ગળામાં કફનો પ્રકોપ થવાથી કફની ઘરઘરાટી થાય છે, તંદ્રા અને બેહોશી થાય છે, ત્યારે આ રસ ન અપાય એ હિતાવહ છે. ઉદરરોગોમાં સર્વાંગશોથ અને જળોદરમાં આ ઔષધિ પુનર્નવા, ગોખરુ, અનંતમૂળ અને શિલાજિત સાથે અપાય છે. સ્થૂળતા (મેદસ્વિતા), થોડો શ્રમ કરતાં શ્વાસ ચડી જવો, શ્રમ-વ્યાયામ જરાય સહન ન થવો  એમાં પણ આ રસ લાભપ્રદ છે. પડખાંનું શૂળ, કુક્ષિશૂળ, શિર:શૂળ, મક્કલશૂળ અને ફેફસાંના બાહ્ય આવરણની વિકૃતિ ઉપરાંત હૃદયશૂળ, હૃદયની નબળાઈ અને આમવૃદ્ધિમાં અન્ય સહાયક ઔષધો સાથે તેનો ઉપયોગ લાભ કરે છે. વીર્યની અશક્તિ, કૃશતા અને નપુંસકતામાં લક્ષ્મીવિલાસ રસ 3 રતી + પૂર્ણ ચંદ્રોદય રસ 2 રતી અને ત્રિભંગ ભસ્મ 2 રતીની 1 માત્રા મલાઈ કે માખણ ને સાકર સાથે ચાટી, ઉપર મીઠું ગરમ દૂધ પીવાનો પ્રયોગ 1થી 2 માસ કરાય છે. આમવાતમાં સૂંઠ-ગોળના ઉકાળામાં દિવેલ 2 ચમચી રોજ આપવા સાથે લક્ષ્મીવિલાસ રસની 1–1 ગોળી મરી કે સૂંઠ સાથે મધમાં ચટાડવામાં આવે છે. હૃદયશૂળ, પાર્શ્વશૂળ, શિર:શૂળ, લોહીનું નીચું દબાણ, નાડી-ક્ષીણતા અને અશક્તિમાં લક્ષ્મીવિલાસ રસ 3 રતી, સુવર્ણ મકરધ્વજ 1/2 રતી અને શૃંગભસ્મ 2 રતી મધ સાથે સવાર-સાંજ આપવાથી ખૂબ લાભ થાય છે. તે સાથે દશમૂલારિષ્ટ કે દશમૂલક્વાથ એ સહાયક ઔષધિ છે. કૉલેરાની સ્થિતિમાં લક્ષ્મીવિલાસ રસ 2 રતી, સંજીવની વટી 1–2 ગોળી, તામ્રભસ્મ 1 ચોખાભાર (25 મિગ્રા.) અને કપૂર જરાક મિશ્ર કરી દિનમાં 3–4 વાર મધમાં ચટાડવામાં આવે છે, તે સાથે કર્પૂરાસવ પણ અપાય છે.

 જયેશ અગ્નિહોત્રી

 બળદેવપ્રસાદ પનારા